FOLLOW US

મહાનુભાવોની રક્ષા કરશે દેશી શ્વાન, જોખમમાં મૂકી જાન

Updated: Sep 16th, 2022


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

હાઈ-સોસાયટીમાં વિદેશી  નસલના  કૂતરાના  પાળવાનો  એક જાતનો  ક્રેઝ  જોવા મળે છે.  સફેદ  રૂંવાવાળા, એકદમ ઢબુકડા અને મિની-સાઈઝના  ડોગને તેડીને  માલેતુજાર  માનુનીઓ  કે પછી બોલિવુડની  આજના  જમાનાની  એકટ્રેસો લટકમટક  કરતી  નીકળી પડે  છે. જો કે  દેખાવે  રૂડારૂપાળા  આ વિદેશી  શ્વાન  સુરક્ષાના  કામમાં  ન આવે.  એટલે  જ હવે  વડા પ્રધાન  અને રાષ્ટ્રપતિ સહિતના વીવીઆઈપીની સલામતી વ્યવસ્થા  સંભાળતા  એસપીજી  (સ્પેશ્યલ કમાન્ડો ગુ્રપ)ંમાં દેશી નસલના શિકારી  કૂતરા  મુધોલ હાઉન્ડને  સામેલ કરવામાં  આવશે. કર્ણાટકમાં  બાગલકોટ  જિલ્લાના  મુધોલ વિસ્તારમાં  આ દેશી  કૂતરા જોવા  મળતા હોવાથી તેને મુધોલ હાઉન્ડ નામ અપાયું  છે.  માત્ર ૨૦થી ૩૦ કિલો  વજન  અને ૭૨થી ૭૬ સેન્ટીમીટર   ઊંચાઈ ધરાવતા  આ હન્ટર ડોગ  જબરજસ્ત  સ્પીડમાં  દોડે  છે, એટલું જ નહીં, અન્ય કૂતરાની સરખામણીએ  દોઢ  ગણી લાંબી  છલાંગ  મારીને શિકાર કરી શકે છે.  બીજી ખાસિયત  એ છે કે મુધોલ હાઉન્ડ તેની આંખો  ૨૪૦થી  ૨૭૦ ડિગ્રી   સુધી  ધુમાવી શકે છે. વિદેશી શ્વાનને  રોજ એક  કિલો મટન-ચિકન  ખવડાવવું  પડે છે. જ્યારે   મુધોલ  હાઉન્ડ  બહુ જ ઓછું  ખાઈને જીવી  શકે છે.  હિન્દુસ્તાનના લોકો ઘઉં, બાજરો,  જુવાર કે મકાઈની રોટી ખાય છે એ જ રોટી  આ શ્વાન ખાય છે . દિવસમાં બે જાડી  રોટલી ખવડાવવામાં  આવે તો  પણએ  સંતોષનો  ઓડકાર  (કે ડોગકાર)  ખાય છે.  એમાં જો  તેને રોજનાં  બે ઈંડાં  અને એક  લીટર દૂધ   પીવડાવવામાં  આવે તો તો ભયો ભયો   થઈ જાય છે. એટલે જ થોડા વખત  પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં આ દેશી નસલના શ્વાનને પાળવાનો અને તેનાં રક્ષણ તરફ ધ્યાન આપવાનો સંકેત કર્યો હતો. ત્યારે ખબર  નહીં કે  ખુદ વડાપ્રધાનના જ સુરક્ષા  દળમાં  મુધોલ હાઉન્ડને  સ્થાન મળશે.  જો કે  મુધોલ હાઉન્ડ નસલના શ્વાનન ે  અત્યારે  મહત્ત્વ અપાયું છે એવું નથી, રાજા રજવાડા પણ  તેના શિકારે  જાય ત્યારે   ઉપયોગ કરતા બતા. આ કૂતરાની ચપળતા, સજાગતા અને દેશી ખાનપાનને લીધે મરાઠા રાજવી માલોજીરાવ ઘોરપડેએ  તેમના  લશ્કરમાં  સ્થાન આપ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજની  સેનામાં પણ  મુધોલ-હાઉન્ડ હતા એવુંકહેવાય છે. આજે  ભારતના  લશ્કરમાં  પાયદળ સાથે મુધોલ હાઉન્ડ જ  ફરજ બજાવે  છે. હવે  મહાનુભાવોની સુરક્ષાની કામગીરી પણ આ દેશી શ્વાન બાજવશે એ જોઈને કહેવ ું પડે કે-

ભલભલા થરથર કાંપશે

આ સ્વદેશી શ્વાનથી,

જ્યારે સુરક્ષાની જવાબદારી 

નિભાવશે શાનથી.

પાંચમી વાર પરણવા બેઠેલા પિતાની સંતાનોએ કરી પિટાઈ

આપણામાં એક કહેવત છે કે લગ્ને લગ્ને કુંવારો. ઉત્તર પ્રદેશમાં આવો જ  એક પરણવીર  ચાર  વાર નિકાહ કર્યા પછી જ્યારે  ચૂપચાપ   પાંચમાં નિકાહ કરી રહ્યો હતો એ જ  વખતે  તેની બીજી પત્ની સાત સંતાનોનું લશ્કર લઈ પહોંચી ગઈ. મંડપમાં ધમાલ મચી ગઈ. આઘેડ  વયે પાંચમી  વારપરણવા  તૈયાર થયેલા  પિતાની સાત સંતાનોએ  એવી  પિટાઈ કરી  કે તેની ખો ભુલાવી દીધી.  આ ધમાલ વચ્ચે  સોળે શણગાર સજેલી દુલ્હન મુઠ્ઠી વાળીને મંડપમાંથી  ભાગી  ગઈ. મંડપમાં  એવી ધમાચકડી  મચી  ગઈ કે  પોલીસ દોડી  આવી.  પરણવીરને   અટકમાં  લઈ પૂછપરછ કરી. બીજી  વારની પત્નીએ  ફરિયાદ કરી કે તેના  ધણીએ  પહેલા નિકાહ કરીને  બીબીને તલ્લાક આપી દીધા હતા. પછી બીજાં લગ્ન કર્યાં  જેનાથી તેણે  સાત સંતાનોને જન્મ આપ્યો.  ત્યાર પછી ગુપચુપ ત્રીજાં અને  ચોથાં લગ્ન  કરી લીધા.  આટલાં લગ્ન કર્યા  પછી ધરાયો ન હોય  ઓએમ પાંચમી  વાર પરણવા બેઠો એટલે એના જ સંતાનોએ  પીટાઈ  કરી. છાપે  ચડેલા આ કિસ્સાના ઉર્દુના  એક મશહૂર શાયરના શેરને જરા ફેરવીને  કહી શકાયઃ

લોગ તૂટ જાતે હૈ

એક શાદી કર કે,

તુમ્હે જરા ભી શર્મ નહીં આતી?

પાંચવી બાર દુલ્હા બન કે?

વડવાગોળ વરશિપ

એવો કયો  પાંખવાળો  જીવ છે  જેના ગુજરાતી  નામમાં  વડનું વૃક્ષ, હવા અને ખાવાનો ગોળ એ ત્રણેય આવી જાય?ે  એ શબ્દ  છે વડવાગોળ, વડ-વા-ગોળ. કેવો અર્થ નીકળ્યો?  પઁણ સામાન્ય  રીતે વડવાગોળ (ચામાચિડિયા)ને  અનર્થ   કરનાર અને અપશુકનિયાળ જ ગણવામાં આવે  છે. કોરોનાના વિનાશક વાઈરસે  આખી દુનિયાને ભરડામાં લીધી ત્યારે  પણ માનવામાં આવતું હતું કે  વાઈરસના  ફેલાવા  માટે વડવાગોળ (બેટ) જવાબદાર છે. ફિલ્મોમાં ચામાચિડિયાં ઊંધાં લટકતાં કે  આમથી તેમ  ઊડતાં  અને અફળાતાં  દેખાડવામાં   આવે છે.  બધા  ભલે ચામાચિડિયાની નફરત કરતા હોય , પણ બિહારમાં  એક જગ્યા છે  જ્યાં ચામાચિડિયા  પૂજાય છે.  વૈશાલી જિલ્લાના રાજ્યાકર પ્રખંડના સરસઈ ગામે લોકો વડવાગોળને રક્ષક માનીને  તેની પૂજા કરે છે. તેને સમૃદ્ધિનું   પ્રતીક પણ  ગણવામાં  આવે છે.   ગામના સદીઓ  પુરાણા  તળાવની  આસપાસના  વડ, પીપળા, બથુઆના  વૃક્ષો  પર   સેંકડો  ચામાચિડિયા વસવાટ કરે છે, અંગ્રેજીમાં  આને  બેટ-કોલોની  કહી શકાય.  આ તળાવનું   નિર્માણ રાજા શિવ સિંહે  ૧૪૦૨ની સાલમાં  કરાવેલું. આસપાસ કેટલાય મંદિરો  આવેલાં છે. એક હિન્દી અખબારના અહેવાલ મુજબ ગ્રામજનો કોઈ પણ  શુભકાર્ય શરૂ કરતાં પહેલાં  વૃક્ષો  પર શીર્ષાસન કરીને  લટકતા  આ ચમગાદડ-ચામાચિડિયાની પૂજા કરે  છે. ચામાચિડિયાની આ અનોખી  વસાહત જોવા દૂર  દૂરથી   લોકો આવે  છે. એવું કહેવાય  છે ને કે માણસ  જેનાથી ભય પામે  તેની ભક્તિ  કરતો આયો છે.  અત્યારની  ચુનાવી  રાજનીતિના  સંદર્ભમાં  કહીએ  તો  ગામના જે  માથાભારે લીડરની  સૌથી  વધુ ધાક  હોય તેને લોકો મત  આપતા હોય છે. આ વડવાગોળ  વરશિપ જોઈને  કહેવાનું મન થાય ક-

જેના ભયથી લોકો

દૂર જાય છે,

એ જ વડવાગોળ

બિહારમાં પૂજાય છે.

મંત્રીએ નશામુક્તિ કાર્યક્રમમાં આપ્યો  શરાબ પીવાનો સંદેશ

 નશામુક્તિના સમારંભમાં   મંચ પરથી   કોઈ  પ્રધાન જ દારૂ ગટગટાવવાનો  સંદેશ આપે ત્યારે  કેવી નવાઈ લાગે?  છત્તીસગઢના શિક્ષણ પ્રધાન   પ્રેમસાય સિંહ  ટેકામ  થોડા વખત પહેલાં જ  સરગુજા  જિલ્લામાં  આયોજિત   કાર્યક્રમમાં  ગયા. પછી મંચ  પર ચડી નશામુક્તિને  બદલે દારૂ કેમ પીવો તેની સાચી રીત  જણાવી.  મંત્રીજીએ  કહ્યું ક્યારેય એક શ્વાસે  ગટગટાવવો નહીં. શરાબમાં  પાણી નાખી ડાઈલ્યુટ કરી  ધીમે  ધીમે...  થોડી થોડી પીયા કરો... એમણે તો હરિવંશરાય બચ્ચનની  અમરકૃતિ  'મધુશાલા'ની  પંક્તિ   ટાંકીને  કહ્યું કે   ધર્મસ્થળો  ઝઘડા કરાવે  છે અને લોકોને વિખૂટા પાડે છે, જ્યારે  મધુશાલા તો મેળ કરાવે છે.મંત્રીજીના વકતવ્ય  બાદ ભારતીય  જનતા પક્ષે   તેમને માથે જોરદાર  પસ્તાળ પાડી. માત્ર દારૂના  સંદેશથી જાગેલો  વિવાદ જ  આ મંત્રીજીના   નામે બોલે છે  એવું નથી.  એમણે તો  રાજ્યની  ખાડાવાળી સડકના  ફાયદા  ગણાવતા  કહ્યું  હતું કે  હાઈવે પર ખાડાને  લીધે વાહનો  ધીમી ગતિએ  ચાલે છે,  એટલે અકસ્માત  ઓછા થાય છે. બોલો!આ કિસ્સો જાણીને  કહેવું પડે કે-

નેતા જ ઉઠીને  આપે

જો સલાહ પીવાની,

તો ન પીનારાને પણ 

બે ઘૂંટ લગાવવાની ઈચ્છા  થવાની.

દેશનું સર્વપ્રથમ

ભાષા સંગ્રહાલય

ભાષાને વળગે શું ભૂર

રણમાં જીતે તે શૂર.

 દરેકનો ઈતિહાસ છે, દેવવાણી સંસ્કૃતને  ભારતીય ભાષાની જનની કહેવામાં આવે છે, દેશની આ ભાષા સમૃદ્ધિથી દેશવાસીઓ  વાકેફ થાય અને ભાષાના  વિવાદોમાં  અટવવાવાને  બદલે ભાવથી  ભાષાને  ભજતા શીખે   માટે દેશનું  સર્વ પ્રથમ   ભાષા  સંગ્રહાલય  કલકત્તામાં  સ્થાપવાનું  છે. કલકત્તાની  નેશનલ લાયબ્રેરીના  પરિસરમાં   બેલ્વેડિયર  હાઉસમાં  કેન્દ્ર સરકારના   સાંસ્કૃતિક મંત્રાલય  તરફથી  એક વર્ષમાં  ભાષા-સંગ્રહાલય સ્થપાશે.  દેશની બાવીસ ભાષાનો ઉગમ અને  તેના વિકાસની યાત્રા લેંગ્વેજ મ્યુઝિયમમાં  દર્શાવવામાં  આવશે. આ ભાષાઓમાં ગુજરાતી, મરાઠી, સંસ્કૃત, કોંકણી, આસામી, બંગાળી, હિન્દી, કન્નડ,  કાશ્મિરી, મલયાલમ, મણિપુરી,  નેપાળી,  ઉડિયા, પંજાબી, સિંધી,  તામિળ, તેલુગુ, ઊર્દૂ, બોડો,  સંથાલી,  મૈથીલી અને ડોગરી ભાષાના સમાવેશ  કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં  પાલી અને  પ્રાકૃત જેવી  ભાષાઓ જે  આજે વપરાતી  નથી  તેનો પરિચય  કરાવવામાં  આવશે.  હસ્તલિખિત   દસ્તાવેજો,  હડપ્પન  સંસ્કૃતિના  શિલાલેખના નમુના,  તાડપત્ર પરનાં લખાણો,  ભાષાના  કુળ અને  મુળનો  પરિચય  વગેરેની  ઝાંખી   આ ભાષા  સંગ્રહાલયમાં  કરાવવામાં  આવશે.  આ ભાષા   સંગ્રહાલયને  જોઈને  મેં  શરૂઆતમાં   કહ્યો એ દુહો  ફેરવીને  કહી શકાશે કે-

ભાષાને  વળગજો જરૂર,

સંગ્રહાલયમાં જઈ ગેરસમજણ 

થશે દૂર.

પંચ-વાણી

ગુજરાતમાં  દારૂબંધી અને મહારાષ્ટ્રમાં કોઈબંધી નહીં એ માટેનું જોડકણું -

સૌરાષ્ટ્રમાં જામ-ખંભાળિયા

મહારાષ્ટ્રમાં ''જામ''-સંભાળિયા

Gujarat
English
Magazines