Get The App

ટેણિયાએ હજારો ફૂટ ઊંચે લહેરાવ્યો ત્રિરંગો

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
ટેણિયાએ હજારો ફૂટ ઊંચે લહેરાવ્યો ત્રિરંગો 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

હૈયામાં જો હોય હામ તો થઈ જાય આસાન કોઈ પણ કપરું કામ - આ ઉક્તિ પંજાબના છ વર્ષના ટેણિયા પર્વતારોહકે સાચી પાડી છે. રોપર ગામના તેગબીર સિંહે રશિયાના માઉન્ટ એલ્બ્રસનું ૧૮,૫૧૦ ફૂટ ઊંચું શિખર સર કરીને સૌથી નાની વયના પર્વતારોહક તરીકે  વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. આ લીટલ માઉન્ટેનિયરે હજારો ફૂટ ઊંચે બર્ફીલા પહાડ ઉપર ભારતનો ત્રિરંગો ધ્વજ લહેરાવીને દેશનું નામ રોશન કર્યું છે. આજના મોબાઈલ જનરેશનના બાળકો આખો દિવસ મોબાઈલમાં ગેમ રમતા હોય છે અને મોબાઈલ જોઈ જોઈને જમતા હોય છે ત્યારે ટચુકડા તેગબીર સિંહે આઠ દિવસમાં ૧૮,૫૧૦ ફૂટ ઊંચું પર્વત શિખર સર કરીને અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. ટેણિયા તેગબીરની આ સિદ્ધિ જોઇને દરેક ભારતીય ગર્વથી કહેશે:

જેના હૈયામાં હામ છે,

તેને સહેલું કોઈ પણ કપરું કામ છે,

ટેણિયા પર્વતવીરે મેળવી સિદ્ધિ,

આ ધરતી શૂરવીરોનું ધામ છે.

પતિની હયાતીમાં પેન્શન મેળવવા બની બનાવટી વિધવા 

પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખતી હોય છે, જ્યારે બીજી તરફ કેટલીય લાલચુ લેડીઓએ પેન્શન મેળવવા માટે પોતાને વિધવા ગણાવી હતી. રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ જરૂરિયાતમંદ સ્ત્રીઓને અપાતા   પેન્શનનો લાભ કોને મળે છે તેનો એક સર્વે થેયો ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી.  લગભગ ૬૦ હજાર મહિલાઓ પેન્શન માટે અપાત્ર ઠરી હતી. અનેક મહિલાઓએ પોતાના ધણી જીવતા હોવા છતાં ખુદને વિધવા ગણાવી હતી. જીવતા પતિને પતાવે એ જ સપાટામાં આવેને? બીજી કેટલીય એવી સ્ત્રીઓ હતી જેમણે પતિના મૃત્યુ બાદ  પુનર્લગ્ન  કરી લીધાં હોવા છતાં પોતાનું નામ લિસ્ટમાંથી છેકાવ્યું નહોતું. દિલ્હી સરકાર તરફથી સંકટગ્રસ્ત મહિલાઓને ૨૫૦૦ રૂપિયાનું  માસિક પેન્શન ચૂકવવામાં આવે છે. વિધવાઓ, ત્યકતા, છૂટાછેડા લીધા પછી એકલી રહેતી મહિલાઓ અને બેસહારા સ્ત્રીઓને આ પેન્શન આપવામાં આવે છે. 

ઉત્તર ભારતમાં પ્રેમીના ચક્કરમાં પતિની પતાવટ કરી નાખનારી આ પતિવ્રતાઓના કૈંક કિસ્સા નોંધાતા હોય છે, પણ આ તો પ્રેમીના ચક્કરમાં નહીં પણ પૈસાના ચક્કરમાં હયાત પતિને જે મૃત ગણાવે એવી પૈસાભૂખી પેન્શનવ્રતાઓને જોઈને કહેવું પડે કે-

પતિના લાંબા આયુષ્યની કામના

કરે પતિવ્રતા,

પૈસાની લાંબો સમય આવકની 

કામના કરે પેન્શનવ્રતા.

શ્વાનનું હિપ ટ્રાન્સપ્લાન્ટ: 'હિપ' હિપ હુર્રે

મોટી ઉંમરે પગ લપપસવાથી પડી જવાને લીધે થાપાનું હાડકું ભાંગે તો વ્યક્તિએ બહુ જ તકલીફ ભોગવવી પડે છે. જોકે ઓર્થોપેડિક ડોકટરો લાંબી સારવાર પછી ફરી ચાલતા કરી દે છે. આધુનિક મેડિકલ સાયન્સની કમાલ તો જુઓ -  બેપગાને જ નહીં , પણ ચોપગાને સુદ્ધાં ચાલતા કરી દે છે! 

બરેલીમાં ઈન્ડિયન વેટરનિટી રિસર્ચ ઈન્સ્ટિટયુટના ડોકટરોએ પહેલી જ વખત સ્વેદશી ટેકનિકથી એક શ્વાનની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરીને તેને હરતોફરતો કરી દીધો છે. હવે આ શ્વાન ધીમે ધીમે પાછળનો એક પગ ઊંચો કરીને લિકિવડ સેલ્યુટ એટલે કે પ્રવાહી સલામી આપતો થઈ જશે. ચોપગા શ્વાનની આ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીની સફળતા જોઈને કહેવું પડે કે 'હિપ' હિપ હુર્રે...

ચોરી - કફનની અને  

કફનીની 

એક શહેરમાં તાજેતરમાં જ તૈયાર કપડાંની દુકાનમાંથી હજારો રૂપિયાની કફનીઓ ચોરાઈ ગઈ. સીસીટીવીનું ફૂટેજ તપાસવામાં આવી તો એક મજેદાર ઘટના સામે આવી. બે ચોર હતા. એમાંથી એક ચોર હેન્ગરમાંથી મોંઘી મોંઘી બે હજારની, ચાર હજારની અને છ હજારની કફનીઓ ઉતારતો જતો હતો અને કફનીના પ્રાઈઝ ટેગ જોઈને  કહેતો હતો કે કફનીના ભાવ તો જો! વેપારી લૂંટવા જ બેઠા છેને! ખેર...

 કફનીઓ ચોરાય એ સમજાય, પણ કફન ચોરાવા માંડે ત્યારે કેવું આશ્ચર્ય થાય! રાજસ્થાનના જયપુર શહેરના એક કબ્રસ્તાનમાંથી મહિલાઓની કબરમાંથી જ કફન ચોરાવા માંડયાં. કફનની ચોરીની ઘટનાઓ વધવા માંડતા હલચલ મચી ગઈ. કબ્રસ્તાનની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવતા ચાર-પાંચ અજાણ્યા શખ્સો કબ્રસ્તાનની આસપાસ ફરતા જોવા મળ્યા હતા,  પણ હજી સુધી ભેદ નથી ખુલ્યો કે કફન કેમ ચોરાય છે. આ વિચિત્ર ઘટના જાણીને એક શેર યાદ આવે છે:

કફન મેં જેબ નહીં હોતે,

ક્યોંકિ ઉપરવાલા રિશ્વત 

નહીં લેતા.

કફન અને કફનીમાં બસ ખિસ્સાનો જ ફરક છેને? ખિસ્સાં ન હોય એ કફન અને ખિસ્સાં હોય એ કફની.

કોઈ લગ્નથી ભાગે

તો કોઈ લગ્નમાંથી  ભાગે

સંસારમાં પડવામાં સાર નથી એવું જેને જ્ઞાાન લાધે એ પરણવાથી દૂર ભાગે એ સમજી શકાય, પણ સજીધજીને લગ્નને માંડવે વરરાજા પરણવા બેઠા હોય અને અચાનક મુઠ્ઠીઓ વાળીને ભાગે ત્યારે લગ્ન પ્રસંગમાં કેવી હડબડાટી  મચી જાય!  દુલ્હારાજાએે મંડપમાંથી મૂકેલી દોટની ઘટના જયપુરમાં બની હતી. મહાદેવ બેટિંગ એપ કૌભાંડનો વોન્ટેડ આરોપી એક મોટી હોટેલમાં પરણવા બેઠો છે એવી બાતમી મળતાંની સાથે જ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)ની ટીમ હોટેલમાં ઘસી ગઈ હતી, પરંતુ ચબરાક અને ચાલુ દુલ્હારાજાને ખબર પડતાંની સાથે જ વરરાજાના વેશમાં માથે સાફા-બાફા સાથે જ નાસી છૂટયો હતો. 

આ જોઈને કહેવું પડે કે- 

જો છૂટા વો સિકંદર 

...ઔર પકડા વો જેલ કે અંદર.

પંચ-વાણી

સ: કોઈ માલેતુજાર નાણાં ગોટાળામાં પકડાય તેને શું કહેવાય?

જ: તેને ધરપકડ નહીં પણ સધ્ધર-પકડ કહેવાય.

**  **  **

સ: હોઠ પર લીપ-કિસને ગુજરાતીમાં શું કહેવાય?

જ: અધર- પકડ.

Tags :