For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાની ચુસ્કી ન લો, ચાને ચગળો .

Updated: Feb 16th, 2024

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

હિમાલયના બર્ફીલા પહાડો વચ્ચે, રાજસ્થાનના બળબળતા રેગીસ્તાનમાં કે પછી સુંદરવનનાં દુર્ગમ જંગલોમાં જીવના જોખમે ફરજ બજાવતા જવાનોને ચાની તલપ લાગે તો શું કરે? આવી સ્થિતિમાં કંઈ પ્રાઈમસ સળગાવી, પાણીમાં ચાની પત્તી ઉકાળી, દૂધ નાખી કડક-મીઠી ચા બનાવવા થોડું જ બેસાય છે? ચાની આવી ખરેખરી તલપ છીપાવવા માટે આસામના ટોકલાઈ ટી રીસર્ચ સેન્ટરના વિજ્ઞાાનીઓએ ચાની પત્તીમાંથી ટેબ્લેટ  (ગોળી) તૈયાર કરી છે અને ચાનો અર્ક કાઢી પ્રવાહી બનાવ્યું છે. ટેબ્લેટ બે જાતની તૈયાર કરવામાં આવી છે. ચા પીવાની ઈચ્છા થાય તો એક ગોળી ચગળવાથી કપ ચા પીધી હોય એવો કાંઠો આવી જશે. બીજી ટેબ્લેટ એક કપ ગરમ પાણીમાં નાખતાની સાથે જ ચા તૈયાર થઈ જશે. ચાની પત્તીમાંથી અર્ક કાઢીને જે લિક્વિડ કોન્સન્ટ્રેટ બનાવવામાં આવ્યું છે એ પ્રવાહીનું એકાદ ટીપું ગરમ પાણીમાં  નાખતાંની સાથે જ ગરમાગરમ આસામી ટી તૈયાર થઈ જાય છે. આમ, સૈનિકોની ચાની તલપ છીપાવશે આ ચાની ગોળીઓ. ઈન્ડો-ચાયના બોર્ડર પર તહેનાત જાંબાઝ જવાનો સરહદની રક્ષા કરતા વટથી કહેશે કે-

અમને શું ડરાવવાની

ચાયનાની 'ગોળીઓ'?

ચીનાઓને ચીત્ત કરશું

ચગળી ચાયની ગોળીઓ.

બાર બાર વર્ષ બીબીને બંદીવાન બનાવી રાખી

વગર કારણે વહુ ઉપર કરે શંકા, એવાં ધણીને પાડો ઉઘાડા વગાડીને ડંકા... આ દો-લાઈના જીભે ચડે એવા એક જાલીમ વરનો કિસ્સો છાપે ચડયો હતો. કર્ણાટકના મૈસૂરમાં એક શંકાશીલ પતિએ તેની પત્નીને બાર-બાર વર્ષ સુધી ઘરમાં કેદ કરીને રાખી હતી. ટોઈલેટ ઘરની બહાર હતું, એટલે શૌચક્રિયા માટે સુદ્ધાં પત્નીને ઘરની બહાર પગ મૂકવા નહોતો દેતો. વહુને રૂમમાં જ એક લાકડાનું ખોખું આપી દીધું હતું, એમાં જ બિચારી શૌચક્રિયા કરી લેતી. આ શંકા-પતિ પોતે જ ખોખું સાફ કરીને પાછું મૂકી દેતો. ધણી કામધંધે જાય ત્યારે ઘરને બહારથી તાળું મારીને જતો. બે બાળકો સ્કૂલેથી આવે તો ઘરની બહારના કમ્પાઉન્ડમાં દફતર મૂકીને રમતા રહેતાં. કોઈને શંકા ગઈ કે ઘરમાંથી કોઈ સ્ત્રી બહાર દેેખાતી નથી અને બાળકો બહાર રમતાં રહે છે એનું શું કારણ? વધુ તપાસ કરતાં ખબર પડી કે ધણીએ જ વહુને બાર વર્ષથી કેદમાં રાખી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે છાપો મારીને મહિલાને નરકની યાતનામાંથી છોડાવી અને જાલીમ પતિની ધરપકડ કરી. આ અત્યાચારીએ વહુને જન્મટીપમાં જ રાખી કહેવાયને? આ શંકાશીલ પતિને જોઈને કહેવું પડે કે-

હાથે કરીને આવકારે

જે આપત્તિ,

એ કાં લંકા-પતિ

ને કાં શંકા-પતિ.

શ્વાનને તોળ્યો ગોળથી

ઘણી વાર મોટા નેતાઓને રજત-તુલા વિધિ કરી ત્રાજવે બેસાડી એમનાં વજન જેટલી ચાંદીથી જોખવામાં આવે છે. ક્યારેક કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે શ્રીફળથી તોળવામાં આવે છે, પરંતુ તેલંગણાના વારંગલમાં રહેલા એક શ્વાનપ્રેમી પરિવારે પોતાનો માંદો પડેલો ડોગી સાજો થઈ જાય એ માટે દેવીના મંદિરમાં જઈ ખાસ અનુષ્ઠાન કર્યું અને ત્રાજવાના એક પલડામાં શ્વાનને બેસાડયો અને બીજીમાં ગોળના ભીલા ગોઠવીને ગોળ-તુલા કરી હતી. ત્યાર પછી દેવી સમક્કા સારાલમ્માને પ્રાર્થના કરી હતી કે પેટ-ડોગ સાજો થઈ જાય. થોડા દિવસમાં શ્વાનની તબિયત સુધરવા માંડી. ડોગી તાજોમાજો થઈ ગયો ત્યારે ફરીથી તેને દેવીના મંદિરે લઈ જવામાં  આવ્યો અને ફરીથી ગોળથી તોળવામાં આવ્યો. 

પાળેલાં પ્રાણી પરિવારના સભ્ય જ બની જતાં હોય છે. આમાં એવું છે કે રઝળતાં કૂતરાં ભસી-ભસી મરતા હોય છે, જ્યારે પાળેલા શ્વાન જલસા કરતા હોય છે. જોકે આજે કેટલીય જીવદયા પ્રેમી સંસ્થાો રખડતૉ કૂતરા-બિલાડાની પણ સંભાળ રાખે  છે. આ જોઈને કહેવું પડે કે-

જે શ્વાનને પાળે

એ વ્હાલથી પંપાળે, 

પણ ખરા સેવકો તેને કહેવાય

જે રઝળતા કૂતરાને સંભાળે.

ગોવાની ગોરી ફફડાવે ગોરાની ભાષા

ઈંગ્લિશ ટોકિંગ, ઈંગ્લિશ જોકિંગ, ઈંગ્લિશ રોકિંગ... ભણેલ પણ ગણેલ નહીં એવા કેટલાય અંગ્રેજી  ભાષાનો આફરો ચડયો હોય એમ ઈગ્લિશમાં જ ફાડમ્ફાડ કરીને રોફ જમાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ અંગ્રેજી એજ્યુકેેટેડ લોકો જ બોલી શકે એવું નથી. કેટલાક અભણ એવા મળે છે, જે ભણેલાનું માથું ભાંગે એવું ઈંગ્લિશ બોલે છે. આનો તાજો જ દાખલો ગોવાના બીચ ઉપર બંગડીઓ વેચતી મહિલાનો છે. ફોરેન ટુરિસ્ટો  સાથે અસ્ખલિત ઈંગ્લિશ બોલતી આ બંગડી વેંચનારીની વીડિયો ક્લિપ વાયુવેગે વાઈરલ થયા પછી તો ગોવા ફરવા જાય એ ટુરિસ્ટો ખાસ આ લેડીને જોવા જાય છે. જોકે ગોવાના જુદા જુદા બીચ ઉપર રમકડાં, પરચુરણ ચીજો અને હસ્તકલાની વસ્તુઓ વેચનારા તરૂણો અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, અરબી, જર્મન સહિતની વિદેશી ભાષાઓ કડકડાટ બોલતા સાંભળવા મળે છે. આ બધા કોઈ સ્કૂલ-કોલેજમાં ગયા નથી. ફક્ત ગોવા આવતા ટુરિસ્ટો સાથે ઈન્ટરેેક્શન કરીને આપબળે વિદેશી ભાષાઓ બોલવા માંડયા છે. માતૃભાષાનું બેશક સન્માન થવું જોઈએ, પરંતુ બીજા કોઈ પ્રાંતની ભાષા કે પછી એકાદ ફોરેન લેંગ્વેજ આવડી જાય તો કેટલો ફાયદોે થાય! એટલે જ કહેવું પડે કે- 

માતૃભાષા સાથે નિભાવો

અન્ય ભાષાનો સંગ,

ભલેને પછી મધ્યરંગની જેમ

આવડી જાય અધરટંગ!

ફકત એક રૂપિયામાં લગ્ન અને હેલિકોપ્ટરમાં  કન્યા-વિદાય

સામાન્ય રીતે લગ્નની વિધિ પૂરી થયા પછી 'બાબુલ કી દુવાએ લેતી જા... જા તુઝકો સુખી સંસાર  મિલે...' એવી બેન્ડવાજામાંથી રેલાતી સૂરાવલી વચ્ચે કન્યાને શણગારેલી કારમાં, ચાંદી મઢેલી બગીમાં કે પછી ટ્રેનમાં વિદાય આપવામાં આવે છે, પરંતુ રાજસ્થાનમાં એક કોડીલી કન્યાને જ્યારે હેલિકોપ્ટરમાં વિદાય આપવામાં આવી ત્યારે ઉડનખટોલામાં કન્યા-વિદાયને મન ભરી જોવા માટે સેંકડો ગ્રામજનો ભેગા થયા હતા. આ એક અસામાન્ય લગ્નપ્રસંગ કહેવાય. રાજસ્થાનના ચુરૂ ગામના વતની આઈપીએસ ઓફિસર દેવેન્દ્ર કુમારનાં લગ્ન ભરતપુરની આઈએએસ અધિકારી અપરાજિતા સાથે થયાં હતાં. લગ્નમાં પૈસાનો ધુમાડો કરી ઠાઠમાઠ કરવાને બદલે માત્ર એક રૂપિયો અને શ્રીફળ આપી લગ્નવિધિ પાર પાડવામાં આવી હતી, પરંતુ કન્યાનાં માતા-પિતાની ઈચ્છા હતી કે વ્હાલી દીકરીને હેલિકોપ્ટરમાં વિદાય આપવી છે. એટલે લગ્ન પૂરાં થયાં પછી સાજન-માજન સાથે સહુ હેલિપેડ ઉપર આવ્યા હતા અને પછી વર-કન્યાને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવ્યાં હતાં. નવદંપતીને લઈને જયારે હેલિકોપ્ટર ઉડ્ડયન કર્યું ત્યારે સહુએ તાળીઓનો ગડગડાટ કર્યો  હતો અને હર્ષભેર ચિચિયારી પાડી હતી. કન્યાનાં મા-બાપ મનોમન એવી જ દુવા કરતાં હશે કે-

લાડકી દીકરીને લઈને

ઉડયું 'હેલી',

હવે એના જીવનમાં પણ આવે

હર્ષની હેલી.

પંચ-વાણી

વિપક્ષી પક્ષીઓની

અહીં બી હાર

ત્યાં બી હાર

બિહારમાં બી-હાર.

Gujarat