Get The App

એક વૃક્ષ જ્યારે વોટર-ટેન્કની જેમ પાણી આપે છે...

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
એક વૃક્ષ જ્યારે વોટર-ટેન્કની જેમ પાણી આપે છે... 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જળ એ જીવન છે અને છોડમાં રણછોડ છે. આમ છતાં પાણી પાઈને લીલાછમ વૃક્ષો ઉગાડવાને બદલે ઘટાદાર વૃક્ષોની બેફામ કત્લેઆમ કરવામાં આવે છે અને પ્રકૃતિ પર પ્રહાર કરવામાં આવે છે. કુદરતની લીલા કેવી ન્યારી છે? વૃક્ષપ્રેમીઓ પાણી પાઈને વૃક્ષ ઉછેરે છે, જ્યારે આંધ્ર પ્રદેશના જંગલમાં એવાં વૃક્ષ થાય છે જે  પાણીનો સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે માણસને પાછું આપે છે. પાપીકોન્ડાના નેશનલ પાર્કના વિશાળ જંગલમાં મલયન વડ (ચાઈનીઝ બનયન) વૃક્ષો શોધી કાઢવા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ કોંડારીડી આદિવાસીઓની મદદ લીધી હતી. પ્રકૃતિની ઊંડી સમજ ધરાવતા આદિવાસીઓ તો સદીઓથી મલયન વડની જળસંગ્રહની ખૂબીની જાણકારી  ધરાવે છે. જરૂર પડે ત્યારે ઝાડના થડમાં કાપો મૂકતા પાણીનો ફુવારો છૂટે છે. ઘટાટોપ વૃક્ષના છાંયડાને કારણે અને એમાં સચવાયેલા પાણીને લીધે આજુબાજુનું ઘાસ બળબળતા ઉનવાળામાં પણ સૂકાતું નથી એટલે આદિવાસીઓને એમના પશુઓ માટે ઘાસચારો મળી રહે છે. વોટર-ટેન્કની ગરજ સારતા આ વૃક્ષને જોઈને કહેવાનું મન થાય કે ઊંચા ઊંચા પાણીના ટાંકા બાંધવા પાછળ કરોડો ખર્ચાય છે એનાં કરતાં - તાપમાન અનુકૂળ હોય તો - વોટર-ટેન્ક જેવાં આ વૃક્ષો કેમ ન ઉગાડી શકાય?

૮૦ વર્ષના વરરાજા

૩૪ વર્ષની નવવધૂ

સબસે ઊંચી પ્રેમ સગાઈ... સાચો પ્રેમ હોય ત્યાં ઉંમરનો બાંધ નથી નડતો એ ઉક્તિ મધ્યપ્રદેશમાં પાર પડેલાં અનોખાં લગ્નએ સાચી ઠેરવી છે. માળવા જિલ્લાના મગરિયા ગામમાં રહેતા ૮૦ વર્ષના વયોવૃદ્ધ મૂરતિયાએ મહારાષ્ટ્રના અમરાવતીની ૩૪ વર્ષની કોડીલી કન્યા સાથે લગ્ન કરીને દેખાડી દીધું છે કે વિવાહસંબંધમાં વધતી વયનો બાધ નથી નડતો. વયોવૃદ્ધ વરરાજા અને મહારાષ્ટ્રની કન્યા વચ્ચે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મૈત્રી થઈ અને પછી બન્નેએ કોર્ટ મેરેજ કરી લીધા. એવું કહેવાય છે ને કે લગ્નો તો સ્વર્ગમાં જ નિર્માયા હોય છે, એમાં ઉમેરીને કહી શકાય કે લગ્ન સ્વર્ગમાં જ નિર્માયાં હોય છે, પણ એમાં વિલંબ ધરતી પર થાય છે. હમે તમે જ કહો કે ૩૪ વર્ષની કન્યા પોતાનાથી અડધી સદી મોટા વરરાજાને જોઈ મસ્તીના મૂડમાં 'સંગંમ' ફિલ્મનું કયું ગીત ગાઈ શકે?

ફલાઈંગ પરાઠા 

હવામાંથી સીધા તવામાં

પંજાબ અને પરાઠાનો જૂનો સંબંધ  છે. પંજાબીઓ ચોખ્ખા ઘીમાં બનેલા પરાઠા ખાઈને પઠ્ઠા અને હટ્ટાકટ્ટા બની જાય છે. પરાઠાની ખ્યાતિ દરિયાપારના દેશોમાં પણ પહોંચી છે અને ઓક્સફર્ડ ડિકનશરીમાં સુદ્ધા પરાઠા શબ્દ સામેલ કરવામાં આવ્યો છે. પરાઠા પણ સાદા નહીં જાતજાતનાં બનાવવામાં આવે છે, જેમ કે આલુ-પરાઠા, ગોબી પરાઠા, પનીર-પરાઠા, પાલક પરાઠા, ચીઝ-પરાઠા, બટર-પરાઠા વગેરે વગેરે જેવી વરાઈટીનો બધાએ સ્વાદ લીધો જ હશે. પણ ફલાઈંગ પરાઠાનો સ્વાદ લેવો હોય તો દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં જવું પડે. જબરજસ્ત વાઈરલ થયેલા એક વીડિયોમાં એક માણસ પરાઠા વણે છે અને બીજો શેકે છે. આની મજા એ છે કે પાટલા-વેલણથી પરાઠા  વણીને તે તોતિંગ તવા પર બીજો માણસ શેકતો હોય બરાબર એ તવામાં જ પડે છે. આમ હવામાંથી સીધા આવે તવામાં એટલે નામ પડયું  છે ફલાઈંગ પરાઠા - ઉડતા પરાઠા. ચારે બાજુથી લોકો ફલાઈંગ પરાઠા જોવા અને પછી ખાવા માટે આવે છે. ઉડતા પંજાબ નહીં, પણ ઉડતા પરાઠાની કેવી કમાલ.

દેશમાં દુર્યોધન અને દશાનન પૂજાય છે

ભારતમાં દેવી-દેવતાઓનાં કરોડો મંદિરો છે અને સતત નવાં નવાં મંદિરો બંધાતાં જ રહે છે, પરંતુ મહાભારતના ખલનાયક દુર્યોદનની પણ એક મંદિરમાં પૂજા થાય છે એ જાણીને ખરેખર નવાઈ લાગે. દુર્યોધનનું મંદિર કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે. આ મલંદા દુર્યોધન મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં ગર્ભગૃહ નથી અને  રાજા દુર્યોધનની મૂર્તિ પણ નથી, માત્ર એક ઊંચો મંચ છે જે મંડપમ્ તરીકે ઓળખાય છે. એવી લોકવાયકા છે કે પાંડવો જ્યારે અજ્ઞાાતવાસમાં હતા ત્યારે દુર્યોધન એમનો ગોતતો ગોતતો કેરળના જંગલમાં પહોંચ્યો હતો. તે કોલ્લમ પાસે પહોંચ્યો અને તરસથી બેબાકળો બની ગયો ત્યારે એક વૃદ્ધાએ તેને પાણી પાયું હતું. આથી દુયાધને કુરવા જાતિની આ વૃદ્ધા અને ગ્રામજનોની ભલાઈ માટે જમીન ભેટ આપી હતી. બસ એ જ જગ્યાએ દુર્યોધનનું મંદિર બંધાયું હતું. આજે પણ કુરવા સમુદાયના લોકો મંદિરની સારસંભાળ લે છે અને પૂજા-અર્ચના કરે છે. મહાભારતના ખલનાયક દુર્યોધનની પૂજા થાય છે એવી રીતે દેશમાં અમુક જગ્યાએ રાવણનાં પણ મંદિરો આવેલાં છે આ જોઈને કહેવાનું મન થાય કે-

સહુ દેવ-દેવીઓના મંદિરે જાય છે

જ્યારે ક્યાંક રામાયણ અને 

મહાભારતના ખલનાયક 

પૂજાય છે.

હે ભગવાન... અમને ઝટ પરણાવો

એક જમાનામાં નાટકોમાં 'વાંઢા-જનક' મજેદાર ગીતો સાંભળવા મળતા- 'મને પરણાવો એક છોકરી...' કે પછી 'છોરો કે દા'ડાનું પૈણું પૈણું કરતો'તો...' યુવક કે યુવતી પરણવાલાયક થાય અને પછી યોગ્ય પાત્ર ન મળે ત્યારે ઝટ પરણવાની અધીરાઈ વધતી જાય છે. આવાં અપરણિત પાત્રો લગ્ન થાય એવી મનોકામના સાથે મધ્ય-પ્રદેશના નીમચમાં આવેલાં મંદિરે જાય છે. એવી માન્યતા છે કે મંદિરમાં બિરાજતા બિલ્લમ બાઉજી લગ્નવાંછુ યુવક-યુવતીઓની મનોકામના પૂરી કરે છે. જેની મનોકામના પૂરી થાય એવાં યુવક-યુવતીઓ પણ મોટી સંખ્યામાં બિલ્લમ બાઉજીનાં દર્શને આવે છે. મને વિચાર આવે છે કે કોઈએ મંદિર પરિસરમાં જ લગ્ન-પરિચય કેન્દ્ર ખોલવું જોઈએ. ત્યાં આવતા યુવક યુવતીઓના મંદિરના પ્રાંગણમાં જ તત્કાળ લગ્ન ગોઠવાઈ જાય તો કેવું સારૃં!  બિલ્લમ બાઉજીની છત્રછાયામાં કુંવારી કન્યાને મૂરતિયો મળે અને પરણવાલાયક યુવકને કન્યા મળે અને પછી ચટ મંગની  પટ શાદી, વાત કેવી સીધી સાદી!

પંચ-વાણી

બધીય મજાઓ

હતી ટાઢે ટાઢે,

ને સંતાપ એનો

ઉનાળે ઉનાળે.


Google NewsGoogle News