mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આમ-જનતાને નહીં આમ-ઝૂલતાને રક્ષણ

Updated: May 17th, 2024

આમ-જનતાને નહીં આમ-ઝૂલતાને રક્ષણ 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

આમ-જનતાનો ભાવ કોણ પૂછે? જે ખાસમખાસ હોય એની સરભરા થાય અને એટલું જ નહીં, ખાસ વીવીઆઈપી માટે સિક્યોરિટી બંદોબસ્ત પણ હોય. પરંતુ આમ- આદમીને નહીં પણ આમ- ઝૂલતાને ટોચની સિક્યુરિટી અપાય ત્યારે કેવી નવાઈ લાગે! આમ ઝૂલતા એટલે આંબા પર લટકતી કેરી. આ કેરીની સલામતી માટે બંદોબસ્ત કર્યા વિના છૂટકો જ નથી, કારણ કે આ કેરીનો ભાવ છે અઢી લાખ રૂપિયે કિલો. મધ્યપ્રદેશના જબલપુરના ખેડૂતે તેના ફાર્મમાં જપાનની મિયાઝાકી કેરી ઉગાડવાની શરૂઆત કરી છે. આ 'આમ' દુનિયામાં સૌથી ઊંચા ભાવે વેચાય છે. જપાનની કેરી ઉપરાંત ફાર્મમાં ચીનની આવરી કેરી, અમેરિકાની બ્લેક મેંગો, મલેશિયાની જમ્બો ગ્રીન અને નેપાલની કેસર- બદામ કેરી સંકલ્પ પરિહાર નામના ખેડૂત ઉગાડે છે. એટલે જ આ સોના કરતાં મોંઘી કેરીના રક્ષણ માટે ૧૧ વિકરાળ કૂતરા છૂટા મૂકી દીધા છે. દરેક આંબા પાસે સીસીટીવી કેમેરા લગાડયા છે અને ફાર્મની ફરતે ચોકીદારો દિવસ- રાત પહેરો ભરે છે. મોટા મહાનુભાવોને અપાય એવી સિક્યોરિટી કેરીને અપાઈ છે. આવી જડબેસલાક સલામતી વ્યવસ્થા જોઈ મજાલ છે કોઈ કેરીના વેરીની કે ફાર્મમાં પગ મૂકે? આ ખાસ આમને જોઈ 'ખામોશી' ફિલ્મનું 'ગીત વો શામ કુછ અજીબ થી...' ફેરવીને ગાવાનું મન થાય કે, 'વો આમ કુછ અજીબ થી યે આમ ભી અજીબ હૈ...'

સ્ટેશન માસ્ટર રહ્યા ઊંઘતા ને ગાડી અટકી

ઘણાને ટ્રેનમાં સૂઈ જવાની કે ઝોકું ખાવાની આદત છે. લાંબા અંતરની ટ્રેનોમાં રાતની મુસાફરી વખતે લોકો વધુ પૈસા ખર્ચીને ટેસથી સૂવા માટે સ્લીપિંગનું રિઝર્વેશન કરાવે છે. પેસેન્જર સૂવે એનો વાંધો નહીં, પણ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર જો ટેસથી ઊંઘી જાય તો કેવી દશા થાય? ઉત્તરપ્રદેશમાં ઈટાવા પાસેના ઉદીમોડ સ્ટેશને આવું જ થયું. સ્ટેશન માસ્ટર ડયુટી પર હતા ત્યારે ખુરશીમાં જ ઘસઘસાટ સૂઈ ગયા. એ વખતે પટના- કોટા એક્સપ્રેસ ટ્રેન અડધો કલાક ઊભી રહી, એન્જિન ડ્રાઈવર રાહ જોતો રહ્યો કે સ્ટેશન માસ્ટર લીલી ઝંડી દેખાડે તો ટ્રેન ઉપાડું, પણ ઘસઘસાટ સૂતેલા સ્ટેશન માસ્ટર ક્યાંથી ઝંડી ફરકાવે? આખરે હોર્ન ઉપર હોર્ન વગાડયા પછી સ્ટેશન માસ્ટર સફાળા જાગ્યા અને લીલી ઝંડી ફરકાવી ત્યારે ટ્રેન રવાના થઈ. પોતાની ભૂલ સ્વીકારીને સ્ટેશન માસ્ટરે ભલે માફી તો માગી, પરંતુ આટલી મોટી ગફલત માટે રેલવેએ તેની સામે પગલાં તો લીધાં.

ફરજ પર ઊંઘી ગયેલા સ્ટેશન માસ્ટરનો કિસ્સો વાંચીને ઉત્તરપ્રદેશના જ હાથરસ નામના એક એવા સ્ટેશન માસ્ટર યાદ આવે છે કે જે એટલી હદે જાગી ગયા કે નોકરી છોડી સંન્યાસી બની ગયા અને સ્વામી વિવેકાનંદના પહેલાં શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. બન્યું એવું કે સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ કરવા નીકળ્યા ત્યારે વૃંદાવનથી હરદ્વાર જતા હતા. રાત્રે હાથરસ પહોંચ્યા અને ત્યાંથી બીજે દિવસે ટ્રેન મળે એમ હતી. 

સ્વામીજી તો બાંકડા ઉપર સૂઈ ગયા. સ્ટેશન માસ્ટર શરતચંદ્ર ગુપ્તા સ્ટેશનનો રાઉન્ડ મારવા નીકળ્યા. તેમણે બાંકડા ઉપર સૂતેલા સ્વામીજીને જગાડીને પૂછયું કે ક્યાં જવું છે? સ્વામીજીના ચહેરા પરના દિવ્ય તેજથી અને વાણીથી પ્રભાવિત થયેલા ગુપ્તાજી તેમને પોતાના ક્વાર્ટસમાં લઈ ગયા. સત્સંગ કર્યો અને સ્વામીજીને કહ્યું કે સૂઈ જાવ, સવારે ટ્રેન છે ત્યારે જગાડીશ. સવારે સ્વામીજીને જગાડયા અને ટ્રેન આવી એટલે એમાં બેસાડયા. ટ્રેને વ્હીસલ મારી એટલે સ્ટેશન માસ્ટર ગુપ્તાજી પણ ટ્રેનમાં ચડી ગયા. વિવેકાનંદજીએ નવાઈ પામી પૂછયું કે તમે ક્યાં આવો છો? ત્યારે ગુપ્તાજીએ કહ્યું કે હવે તો જ્યાં તમે ત્યાં હું, આજે સવારે જ સ્ટેશન માસ્ટર તરીકે રાજીનામું આપી દીધું છે, આપના શિષ્ય તરીકે મારો સ્વીકાર કરો. આમ સ્વામી વિવેકાનંદના પહેલા શિષ્ય બનેલા શરતચંદ્ર ગુપ્તાએ સંન્યાસ લઈ સ્વામી સદાનંદ નામ ધારણ કર્યું. જે ટ્રેનને ઝંડી દેખાડતા એમણે સંન્યાસી બની કેટલાયને જીવનની દિશા દેખાડી. માણસ અંદરથી જાગી જાય તો કેવો ચમત્કાર થાય! એટલે જ કાવ્યપંક્તિ યાદ આવે છે કેઃ આપણામાંથી કો'ક તો જાગે.... કો'ક તો જાગે...

નંદી વગરનું એકમાત્ર મહાદેવનું મંદિર

મહાદેવના આ મંદિરમાં દર્શને જાવ અને ત્યાં નંદી જોવા ન મળે તો ઘડીભર આંખ ઉપર વિશ્વાસ ન બેસે અને સવાલ થાય કે મહાદેવ સામે પોઠિયો કેમ નથી બેઠો?નંદી વગરનું કદાચ એકમાત્ર શિવ- મંદિર જોવું હોય તો નાશિક જવું પડે. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી ગોદાવરી નદીના કાંઠે એક ટેકરી ઉપર પ્રાચીન કપાલેશ્વર મંદિર આવેલું છે, જેમાં શિવલિંગની સામે નંદી જોવા નથી મળતો. ૧૧મી સદીમાં ગવળી રાજાએ બંધાવેલા કપાલેશ્વર મંદિર વિશેની આખ્યાયિકા મુજબ બ્રહ્મદેવનું પાંચમું મુખ ભગવાન વિષ્ણુની નિંદા કરતું હતું. 

આથી શિવશંકરે ક્રોધિત થઈ પાંચમું માથું જ છેદી નાખ્યું. પરિણામે બ્રહ્મહત્યાનું પાપ લાગતાં આ પાપ ધોવા માટે શંકર ભગવાને કપાલ સાથે તીર્થયાત્રા કરી પણ પાતક દૂર ન થયું. એકવાર ગોદાવરી નદીના કાંઠેથી આવી રહેલા શંકર ભગવાને ગાયમાતા અને નંદી વચ્ચેની વાત સાંભળી કે શ્રીરામતીર્થ ખાતે અરૂણા- વરૂણા નદીના સંગમસ્થાન પર સ્નાન કરવાથી બધાં જ પાપ ધોવાઈ જાય છે. શંકરે અરૂણા- વરૂણાના સંગમ સ્થાનમાં સ્નાન કર્યા બાદ પાપ ધોવાઈ ગયા, અને પાછા આવી ગોદાવરી કાંઠાની ટેકરી પર જઈ બિરાજમાન થયા. એવું મનાય છે કે વિષ્ણુ ભગવાને પોતાના હસ્તે શિવલિંગની સ્થાપના કરી. મહાનંદીએ માર્ગ સૂઝાડયો એટલે તેને ગુરૂતુલ્ય ગણ્યા. બસ, આ જ કારણસર શિવલિંગની સામે નંદી જોવા નથી મળતો.

પદ્મ પુરસ્કાર વિજેતા કલાકાર જ્યારે તગારા ઉપાડે છે...

કેન્દ્ર સરકાર તરફથી વિવિધ ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન બદલ કે સિદ્ધિ હાંસલ કરવા બદલ જેને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવે એ રાતોરાત દેશભરમાં મશહૂર બની જાય છે. ઠેર ઠેર સન્માનવામાં આવે છે.

 પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડિયામાં નામ ઝળકે છે. જોકે થોડા દિવસ આ બધી વાહવાહી ચાલે છે અને પછી ભૂલાઈ જાય છે. આવો જ વસમો અનુભવ પ્રાચીન તંતુવાદ્ય 'કિન્નેરા'ને ગુંજતુ રાખનારા સંગીકાર દર્શનમ મોગુલૈયાને થયો. કિન્નેરા મોગુલૈયા તરીકે જાણીતા આ લોકકલાકારને બે વર્ષ પહેલાં પદ્મશ્રીના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. આજે એમને હૈદરાબાદમાં કન્સ્ટ્રકશન સાઈટ ઉપર તગારા સારી મજૂરી કરવાનો વારો આવ્યો છે. આમ તો કલાપ્રવૃત્તિ વિકસાવવા માટે તેને એક કરોડની ગ્રાન્ટ સરકારે આપેલી, પણ નવ સંતાનોના પિતા દર્શનમના મોટાભાગના પૈસા પરિવારના સભ્યની ગંભીર માંદગીમાં અને સંતાનોનાં લગ્નમાં વપરાઈ ગયાં  હતાં. ત્રણ સંતાનોનું માંદગીમાં  મૃત્યુ થઈ ચૂક્યું હતું. 

એમની પત્ની તો ચાર વર્ષ પહેલાં જ મૃત્યુ પામી ચૂકી હતી. ગ્રાન્ટના પૈસામાંથી એમણે સંતાનોનાં લગ્નો કરાવ્યાં, જમીન પણ ખરીદી, પણ આ જમીન પર મકાન બાંધવાનું કામ પૂરું ન થઈ શક્યું, કેમ કે નાણાં ખતમ થઈ ગયાં.  કેટકેટલી કામ મેળવવા ભટક્યા છતાં કોઈએ કામ ન આપ્યું. 

માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરી. રાજ્ય સરકારે મહિને દસ હજાર રૂપિયાનું માનધન આપવાનું શરૂ કર્યું હતું એ પણ બંધ કરી દીધું હતું. આમ કોઈ આશરો ન રહેતા પદ્મશ્રી કલાકારે મજૂરી કરી પરિવારનું પેટ પાળવું પડે છે એ જોઈને કહેવું પડે કે-

સાઝ સે જો નિકલી

વો ધૂન સબને સૂની

પર સાઝ પે જો ગુજરી

વો કિસ દિલ કો પતા હૈ

પંચ- વાણી

કાયમ ઉધાર માગે તેનો જીવનમંત્રઃ વિના ઉધાર નહીં ઉધ્ધાર

Gujarat