Get The App

ઈનકો અપના 'બનાના' ગઝબ હો ગયા

Updated: Jun 17th, 2022

GS TEAM

Google News
Google News
ઈનકો  અપના 'બનાના' ગઝબ હો ગયા 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ચૂંટણીમાં  જીતે  એને ઘી-કેળાં અને પ્રજાના હાથમાં આવે છાલ.  કેળાને હિન્દીમાં   કેલા  કહે છે એના   પરથી આગળ  એક-એક  અક્ષર જોડવાથી  ઘણી વરાઈટી  મળે,  જેમ કે પ-કેલા, અ-કેલા, થ-કેલા વગેરે. અંગ્રેજીમાં કેળાને કેલાકહે છે, બરાબર? તાજેતરમાં  જ આપણા   દેશમાંથી  કેળાની વિદેશમાં નિકાસ  કરવામાં   આવી   ત્યારે કેળાની    સાઈઝ જોઈને  વિદેશીઓ   તાજ્જુબ  થઈ ગયા  હતા અને  ઓહ બનાના... ઓહ બનાના... ઉદ્ગાર કાઢી કેળાની   સાઈઝ માપી તો  લગભગ ૧૩ ઈંચ  થઈ હતી.  આટલા લાંબા કેળા દેશના ક્યા ભાગમાંથી  એક્સપોર્ટ  કરવામાં આવ્યા હશે?  એ સવાલનો  જવાબ મેળવવા  ખાંખાખોળા  કરતા ખબર પડી કે  મધ્ય પ્રદેશના બરવાની  જિલ્લાના  બાગુડ ગામના ખેડૂત  અરવિંદ   જાટની  વાડીના   આ કમાલના કેળા  છે. છેલ્લાં ૩૭ વર્ષથી   કેળા  ઉગાડતા  આ ખેડૂત  અવનવા  પ્રયોગ કરી  ૧૩ ઈંચ  લાંબા  કેળાનો  પાક ઉતાર્યો છે. અત્યાર સુધીમાં ૧૦થી ૧૨  ટન કેળાની નિકાસ કરવામાં  આવી છે. વિદેશીઓને   આશ્ચર્યમાં  નાખી દેતા  આ કેળાને  જોઈને  એક કવ્વાલીની  કડી યાદ આવે છે-

ઈનકો અપના 'બનાના'

ગઝબ હો ગયા....

અક્ષત જોરથી ફેંકાતા લગ્ન ફોક

લગ્નમંડપમાં  લગ્નવિધિ શરૂ થાય ત્યારે  આશીર્વાદ  અને શુકનરૂપે  નવદંપતી પર  અક્ષત (તાંદુલ-ચોખા) વરસાવવાનો  રિવાજ  પરાપૂર્વથી  ચાલ્યો આવે છે.  પણ  મહારાષ્ટ્રના  સાતારા  જિલ્લાના  એક ગામે  લગ્નવિધિ  વખતે વરપક્ષ  અને  કન્યા પક્ષ  વચ્ચે અક્ષત વરસાવવાને  મામલે પહેલાં  બોલાચાલી  અને  પછી રીતસર  ફ્રી-સ્ટાઈલ કુસ્તી  શરૂ થઈ જતાં લગ્ન જ ફોક  કરવામાં આવ્યાં હતાં. મંડપમાં લગ્નવિધિ   ચાલુ હતી  અને  મંગળાષ્ટકનું  ઉચ્ચારણ ચાલુ હતું એ વખતે   વરપક્ષ  અને કન્યા પક્ષ  દંપતી પર અક્ષત વરસાવતા હતા. આ વખતે  વરપક્ષના  કેટલાક  જાનૈયાઓ એ એટલાં જોરથી  અક્ષત   ફેંકવા  માંડયા કે  કન્યાને  વાગવા  માંડયા   અને તેણે બેસી જવું  પડયું.  વરપક્ષ વાળાને ટોકવામાં  આવ્યા છતાં  તેઓ જોરથી  અક્ષત  વરસાવવાને બદલે ફેંકતા  જ રહ્યા. આમાંથી બોલાચાલી  અને ઝઘડો  શરૂ થયો અને પછી રીતસર ઝપાઝપી  શરૂ થઈ. એમાં એક  જાનૈયાએ તો હદ જ કરી. એણે કન્યાના  મામાને કાન નીચે જોરદાર લાફો  ચોડી  દીધો.   ત્યારબાદ  ફ્રી-સ્ટાઈલ કુસ્તી  શરૂ થઈ ગઈ. કન્યાપક્ષવાળાએ  કહી દીધું કે  અમારે  કન્યા નથી પરણાવવી,  જાન લઈ  જાવ પાછી. મામલો  પોલીસ સ્ટેશને   પહોંચ્યો.  ખાખી વરદીધારીઓએ  પણ સમજાવવાનો  બહુ પ્રયાસ  કર્યો, પણ  કન્યાપક્ષ વાળા ન માન્યા.   છેવટે  વરરાજાએ  વગર પરણ્યે  વીલે મોઢે  પાછા જવું પડયું.  

અક્ષત વરસાવવામાં  સંયમ ન રાખ્યો એમાં અપશુકન થયાને? એટલે  જ જાનૈયાઓ તરફથી  આ રીતે અક્ષત ફેંકવાની  અવળચંડાઈને અંકુશમાં રાખવા પુણે  બાજુ અક્ષતને બદલે ફૂલની પાંખડીઓ વરસાવવાનો રિવાજ  શરૂ થયો છે. એટલે જ કહેવું પડે કે-

અક્ષત જ્યાં  જોરથી ફેંકાય

પ્રેમથી ન કોઈ વરસાવે

એવાં જોરદાર વરપક્ષને

કોણ કન્યા પરણાવે.

ભારતમાં રામાયણ

શ્રીલંકામાં  રાવણાયણ

કંસનો વંશ  ન રહેવો જોઈએ અને કૃષ્ણને  વન્સ મોર... વન્સ મોર કહેવું પડે  એવી આજની  પરિસ્થિતિ છે. ભારતમાં  રામાયણની  ચોપાઈઓ  કાને પડે છે  અને  અયોધ્યામાં  ભવ્ય રામ-મંદિરનું   નિર્માણ કાર્ય તેજ ગતિથી  આગળ  વધી રહ્યું છે.  જ્યારે બીજી તરફ  રામાયણ કાળની  લંકા અને  આજની  શ્રીલંકામાં  બધુ સળગે છે.  ચારે તરફ  તબાહીનો જ  મંઝર  જોવા મળે છે. રાવણ-જન્મભૂમિમાં અને લંકેશની સોનાની લંકા  કહેવાતી એ  લંકા જાતજાતની   સમસ્યાઓથી   સળગી રહી  છે. આ લંકાની નવી વાત  જાણવા  મળી છે.  રાવણની બહેન શૂર્પણખાના પતિનો  રાવણે  વધ કર્યા બાદ  બીજા પતિની શોધમાં  શૂર્પણખા ચારે તરફ  ભટકવા માંડી. શૂર્પણખા  વનવાસ  ભોગવતાં રામ, સીતા અને લક્ષ્મણ  પાસે પહોંચીત્યારે  લક્ષ્મણે આ ખલ-નાયિકાનાં નાક-કાન  કાપી નાખ્યા. રોતી-કકળતી  લંકા ભેગી  થઈ ગઈ  અને પછી જે રામાયણ થઈ  એ સહુ જાણે છે.   

હવે  ત્રેતા યુગની  એ  શૂર્પણખાનો એકવીસમી સદીમાં  ગંગા સુદર્શિની નામે શ્રીલંકામાં જ   પુનર્જન્મ થયો છે.   ગંગા સુદર્શિનીને  ત્યાંના  મોટા નેતાઓ  પણ સન્માન  આપે છે.  ગંગા સુદર્શિની  તેનીપાસે   ચમત્કારિક  શક્તિ છે   એવો દાવો  કરે છે.  તેનું કહેવું  છે કે રાવણ  પ્રભુ રામના   બાણથી  નહોતા હણાયા,  લંકેશે તો  ઝેર ખાઈને  જીવન ટૂંકાવ્યું  હતું.  રાવણનો પાર્થિવ  દેહ હજી   લંકાના ડુંગરોની વચ્ચે જાળવીને રખાયો  છે એવી માન્યતા છે.  ગંગા સુદર્શિનીને  જે રીતે  શ્રીલંકાના  રાજનેતાઓ પણ  સન્માન  આપે છે એ  જોઈને  કહેવું  પડે કે  આપણે ત્યાં  રામને નામે રાજકારણ  કરવામાં  આવે છે  અને શ્રીલંકામાં  રાવણને નામે.  આ રાવણભક્તિ  જોઈને કહેવું પડે કે-

રામ રાખે તેને કોણ ચાખે

રાવણને રાખે તેને કોણ સાંખે.

રામેશ્વરમમાં યાત્રાળુ માટે દેશનો પહેલવહેલો લિફટવાળો બ્રિજ

મુઝ કો ભી તૂ લિફટ કરા દે... આ મજેદાર ગીત  યાદ અપાવે  એવો  પહેલવહેલો  લિફટવાળો  બ્રિજ   આ વર્ષના અંત સુધીમાં    રામેશ્વરમ પાસે તૈયાર  થઈ જશે.   ત્યારબાદ  ભારતના કોઈ પણ સ્થળેથી  રેલમાર્ગે   દક્ષિણમાં  આવેલા પવિત્ર  તીર્થસ્થાન  રામેશ્વરમ પહોંચવાનું  આસાન બની  જશે.  જ્યોતિર્લિંગના  દર્શન માટે  દેશભરમાંથી  યાત્રાળુઓ   રામેશ્વરમ  આવે છે. મંડપ રેલવે સ્ટેશન અને રામેશ્વરમને જોડતો  આ નવો  લિફટવાળો   બ્રિજ બંધાઈ  ગયા  બાદ ટ્રેનોની સંખ્યા પણ વધારવામાં આવશે.  રામેશ્વરમનો જૂનો પુલ લગભગ  ૧૦૦ વર્ષ પહેલાં બંધાયો હતો.  આ બ્રિજને  ૧૯૬૫માં  આવેલા વાવાઝોડામાં ભારે નુકસાન થયું હતું,  સમારકામ  થયા પછી તેની ઉપરથી ટ્રેનો  માત્ર ૧૦ કિ.મી.ની  ઝડપે  ચલાવી શકાતી  હતી. પરંતુ નવા બંધાતા ૭૨.૫  મીટર લાંબા  પહેલવહેલા  લિફટ-બ્રિજ  પરથી ૮૦ કિ.મી.ની  ઝડપે ટ્રેનો   દોડાવી   શકાશે.   કલકત્તાથી  કોચીની  દિશામાં જતા  જહાજોની આ દરિયામાં   અવરજવર  રહે છે.  એટલે વીજળીથી  સંચાલિત  નવો  બ્રિજ બાંધવામાં  આવી રહ્યો છે. જ્યારે  જહાજ નજીક  આવશે  ત્યારે બટન દબાવતાની સાથે જ માત્ર બે મિનિટ બ્રિજ  ૧૫ મિટર  ઊપર  થઈ જશે અને જહાજ  પસાર  થઈ ગયા બાદ  તરત યથાસ્થાને  આવી જશે. મેટ્રો મેન  તરીકે જાણીતા  ઈ. શ્રીધરને માત્ર ૬૮  દિવસમાં  લિફટવાળા  બ્રિજનો  ભાગ તૈયાર  કરી નાખ્યો છે.  આ ૨.૦૭ કિલોમીટર  લાંબા પંબન  બ્રિજ  પ્રોજેકટ  પાછળ ૫૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ  અંદાજવામાં  આવ્યો છે. આધ્યાત્મિક  ઊંચાઈ પ્રાપ્ત કરવા ધ્યાન અને જ્ઞાાનની  જરૂર પડે છે અને આખેઆખા સેતુને   ઊંચાઈએ  લઈ જવા  વિજ્ઞાાન  કામ  આવે છે.  આમ જ્ઞાાન અને વિજ્ઞાાનના સંયોજનથી  ભક્તજનો  રામેશ્વરમના  દર્શને પહોંચી  શકશે.  રામસેતુનો મુદ્દો ચર્ચાતો  હતો ત્યારે   કેટલાક  નાસ્તિકોે  રામસેતુ  સામે સવાલ ઉઠાવ્યો  હતો.  આ નાસ્તિકોને કહેવું  જોઈએ કે-

ભક્તો કો રામ સે

જોડનેવાલા રામસેતુ હૈ.

શ્રદ્ધા પે મત કર શંકા

સમજ લે કી રામ-સે-તૂ હૈ.

દિવ્યાંગ દીકરીની

એક પગે દોટ

નાનપણમાં લંગડીની રમત સહુ  રમ્યા જ હશે.  માથે દાવ  આવે  અને એક પગે લંગડી  કરતા  કરતા સાથે  રમતા બાળગોઠિયાઓને  આઉટ  કરવાના હોય  ત્યારે કેવાં  થાકી જવાય? હવે  કલ્પના કરો કે  રમતાં રમતાં  લંગડી  કરીને થાક  લાગતો હોય તો   એક પગે  ઠેકતા ઠેકતા  એક કિલોમીટર  દૂર  સ્કૂલે જતી  વખતે ૧૦ વર્ષની   સીમા નામની  બિહારના ફતેપુર  ગામની  દીકરીને  કેટલું કષ્ટ   સહન કરવું  પડતું હશે? સીમાના પિતા પરપ્રાંતમાં મજૂરી કરે  છે અને  માતા ગામમાં જ નાની મોટી મજૂરી કરીને  પેટિયું  રળે છે.  ચાર વર્ષ પહેલાં ઈંટની ભઠ્ઠી  પાસે ટ્રેકટર  પર ચડવા જતા  સીમાને અકસ્માત  થયો અને એક  પગ કાપી નાખવો પડયો. 

 થોડો  વખત તો ઘરમાં બેઠી  રહી, પણ  પછી પોતાની  બહેપણીઓને દફતર  લઈ સ્કૂલે જતી જોઈ તેણે  પણ  હઠ લીધી  કે હું પણ  ભણવા  જઈશ.  એક શિક્ષિકાએ તેને સ્કૂલમાં એડમિશન પણઅપાવી દીધું.   પછી  તો એક પગે લંગડી  કરતી કરતી સીમા આવ-જા  કરવા માંડી. આ રીતે   લંગડી કરીને  એક કિલોમીટર  દૂર સ્કૂલે જવાનુંઅને  એક કિલોમીટરનો  પંથ  કાપી ઘરે  આવવાનું કેટલું  કષ્ટદાયક હશે?  છતાં હિંમત  હાર્યા વિના એ  તો નિયમિત  સ્કૂલમાં  જવા લાગી.  તેણે  એક જ નિર્ધાર કર્યો છે કે  મોટી થઈને  શિક્ષિકા બનવું છે.

થોડા વખત પહેલાં આ દિવ્યાંગ  દીકરીનો વિડિયો  વાઈરલ થયા  પછી તો  આખા દેશમાંથી  તેને મદદ કરવા  માટે લોકો  આગળ આવવા માંડયા.  જમુઈના  જિલ્લા અધિકારીએ   કહ્યું કે   દીકરીની  ભણવાની ધગશ  જોઈને તેને કૃત્રિમ પગ  બેસાડવામાં આવશે, એટલું જ નહીં  ત્રણ પૈડાંવાળી  સાયકલ  પણ ભેટ  આપવામાં   આવશે. કહેવત છે ને કે દીકરીને ગાય દોરે ત્યાં  જાય, પણ  સીમાને  જોઈકહેવું પડે  કે દીકરી જો  હિમ્મતવાળી  થાય તો એક પગે  પણ દોડીને  જાય.

પંચ-વાણી

જ્યાં છે જડતા

ત્યાં પ્રભુ નથી 'જડતા'.

Tags :