પાટા ઉપર સરકતો આલીશાન શાહી મહેલ
- ગંગાજળમાંથી બનેલી રસીના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે યાચિકા દાખલ
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
- દોનથમશેટ્ટી બાલનાગેશ્વર રાવ નામના સોનીએ લાકડામાંથી કોતરીને દુનિયાનો નાનામાં નાનો ચમચો બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
દેશમાં ખૂણે ખૂણે રાજાશાહી યુગના આલીશાન મહેલો, લેક-પેલેસ, નવાબોના મહાલયો અને મોગલ શાસકોએ પ્રજાનો પૈસો પાણીની જેમ વાપરી બાંધેલા આલીશાન આરામગાહો નજરે પડે છે. પરંતુ પાટા ઉપર દોડતા શાહી-મહેલને જોવો હોય તો કયાં જોવા મળે ? એવો કોઇ સવાલ કરે તો કહી શકાય કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે થોડા દિવસ પહેલાં જ દિલ્હીથી કાનપુર અને લખનઉ સુધી ઠાઠમાઠથી જે પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો એ મહારાજા એક્સપ્રેસ ટ્રેન એટલે જાણે પાટા ઉપર દોડતો મહેલ જ છે. મહારાજા એક્સપ્રેસમાં રાષ્ટ્રપતિ માટેનું પ્રેસિડેન્શિયલ સલૂન છે. આ મહારાજા એક્સપ્રેસમાં ૪૩ શાહી કેબિનો છે. ટ્રેનની બધી જ બારીઓ બુલેટપ્રુફ છે. આ શાહી ગાડી ટેલિકોમ્યુનિકેશનથી સજ્જ છે. ટ્રેનની અંદરનું ઇન્ટિરિયર ડેકોરેશન મહેલની ઝાંખી કરાવે છે. આમાં પણ રાષ્ટ્રપતિ માટેનો જે પ્રેસિડેન્શિયલ કોચ છે તેનો તો ઠાઠ જ કંઇક ઔર છે. ટ્રેનમાં મોર મહલ અને રંગ મહલ નામના બે રેસ્ટોરાં છે. મહેમાનોનને સોના-ચાંદી મઢેલા થાળી વાટકામાં ભોજન પીરસાય છે. ટ્રેનની અંદર ડાઇનિંગ રૂમ, વિઝિટિંગ રૂમ, કોન્ફરન્સ રૂમ છે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પહેલી વાર આ ટ્રેનમાં સફર કરી હતી. પછી તો આ ટ્રેનની અંદર અને બહાર ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધીજી કાયમ ટ્રેનમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા કોઇએ પૂછયું કે થર્ડ કલાસમાં કેમ મુસાફરી કરો છો ? ત્યારે ગાંધીજીએ કહેલું કે ટ્રેનમાં ફોર્થ કલાસ નથી એટલે. રાષ્ટ્રપિતાની અને રાષ્ટ્રપતિની સફરમાં તફાવત હોય જને ?
બળાત્કારના આરોપીને ફટકારો પાંચ ચપ્પલ
બળાત્કાર જેવાં ગંભીર ગુના માટે કાયદામાં સખત સજાની જોગવાઇ છે. છતાં ગુનાખોરી માટે વગોવાતા રહેતા ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાની અંદર સગીર બાળા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. એ મામલો ગ્રામપંચાયત પાસે ગયો. કન્યા અને તેના પિતાની ફરિયાદ સાંભળીને પંચાયતે કહ્યું કન્યાને કે આરોપી પાસેથી ૫૦ હજાર રૂપિયા સ્વીકારી લે અને તેના ચહેરા પર કચકચાવીને પાંચ વાર ચપ્પલ ફટકારી દે એટલે વાત પૂરી. ગ્રામપંચાયતના આ તઘલકી ફેંસલાથી પીડિતાના પિતા સમસમી ગયા અને ૫૦ હજાર રૂપિયા સ્વીકારવારી ઘસીને ના પાડી દીધી. પંચાયતને પડતી મૂકી બાપ-દીકરી સીધા પહોંચ્યા પોલીસ થાણામાં અને ફરિયાદ નોંધાવી. બોલો આવા તઘલકી ફરમાન કરી ગંભીર ગુનાને રફેદફે કરવાની હરકત કરે એવી પંચાયતવાળાને જ કાનૂની ફટકાર લગાવવી જોઇએ કે નહીં ?
દુનિયાના સૌથી નાના ચમચાનો ચમત્કાર
જમવામાં ચમચાનું અને ચમચીનું બહુ મહત્ત્વ છે. નાના ચમચા નાની ચમચી, સ્ટીલ અને ચાંદીના ચમચા કે પછી રાજાશાહીના વખતના નક્કર સોનાના ચમચા આવાં જાત જાતના ચમચા જોવા મળે છે. અને જીવતા ચમચા જોવા હોય તો કોઇ પણ પાર્ટીના મોટા નેતાની આસપાસ ઘૂમતા રહેતા ચમચા નજરે પડે છે. અત્યારે અનોખા ચમચાની વાત કરવી છે. આંધ્ર પ્રદેશના ઇસ્ટ ગોદાવરી ડિસ્ટ્રિકટના મંડપેટા ગામાન સોની દોનથમશેટ્ટી બાલનાગેશ્વર રાવ નામના સોનીએ લાકડામાંથી કોતરીને દુનિયાનો નાનામાં નાનો ચમચો બનાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. લાકડાનો આ ચમચો ૩.૦૯ સેન્ટીમીટરનો છે. ખૂબ મહેનત કરી રાવે ગિનેસ બુકમાં સ્થાન મેળવવા માટે એન્ટ્રી મોકલી. જાન્યુઆરીમાં તેણે અરજી મોકલ્યા બાદ આ દાવો સાચો છે કે નહીં એ ચકાસવા માટે ગિનેસ બુકની ટીમ આવી પહોંચી. આ ટચુકડા ચમચાની સાઇઝ માપી ખરાઇ કર્યા બાદ રાવનો દાવો માન્ય કરવામાં આવ્યો અને તેણે બતાવેલો ચમચો આખી દુનિયામાં નાનામાં નાનો છે. એવું પ્રમાણપત્ર આપ્યું. આમ ચમચાના ચમત્કારે દોનથમશેટ્ટી બાલનામેશ્વર રાવનું નામ ગિનેસ બુકમાં અંકિત કરી દીધું. જોકે રાવનું ૨૫ અક્ષરનું નામ એટલું લાંબુ છે કે ટચુકડા તો શું મોટા ચમચામાં પણ ન સમાય.
ખેતરમાં કનડગત કરતા 'ભૂત' સામે પોલીસમાં ફરિયાદ
ભૂત, પલિત, ચૂડેલ અને ડાકણ વિશે જાત જાતની વાતો અને કિસ્સા કાને પડે છે. ભૂતનો વળગાડ કાઢવા માટે જાત જાતના મંત્ર-તંત્ર અને કામણ-ટુમણ કરવામાં આવે છે. પરંતુ ભૂત વિરૂધ્ધ પોલીસ થાણામાં ફરિયાદ નોંધવામાં આવે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય. પંચમહાલ જિલ્લાના એક ગામના પોલીસ સ્ટેશનમાં એક માણસ ભયથી થરથર કાંપતો પહોંચી ગયો. ધુ્રજતા અવાજે તેણે ફોજદારને ફરિયાદ કરી કે ભૂતોનું એક ગુ્રપ તેની કનડગત કરી રહ્યું છે. ખેતરમાં આ ભૂતો કામ કરવા નથી દેતા. હમણાં જ આ ભૂતોએ મારો પીછો કર્યો ત્યારે માંડ જીવ બચાવીને જેમતેમ પોલીસ થાણામાં દોડી આવ્યો છું. મને ભૂતોથી બચાવો. પોલીસને આ શખસની વાત વિચિત્ર લાગી. પણ ડરના માર્યા ધુ્રજતા શખસને શાંત કરવા માટે ફરિયાદ લખી. ત્યાર પછી પોલીસે આ શખસના પરિવારજનોનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તે મનોઋગ્ણ છે અને તેનો ઇલાજ ચાલુ છે. પણ છેલ્લા ૧૦ દિવસથી તેણે દવા નહોતી લીધી એટલે ભૂતના ભયથી ગભરાઇને તે પોલીસ થાણે પહોંચી ગયો હતો.
પોલીસે તેને નિયમિત દવા લેવાની સલાહ આપી પરિવારજનો સાથે ઘરે રવાના કર્યો. આ ફરિયાદીએ કહ્યું કે ભૂતોનું એક ગુ્રપ તેને સતાવે છે. ત્યારે વિચાર આવે ક સોશ્યલ મીડિયામાં જેમ ગુ્રપ બનાવવામાં આવે છે એમ ભૂતો પણ ગ્રુપ બનાવવા લાગ્યા હશે ?
ગંગાજળમાંથી કોરોનાની રસી ?
ગંગા તેરા પાની અમૃત..... ગંગામૈયા મેં જબ તક યે પાની રહે મેરે સજના તેરી ઝિંદગાની રહે..... ગંગા નદીની ગણના પરાપૂર્વથી દેશની સૌથી પવિત્ર નદીમાં થાય છે. ગંગાના નીરમાં ડૂબકી લગાવવાથી પાપ ધોવાઇ જાય છે, મોક્ષ મળે છે અને મૃત્યુને આરે હોય એવી વ્યકિતને ગંગાજળ પીવરાવવામાં આવે છે, આ સહુ જાણે છે અને માને છે. પરંતુ દેશ અને દુનિયાને ભરડામાં લઇ ચૂકેલી કોરોનાની બીમારીના પ્રતિકાર માટે ગંગાજળમાંથી રસી તૈયાર કરવામાં આવશે એ જાણીને આશ્ચર્ય થયા વિના ન રહે. એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ ગંગાજળમાંથી તૈયાર કરવામાં આવી રહેલી આ રસીના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે અલાહબાદ કાઇકોર્ટમાં જનહિતની યાચિકા દાયર કરવામાં આવી છે.
અરૂણકુમાર ગુપ્તાએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (વારાણસી)ના ન્યૂરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. વિજયનાથ મિશ્રના નેતૃત્ત્વમાં ડૉકટરોની ટીમે ગંગાજળ પર રિસર્ચ કરીને નેઝલ સ્પ્રે વેક્સિન તૈયાર કરી છે.
નાક વાટે આપી શકાય એવી આ રસી કોરોનામાં રાહત આપી શકે છે. આ વેક્સિનની કિંમત માત્ર ૩૦ રૂપિયા છે. એટલે આ રસીની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવામાં આવે. આ પીઆઇએલને પગલે અલાહાબાદ હાઇકોર્ટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ અને ભારત સરકારની એથિક્સ કમિટિને નોટિસ પાઠવી છે.
બીજી જુલાઇના અહેવાલમાં જણાવ્યા મુજબ છ સપ્તાહ પછી આ જનહિતની અરજી પર સુનાવણી થશે. અત્યારે કોરોનાના ઇલાજ માટે હજારો રૂપિયાની દવા અને ઇન્જેકશનો ખરીદવા પડે છે અને તેના કાળાબજાર પણ થાય છે.
આ વાસ્તવિક સ્થિતિ વચ્ચે માત્ર ત્રીસકે રૂપિયાની રસી મહામારીનો પ્રતિકાર કરવામાં કારગત નિવડે તો એનાંથી મોટું જન-હિત બીજું કયુ હોઇ શકે ?
પંચ-વાણી
સ) : પરણીને કન્યા સાસરે વળાવે
તેને કન્યાદાન કહેવાય, તો
પરણીને ઘર-જમાઇ બને તેને
શું કહેવાય ?
જ) : વર-દાન.