Get The App

ઝટ જાવો કોરોના હાર લાવો ઘુંઘટ નહીં ખોલું રે...

- મેરા ભારત મહાન- અક્ષય અંતાણી

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News
ઝટ જાવો કોરોના હાર લાવો ઘુંઘટ નહીં ખોલું રે... 1 - image


જૂની રંગભૂમિનું એક ગીત ખૂબ જ ચગ્યું હતું ઃ ઝટ જાઓ ચંદન હાર લાવો ઘુંઘટ નહીં ખોલું રે...પણ કોરોનાએ તો અત્યારની વાસ્તવિક્ રંગભૂમિને તંગભૂમિમાં પલ્ટી નાખી છે.  કોરોનાની રસી શોધવા જેમ અનેક દેશો વચ્ચે હોડ લાગી છે એવી જ રીતે કોરોના વાઈરસ સામે રક્ષણ આપે એવાં માસ્ક, ફેસશિલ્ડ, સેનિટાઈઝરની માર્કેટમાં  પણ તડાકો પડયો છે. 

મોબાઈલમાં આરોગ્યસેતુ એપ  ડાઉનલોડ કરવાથી  ખુદને કોરોનાની અસર છે કે નહીં  એ તરત ખબર પડી જાય છે, એટલું જ નહીં નજીકથી પાર થતી વ્યક્તિ જો કોરોના પોઝીટીવ હોય તો પણ આરોગ્યસેતુ એપના માધ્યમથી સંકેત મળી જાય છે. હવે ો  મહારાષ્ટ્રમાં  ત્રણેક લાખની કિંમતના સોનાના માસ્ક જોવા મળ્યા એવી રીતે ભવિષ્યમાં દાગીનાની ડિઝાઈન ઉપર પણ કોરોનાની અસર દેખાય તો કહેવાય નહીં. કોરોના વાઈરસથી બચવા ચહેરા, આંખ, નાકને સ્પર્શ ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. પરંતુ આદત સે મજબૂર ઘણાં લોકો મોબાઈલમાં રિંગટોન સાથે કોરોનાથી બચવાની ચેતવણી સાંભળતા સાંભળતા પણ નાકમાં આંગળી ફેરવતા રહે છે કે આંખ ચોળતા રહે છે. એટલે જ કોરોનાથી બચવાની ચેતવણી સાથે  એવો અનોખો નેકલેસ અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ તૈયાર કર્યો છે.

જેટ પ્રોપલ્ઝન  લેબ દ્વારા તૈયાર થયેલો આ નેકલેસના લોકેટમાં  મોટા સિક્કાના આકારનું ઉપકરણ બેસાડવામાં આવ્યું છે જેમાં ઈન્ફ્રારેડ સેન્સર ગોઠવાયા છે.  આ લોકેટની આસપાસના ૧૨ ઈંચના વ્યાસમાં  જરાક હલચલ થાય કે તે વાઈબ્રેટ થાય છે અને સંકેત આપે છે.  ધારો કે કોઈ વ્યક્તિએ  આ નેકલેસ પહેર્યો હોય  એ જેવો પોતાનો હાથ નાક કે આંખને સ્પર્શ કરવા માટે ચહેરાની નજીક લઈ જવાનો પ્રયાસ કરે કે તરત  જ લોકેટમાં  કંપન પેદા થાય છે અને વ્યક્તિ સાવધ બની  જાય છે કે કોરોનાથી બચવું હોય તો નાક, આંખ કે મોઢાને સ્પર્શ ન કરવો જોઈએ. ભવિષ્યમાં  આવા કૈંક નેકલેસ અને દાગીના બજારમાં આવશે. ત્યારે  નવી રંગભૂમિની  લલના લટકા કરીને  ગાશેઃ ઝટ જાવો 'કોરોના' હાર લાવો ઘુંઘટ નહીંખોલું રે...

પગ વિના પેસન્જરઅને પરિવારનો ભાર ખેંચતો રીક્ષાવાળો

જેના હૈયામાં હામ હોય એને હિમાલ પણ નથી નડતો. ડગલે ને પગલે પડકારનો સામનો કરતા કૈંક હિંમતવાનને તમે જોયા હશે. ગમે એવી મુશ્કેલીનો સામનો કરી આગે કદમ બઢાવવામાં માનતા જાંબાઝ સફળતાને વરે છે.  પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણે (પૂના) પાસેના પિંપરી-ચિંચવડમાં  એક એવો અનોખો એકલવીર રિક્ષાવાળો છે જેને બે પગ જ નથી છતાં પેસેન્જરોનો અને પરિવારનો ભાર ખેંચે છે. નામ છે એનું નાગેશ કાળે, કામ છે એનું રિક્ષા હાંકવાનું બ્રેક અને એક્સિલેટર તથા કલચનો કન્ટ્રોલ રીક્ષાના હેન્ડલમાં જ છે. કારણ કે નાગેશને પગ તો છે નહીં એટલે પોતાની મેળે ટેકો  લઈ ડ્રાઈવરની સીટ ઉપર ચડી જાય છે અને સવારથી રાત સુધી રિક્ષા ચલાવીને જે ભાડાના પૈસા મળે એમાંથી માતા અને પત્ની તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. 

લગભગ સાતેક વર્ષ પહેલાં નાગેશ મુંબઈ ફરવા આવ્યો હતો. શહેરથી સાવ અજાણ્યા યુવાનને ખ્યાલ ન રહ્યો અનેપાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવતા બન્ને પગ ગુમાવી બેઠો. મહિનાઓ સુધી સારવાર ચાલી સાજો  થયા પછી જરા પણ હતાશ થયા વિના પોતાની રિક્ષામાં  જરૂરી ફેરફાર કરાવી ફેરા કરવા માંડયો. મક્કમ મનોબળ ધરાવતો આ યુવાન કોઈની દયા ઉપર જીવવા નહોતો માગતો એટલે જાત મહેનત ઝિંદાબાદ સૂત્ર અપનાવીને પગ વગર પણ મહેનત કરી પરિવારનું  ભરણપોષણ કરવા માંડયો.  એમાં તેની પત્ની અને માતાની ઓથ મળી. આમ આ રિક્ષાચાલકને  જ્યારે  લોકડાઉન દરમ્યાન મરાઠી ન્યુઝ ચેનલોએ પડદા પર દેખાડયો ત્યારે હતાશા અને નિરાશામાં  ધકેલાઈ  ગયેલા કેટલાયને માટે એ પ્રેરણારૂપ બની ગયો હશે તેમાં  કોઈ શક નથી. આ રિક્ષાવાળાની હિંમત અને મહેનત જોઈને  પ્રારબ્ધ કરતાં  પુરૂષાર્થને  આગળ સ્થાન આપતા શાયર કુંવર બેચેનના શેરની યાદ આવી જાયઃ

હથેલી કી લકીરોં સે

આગે હૈ ઊંગલિયાં?

રબને ભી  કિસ્મત સે આગે

આપ કી મહેનત રખી.

ઝટ જાવો કોરોના હાર લાવો ઘુંઘટ નહીં ખોલું રે... 2 - imageહાથીઓ માટે અનોખી વ્યાયામશાળા

કોરોના મહામારીને નાથવા માટે  કડક  લોકડાઉનના અમલ વખતે જિમ્નેશિયમો પણ બંધ  કરાવવામાં આવ્યા પછી  લોકો પાસે ઘરે જ કસરત કરવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો રહ્યો. માણસ માટે જિમની સુવિધા હોય એ જાણીને ખરેખર નવાઈ લાગેને? પરંતુ હાથીઓ માટેનું  આ કદાચ પહેલવહેલું જિમ ઉત્તરાખંડના રાજાજી નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં ઊભું કરવામાં  આવ્યું છે. આ નેશનલ પાર્કમાં વિશાળ એલિફન્ટ કેમ્પ  છે. પોતાના ઝૂંડથી છૂટા પડી ગયેલા હાથીના મદનિયાને  આ કેમ્પમાં લાવી સારસંભાળ લઈ તાજામાજા  કરી દેવામાં આવે છે. આ બધા મદનિયાને અને વિખુટા પડેલા હાથીઓને તાણયુક્ત ખુશખુશાલ રાખવા માટે જિમ રચવામાં આવ્યું  છે. 

આ એલિફન્ટ કેમ્પમાં  હાથીઓને ખાવાપીવાની તેમ જ  તબીબી સારવારની તમામ સુવિધા છે. છતાં પણ જંગલના પ્રાકૃતિક વાતાવરણમાં ફરવાનો આનંદ ઘણાં હાથીઓ નથી મેળવી શકતા એટલે તેમને  ખુશ રાખવા અને તાણમુક્ત રાખવા આ વ્યાયામશાળામાં રબ્બરના જંગી બોલથી, ટાયર રિંગથીરમવાની વ્યવસ્થા છે. હાથીઓ માટીમાં મસ્તીમાં આવી આળોટી પણ શકે છે.  બીજા પણ કસરતના જંગી સાધનો વસાવવામાં આવી રહ્યા છે.

એટલે જિમમાં એમનું મન પરોવાય તો તાણમુક્ત રહી શકે એવું પ્રાણીઓના ડોકટરનું કહેવું  છે. સરકસમાં હાથીઓને જાતજાતના ખેલ કરતા અને તોતીંગ ટ્રાઈસીકલ ચલાવતા ઘણાંએ જોયા હશે.  પણ હાથીઓને જિમમાં  જતા દોવા હોય તો ઉત્તરાખંડનો ધક્કો ખાવો પડે.એક ફિલ્મ આવી હતી. હાથી મેરે  સાથી. હવે કહી શકાય કે  જિમમાં કસરત કરે માણસના સાથી હાથી.

પંજાબના ગુરુદ્વારામાં  રમકડાના વિમાન ચડાવવાની માનતા

દેશભરમાં એવાં અગણિત મંદિરો હશે જ્યાં  શ્રદ્ધાળુઓ  તરફથી માનતા માનવામાં આવે છે  માનતા પૂરી થાય  એટલે શ્રીફળ, પ્રસાદ, ભેટવસ્તુ ચડાવવામાં આવે છે. કોઈની સંતાનસુખની માનતા પૂરી  થાય ત્યારે લાકડાના નાના ઘોડિયા પણ ચડાવવામાં આવે છે. પરંતુ કોઈ ધર્મસ્થાનમાં  રમકડાના ટચુકડાં પ્લેન ચડાવવામાં આવે એ સાંભળીને  ખરેખર આશ્ચર્ય થાય જોકે આ હકીકત છે પંજાબના એનઆરઆઈઈલાકા તરીકે જાણીતા   દોઆબા ક્ષેત્રની. એવી માન્યતા છે કે જાલંધર જિલ્લાના એક ગામના ગુરુદ્વારામાં  જઈને રમકડાના વિમાન  ચડાવવામાં આવે તો વિદેશ જવાની મનોકામના પૂર્ણ થાય છે. એટલે વિદેશમાં  સ્થાયી થવા માટે  ઈચ્છુક પંજાબી  યુવકો રવિવારે શ્રદ્ધાપૂર્વક ગુરુદ્વારામાં આવીને વિમાનોની ભેટ ચડાવે છે.

મનોકામના પૂરી થાય ત્યારે  સાચા વિમાનમાં બેસી પરદેશ ચાલ્યા જાય છે. હવે તો  આ ગુરુદ્વારામાં રમકડાના વિમાનોના રીતસર ઢગલાં  થાય છે. આજે પંજાબના શિખો  કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમિરાત સહિતના અનેક દેશોમાં જઈને સ્થાયી થયા છે. પંજાબ કેસરી રણજીતસિંહનું  રાજ ઠેઠ અફઘાનિસ્તાન સુધી હતું ત્યારે ઘણાં શિખો ત્યાં જઈને  વસી ગયા હતા. અફઘાનિસ્તાનમાં  દાયકાઓ પૂર્વે બંધાયેલા ગુરુદ્વારા પણ છે. શિખો અનેક દેશોમાં વસેલા છે અને જે તે દેશમાં દૂધમાં  સાકર ભળે એમ ભળી ગયા છે. આજે પણ આજીવિકા રળવા માટે વિદેશ દવા માટે પંજાબના યુવકો થનગનતા હોય છે. એટલે જ જાલંધરના તલ્હણ ગામના ગુરુદ્વારામાં માનતા માનવા માટે ટચુકડા  વિમાન લઈને આવતા શ્રદ્ધાળુઓનો વણથંભ્યો પ્રવાહ રહે છે. વિમાન ચડાવવાની માનતાને બદલે  વિ-માનતા કહી શકાય કે નહીં?

ઝટ જાવો કોરોના હાર લાવો ઘુંઘટ નહીં ખોલું રે... 3 - imageમુંબઈની ભાગોળે ભગવાન બુદ્ધનાં પગલાં

બુદ્ધમ શરણમ્ ગચ્છામિ ... ભગવાન ગૌતમ બુદ્ધ અહિંસા, શાંતિ અને  જીવદયાના સંદેશે સેંકડો  વર્ષ પહેલાં યુદ્ધ અને  હિંસાથી ગ્રસ્ત સમયમાં  ચંદનના લેપ જેવી ટાઢક  આપી હતી.પછી તો બૌદ્ધ ધર્મને ચીન, શ્રીલંકા, બર્મા અને કાંબોડિયા સહિત  અનેક દેશોમાં  પ્રસાર થયો હતો. પરંતુ વિધિની કેવી વક્રતા છે? જે ચીનમાં બૌદ્ધ ધર્મના અગણિત અનુયાયીઓ  વસે છે એ ચીનના આજીવન રાષ્ટ્રપતિ બની બેઠેલા શિ જિન પિંગ જ ભારત સામે  ફુંફાડા  મારવાની ઝુર્રત કરે છે.

પણ એનો ગજ વાગે એમ છે નહીં.બૌદ્ધ ધર્મના અન્ય દેશોમાં  પ્રસારનો મુદો આવ્યો ત્યારે યાદ આવ્યું કે કદાચ ઘણાંને ખબર નહીં હોય કે  ભગવાન બુદ્ધના મુંબઈની ભાગોળે સદીઓ પહેલાં પાવન  પગલાં થયા હતા એવું કહેવાય છે. લગભગ  બે-અઢી હજાર વર્ષ પહેલાં અત્યારના વિરારની બાજુમાં  આવેલા નાલાસોપારામાં પૂર્ણ નામના એક શ્રીમંત વેપારીએ ભવ્ય સ્તૂપ બંધાવ્યો  હતો. ત્યારે નાલાસોપારા શૂરપાર્ક બંદર તરીકે ઓળખાતું  હતું.

એવી લોકવાયકા છે કે આ ભવ્ય સ્તૂપના ઉદ્ઘાટન માટે ભગવાન બુધ્ધ આવ્યા હતા. પંડિત ભગવાનદાસ ઈંદરજીએ ૧૮૮૨માં  ઉત્પન્ન કરી આ સ્તૂપ શોધી કાઢ્યો હતો સ્તૂપમાંથી પથ્થરની પેટી, કાસ્કેટ,  સુવર્ણ મૂર્તિઓ અને મુદ્દાઓ મળી હતી. ઉપરાંત  બૌદ્ધ દેવ-દેવીઓની ધાતુની ૮ મૂર્તિઓ મળી હતી. અત્યારે આ બધી ચીજો મુંબઈના સંગ્રહાલયમાં  સુરક્ષિત રાખવામાં  આવી છે. અત્યારે તો આ ભવ્ય સ્તૂપ જાળવણીના અભાવે  ઈંટ-માટીના ઢગલામાં ફેરવાઈ ગયો છે.

એવું પણ કહેવાય છે કે સમ્રાટ  અશોકના રાજકુંવર ધર્મેન્દ્ર  અને  કુંવર સંઘમિત્રા બૌદ્ધ ધર્મના  પ્રચાર અને પ્રસાર માટે  દરિયાઈ માર્ગે શ્રીલંકા જવા  વહાણમાં નીકળ્યા ત્યારે શુરપાર્કના આ સ્તૂપમાં થોડો સમય રોકાયા હતા. મુંબઈની ભાગોળની ભૂમિ ભગવાન બુદ્ધના પગલાંથી પાવન થઈ હતી છતાં આ સ્તૂપની જાળવણી તરફ કેમ દુર્લક્ષ સેવાયું હશે? એ જ સવાલ થાય છે.

પંચ-વાણી

નડે ઈ સંત નહીં

પડે ઈ દંત નહીં

Tags :