Get The App

શાન કી સવારી : બેંગલુરુની હરતી ફરતી લાયબ્રેરી

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
શાન કી સવારી : બેંગલુરુની હરતી ફરતી લાયબ્રેરી 1 - image

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

વેણીભાઈ પુરોહિતનું મશહૂર ગીત છેઃ 'તારી આંખનો અફિણી, તારા બોલનો બંધાણી...' આ ગીતનું મુખડું થોડું ફેરવીને આજના સંદર્ભમાં આ રીતે ગાઈ શકાયઃ 'તારી આંખનો અફિણી, મોબાઈલનો બંધાણી...' કારણ કે મોબાઈલના સહુ બંધાણી બની ગયા છે. કાર ચલાવતા, ટ્રેન-બસમાં પ્રવાસ કરતા કે પછી ટેક્સી-રિક્ષામાં જતા લોકોની નજર મોબાઈલમાં જ ચોંટેલી હોય છે, પરંતુ બેંગલુરુના એક રિક્ષાવાળાએ ટ્રાફિક જામમાં ફસાતા લોકો મોબાઈલમાં જ જોયા ન કરે, એને બદલે સારૂં વાંચન કરે એટલા માટે પોતાની રિક્ષામાં જ નાની લાયબ્રેરી બનાવી દીધી છે. બેંગલુરુ ટ્રાફિક જામની સમસ્યા માટે પંકાયેલું છે. એટલે જ અક્ષય ચકલબેદી નામના રિક્ષાચાલકે રિક્ષાની અંદર જ રેક લગાડીને નાનકડી લાયબ્રેરી બનાવી છે. આ લાયબ્રેરીમાં હળવા વાંચનની, મોટીવેશનની અને જોક્સની ચોપડીઓ રાખી છે. રિક્ષાની પાછળ લખેલું છે - 'ઓટો લાયબ્રેરી એન્ડ થોટસ'. હિંદી ભાષામાં શિક્ષાનો અર્થ થાય છે શિક્ષણ. એટલે સિક્ષણના અર્થમાં જ કહી શકાય કે-

તમે ભાડે કરો અનોખી રિક્ષા,

પછી ટ્રાફિકમાંથી છૂટવાની 

હોય પ્રતિક્ષા

તો ઓટોમાં બેસી મેળવો  શિક્ષા.

ડેથ સર્ટિફિકેટ નહીં પણ બહેનનું હાડપિંજર બેન્કમાં લઈ ગયો

આ દેશમાં બેન્કોનો પણ અજબ કારભાર છે. સામાન્ય ખાતેદારને ઓળખ પુરવાર કરવા કેવાયસીની પળોજણ કરવી પડે છે જ્યારે બીજી તરફ બેન્કના ખજાના ખાલીખમ્મ કરીને પરદેશ ભાગી જતા ભાગેડુઓ જલ્સા કરે છે. આ પરિસ્થિતિમાં ઓડિશાના કયોંઝર શહેરની બેન્કમાં ભલભલા ધુ્રજી જાય એવી ઘટના બની હતી. એક વૃદ્ધ આદિવાસી તેની મૃત બહેનનું માથું થેલીમાં નાખીને અને હાડપિંજર ખભે ઉપાડીને બેન્કમાં પહોંચ્યો હતો, આ જોઈને બેન્કનો સ્ટાફ થથરી ગયો હકતો. 

વાત જાણે એમ હતી કે જીતુ મુંડા નામના આદિવાસીની બહેન થોડા સમય પહેલાં મૃત્યુ પામી હતી, આ બહેનના ખાતામાં વીસ હજાર રૂપિયા હતા. મુંડાએ આ પૈસા કઢાવવા કેટલીય વાર બેન્કના ધક્કા ખાધા, પણ અધિકારીઓ એક જ નાડું પકડીને બેઠાં હતાં કે ખાતાધારકને હાજર કરો અથવા મૃત્યુ પામી છે તેની સાબિતી આપો. અભણ આદિવાસી શખસ એક જ જવાબ સાંભળીને એવો કંટાળ્યો કે બે મહિના પહેલાં મૃત્યુ પામેલી બહેનનું હાડપિંજર જમીનમાંથી ખોદી કાઢ્યું અને એક થેલીમાં ખોપડી મૂકી અને કોથળામાં હાડપિંજર વિંટાળીને બેન્કમાં પહોંચ્યો અને બેન્કવાળાને  હાડપિંજર દેખાડી કહ્યું કે આ લ્યો મારી મૃત બહેનનો પુરાવો, હવે તો માય-બાપ પૈસા આપો? 

બેન્કવાળાએ પોલીસને જાણ કરી એટલે પોલીસની ટીમ દોડી આવી. પછી બેન્કવાળાએ અને પોલીસે વૃદ્ધને ધરપત આપી કે બહેનના ખાતામાંથી પૈસા કઢાવીને તેને સુપરત કરવામાં આવશે. હૈયાધારણ મળતાં આદિવાસી ત્રણ કિલોમીટરનો પંથ કાપી હાડપિંજર લઈને ગામ પહાત્ચ્યો હતો અને ફરીથી બહેનને દફનાવી હતી. આમ તો અવારનવાર જુદી જુદી ેબેન્કોના ભ્રષ્ટાચાર છાપે ચડીને પોકારતા હોય છે, બેન્કોના કબાટમાંથી 'હાડપિંજર' નીકળતા હોય છે એવું કહેવાય છે. પણ કોઈ ખરખેર હાડપિંજર લઈને બેન્કમાં પહોંચે એ  અભણ, અબૂધ આદિવાસીની કેવી લાચારી કહેવાય...

પોપટ મીઠું બોલે અને દાડમ ઠોલે

જગંલી હાથી કે જંગલી ભેંસ ખેતરોમાં ઘૂસીને પાક ખેદાનમેદાન કરી નાખે ત્યારે જેનું ખેતર હોય એ ખેડૂતને સરકાર તરફતી નુકસાની પેટે વળતર ચૂકવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક અનોખા કેસમાં જંગલી પોપટોએ એક ખેડૂતના  ફળના બાગમાં ત્રાટકી કેટલાય દાડમ સફાચટ કરી ગયા હતા. વળતર મેળવવા માટે પીડિત ખેડૂતે કોર્ટમાં ધા નાખતા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ખેડૂતને વળતર ચૂકવવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. સરકારે એવી દલીલ કરી હતી કે હાથી કે જંગલી ભેંસ જેવા પ્રાણી પાકને નુકસાન પહોંચાડે ત્યારે જ સરકાર નુકસાની ચૂકવવા માટે બંધાયેલી છે. હાઈકોર્ટે  આ દલીલ નકારતાં જણાવ્યું હતું કે સંરક્ષિત પ્રજાતિ દ્વારા પહોંચડાયેલા  ુનુકસાન બદલ ખેડૂતોને વળતર ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો કદાચ એવાં પગલાં લેવા પ્રેરાય જેને કારણે વન્યજીવોને નુકસાન પહોંચી શકે છે.  આમ વડી અદાલતે દાડમના ૨૦૦ વૃક્ષોને થયેલા નુકસાન બદલ વૃક્ષ દીઠ ૨૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. 

આના પરથી કહી શકાય કે પોપટ મીઠું મીઠું બોલે અને દાડમ ઠોલે અને જ્યારે વળતર ચૂકવવાની વાત આવે ત્યારે સરકાર શું બોલે?

શાન કી સવારી : બેંગલુરુની હરતી ફરતી લાયબ્રેરી 2 - image

પતિએ રસો માગતાં પત્નીએ  રહેંસી નાખ્યો

સામાન્ય રીતે ભોજનમાં રસાવાળું શાક પીરસાયું હોય અને રસો બહુ ટેસ્ટી બન્યો હોય તો આપણે કહીએ છીએ કે થોડો રસો આપજોને? પરંતુ તલંગણાના કામારેડ્ડી શહેરમાં રસાની બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલાં ઝઘડાએ એવો વસમો વળાંક લીધો કે વિફરેલી પત્નીએ છરાના ઘા મારી ધણીને રહેંસી નાખ્યો હતો. 

મૃતક શખસ ભંગારનો ધંધો કરતો હતો અને દારૂ પીવાની આદત હતી. નશામાં કાયમ પત્ની પર અત્યાચાર ગુજારતો હતો. બનાવને દિવસે તે જમવા બેઠો ત્યારે શાકનો રસો માગ્યો. પત્નીએ કહ્યું રસો બનાવ્યો જ નથી. આ સાંભળી પતિનો પિત્તો ગયો અને ઝઘડો કરવા માંડયો. પતિના કકળાટથી વિફરેલી પત્નીએ છરો ઉપાડી પતિ પર ઉપરાઉપરી વાર કર્યા હતા. પતિ ઢગલો થઈ પડી ગયો હતો અને ત્યાં જ એનાં રામ રમી ગયા હતા. 

આ અરેરાટીપૂર્ણ ઘટના વિશે જોણીને કહેવું પડે કેઃ

રસો માગતા ધણીને નાખ્યો રહેસી,

ધણિયાણી કેવી ક્રૂર, 

કેવી વહેશી!

શાન કી સવારી : બેંગલુરુની હરતી ફરતી લાયબ્રેરી 3 - image

પતિને સાજો કરવા પત્નીએ પોતાની જીભ કાપી

પતિ-પત્ની વચ્ચે ક્યારેક ઝઘડો થાય ત્યારે વરજી ગુસ્સામાં પોતાની વહુજીને કહેતા હોય છે કે તારો જીભડો બહુ લાંબો છે... પરંતુ ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક મહિલાએ  બીમાર પતિ સાજો થઈ જાય એ માટે જીભ કાપીને દેવીને ચરણે ધરી હતી.  

હરદોઈ જિલ્લામાં બાવનચુંગી ગામની ઉષા નામની મહિલાના પતિને પક્ષાઘાત થયો હતો. પતિ માંદગીને ખાટલેથી ઉઠે એ માટે તેણે માનતા માની હતી. મહિલા કાલી મંદિરમાં ગઈ હતી. પૂજા-આરતી વખતે તેણે જીભ કાપીને કાલીમાતાને ચરણે ધરી દીધી હતી. આ ઘટનાની જાણ થતા તરત જ પોલીસ દોડી આવી હતી અને લોહીલુહાણ થઈ ગયેલી મહિલાને ઈલાજ માટે તત્કાળ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પંચ-વાણી

સાચા સંતોની-સંતવાણી

સ્ટંટબાજોની- સ્ટંટવાણી

આખાબોલાની- બ્લન્ટવાણી

મુક્કા જેવી લાગે-'પંચ'-વાણી.