Get The App

મહાનુભાવોને બદલે પ્રાણીઓ માટે રેડ-કાર્પેટ

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
મહાનુભાવોને બદલે પ્રાણીઓ માટે રેડ-કાર્પેટ 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

મહાનુભાવો અને મોટા ગજાના નેતાઓને વધાવવા માટે રેડ-કાર્પેટ બિછાવવામાં આવે છે, પણ પ્રાણીઓને માટે રેડ-કાર્પેટ પાથરવામાં આવે એ જાણી કેવી નવાઈ લાગે! આશ્ચર્યજનક હકીકત મધ્ય પ્રદેશના નેશનલ હાઈવેના નૌરાદેહી ટાઈગર પ્રોજેકટમાંથી પસાર થતા ૧૧.૯૬ કિમી હિસ્સાની છે. ગાઢ જંગલમાંથી પસાર થતા આ ભાગમાં રસ્તો ઓળંગતી વખતે વાઘ, દીપડા, હરણ, નીલગાય સહિતના વન્યજીવો  અવારનવાર વાહનોની અડફેટે આવી જતાં. એટલે જે હિસ્સામાં વધુમાં વધુ પ્રાણીઓની અવરજવર રહે છે એ ભાગમાં રેડ ટેબલ ટોપ બ્લોક માર્કિંગ ટેકનોલોજીની દેશમાં પહેલી જ વાર અજમાઈશ કરવામાં આવી છે. રસ્તા ઉપર લાલચટક રંગના ટેબલ ટોપ બ્લોક માર્કિંગ લગાડવામાં આવ્યાં છે. આ લાલ રંગના જાણે ટેબલ મેટ પાથર્યા હોય એવું જણાતા માર્કિંગને જોઈને વાહનચાલક સજાગ થઈને સ્પીડ ઘટાડી દે છે. લાલ બ્લોકની સાથે પાંચ મિલિમીટર જાડાઈની સફેદ રંગની લાઈન પણ તૈયાર કરવામાં આવી છે. એટલે આ લાઈનને લીધે રાતના સમયે જો વાહનચાલકને જરાક ઝોકું પણ આવી જાય તો લાઈનને લીધે વાહનમાં ધુ્રજારી અનુભવાતા એ સજાગ થઈ જાય છે. આ સિવાય વન્ય જીવો બેધડકપણે રસ્તો આળંગી શકે માટે ૨૫ સબવે બનાવવામાં આવ્યા છે. પ્રાણીઓના બચાવ માટે લેવામાં આવેલાં આ પગલાંને જોઈને કહેવું પડે કે-

અકસ્માતથી બચશે જ્યારે

 જનાવરોની જાન,

ત્યારે ખરા અર્થમાં ટાઈગર

પ્રોજેકટની વધશે શાન.

નાણાંની ચોરી કરવા જતા ફસાયો કાણાંમાં

કોઈ ધનની ચોરી કરે તો કોઈ ધૂનની ચોરી કરે, કોઈ નાણાંની ચોરી કરે તો કોઈ ખાણાની ચોરી કરે, કોઈ દિલની ચોરી કરે, તો કોઈ બિલની ચોરી કરે. આમ, 'ચોરી-ચોરી'નો ખેલ ચાલતો જ રહે છે. રાજસ્થાનના એક અનોખા કિસ્સામાં એક ચોર નાણાંની ચોરી કરવા ગયો અને ફસાઈ ગયો કાણામાં, બોલો! રંગીલા રાજસ્થાનના કોટા જિલ્લાના બારખેડા ગામે રાતના સમયે એક ચોર બાથરૂમમાં લગાડવામાં આવેલા એક્ઝોસ્ટ ફેનના બાંકોરામાંથી ઘૂસીને બંધ ફલેટમાં ચોરી કરવા ગયો. એનું માથું અને ધડ અંદર ગયું પણ કમર નીચેનો ભાગ ફસાઈ ગયો. બહાર પણ ન જવાય અને  અંદર પણ ન જવાય એવી દશામાં ચોર એવી બુરી રીતે ફસાયો કે રીતસર હાંફવા માંડયો. એટલે તેણે રાડારાડ કરી મૂકતાં મકાનના રહેવાસીઓ જાગી ગયા. તરત પોલીસને બોલાવી. પોલીસ ટીમે આવીને સૌૈથી પહેલાં તો બાંકોરાનો ભાગ તોડીને ચોરને બહાર કાઢ્યો અને પછી પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા. આશ્ચર્યની વાત એ છે કે આ શાતિર ચોર પોલીસનું સ્ટીકર લગાડીને કારમાં ચોરીને અંજામ આપવા આવ્યો  હતો. આ કાર પણ ચોરીની જ  હશે કે નહીં તેની પોલીસે તપાસ શરૂ કરી હતી. બાંકોરામાં ફસાયેલા ચોરને પોલીસે જ બચાવવો પડયો 

પોલીસ થાણામાં પઢાઈ

પોલીસ થાણાનું નામ પડતાની સાથે જ ખાખી વરદીમાં રોફભેર ફરતા કરડા અધિકારીઓ, ફરિયાદ નોંધાવવા માટે આજીજી કરતા ફરિયાદીઓ અને દંંડુકા પછાડીને ફરતા કોન્સ્ટેબલો નજર સામે તરવરે, પરંતુ આખા દેશમાં દિલ્હીના વેસ્ટ ડિસ્ટ્રીકટમાં આવેલું નારાયણા પોલીસ થાણું એકમાત્ર એવું થાણું છે, જયાં તમને વિદ્યાર્થીઓ શાંતિથી એકચિત્તે અભ્યાસ કરતાં જોવા મળે. નારાયણા થાણાની અંદર કોમ્પ્યુટરો, ફ્રી વાઈ-ફાઈ સુવિધા તેમ જ વિવિધ પુસ્તકો સાથેની સમૃદ્ધ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. શિખર સંગઠનના સહયોગથી પોલીસ સ્ટેશન પરિસરમાં  ચલાવવામાં આવતી આ લાયબ્રેરીમાં ૨૯૩ સ્ટુડન્ટ્સનાં નામ રજિસ્ટર્ડ થયેલાં છે. 

ડીસીપી વેસ્ટ શરદ ભાસ્કરના નિર્દેશ હેઠળ ચાલતી આ લાયબ્રેરીમાં બેસી એકાગ્ર ચિત્તે એકદમ શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને આગળ વધી રહ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓ તાજેતરમાં જ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. એક તરફ દિલ્હીની અમુક યુનિવર્સિટીના વિવાદ, વિખવાદ, વિરોધના મામલા પોલીસને ચોપડે ચડે છે, જ્યારે બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ચોપડા વાંચીને નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ  ઊંચે ને ઊંચે ચડે છે. આ જોઈને કહેવું પડે કે-

મધમાખીઓને બચાવવા પ્લાન-બી

ઉનાળામાં કોંકણની મધમીઠી આફૂસ કેરીનો સ્વાદ માણવાની કેવી મજા આવે? ઠંડીમાં સફરજન ખાઈને લોકો પોષણ મેળવે છે. સૌથી વધુ કાંદાનું ઉત્પાદન કરતા મહારાષ્ટ્રની ડુંગળીએ તો ચારે તરફ ડંકો વગાડયો છે, પણ અત્યારે કેરી, સફરજન અને ડુંગળીના પાક સામે જબરજસ્ત જોખમ ઝળુંબી રહ્યું છે, આનું કારણ છે મધમાખીઓની ઘટતી સંખ્યા. મધમાખીઓ ઘટવા માંડતા પરાગરજ (પોલીનેશન)ની પ્રક્રિયા પર માઠી અસર થઈ છે એટલે જ મધમાખીઓને બચાવવા માટે પુણેના અમિત ગોડસેએ ૨૦૧૪થી 'બી-બાસ્કેટ' યોજના શરૂ  કરેલી તેની સારી અસર દેખાવા લાગી છે. 

આ 'બી-બાસ્કેટ' યોજનાનો એક જ મકસદ છે કે મધમાખીઓને મારવાને બદલે બચાવી લેવાની. આ ધ્યેય સિદ્ધ કરવા ગોડસેએ ૨૫૦ બી-રેસ્કયૂઅરની ટીમ ઊભી કરી છે. જૂના મકનોની છત પર, બાંધકામના સ્થળે કે પછી શહેરોમાં વૃક્ષો પર મધપૂડા જોવા મળે કે બી-રેસ્કયુઅર તેને મૂળ જગ્યાએથી સુરક્ષિત સ્થળે લઈ જઈને તેનું પુનર્વસન કરે છે. થોડાં વર્ષ પહેલાં નાસિકમાં એક જંગી મધપૂડાને બચાવવા માટે ૩૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી અને ૧૨ કલાકની જહેમત બાદ મધપૂડાને સહીસલામત અન્યત્ર ખસેડયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ મધમાખીઓને બચાવતા મરજીવાઓની તારીફ કરી હતી. 

સાંજ પડે ત્યારે જમ્બો ડિનર માણે

'હાથી મેરે સાથી' નામની એક મજેદાર ફિલ્મ આવી હતી. જોકે કોઈ કોઈ રાજ્યમાં હાથી તોફાને ચડી ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરે, કાચાં ઘરો તોડી પાડે અથવા કોઈ ગ્રામજનને સૂંઢથી ઉપાડી નીચે પછાડી પગેથી કચડી નાખે એવા સમાચારો વાંચીએ ત્યારે મનમોન સવાલ થાય કે 'હાથી મારે શાથી?' કારણ કે હાથીઓનો  માનવ સાથે પરાપૂર્વથી મૈત્રીપૂર્ણ સંબંધ  રહ્યો છે. સદીઓ પહેલાં રણમેદાનમાં હાથીઓ મોખરે રહેતા. દક્ષિણના રાજ્યોમાં મંદિરોમાં હાથીને પાળવામાં આવે છે અને ધર્મયાત્રા વખતે શણગારીને ફેરવવામાં આવે છે. અગાઉ સરકસમાં પ્રાણીઓના ખેલ દેખાડવામાં આવતા ત્યારે ફૂટબોલ રમતા હાથીઓને જોઈ ખાસ કરીને બાળકો રાજી રાજી થઈ જતાં. 

લોકોના હાથીઓ તરફના આ આકર્ષણને લીધે જ તામિલનાડુના બંદલૂર ઝૂમાં હાથીઓને સાંજ પડતાની સાથે જ ભોજન કરાવવામાં આવે છે. ઝૂના મુલાકાતીઓ અને પર્યટકો જોઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાથીઓને માટે ઉકાળેલા ચોખા, નારિયેળ, કુલ્થી, શેરડી અને ખાસ મિનરલ્સની બનાવટ કરીને ભોજન તૈયાર કરવામાં આવે છે. હાથી સૂંઢથી ખાવાનું ઉપાડીને મોઢામાં મૂકી કચડ... કચડ...અવાજ કરતા કરતા ખાવા માંડે છે એ જોઈને બચ્ચા પાર્ટી રાજી થઈને તાલીઓ પાડે છે અને ચિચિયારીઓ પાડે છે. પરિવારજનો જમ્બો ડિનરના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં ઝડપી લે છે  અને સહુને માટે હાથીના જમ્બો ડિનરની ઘટનાના સાક્ષી બનવાની ક્ષણો યાદગાર બની રહે છે. 

પંચ-વાણી

કીડીને કણ

હાથીને મણ

કબૂતરને ચણ

માણસને ચણ-ભણ.