Get The App

ગાડી બુલા રહી હૈ સ્ટેશન ભૂલા રહી હૈ

Updated: Aug 19th, 2022

GS TEAM

Google News
Google News
ગાડી બુલા રહી હૈ સ્ટેશન ભૂલા રહી હૈ 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ગાડી બુલા રહી હૈ... સીટી બજા રહી હૈ... એ ફિલ્મી ગીત ફેરવીને ગાવું પડે  એમ છેઃ  ગાડી બુલા રહી હૈ, સ્ટેશન ભૂલા રહી હૈ... કારણ કે બિહારમાં એક ટ્રેન ભૂલી પડી ગઈ. એકને  બદલે બીજે સ્ટેશને પહોંચી  ગઈ!  હકીકતમાં ગુવાહાટીથી  જમ્મુતાવી જતી ટ્રેન  બરૌની સ્ટેશનેથી ઉપડી  સીધી  સમસ્તીપુર ઊભી રહેવાની હતી, તેને બદલે ખોટું સિગ્નલ અપાઈજતાં વિદ્યાપતિનગર પહોંચી  ગઈ હતી.  એન્જિન ડ્રાઈવરને જ્યારે ખબર પડી કે આ  ટ્રેન તો બીજા રૃટ પર જઈ  રહી છે  એટલે તેણે  તત્કાળ રેલવે કન્ટ્રોલ રૃમને જાણ કરી હતી. એટલે  વિદ્યાપતિનગરથી  પાછી વાળીને  ફરી સમસ્તીપુરની દિશામાં  રવાના  કરવામાં આવી હતી. આ ગડબડ માટે જવાબદાર  રેલવે અધિકારીઓને  તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યા, પણ  એમની કેટલી મોટી  ભૂલ કહેવાય? ચલતી  કા નામ ગાડીનું ગીત ફેરવીને ગાવું ુપડેઃ જાના થા જાપાન પહુંચ ગયે ચીન ... સમજ ગયે ના... યાને... યાને... યાને ગડબડ હો ગયા...

યુવક-યુવતીઓની 

ગોદ ભરાઈ

યુવક-યુવતીઓની ગોદ ભરાઈ કેવી  રીતે શક્ય છે? લગ્ન પછી  યુવતી ગર્ભવતી બને ત્યારે હોંશભેર ગોદ ભરાઈ એટલે કે ખોળાભરતની વિધિ કરવામાં આવે છે,  પણ કેરળના તિરૃવનંતપુરમના  સ્ટુડન્ટસે બસ-સ્ટોપ  ઉપર એકબીજાના ખોળામાં બેસીને ગોદ-ભરાઈ કરીને 'મોરલ પોલીસિંગ'ના  ઈરાદે  બસ-સ્ટોપ પર કરવામાં આવેલી બેઠકની વ્યવસ્થા  સામે અનોખો  વિરોધ દર્શાવ્યો. બસ સ્ટોપ  પર સળંગ બેન્ચોે હતી. આ બેન્ચ પર કોલેજીયન  યુવક-યુવતીઓ એકબીજાની લગોલગ બેસતાં હતાં. શહેર  પ્રશાસનને આ બાબત ખૂંચી  એટલે પછી બસ-સ્ટોપ  પર  છૂટી છૂટી ત્રણ સીટ  ગોઠવી દીધી.   આને કારણે  સ્ટુડન્ટસ અલગ-અલગ બેસશે  એમ માન્યું હતું, પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માથાનાં નીકળ્યાં. વિદ્યાર્થીના ખોળામાં વિદ્યાર્થિનીઓ બેઠી અને આ ફોટા સોશ્યલ મિડિયામાં  વાઈરલ કર્યા. આ  ફોટા  વીજળીવેગે  વાઈરલ થતાં  પ્રશાસન  સફાળું જાગ્યું. તિરૃવનંતપુરમના  મેયર પણ ઘટના સ્થળે  દોડી ગયા અને વિદ્યાર્થીઓનો પક્ષ લેતા  કહ્યું કે  કેરળ જેવા પ્રગતિશીલ રાજ્યમાં  યુવક-યુવતીએ  જુદાં બેસવું જોઈએ એવાં  જરી પુરાણા વિચારને જાકારો આપવો જોઈએ. એટલે નગર નિગમ હવે બેસવાની યોગ્ય વ્યવસ્થા કરશે. આમ ,ગોદ ભરાઈના તિડકમથી  તંત્ર દોડતું  થઈ ગયું. આ જોઈ કહેવું પડે કે -

'ખોળો' ભરીને અમે

એટલુંહસ્યા

કે સાહેબો ઉઠીને

એ જોઈ રહ્યા.

ભારતનું એકમાત્ર

સંપૂર્ણ શાકાહારી ગામ

ઘણા માસાંહારીઓ શ્રાવણ મહિનામાં માંસાહારનો  ત્યાગ કરે છે અને સંપૂર્ણ રીતે શાકાહારી  બની  જાય છે,  પણ માત્ર એક મહિના પૂરતાં જ હો?  શ્રાવણ જાય એટલે જીવહિંસા થાય અને ઊભે ગળે માંસ, મટન,  માછલી ખાય, પણ મહારાષ્ટ્રના  જળગાંવ જિલ્લાના ભડગાંવ તાલુકાનું  કનાશી નામનું  ગામ  સંપૂર્ણ  શાકાહારી છે.  કદાચ ભારતનું   આ એક જ એવું ગામ  હશે જ્યાં ૩૬૫ દિવસ શાકાહાર જ કરવામાં આવે છે. ત્રણ હજારની  વસતીવાળા  કનાશી ગામમાં છેલ્લાં  ૮૫૦ વર્ષથી  શાકાહારનું  પાલન કરવાની પરંપરા  ચાલી  આવે છે.  મહાનુભાવ પંથની  ઉપાસનાની સદીઓથી પરંપરા જળવાઈ છે. કોઈ  માંસાહાર નથી કરતું , એટલું જ જ નહીં, મદ્યપાન  પણ નથી  કરતું.  ચક્રધર સ્વામીના પદસ્પર્શથી  પાવન  થયેલા આ ભૂમિમાં  મહાનુભાવ પંથના આચારવિચાર  સહુએ સહર્ષ  અને શ્રદ્ધાપૂર્વક  સ્વીકાર્યા છે.  આ ગામમાં   મરધી, કૂકડા કે  બકરી પણ પાળવામાં નથી આવતાં.  ગામમાં લગ્ન  કરીને  જે વહુ આવે તેણે પણ શાકાહારનું  ચુસ્તપણે  પાલન કરવું પડે છે.   કેટલાય  ગ્રામજનોએ  તો ઈંડાં કે  માંસ  કેવી રીતે   રાંધીને   ખવાય  એ પણ જોયું નથી.  આજે માંસાહાર માટે દુનિયામાં  દર  મિનિટે    કરોડો  મૂંગાજીવોનું   નિકંદન   કાઢવામાં  આવે છે ત્યારે બીજી બાજુ  ખોબા જેવડું  કનાશી ગામ જીવહિંસા  સામે  લાલબત્તી ધરી શાકાહાર તરફ  વળવાનો સંકેત કરે છે.આ શાકાહારી ગામની વાત  સાંભળીને દરેક જીવદયા પ્રેમીનું  શેર  લોહી (લીલા રંગનું!) ચડી  જાય કે નહીં?

રશિયાના પ્રેમી અને

યુક્રેનની પ્રેમિકાનાં લગ્ન

એવરીથિંંગ  ઈઝ  ફેર ઈન  લવ એન્ડ  વોર...  પ્રેમ અને યુદ્ધમાં  બધું  જાયઝ છે એ ઉક્તિ  રશિયાના પ્રેમી અને  યુક્રેનની  પ્રેમિકાએ  સાચી  પાડી છે.   રશિયા અને   યુક્રેન વચ્ચે  ચાલતા યુદ્ધમાં  ભયંકર  ખાનાખરાબી  થઈ રહી છે.   રશિયાના  આક્રમણનો  ટચુકડા  યુક્રેનવાસીઓ  મક્કમ મનોબળથી  સામનો કરી  રહ્યાં છે.  બન્ને દેશ વચ્ચેના   યુદ્ધની સ્થિતિથી જોજનો દૂર હિમાલચલ પ્રદેશના ધરમશાલામાં  રશિયન પ્રેમી  સિરગી નોવિકાએ  યુક્રેનની વતની એલોનાબ્રોમોકા સાથે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી  તાજેતરમાં  જ લગ્ન કર્યાં હતાં. આમ તો બન્ને  ધરમશાલા  જિલ્લાના  મેક્લોંડગંજ  વિસ્તારમાં  લાંબા  સમયથી  હોમ-સ્ટેમાં  રહેતા ંહતાં.   આ દરમિયાન  બન્ને  વચ્ચે પ્રેમ  પાંગર્યો.  તેમણે લગ્ન કરવાનો ફેંસલો કર્યો.  ગ્રામજનોએ  પણ આ નિર્ણયને   વધાવી લીધો  અને  પછી રાધાકૃષ્ણ મંદિરમાં   હિન્દુ વિધિથી  લગ્ન કરી લીધાં. રશિયન દુલ્હારાજાની  બારાત પણ  ધામધૂમથી  નીકળી અને બેન્ડવાજાની  સુરાવલિ   સાથે  ગામલોકો  રંગમાં આવીને ખૂબ નાચ્યા. લગ્નવિધિ બાદ જમણવાર  પણ  યોજાયો.   આમ, રશિયાના  વરરાજા  અને યુક્રેનની   નવવધૂએ  પ્રભુતામાં પગલાં માંડયાં. આ  જોઈને કહેવું પડે કે-

રશિયા-યુક્રેન વચ્ચે

ભલે જારી જંગ છે,

પણ રશિયા-યુક્રેનના યુગલ વચ્ચે

પાંગર્યો પ્રેમનો રંગ છે. 

પ.બંગાળ સિવાય બધે પોલીસનો યુનિફોર્મ ખાખી

પોલીસનો ખાખી યુનિફોર્મ જોઈને કહી શકાય કે  ખાખી  રંગ  ખબરદારીનોે, પણ કોઈ ખાખી વરદીધારી લાંચ લેતાં  એસીબી (એન્ટી-કરપ્શન બ્યુરો)ના હાથમાં  ઝડપાય ત્યારે  શું કહેવું  પડે? કે ખાખી રંગ ખાઈકીનો?  આદર્શ પોલીસ ફોર્સ એને કહેવાય જેના ખાખી ગણવેશ  પર કોઈ દાગ  ન લાગે, પણ પોલીસની વરદીનો બ્રિટિશ   રાજ વખતે  સફદે રંગ  હતો. પોલીસોની આકરી ડયુટી  દરમિયાન  સફેદ  યુનિફોર્મ  ડાઘ લાગવાથી  બગડી જતો હતો એટલે  પોલીસો પરેશાન  થઈ જતા હતા.   પછી તો  એવું થતું કે  ડાઘ  છુપાવવા માટે  જુદા જુદા  રંગ હાથે જ કરી નાખતા એટલે ગોરા હાકેમોને થયું કે પોલીસ યુનિફોર્મનો એક જ  રંગ હોવો જોઈએ. એટલે  પછી ચાની પત્તી  અને  કોટન ફેબ્રિક  કલરમાંથી   ખાખી રંગની ડાઈ કરી. આમ, હલકા પીળા અને ભૂરા રંગમાંથી  તૈયાર થયેલા  ખાખી રંગના  યુનિફોર્મની  શરૃઆત થઈ. આ રંગને  મેલખાઉ  રંગ કહે છે.  હિન્દીમાં  ખાકનો  અર્થનો માટી થાય છે. આમ ખાખી  શબ્દ બન્યો.  

૧૮૪૭થી ભારતીય પોલીસે ખાખી  યુનિફોર્મ પહેરવાની  શરૃઆત કરી છે છતાં આશ્ચર્યની  વાત એ છે કે મમતા બેનર્જીના પશ્ચિમ  બંગાળમાં  જ પોલીસનો  ગણવેશ આજે પણ સફેદ જ રાખવામાં આવ્યો છે. અંગ્રેજોએ ૧૮૪૫માં  કલકત્તા પોલીસ ફોર્સની  રચના  કરી ત્યારે  ખાસ તો બંદર  શહેર હોવાથી  ભેજ  અને ગરમીમાં  થોડી રાહત  રહે  તે માટે  યુનિફોર્મ   વાઈટ રાખવામાં આવ્યો હતો.  જોકે આઝાદીને સાડા સાત દાયકા  વીત્યા છતાં  બંગાળમાં  પોલીસના યુનિફોર્મનો રંગ બદલાવામાં  નથી આવ્યો.   કહેવત છે ને કે  સાપ ગયા ને લિસોટા   રહ્યા.   એને ફેરવીને  કહી શકાય કે  (ગોરા) સા'બ  ગયા ને ગણવેશના રંગ રહ્યા.

પંચ-વાણી

સઃ નાકમાં દર્દ થાય એને માટે હિન્દીમાં ક્યો શબ્દ છે?

જઃ દર્દ-નાક.

Tags :