Get The App

દીપડો પહોંચ્યો પોલીસમાં .

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
દીપડો પહોંચ્યો પોલીસમાં                         . 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

પોલીસ ભલભલા માથાભારે ગુનાખોરોને હાથકડી પહેરાવીને પોલીસ સ્ટેશનમાં ઢસડી આવતી હોય છે. ખાખી વર્દીધારીઓે ૧૪મું રતન દેખાડે ને મેથીપાક જમાડે ત્યારે કડકાઈ દેખાડી કોલર ઊંચા રાખી ફરતા ગામના ઉતારો પણ હવાયેલા  પાપડ જેવા ઢીલા પડી જતા હોય છે. પરંતુ તામિલનાડુના નડુવટ્ટમ પોલીસ સ્ટેશનમાં સરપ્રાઈઝ વિઝિટરની એન્ટ્રી થતાંની સાથે જ ગણવેશધારીઓનો ગણગણાટ બંધ થઈ ગયો હતો અને સોંપો પડી ગયો હતો. આ સરપ્રાઈઝ વિઝિટર કોઈ ઉપરી અમલદાર નહીં પણ વિકરાળ દીપડો હતો.  પોલીસ સ્ટેશનમાં રાતના સમયે દબાતા પગલે દીપડો દાખલ થયો એ વખતે ફરજ પરના પોલીસોએ કોઈ પણ જાતનો પ્રતિકાર કરવાને બદલે સંયમ જાળવી શાંતિથી 'જૈસે થે' સ્થિતિમાં બેઠા રહ્યા હતા.  દીપડો જાણે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકશન માટે આવ્યો હોય એમ આમતેમ ફર્યો હતો અને પછી જાણે પોલીસોની કામગીરીથી સંતોષ થયો હોય એમ પૂંછડી હલાવતો હલાવતો બહાર નીકળી ગયો. આ ઘટનાને પગલે હવે રાત્રે જરાક અમથો ખખડાટ થશે તો હિન્દી વિરોધી તામિલનાડુ રાજ્યના સંબંધિત પોલીસ સ્ટેશનના ખાખીધારીઓની સ્થિતિ પેલા હિન્દી ગીત જેવી થશે: જરા-સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ... કહીં યે વો  (દીપડો) તો નહીં...

જ્યાં સાવકા પિતા પરણે પુત્રીને

ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ લડી પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવી બાંગ્લાદેશને  જન્મ આપ્યો એ જ બાંગ્લાદેશ  આજે ભારતનું દુશ્મન બની ગયું છેે. ત્યાંની પ્રજા પણ કેવી નમક હરામ ગણાય, કેવી કદરકૂટી કહેવાય? 'પહેલો સગો પાડોશી'એ ઊક્તિને ફેરવીને 'પહેલો દગો પાડોશી' અમલમાં મૂકી છે એ બાંગ્લાદેશમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડે એવી કુપ્રથાપરાપૂર્વથી ચાલી આવે છે. 

મંડી જનજાતિમાં એવી કુપ્રથા છે કે જ્યાં સાવકા પિતાનાં લગ્ન સાવકી પુત્રી સાથે થાય છે. આમાં એવું છે કે કોઈ નાની ઉંમરનો યુવાન મોટી ઉંમરની વિધવા સ્ત્રી સાથે લગ્ન કરે અને વિધવાને પુત્રી હોય તો લગ્ન વખતે જ નક્કી કરી લેવામાં આવે છે કે સાવકી પુત્રી મોટી થશે ત્યારે સાવકો પિતા તેની સાથે લગ્ન કરી શકશે. અગાઉના જમાનામાં સ્ત્રીનો પતિ મૃત્યુ પામે એ પછી વિધવા તરીકે તેણે યાતનામય  જીવ વિતાવવું પડતું હતું.  એટલે માતા અને પુત્રીનું ભવિષ્ય સુરક્ષિત રહે એ માટે આ કુપ્રથા શરૂ થઈ હશે એવું મનાય છે... પરંતુ એકવીસમી સદીના આધુનિક જમાનામાં આવી કુપ્રથા બાંગ્લાદેશીઓ કેમ ચલાવી લેતા હશે?

દાઢીને લીધે દિયરને બનાવ્યો ડિયર

દાઢી અને મૂછ તો મર્દાનગીની નિશાની છે. ગાડી આવે અને દાઢી આવે ત્યારે આનંદ થાય. ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ... એવી રીતે દાઢી આવવા માંડે એ પુખ્ત થવાનો સંકેત આપે છે  એટલે ફેરવીને ગાઈ શકાય કે દાઢી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ... લાંબી દાઢી, ટૂંકી દાઢી, ફ્રેન્ચ કટ દાઢી અને વ્યવસ્થિત ટ્રીમ કરેલી દાઢી ઉપર યુવતીઓને માહિત થતી જોઈ હશે... પરંતુ મેરઠ શહેરમાં દાઢીવાળો ધણી ગમતો ન હોવાથી એક યુવતીએ શૌહરને છોડી દીધો હતો અને દાઢી વગરના સફાચટ ચહેરાવાળા ક્લીન શેવ્ડ દિયર સાથે ભાગી ગઈ હતી. એટલે અણગમતી દાઢીવાળા વરને છોડી દિયરને ડિયર બનાવનારી આ કન્યાનો કિસ્સો જાણી કહેવું પડે કે- 

અજબ તેરી દુનિયા

ગજબ તેરા ખેલ,

શૌહર કો છોડકે

દેવર સે હોય ગયા મેલ.

પરમવીર ચક્રના પાયામાં પરદેશી નારી

ભારત-પાકિસ્તાની સરહદ પર અત્યારે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે યાદ આવે છે દેશની રક્ષા માટે કુરબાની આપનારા વીર  શહીદોની. ૧૯૬૫ના અને ૧૯૭૧ના  યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની લશ્કરને  પરાસ્ત કરી ધૂળ ચાટતું કરી દીધું હતું. કારગિલ યુદ્ધમાં આપણા જાંબાઝ જવાનોએ મોતની પરવા કર્યા વિના બલિદાનો આપ્યા હતા. શૂરવીરોને અનેકવિધ ચંદ્રકો એનાયત કરીને સન્માનવામાં આવ્યા. અનેક શહીદોને મરણોત્તર સન્માન પ્રદાન કરવામાં આવ્યું. આમાં પરમવીર ચક્રથી સન્માનિત થયેલા નરબંકાઓના શોર્યની ગાથા ફિલ્મો અને ટીવીની સિરિયલોમાં પણ અમર થઈ ગઈ.  ત્યારે ઘણાંને ખ્યાલ નહીં હોય કે પરમવીર ચક્રની ડિઝાઈન વિદેશી નારીએ તૈયાર કરેલી.  ૨૦મી સદીની શરૂઆતની વાત છે. સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મેલી ઈવા યોત્રે લિન્ડા નામની યુવતી એકવાર પિતા સાથે સમુદ્રતટ પર ફરવા ગઈ હતી એ વખતે ત્યાં ફરવા આવેલા ભારતીય સ્ટુડન્ટ્સના ગુ્રપ સાથે પિતાએ ઈવાનો પરિચય કરાવ્યો. આ ગુ્રપમાં એકદમ પ્રભાવશાળી યુવાન વિક્રમ રામંજી ખાનોલકર પણ હતો. ઈવા આ યુવાનથી ખૂબ જ પ્રભાવિત થઈ. પછી તો ખાનોલકર અને સાથીઓ ભારત પાછા ફર્યા. ભણતર પૂરૃં કરી વિક્રમ ખાનોલકર લશ્કરની સિખ બટાલિયનમાં જોડાઈ ગયા. આ દરમ્યાન વિક્રમ અને ઈવા વચ્ચે પ્રેમપત્રનો વ્યવહારચાલુ જ હતો. પિતા અને પરિવારના વિરોધ છતાં ઈવા ભારત આવી અને વિક્રમ ખાનોલકર સાથે ૧૯૩૨માં લગ્ન કરી લીધાં. તેણે પોતાનું નામ રાખ્યું સાવિત્રીબાઈ ખાનોલકર. સંસ્કૃત નાટકો, વેદ અને ઉપનિષદનો ગહન અભ્યાસ કરી તે વિદૂષી નારી બની ગઈ. 

એ વખતે ભારત-પાક યુદ્ધમાં શહીદ થયેલા શૂરવીરોને સન્માનિત કરવા માટે મેજર જનરલ હીરાલાલ અટ્ટલ એક એવો ચંદ્રક એનાયત કરવા માગતા હતા, જે ચંદ્રકની ડિઝાઈન ભારતીય ગૌરવને પ્રદર્શિત કરી શકે. સાવિત્રીબાઈ ખાનોલકરે  આ જવાબદારી સ્વીકારી અને તેમણે પરમવીર ચક્રની ગૌરવવંતી ડિઝાઈન તૈયાર કરી. આજે જ્યારે આ પરમવીર ચક્ર એનાયત કરવામાં આવે છે ત્યારે સહુ દેશવાસીઓના હૈયામાં આ ગીતની જ ભાવના પડઘાતી હશે: કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથિયોં, અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં...

દિલ ડ્રોન  ડ્રોન કરે જ્યાં જ્યાં મચ્છર ફરે

'દિલ હૂમ હૂમ કરે...' એ રૂદાલીના ગીતને સચરાચરમાં વ્યાપેલા મચ્છરાચરમાં  ફેરવીને ગાવું પડે કે - 'દિલ ડ્રોન ડ્રોન કરે... જ્યાં જ્યાં  મચ્છર ફરે...' ઘણાન ે સવાલ એ થાય કે ઉડતા મચ્છર અને ઉડતા ડ્રોનનો શું સંબંધ? તેનો જવાબ છે કે મુંબઈમાં મચ્છરોના ત્રાસને ડામવા માટે મહાપાલિકાએ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. મચ્છરના ત ેકાંઈ મેટર્નિટી હોમ તો ન જ હોયને? એટલે માદા મચ્છરાણીઓ કોઈ મકાનની અગાશીના ખૂણે, ઊંચી ટાંકીઓ પર, પાણીના હોજ પાસે કે પછી નાખી નજર ન પહોંચે એવી અટપટી કે ે જોખમી જગ્યાએ ઈંડાં મૂકીને મચ્છરોની આબાદી વધારતી જતી હોય છે. એટલે જ મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢવા માટે એકદમ અદ્યતન કેમેરા લગાડેલા ડ્રોન ઉડાવવાનો નિર્ણય લેવામાં  આવ્યો છે. મુંબઈની કાયમી 'મચ્છરાયણ'ની તકલીફનો અંત લાવવા માટે નવા નવા ઉપાયો અજમાવવામાં આવે છે, છતાં કાયમી મુશ્કેલીનો  અંત આવતો નથી.  હવે મચ્છરોનાં પ્રોડ્કશન સેન્ટરો પરથી ઉડતા  ડ્રોનમાંથી ડંખીલા ત્રાસવાદી મચ્છરોને ચેતવવા આવું પરેડી સોંગ વગાડવું જોઈએ-

અરે દીવાનોં મુઝે પહચાનો

મૈં હૂં કૌન મૈં હૂં કૌન,

મૈં હૂં મૈં હૂં મૈં હૂં ડ્રોન

ડ્રોન... ડ્રોન... ડ્રોન

મુંબઈમાં  ભલે મચ્છરને શોધવા માટે  ડ્રોન ઉડાડવામાં આવે, પણ ભારતે સેંકડો પાકિસ્તાની  ડ્રોનનો મચ્છરોની જેમ ખાતમો બોલાવી દીધો.

પંચ-વાણી

પાકિસ્તાનને કાયમ ધાકમાં

રાખી બનાવો ધાકીસ્તાન.

Tags :