તવ વાયુવાન અવસ્થિત...: વિમાનમથક પર સંસ્કૃતમાં ઉદ્ઘોષણા


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

એરપોર્ટ ઉપર સામાન્ય રીતે  હિન્દી અને અંગ્રેજીમાં  એનાઉન્સમેન્ટ  સાંભળવા  મળે છે,  પરંતુ વારાણસીનું  એરપોર્ટ  દેશનું  પહેલું એવું  વિમાનમથક  છે જ્યાં  સંસ્કૃતમાં  એનાઉન્સમેન્ટ સાંભળવા મળે છે.  બનારસ હિન્દુ યુનિવર્સિટીના સહયોગથી    એરપોર્ટ  ઓથોરિટી ઓફ  ઈન્ડિયાએ   સંસ્કૃતમાં  ઉદ્ઘોષણાની  પહેલ કરી છે. વારાણસીના લાલબહાદુર  શાસ્ત્રી  આંતરરાષ્ટ્રીય  વિમાનમથક  પર હિન્દી  અને અંગ્રેજી  બાદ હવે  સંસ્કતમાં કોવિડ-૧૯ પ્રોટોકોલની સમજ આપતી ઉદ્ઘોષણા  સંસ્કૃત ભાષામાં  કરવામાં આવે છે. સંસ્કૃત ભાષા પુનર્જિવિત  કરવા માટેની  આ પહેલને   ઘણાએ  વધાવી છે  તો કેટલાક  વાંકદેખાએ  વખોડી પણ છે. વાંકદેખા  કહે છે કે આવાં નુસ્ખા અજમાવવાથી  કાંઈ સંસ્કૃત ભાષાને ઉત્તેજન  મળશે?  વારાણસીની  પ્રાદેશિક  ભોજપુરી  ભાષામાં  કેમ ઉદ્ઘોષણા  નથી કરતા?  જેટલાં ભેજા એટલી ભેજામારી. બાકી તો સંસ્કૃતને દેવવાણી કહે છેને? કોઈ અવળચંડાએ ટકોર કરી કે સંસ્કૃત ભાષા બોલચાલમાં વપરાતી નથી,  એટલે  એને દેવવાણીને બદલે  પતિ-દેવવાણી કહેવી જોઈએ. કારણ પરણીને પતિ બને એ પતિદેવની  વાણી પણ ક્યાં સંભળાય છે.

જંગલ ખાતાના અફસરોને ફરજિયાત વનપ્રવેશનું  ફરમાન

ચાહે કોઈ મુઝે  જંગલી કહે... કહને દો જી કહતા રહે... શમ્મી કપૂરનું  'જંગલી' ફિલ્મનું  આ તોફાની ગીત આજે પણ લોકો  ભૂલ્યા નથી, પણ કર્ણાટકના  મુખ્યપ્રધાન  વસવરાજ  બોમ્મઈએ   જંગલ ખાતાના  મુખ્ય  સચિવ  સહિત તમામ અધિકારીઓને   મહિનામાં  ઓછામાં આછો ૧૫ દિવસ જંગલમાં ગુજારવાનું  ફરમાન  કર્યું છે. આલીશાન એ.સી.  ઓફિસોમાંથી  બહાર નીકળી  મહિનામાં  એક  પખવાડિયું   જંગલમાં  ગુજારવાનું  સરકારી બાબુઓને આકરું તો લાગશે, પણ આદેશનું પાલન કર્યા વિના છૂટકો  નથી. આટલા બધા દિવસ જંગલમાં  ગુજારશે એટલે   કોઈ એમને  જંગલી થોડા જ  કહેશે?  એમણે તો જંગલમાં જઈ  મંગલ કરવાનું  છે. વનક્ષેત્રમાં  કાર્યરત  અધિકારીઓ  અને કર્મચારીઓનું   મનોબળ   પણ ઉચ્ચ અફસરોની  હાજરીને  લીધે વધશે. મુખ્ય પ્રધાન કહે છે કે ઉચ્ચ અધિકારીઓ  બેંગલોરમાં  જ પડયા-પાથર્યા   રહે છે અને  ચેમ્બરો  ને કેબિનોમાંથી  બહાર નથી નીકળતા. આ રીતે વન ખાતાનો કારભાર થોડો જ ચાલે? સરકારે લક્ષ્ય  નિર્ધાર્યું  છે કે  આગામી પાંચ વર્ષમાં  વનક્ષેત્રને ૨૩ ટકાથી   વધારી ૩૦  ટકા કરવામાં  આવશે.   સરકારી બાબુઓને   ફરજિયાત   વનપ્રવેશ  કરાવવાના આ ફરમાનના સમાચાર  જાણીને  કહેવું પડે કે-

સરકારી ફરમાન સામે

ક્યાં કોઈ વિકલ્પ છે ખાસ?

આ-રામ છોડીને 

રામ જેમ વેઠવો પડશે વનવાસ.

લે જાયેંગે 'પૂંછવાલે' દુલ્હનિયા લે જાયેંગે

લે જાયેંગે લે જાયેંગે 'પૂંછવાલે' દુલ્હનિયા  લે જાયંેગે... ઉત્તર પ્રદેશમાં  લગ્નની  જાન નીકળી  હતી અને બ્રાસ-બેન્ડવાળા  એક એકથી ચડે  એવી ઝમકદાર  ધૂન વગાડતા હતા.  જાનૈયા  રંગમાં  આવીને  નાચતા હતા.  રસ્તા પર  લોકો ડોક ઊંચી  કરી કરીને જોવા લાગ્યા કે  ધૂમધામથી  બારાત નીકળી છે , પણ દુલ્હારાજા કેમ દેખાતા  નથી?  જવાબ મેળવવા  નજીક ગયા  ત્યારે દુલ્હારાજાને બદલે શણગારેલા ચોપગા કૂત્તારાજાને  વટથી ચાલતા  જોયા. ત્યારે  ખબર પડી  કે  આ તો  હમીરપુર જિલ્લાના  શૌકપુર ગામના સ્વામી  દ્વારિકાદાસના પ્રાણથી  પણ પ્યારા શ્વાન કાલુના  લગ્નની જાન નીકળી છે. 

વાજતે ગાજતે  બારાત લગ્નમંડપમાં  પહોંચી, જ્યાં પરચછ ગામના બજરંગબલી મંદિરના  વડા અર્જુનદાસે  વિધિવત  સ્વાગત  કર્યું  અને પોતાની  પાળેલી  કુતરી  ભૂરી  સાથે કાલુરાજાના  લગ્ન  કરાવ્યાં. આમ સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનેલા આ  બે મહારાજો શ્વાનને પરણાવી  વેવાઈ બન્યા, બોલો.  લગ્નમાં જોવા  જેવી  ધામધૂમ  કરવામાં આવી હતી.   અનોખા લગ્નસમારંભમાં ૫૦૦ મહેમાનોને  આમંત્રણ  આપવામાં આવ્યું  હતું.  સહુને  ભાવતાં ભોજન પીરસવામાં આવ્યાં  હતાં. ગોર મહારાજે શાસ્ત્રોક્ત  વિધિથી  કાલુરાજા  અને ભૂરીબાઈના લગ્ન કરાવ્યાં.  લગ્ન  પાર પડયાં પછી   કન્યા વિદાયનો સમય થયો ત્યારે બેન્ડવાળાએ  સૂરાવલી  છેડીઃ  સાધુકી દુવાંએ  લેતી જા  જા તુઝકો  સુખી સંસાર મિલે...

શહીદના સ્મારક સામે દુર્લક્ષ

ઐતિહાસિક સ્મારકો,  ધર્મસ્થાનો અને  દેશને માટે  ફના થઈ  ગયેલા  શહીદોના  ઘરોની યોગ્ય જાળવણી નથી થતી એ દીવા જેવી  ચોખ્ખી  વાત છે. તાજો જ  દાખલો  મહાન  ક્રાંતિકારી રાજગુરુના આવાસની  અવદશાનો  છે. મહારાષ્ટ્રના  પુણે  નજીક  ખેડમાં  શિવરામ  હરિ રાજગુરુનો જ્યાં જન્મ  થયો હતો એ ઘરનો હિસ્સો  વરસાદમાં  તૂટી પડયો હતો. આ  દુર્ઘટનાથી  સરકારી તંત્ર  સફાળું જાગ્યું અને હવે સમારકામ હાથ ધરશે. લાલા લજપતરાયનું પોલીસ અત્યાચારમાં  ગંભીરરીતે ઘાયલ થયા પછી  મૃત્યુ થતા ંભગતસિંહ, સુખદેવ અને રાજુગુરુ આ ત્રણેય ક્રાંતિકારીઓ સમસમી ઉઠયા.   ૧૭મી ડિસેમ્બર ૧૯૨૮માં   તેમણે અંગ્રેજ  પોલીસ ઓફિસર જોન સેન્ડર્સને ઠાર  કર્યો. ત્યારબાદ આ ત્રણેય ક્રાંંતિકારીએ હસતા  ચહેરે ફાંસીને માંચડે  ચડી  ગયા. એ  રાજગુરુના  ભીમા નદીને કિનારે ખેજડ ગામે આવેલા  ઈંટ અને માટીમાંથી  બનેલા ઘરનો હિસ્સો   તાજેતરમાં જ  પડી ગયો.  દેશને આઝાદ કરવા  જેણે જાનની પરવા ન કરી એવાં મહાન શહીદના જન્મસ્થાનની  જાળવણીની  સરકાર કેમ દરકાર ન કરે? ખેડ ગામને  આ મહાન  શહીદનું   નામ આપી  રાજગુરુનગર કરવામાં  આવ્યું છે. કેવું કહેવાય -  પહેલાં નામ પડયું અને પછી ઘર પડયું?

દુનિયાની સૌથી અનોખી વાવ, જોતા જાવ

કોઈ આશ્ચર્યજનક દ્રશ્ય નજરે  પડે સત્યારે  કોન્વેન્ટિયા  જુવાનિયાના  મુખમાંથી  ઉદ્ગાર  સરી પડે છેઃ વાવ (ઉર્ંઉ) પણ એ જ ઉપરછલ્લા અંંગ્રેજી  શબ્દનો ગુજરાતીમાં  વાવનો અર્થ વાવ જેવો જ ઊંડો થાય એ  સમજવાની  કોણ  તસ્દી લે? વાવ (સ્ટેપ-વેલ) કે વાવડીને  રાજસ્થાની ભાષામાં  બાવડી  કહે છે  અને યોગાનુયોગ દુનિયાની  સૌથી ઊંડી, સૌથી કલાત્મક  અને  ઉપરથી ભૂલભૂલામણી જેવી લાગતી ચાંદ બાવડી  રાજસ્થાનના જ આભાનેરીમાં આવેલી છે. એવું  મનાય છે કે  લગભગ   ૧૨૦૦ વર્ષ  પહેલાં ૧૦૦ ફૂટ ઊંડી અને મોટામાં મોટી વાવ  રાજા ચાંદ તરફથી  બાંધવામાં  આવી હતી.   લગભગ  ૧૩ માળની   આ ચાંદ બાવડીમાં  ૩૫૦૦ પગથિયાં છે. ઉપરથી  નજર  નાખતાં  ત્રિકોણાકાર પગથિયાવાળા નાના-નાના  દાદરા  જોઈને જાણે કોઈ  જંગી ભૂલભૂલામણીનો અહેસાસ  થાય છે.   ચાંદ બાવડીની  પાછળ જ  ભવ્ય પ્રાચીન મંદિરનાં દર્શન થાય છે. રાજસ્થાન પાણીની અછતવાળો  પ્રદેશ છે  એટલે   પાણીનો સંગ્રહ  કરવા માટે  રાજા-મહારાજાઓએ અનેક  વાવ  બંધાવી  હતી.   સ્થાપત્ય  કલાના અદ્ભૂત નમૂનારૂપ  આ વાવને  જોઈને કહેવાનું મન થાય કે રાજસ્થાનમાં ભલે પાણીની અછત છે પણ અદ્ભૂત શિલ્પ  સ્થાપત્ય  સર્જી શકે એવા પાણીદાર  કલાકારોની   અછત નથી. દુનિયાભરના  ટુરિસ્ટોને  આકર્ષતા  રંગીલા રાજસ્થાનની આ બાવડી જાણે સાદ કરી રહી છે-

રંગીલા રાજસ્થાનમાં કૈંક

મહેલ, કિલ્લા ને વાવ,

ઉતાવળા થાવ

અને જોવા જાવ...

પંચ-વાણી

જાળવીને વાપરો

પાણી અને વાણી

નહીંતર હાથે કરી 

હેરાન થશો જાણી જાણી.

City News

Sports

RECENT NEWS