FOLLOW US

સ્વીડન છોડો અને ભારતમાં સંસાર જોડો

Updated: Feb 17th, 2023


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

'જબ જબ ફૂલ ખીલે' ફિલ્મનું એક ગીત આજે પણ ગવાય છેઃ પરદેસીયોં સે ના અંખિયાં મિલાના... પરદેશીયોં કો હૈ એક દિન જાના... પરંતુ આજે  તો સોશિયલ મિડીયાના  સૂસવાટા  બોલાવતા  પવન  વચ્ચે પરદેશી પ્રેમી પંખીડાનો ફેસબુકના માધ્યમથી  સંબંધ બંધાય છે અને સંસાર પણ મંડાય છે. સ્વીડનની સુંદરી ક્રિસ્ટન લિબર્ટ આવી જ રીતે ઉત્તરપ્રદેશના ઈટાવાના  ફૂટડા જુવાન પવનકુમારના પ્રેમમાં  પડી. ફેસબુક પર થયેલી ઓળખાણ વાસ્તવિકતાની  સર-ફેસ(બુક) પર આવી.  ક્રિસ્ટને નિર્ધાર કર્યો કે ભારત આવીને શાસ્ત્રોક્ત વિધિથી પવનકુમાર સાથે લગ્ન કરશે. પવનકુમારે ઘરવાળાને પરદેશી  પ્રેમિકાને  ઘરની વહુ તરીકે સ્વીકારવા માટે મનાવી લીધા. 

આમ ઈટાવાની  એક સ્કૂલમાં  માંડવો બંધાયો, શરણાઈની સૂરાવલી  અનેમંત્રોચ્ચાર  સાથે સ્વીડનની કન્યા ક્રિસ્ટન અને પવનકુમારે સાત ફેરા  ફરીને પ્રભુતામાં  પગલાં  પાડયાં.  ફેસબુકની ઓળખાણ લગ્નમાં પરિણમી એ જોઈને કહેવું પડે કે  સોશિયલ મિડીયાનો સદુપયોગ  કરોતો સંસાર બંધાય અને દુરૂપયોગ કરો તો સંસાર ગંધાય. સ્વીડનની કન્યા અને ભારતીય યુવકનાં આ લગ્ન જોઈ જોડકણું  સંભળાવવું પડે -

સ્વીડન છોડો ભારત દોડો.

જૂના ખયાલ છોડો, 

ભારત જોડો.દારૂની દુકાનની બહાર  બાંધી ગાય

દીકરી ને ગાય દોરે ત્યાં જાય એવી કહેવત છે, પણ ગાય જ્યારે ભારતની દીકરી દ્વારા દારૂની દુકાનની બહાર બંધાય ત્યારે  કેવી નવાઈ લાગે? ભારતની આ દીકરી એટલે આખું ભારત જેને ઓળખે છે એ ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા  અને મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, ઉમા ભારતી. તાજેતરમાં જ ઉમા ભારતી એમ.પી.ના ઓરછા શહેરની એક દારૂની દુકાન પર પહોંચી ગયાં હતાં અને દુકાનની બહાર ગાય બાંધી હતી.

 દારૂની દુકાને જ દારૂ લેવા આવે તેને ઉમા ભારતી અપીલ કરતાં હતાં કે દારૂનહીં, દૂધ પીવો. દારૂ દૂષણ છે અને દૂધ પોષણ છે. દારૂની લત હા-લત બગાડે છે અને દૂધનું સેવન તબિયત સુધારે  છે. મધ્યપ્રદેશમાં ભાજપની જ સરકાર છે અને ઉમા ભારતીએ પોતાના જ પક્ષની  સામે જ  મદ્યપાન વિરોધી ઝુંબેશ  શરૂ કરી છે. મજાની વાત એ છે કે  ઓરછાની દારૂની આ જ દુકાન ઉપર ગયા વર્ષે  ઉમા  ભારતીએ છાણ ફેંકયું  હતું અને ભોપાલની એક દારૂની દુકાન સામે પણ  જોરદાર વિરોધ કર્યો હતો. 

ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં  પણ સંપૂર્ણ દારૂબંધીની ઉમા ભારતીએ શરૂઆતમાં માગણી કરી હતી. જોકે આ માગણી બાબત પ્રતિસાદ ન મળતાં હવે કહે છે કે  દારૂના વેચાણ અંગે કડક નિયમાવલીનું  પાલન થવું  જોઈએ, બાકી તો જ્યાં દારૂબંધી છે ત્યાં પણ ગેરકાયદે દારૂનું ધૂમ વેચાણ થાય છે અને ત્યાં પણ દૂધ કરતાં અનેક ગણી ઊંચી કિંમતે દારૂ ખરીદીને પીવાય છે. 

 ટૂંકમાં, દારૂની બંધીને દારૂનું બંધાણ પહોંચી  વળે છે. એટલે જ  દૂધ, દહીં, છાશ ઘરે ઘરે  વેચવા જવું પડે છે, જ્યારે દારૂના પીઠાનો માલિક ટેસથી બેઠો બેઠો દારૂ વેચે છે. એક દોહા યાદ આવે છે-

ઈસ દુનિયા મેૈં પાખંડી કો માન,

ગોરસ ગલી ગલી ફિરે, 

મદિરા  બિકે દુકાન.

કન્યાઓને જોઈ

કોલેજિયન બેભાન

દિલફેંક જુવાનિયાઓ ઘણી વાર રસ્તા પર લટકમટક ચાલીને જતી રૂપકડી  કન્યાને જોઈ ભાન ભૂલતા હોય છે, પરંતું બિહારમાં એક કોલેજનો વિદ્યાર્થી પરીક્ષા આપવા  ગયો ત્યારે  ચારે બાજુ માત્ર કન્યાઓને જ જોઈને ભાન ભૂલ્યો નહીં, બેભાન થઈ ફસડાઈ પડયો.  બિહાર શરીફની કોલેજનો  ૧૭ વર્ષનો વિદ્યાર્થી સુનીષ (નામ બદલ્યું છે)  એકઝામ  આપવા ગયો ત્યારે  પરીક્ષા  કેન્દ્રમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થિનીઓની વચ્ચે પોતે  એકલો જ મેલસ્ટુડન્ટ છે એ જોઈને એવો હેબતાઈ ગયો કે રીતસર બેભાન થઈ ગયો. તરત જ તેને હોસ્પિટલમાં  લઈ જવામાં આવ્યો અને ડોકટરોએ  ઉપચાર કર્યા પછી  ભાનમાં  આવ્યો. 

આમાં મુશ્કેલી એ થઈ કે મૂર્છા આવતાં સુનીષ ફસડાઈ પડયો એમાં  એક હાથનું  હાડકું  ભાંગી ગયું. આ ઘટનાનો  વિડીયો ભારે વાઈરલ થયો.  આ જોઈને કહેવું પડે કે-

કહેવાય છે કે

સોળે સાન અને વીસે વાન,

પણ કન્યાઓની ભીડમાં

કોઈ કિશોર ખોઈ બેસે ભાન.

પાનની ટપરીનું

લાખોનું ભાડું

ખઈ કે પાન બનારસવાલા, ખુલ જાયે બંધ અકલ કા તાલા... આ મજેદાર ગીતના મુખડાની યાદ અપાવે એટલા ઊંચા ભાવે ઉત્તરપ્રદેશના પ્રવેશદ્વાર ગણાતા નોઈડામાં પાનનાં ખોખાં (કિયોસ્ક) ભાડેથી અપાયા છે. નોઈડાના સેકટર-૧૮માં  પાનના ખોખાનું લીલામ થયું  ત્યારે  માસિક સવાત્રણ લાખ રૂપિયાની ઊંચામાં ઊંચી બોલી લગાવીને એક પાનવાળાએ માત્ર ૭.૫૯ વર્ગમીટરનું  ખોખું ભાડેથી મેળવ્યું હતું. દિલ્હીની લગોલગ આવેલા નોઈડામાં જગ્યાના ભાવ કેવા આસમાને ગયા છે તેનો ખ્યાલ નોઈડા પ્રાધિકરણે પાનના દસ ખોખાનું લીલામ કર્યું એના પરથી  આવે છે. આ પાનનાં ખોખાંનું  આરક્ષિત  ભાડું ૨૭ હજાર નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ લીલામમાં ઊંચી ઊંચી  બોલી  કરીને કોઈએ ૬૯ હજાર, કોઈએ ૭૦ હજાર, કોઈએ ૧.૩ લાખ, કોઈએ ૧.૮૦ લાખ તો કોઈએ ૧.૯૦ લાખના ભાડેથી પાન-બિડી-સિગારેટનાં ખોખા મેળવ્યા છે. પાનના ખોખાંના ભાડામાંથી લાખોની આવક થશેને? ઊંચા ભાડાં વિશે જાણીને હવે 'ડોન'ના ગીતનું  મુખડું જરા ફેરવીને ગાવું પડશેઃ

સુનકે પાન કિયોસ્ક કા ભાડા,

ખુલ જાયે બંધ અકલ કા તાલા.

તંદૂરી રોટી  બનાવો

પાંચ લાખ ચૂકવો

રોટલી અને રોટલાની કેટકેટલી વરાયટી લોકો  હોંશે હોંશે  ખાય છે એ વિચારીએ  તો ભેજું ફૂલકાં રોટલી જેવું ફૂલી જાય. રોટલી, મખમલી રોટી, મકાઈની રોટી, રૂમાલ રોટી, ઘઉંની રોટલી, મેંદાની રોટી અને તંદૂરી રોટી... રોટીની વરાઈટી જોઈને એક  પંકિત યાદ આવેઃ સબ કા મસલા રોટી હૈ, યહ દુનિયા કિતની છોટી હૈ... જો કે  એક વાત નક્કી છે કે આ બધામાં  સૌથી લોકપ્રિય તંદૂરી રોટીહશે. માટીની  તંદૂર અને મોટી સગડીમાં  શેકાઈને તૈયાર  કરવામાં આવતી તંદૂરી રોટી  ખાવાની લહેજત જ કંઈક ઔર હોય છે. પરંતુ જબલપુર દેશનું એવું પહેલું શહેર છે જ્યાં તંદૂરી રોટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંદૂરમાં બાળવામાં આવતાંકોલસા અને લાકડાંને  લીધે  પ્રદૂષણમાં  ખૂબ વધારો થાય છે એવું કારણ દર્શાવી  તમામ હોટેલ, રેસ્ટોરાં અને ઢાબાવાળાને તંદૂરમાં રોટી શેકવાની પાલિકાએ  મનાઈ ફરમાવી છે. જે આદેશનો ભંગ કરશે તેને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં   આવશે એવી ચેતવણી  આપવામાં  આવી છે. રોટી પર પ્રતિબંધનું  આ ફરમાન  સાંભળી કહેવું પડે કેઃ

ભૂલેચૂકેય બનાવશો તંદૂરી  રોટી

તો ઊભી થશે પળોજણ મોટી,

કોલસા-લાકડાનેબદલે 

વાપરશે ગેસ

એને ઉપાધિ નહીં થાય ખોટી.

પંચ-વાણી

કોરોનાનો ઉપદ્રવ શમી ગયો એટલે લોકો બેધડકપણે  ઘૂમવા માંડયા એને કારણે પાકીટમારો અને ચોરોની 'હસ્તકલા' સોળે કળાએ ખીલી ઉઠી. એટલે કહેવું પડે-

માંડ માંડ વિદાય થયો કોરોના,

હવે સારા દિવસ આવ્યા ચોરોના.

Gujarat
News
News
News
Magazines