- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
'એક ફૂલ દો માલી' ફિલ્મ આવેલી, પરંતુ મધ્યપ્રદેશમાં તો 'તીન ફૂલ એક માલી' ટાઈટલ આપવું પડે એવી ફિલ્મ નહીં પણ વાસ્તવિક ઘટના બની છે.
'એક ફૂલ દો માલી' ફિલ્મમાં એક પ્રેમિકા અને બે પ્રેમીની વાત હતી, પરંતુ એમ.પી.ના અલી રાજપુરમાં એક અનોખા લગ્નપ્રસંગમાં માજી સરપંચ સમરથ મૌર્ય એક જ માંડવે પોતાની ત્રણ પ્રેયસી સાથે પરણ્યા હતા. મજાની વાત એ છે કે આ લગ્ન તેમનાં છ બાળકોએ પણ માણ્યાં હતાં. કારણ શું ખબર છે?વરરાજા પોતાની ત્રણેય પ્રેયસી સાથે છેલ્લાં ૧૫ વર્ષથી લિવ-ઈન રિલેશનમાં રહેતા હતા. સામાજિક પ્રતિષ્ઠા અને બાળકોના ભવિષ્ય ખાતર આ પ્રેમ સંબંધને લગ્નસંબંધમાં ફેરવવા માટે ધમાધૂમથી વિવાહ કર્યા હતા. આ એકદમ હટકે પ્રેમલગ્ન વિશે જાણીને કહેવું પડે કેઃ
પછી તો લગ્નની વાત
એવી ચાલી એવી ચાલી,
કે જુઓ જુઓ આ તીન ફૂલ
અને એક માલી.
હાજર, ગેરહાજર કે
પછી ઘેર-હાજર?
ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ વખતે દાંડીકૂચ કરી હતી, યાદ છેને? પરંતુ આઝાદ ભારતમાં ઘણીવાર સ્કૂલના વિદ્યાર્થીઓ રિસેસ પડે ત્યારે દાંડી મારીને કૂચ કરી જતા હોય છે. આ દીંડી બહાદુરોમાંથી કોઈ પિકચર જોવા પહોંચી જાય તો કોઈ ગાર્ડનમાં ફરવા પહોૅંચી જાય. મજા કરીને પછી સ્કૂલ છૂટવાના ટાઈમે દફતર લઈને ઘરે પહોૅંચી જાય. ઘરવાળાને એમ થાય કે ગગો કે ગગી ભણીને કેટલું ભેજાનું દહીં કરીને આવ્યા હશે? આવું ન થાય માટે પંજાબની સરકારી સ્કૂલોમાં નવી જ જોગવાઈ કરવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેશે અથવા દાંડી મારીને નીકળી જશે કે તરત જ તેના વાલીને એસએમએસથી મેસેજ પહોંચી જશે. એવી જ રીતે કોઈ શિક્ષક કે શિક્ષિકા ગેરહાજર રહેવાના હશે તેની પણ વાલીઓને એસએમએસથી જાણ કરવામાં આવશે. કોઈ સ્ટુડન્ટ સતત બે દિવસ ગેરહાજર રહેશે તો સ્કૂલના કર્મચારી તેના ઘરે ફોન કરશે અને ગેરહાજર રહેવાનું કારણ પૂછશે. કયારેક એવુું બને કે વિદ્યાર્થીએ હોમવર્ક ન કર્યું હોય ત્યારે શિક્ષક ખીજાશે એવી બીકને લીધે સ્કૂલે જવાનું ટાળે છે અથવા તો ઘરનાને ખોટું કહે છે કે આજે ફલાણા કારણસર છૂટ્ટી છે.જોકે હવે દાંડી મારવા માટેની કોઈ બહાનાબાજી નહીં ચાલે. ઈ-પંજાબ પોર્ટેલ ઉપર નવું હાજરી મોડયુલ જોડવામાં આવતા દાંડી બહાદુરની દાંડી ડૂલ થઈ જશે. હાજર, ગેરહાજર કે પછી ઘેર-હાજર છે તેની ચપટી વગાડતા ખબર પડી જશે.
લ્યો, હવે તો
છૂટાછેડાની પણ માનતા
ઘણાં પરણવાલાયક યુવક-યુવતીઓ ક્યાંય પાટો બાજતો ન હોય ત્યારે ભગવાનની જાત જાતની માનતા માને છે કે સારૃં પાત્ર મળી જશે તો ૫૧ શ્રીફળ ચડાવીશ કે પછી ગરીબોને અન્નદાન કરીશ વગેરે... પરંતુ ઉત્તરપ્રદેશના એક જુવાને માનતા માની જલદી છૂટાછેડા મળી જશે તો દંડવત પ્રમાણ કરતો કરતો મંદિરે પહોંચીશ.
વાત જાણે એમ બની કે ૨૫ વર્ષના જોગેશનાં લગ્ન ૨૦૨૨માં થયાં હતાં. શરૂઆતમાં બધું ઠીકઠાક ચાલ્યું, પણ પછી સંસારની નાવ જોતજોતામાં ખરાબે ચડી અને કંકાસ વધવા માંડયો. આખરે બસ્તી જિલ્લાના ગામમાં રહેતાં જોગેશે છૂટાછેડા મેળવવા અદાલતમાં ઘા નાખી. જુવાનનું નસીબ જોર કરતું હશે તે એને છૂટાછેડા મળી પણ ગયા. આથી રાજીનો રેડ થઈ ગયેલો જુવાન ઘરથી ૯ કિમી દૂર આવેલા મંદિર સુધી દંડવત પ્રણામ કરતો મંદિરે પહોંચ્યો હતો.
ગુજરાતીમાં આપણે છૂટાછેડા કહીએ છીએ જેને મરાઠી ભાષામાં ઘટસ્ફોટ કહે છે. પતિ-પત્ની વચ્ચેના સ્નેહમાં ઘટ થાય પછી સ્ફોટ જ થાયને? માનતા પૂરી કર્યા પછી મંદિરની બહાર આવેલા જુવાનના ચહેરા પરસ રાહતની રેખાઓ સ્પષ્ટ વંચાતી હતી. એટલે કહેવું પડે કે-
જો છૂટા વો સિકંદર.
એક જ થેલામાં
આંસુ અને મુસ્કાન
હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી... દિવાળીબેન ભીલે ગાયેલું આ લોકગીત યાદ છેને? જોકે આજે તો કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનના જમાનામાં પોસ્ટકાર્ડ અને કાગળ લખવાનું જ જાણે લોકો ભૂલી ગયા છે. આમ છતાં આધુનિકતાની આંધી વચ્ચે પણ કાશ્મીરની પહેલવહેલી મહિલા ટપાલી ત્રીસ-ત્રીસ વર્ષથી બર્ફીલા દુર્ગમ વિસ્તારોમાં ટપાલો પહોંચાડવાનું નેક કામ કરે છે. ટપાલ ખાતા તરફથી તેને કોઈ વાહન નથી અપાયું. બસ, લોકોને સુખ-દુઃખનાસમાચાર પહોંચાડવાના જનૂન સાથે ૫૫ વર્ષની ઊંમરે પણ પગપાળા ટપાલ પહોંચાડવાની ફરજ બજાવે છે.
કાશ્મીરના હીરાપોર ગામે રહેતી ઉલ્ફત બાનોનો છેલ્લાં ત્રણ દાયકાથી એક જ ક્રમ રહ્યો છે. શોપિયાંની જિલ્લા પોસ્ટ ઓફિસમાંથી પત્રોનું બંડલ લે છે અને પછી અડેકધૂમ કરતી ટપાલ વહેંચવા માટે નીકળી પડે છે. પોસ્ટમાં સારા સમાચાર હોય અને માઠા સમાચાર પણ હોય. જ્યારે કોઈ ખુશીના સમાચાર કાગળમાં આવે ત્યારે આખો પરિવાર રાજી રાજી થઈને નાચી ઉઠે છે. આ જોઈને ઉલ્ફત બાનો પણ હરખાઈ જાય છે, ખુશાલીની સાક્ષી બને છે. કોઈ વાર કોઈના મૃત્યુના સમાચાર સાથેનું પોસ્ટકાર્ડ નિર્ધારિત સરનામા પર આપે ત્યારે જે-તે પરિવાર શોકમાં ડૂબી જાય છે. આવે વખતે ઉલ્ફત બાનો સધિયારો આપે છે અને દિલસોજી વ્યક્ત કરે છે. ઉલ્ફત બાનો નીકળે ત્યારે ગામના બાળકો બોલી ઉઠે છે- પોસ્ટવાલી દીદી આઈ, ચિઠ્ઠીયાં લાઈ...
છેલ્લાં ત્રીસ વર્ષથી લોકોની ખુશાલી અને શોકમાં સામેલ થતી અને કડકડતી ટાઢ કે પછી વરસતા બરફ વચ્ચે પણ ટપાલ પહોંચાડવાની ફરજ ન ચૂકતી આ કર્તવ્યનિષ્ટ પોસ્ટમેન નહીં, પણ પોસ્ટ વુમનની કહાણી સાંભળીને નિદા ફાઝલી સાહેબનો શેર યાદ આવે છે-
સીધા સાદા ડાકિયા
જાદુ કરે મહાન,
એક હી થૈલે મેેં લાયે
આંસુ ઔર મુસ્કાન.
બીજાં લગ્ન માટે કુમાતાએ બેટીનો ભોગ લીધો
મા તે મા બીજા વગડાના વા... જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... માતા એક એવું વટવૃક્ષ છે કે જેની છાયામાં વંટોળિયો પણ આરામ ફરમાવી શકે. ખરેખર ,માતાની તોલે કોઈ ન આવી શ કે... પરંતુ માતા માટેની આ બધી જ પંકિત અને સુવાક્યો મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાની એક ઘાતકી માએ ખોટી પાડી હતી.
બન્યુ એવું કે આ મહિલાના પતિનું મૃત્યુ થયું એ પછી તે બીજાં લગ્ન કરવા માગતી હતી, પરંતુ તેને આઠ વર્ષની માસૂમ દીકરી હોવાથી કોઈ પરણવા તૈયાર નહોતું થતું. આથી દીકરીને ગાય દોરે ત્યાં જાય એ ન્યાય તે પોતાની માસૂમ કન્યાને હાથ પકડીને દોરીને નર્મદાપુરમ્ સ્ટેશને લઈ ગઈ. થોડીવારમાં ધસમસતી એક્સપ્રેસ ટ્રેન આવતી જોઈને તેણે દીકરીને પાટા ઉપર ફેંકી દીધી. સતર્ક ડ્રાઈવરે ઈમર્જન્સી બ્રેક મારીને ગાડી રોકવાનો પ્રયાસ કસર્યો, પણ આમ છતાં બાળકીને ટક્કર વાગતા તે ગંભીર રીતે ઘાયલ થઈ.તરત જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં ૧૩ દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈને આખરે માસૂમે દમ તોડયો હતો. બીજાં લગ્ન કરવા ખાતર સગી દીકરીનો ભોગ લેનારી કુમાતા પર સહુ ફિટકાર વરસાવી રહ્યાં છે. આ ધુ્રજારીપૂર્ણ કિસ્સો જાણીને કહી શકાય કે-
બેટી કી બલિ ચડાઈ
દુસરી શાદી કે લિયે,
અબ સલાખોં કે પીછે
ખુદ કો કોસતી હૈ
બરબાદી કે લિયે.
પંચ-વાણી
સબ સે ઊંચી પ્રેમ સગાઈ
સબ સે નીચી વહેમ સગાઈ.


