For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહાલક્ષ્મીને મનાવવા પીરસાયા રસગુલ્લા

Updated: Oct 14th, 2022


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

દામ્પત્ય જીવનમાં પતિ-પત્ની  વચ્ચે  અવારનવાર મીઠા ઝઘડા થતા હોય  છે,પણ મીઠાઈ માટે મીઠો ઝઘડો  નહીંં, પણ તીખ્ખો ઝઘડો થાય અને  મામલો અદાલત સુધી પહોંચે તે કેમ માની શકય? પણ  આ હકીકત  છે.  એવી મીઠાઈની જેનું નામ  લેતાંની સાથે  મોંઢાવામાં રસગુલ્લા ફૂટવા માંડે. યસ, આ રસગુલ્લા મીઠાઈ મૂળ ઓડિશાની કે મૂળ પશ્ચિમ બંગાળની? એ મામલે બન્ને રાજ્યો  દ્વારા વર્ષોથી  દાવા અને પ્રતિદાવા  થતા રહ્યા છે. ઓડિશાના વિદ્વાનોના મત મુજબ   ઉડિયા  ભાષાના કવિ  બાલારામ  દાસના  પ્રાચીન ગ્રંથ દંડી રામાયણમાં  રસગુલ્લાનો ઉલ્લેખ  મળે છે. પૌરાણિક કથા મુજબ ભગવાન જગન્નાથ મહાલક્ષ્મી  દેવીને જાણ કર્યા વગર ૯ દિવસ  રથયાત્રાએ નીકળી  ગયા.   એટલે દેવીનો  ગુસ્સો  આસમાને પહોંચ્યો. ભગવાન જગન્નાથ  પાછા  ફર્યા ત્યારે  મહાલક્ષ્મીએ  મહેલના જય-વિજય દ્વાર બંધ કરી દીધા. રિસાયેલાં દેવીને મનાવવા  માટે ભગવાન જગન્નાથે  મસ્ત મજેદાર  રસગુલ્લા ખવડાવ્યા  હતા. બસ,  ત્યારથી આ  પ્રથા પાળવામાં  આવે છે. 

જગન્નાથ  રથયાત્રા પાછી ફરે ત્યારે મહાલક્ષ્મીને રસગુલ્લાનો  ભોગ  ધરવામાં આવે  છે. એટલે ઓડિશાથી  રસગુલ્લા  બંગાળ પહોંચ્યા એવો વિદ્વાનોનો મત   છે. જ્યારે  પશ્ચિમ બંગાળનો એવો દાવો છે કે   રસગુલ્લાની શોધ ૧૮૬૮માં   કલકત્તાના  હલવાઈ  નોબીનચંદ્ર દાસે  કરી હતી. બીજું, ઓડિશા  કરતાં બંગાળના  રસગુલ્લા  થોડા જુદા  પ્રકારના હોય છે. બન્ને  રાજ્યો વચ્ચેનો આ મીઠો ઝઘડો  કોર્ટમાં પણ  પહોંચ્યો  હતો. પછી  ૨૦૧૭માં  પશ્ચિમ બંગાળની સરકારે જી.આઈ. (જ્યોગ્રોફિકલ આઈડેન્ટિફિકેશન, ભૌગોલિક ચિહ્નાંકન) ટેગ  મેળવવા  દાવો કર્યો  હતો. બંગાળી  રસગુલ્લા રંગ, આકાર,  સ્વાદમાં  ઓડિશાના  રસગુલ્લાથી  જુદા છે એ સાબિત કરીને  જીઆઈ ટેગ મેળવ્યું. આમ , પણ આજે  રસગુલ્લા બંગાળી  મીઠાઈ તરીકે જ જાણીતી છેને?  

કાયમ ભમતાં અને ગુસ્સાથી તમતમતાં રહેતાં મમતા (બેનરજી) રસગુલ્લાનો બંગાળી ઉચ્ચાર કરે એમાં ય  જાણે રોષ  ઠાલવતા  હોય એવો ભાસ થાય.  રસગુલ્લાને કહે  છે રોષ-ગુલ્લા... 

રસગુલ્લા ઓડિશાના કે બંગાળના? એવા દાવાથી   આપણે શું  મતલબ?  આપણે તો  ખાવાથી  મતલબ. છેવટે  આ ભારતભૂમિના જ છેને? એટલે મજાથી ખાવ અને ગાવ-

આજ હિમાલય કી ચોટી સે

ફિર હમને લલકારા હૈ,

દૂર  હટો  અય દુનિયાવાલોંં

રસગુલ્લા હમારા હૈ.

75 વર્ષે પહેલાં શખ્સને મળી સરકારી નોકરી

આઝાદીના  અમૃત-મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે એક આશ્ચર્યજનક  ઘટના સામે  આવી  છે.  બિહારના મુઝફફર જિલ્લાના  સોહાગપુર  ગામમાં  છેલ્લાં ૭૫  વર્ષ દરમિયાન  કોઈને  સરકારી નોકરી  નહોતી મળી. કેન્દ્ર  અને રાજ્ય સરકારો    રોજગારી   પૂરી પાડવાના વચનોનો  વરસાદ  વરસાવે છે,  પણ મોટા ભાગના વચનો રાજકારણીઓ પાળતા નથી, પં-પાળતા  જ  હોય છે. આઝાદીના  સાડાસાત  દાયકા પછી પણ કોઈને સરકારી નોકરી નથી મળી એ મ્હેણું ટાળવા  કરિયાણાના દુકાનદારના પુત્ર  રાકેશકુમાર  કમર કસી. મન દઈને ભણવા માંડયો. દરભંગા યુનિવર્સિટીમાંથી  એમ.કોમની  ડિગ્રી મેળવી. ત્યારબાદ  રાજસ્થાન  જઈ બી.એડ.ની ડિગ્રી મેળવી.  ત્યારબાદ  બિહાર સરકારની  શિક્ષક પાત્રતા  પરીક્ષા લેવાઈ એમાં રાકેશકુમાર  પાસ થઈ  ગયો. આમ બધા  અવરોધો  વટાવી તે સરકારી શિક્ષક બની  ગયો. ત્રણ હજારની  વસતીવાળા ગામમાં વીજળી વેગે  સમાચાર  ફેલાયા કે  પોણોસો  વર્ષ બાદ  ગામના યુવાનને   સરકારી નોકરી મળી છે  ત્યારે  સહુ રસ્તા  પર ઉતર્યા હતા અને ઢોલ-નગારાં  વગાડીને  રાકેશકુમારનું  સ્વાગત કર્યું હતું.   રોજગારીના વચનોની  લ્હાણી કરતા નેતાઓને  ક્યાં  ખબર હોય  છે કે આવા  તો હજારો  ગામડાં હશે જયાંના  યુવાનો સરકારી નોકરીથી વંચિત  રહી જાય છે. આ કિસ્સો જાણીને કહેવું પડે કે-

બડી દેર ભઈ નંદલાલા

રોજગારી કો તરસે બાલા...

આરોપીને અનોખી સજા અનાથ બાળકોને મજા

અદાલતો તરફથી અપરાધીને ફાંસી, જન્મટીપ કે કેદ  અને દંડની  સજા ફરમાવવામાં  આવતી હોય  છે, પણ દિલ્હી હાઈકોર્ટે  તાજેતરમાં  જ એક આરોપીને એવી સજા  સંભળાવી કે  અનાથાશ્રમના બાળકોને  થઈ જાય મજા.  સપ્ટેમ્બર મહિનામાં કારની બાઈક સાથે અથડામણનાં કેસમાં  પકડાયેલા  કારચાલક વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો. આ કેસની દિલ્હી  હાઈકોર્ટમાં  સુનાવણી થઈ ત્યારે  નામદાર ન્યાયમૂર્તિએ ફેંસલો સંભળાવતા કહ્યું હતું કે  બન્ને પક્ષોએ  આપસમાં  સમાધાન  કરી જ લીધું છે ત્યારે હવે  એફઆઈઆરનો  કોઈ મતલબ નથી. એટલે આ  એફઆઈઆર રદ કરવાની  આજે જ આરોપીને  આદેશ  આપવામાં   આવે છે  કે તેણે  દશેરા અને  દિવાળીમાં  અનાથાશ્રમના   ૧૦૦ બાળકોને  ભોજન કરાવવું પડશે.  આરોપીએ આદેશ માથે ચડાવ્યો. 

અગાઉ  દિલ્હીની જ એક કોર્ટે કોઈ નાના અપરાધ બદલ  પકડાયેલા  યુવાનોને છોડી મૂકતા પહેલાં શરત રાખી હતી કે  તેમણે એક  ધર્મસ્થાનની અમુક દિવસ સુધી સાફસફાઈ કરવી પડશે.  દેશની અદાલતો  અમુક  અમુક કેસમાં  સજા સુણાવતી  વખતે સમાજ સેવાનું   કાર્ય પાર પાડવાની  પણ શરત રાખે તો  સેવાક્ષેત્રે  કેટલું મોટું  કામ થાય?  એટલે જ કહેવું પડે કે-

એવાંય ભટકાય સમાજસેવક

જે સેવાને નામે ખાતા હોય મેેવા,

એના કરતાં  સજાના ભાગરૂપે     માથે નખાય જવાબદારી, 

તો થાય કેટલી સેવા?

અરૂણાચલના ગામે 'ગેસ-ભક્તિ' 57 વર્ષે રંગ લાવી

ભારતના  દરેક નાગરિકમાં  દેશ-ભક્તિની ભાવના જોવા મળે છે. આધુનિક  જમાનાના ફેશનપરસ્તો  ડ્રેસ-ભક્તિ દેખાડે  છે. અવારનવાર પડતી રેડમાં  કાળાબજારિયા કે ભ્રષ્ટ સરકારી  અફસરોને  ત્યાંથી  કરોડોની   બિન-હિસાબી  કેશ પકડાય ત્યારે  કેશ-ભક્તિ જોવા મળે છે...   પણ અરૂણાચલ  પ્રદેશમાં  એક  ખોબા જેવડાં  પહાડી  ગામમાં ૫૭  વર્ષે  ગેસ-ભક્તિ રંગ લાવી છે.  દેશને   આઝાદ થયે  સાડા સાત દાયકા  થવા છતાં અરૂણાચલનાં ચાંગલાંગ જિલ્લાના વિજયનગર ગામમાં ગેસના સિલિન્ડર  અને ચૂલા  પહોંચ્યા જ નહોતાં. ગામના  લોકો ચૂલામાં  લાકડાં  કે કોલસા  બાળીને રાંધે. સહુ  ગ્રામજનો  એક જ પ્રાર્થના  કરતા  હતા કે  આપણા  ગામડામાં  પણ  જો ગેસ આવી જાય  તો કેવી  રાહત થાય?  કારણ કે વરસાદમાં  લાકડાં ભીના થઈ જાય ત્યારે  ચૂલો પણ પેટાવી નહોતો  શકાતો. ગામલોકોની  પ્રાર્થના   ફળી અને ૫૭ વર્ષ પછી પહેલીવાર ગેસ સિલિન્ડર અહીં પહોંચ્યું. લોકોએ  ગેસની કોઠીઓને હર્ષભેર  અને ભાવપૂર્વક  વધાવી  અને રસોડામાં  વિધિવત  સ્થાપના કરી. આ ગેસ-ભક્તિ  જોઈને કહેવંર પડે કેઃ

અડધી સદી પછી આવ્યો ગેસ

એટલે કપાશે નહીં લાકડાં,

અરૂણાચલીઓ ગેસના ચૂલે

રાંધશે પકવાન ફાંકડા.

યુપીમાં  ખરી ભેસ-ભક્તિ અને પાડાનું મુંડન

ઉત્તર પ્રદેશની વાત જ  અનોખી છે, જ્યાં  લોકોમાં શ્રદ્ધા ને  ભક્તિની  ભાવના અખૂટ  ભરેલી  છે. કદાચ  એટલે જ માણસની  મુંડનવિધિ  થાય છે એમ  હરદોઈ જિલ્લામાં  એક પરિવારે  એમની  વ્હાલી ભેંસે પાડરૂને   જન્મ  આપ્યો અને તે જીવી ગયો એની ખુશાલીમાં   પાડાની ધામધૂમથી  મુંડનવિધિ કરી, એટલું જ નહીં, ગામવાસીઓને  ધૂમાડેબંધ જમાડયા પણ ખરા. એમાં એવું  થયું  કે ત્યાંના એક પરિવારની  ભેંસ બચ્ચાંને  જન્મ આપતી પણ એ  જીવતાં નહીં.  એટલે   માતાજીની માનતા   માની કે  હવે જે  પાડરૂ  જીવી જશે તો  એનું  ધામધૂમથી  મુંડન  કરાશે.  શ્રદ્ધા રંગ  લાવી અને  પાડો ત્રણ વર્ષનો  થતા તેનું  વિધિવત્  મુંડન  કરવામાં આવ્યું અને હજારો   રૂપિયા ખર્ચીને ૩૦૦થી વધુ  લોકોને ભાવતાં ભોજન જમાડયા.  બોલો! દેશભક્તિ જેવી  ભેંસ ભક્તિની કેવી કમાલ! આ જોઈને કહેવું પડે કે-

આ દશમાં શું ન થાય?

બે-પગા મૂંડી જાય ને ચોપગાના મુંડન થાય.

પંચ-વાણી

તરે ભરણું ને તૂંબડું

તરે ગાય ને વહાણ,

ભાગ્યશાળીનું  પુણ્ય તરે

તરે ન પાપી પહાણ.

Gujarat