- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે એવું કહેવાય છે. આમાં ઉમેરો કરીને કહી શકાય કે એ એક માતા ભણેલી હોય તો સેંકડો શિક્ષકોની ગરજ સારી શકે. એટલે જ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા અને શિક્ષિત કન્યાઓનેસન્માનવા માટે હરિયાણાના અંબાલા જિલ્લાના ખેડા-ગની ગામે અનોખી પહેલ કરી છે.
અહીં ઘરના દરવાજે શિક્ષિત વહુ-દીકરીઓના નામ અને ડિગ્રી સાથેની નેમપ્લેટ લગાડવામાં આવે છે. આ નેમ પ્લેટ માટે ન્યૂનતમ યોગ્યતા ગ્રેજયુએશન નક્કી કરવામાં આવી છે. એટલે ગામડામાં કોઈ લટાર મારવા નીકળે તો એ નેમપ્લેટ વાંચીને સમજી જાય કે આ ઘરમાં ભણેલગણેલ વહુ-દીકરીઓ રહે છે. ૨૦૨૫માં મહિલા ગ્રામસભા બેઠક યોજાઈ હતી એમાં ચર્ચા દરમિયાન કોઈએ ગ્રેજયુએટ દીકરીઓની નેમપ્લેટનું સૂચન કર્યું હતું, જે સહુએ વધાવી લીધું હતું. આ અનોખી પહેલ વિશે ગામના સરપંચ પરવીન ધીમાન કહે છે કે ગામની શાળામાં પાંચમાં ધોરણમાં ભણતી બાળાઓ આ નેમપ્લેટ જોઈને આત્મવિશ્વાસના રણકા સાથે કહે છે કે અમે પણ ખૂબ ભણીને ગ્રેજ્યુએટ થઈશું અને અમારૃં નામ અને ડિગ્રી પણ નેમપ્લેટ પર ઝળકશે.
શેક્સપિયર દાદાએ ભલે કહ્યું હોય કે નામમાં શું રાખ્યું છે? પણ નામની સાથે ડિગ્રી પણ લખી હોય તો કેટલા બધા માટે એ પ્રેરણારૂપ બની જાય છે!
કલાકારની નહીં કેલાકારની કમાલ
કેલા મત ખાવ અકેલા, મિલકે ખાવ કેલા, ખાકે કેલા પકેલા, દૌડને લગેગા થકેલા... કેળાનું આ જોડકણુું બિહારના હાજીપુરમાં કાને પડે છે, કારણ કે વૈશાલી જિલ્લાના હાજીપુરમાં ઉગતા ચિનિયા કેળા આ ક્ષેેત્રની આગવી ઓળખ બની ગયા છે.
એટલે જ તેને જિયોગ્રાફિક્સ ટેગ (જી.આઈ.ટેગ) આપવામાં આવે છે. હાજીપુરમાં ખેડૂતો કેળા ઉગાડીને દેશભરમાં મોકલે છે. ચિનિયા કેળા આ વિસ્તારની ઓળખ બની ગયા હોવાથી હાજીપુર ગામના પ્રવેશદ્વાર પાસે કેળાનું અનોખું સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. કેળના થડ ઉપર એકની ઉપર એક કેળાની લૂમ ઉગેલી હોય એવી કલાત્મક રીતે આ બનાના મેમોરિયલ ઊભું કરવામાં આવ્યું છે. હાજીપુરમાં દેશદેશાવરથી કેળાની ખરીદી માટે વેપારીઓ આવે છે. કેળાની ખરીદી કરીને આ બધા પાછા ફરે ત્યારે આ કલાત્મક સ્મારક જોતાં જોતાં જાય છે. એ જોઈને ગાઈ શકાય કે તેરા કેલા (મેલા) પીછે છૂટા રાહી ચલ અ-કેલા.
હુમલાનો સામનો કરતી ભૂૂમિમાંથી આવ્યો હલવો
ગાજરનો હલવો, દૂધીનો હલવો, આઈસ હલવો વગેરે જાતજાતના હલવા સ્વાદ શોખીનોની જીભ પર રાજ કરે છે. પણ જોતાવેંત હૈયું હરખાય અને ખાતા વેંત મોઢામાંથી પાણી છૂટે એવો આ હલવો ભારતીય મીઠાઈ નથી. આ હલવો તો અમેરિકા-ઈરાનના યુદ્ધને લીધે ઘાતક હુમલાનો સામનો કરતાં અરબસ્તાનમાંથી ભારત પહોંચ્યો હતો. અરબી ભાષામાં હિલવા એટલે મીઠું પકવાન, આમ હિલવાએ ભારત આવીને હલવા નામ ધારણ કર્યું.
ઈતિહાસકાર અબ્દુલ હલીમ શરરની પુસ્તક 'ગુજિસ્તા લખનઉ'માં લખ્યું છે કે હલવો અરબી ભૂમિ પરથી પર્શિયાના રસ્તે ભારત પહોંચ્યો હતો. ફૂડ હિસ્ટોરિયન કોલીન ટેલર સેનને પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે ૧૩મીથી ૧૬મી શતાબ્દી વચ્ચેના ગાળામાં દિલ્હી સલ્તનતમાં હલવાનું આગમન થયું હતું. તુર્ક સામ્રાજ્યમાં હલવાનું ખૂબ જ મહત્ત્વ હતું. સુલતાન સુલેમાનના મહેલમાં મીઠાઈ અને મીઠા વ્યંજનો બનાવવા માટે અલાયદું રસોડું હતું. ઉત્તરોત્તર હલવાની બનાવટમાં ફેરફાર થતા ગયા અને પછી દીમે ધીમે લોકોમાં લોકપ્રિય થયો.૧૬મી સદીમાં મોગલ હકૂમત હતી એ વખતે અરબ સ્તાનની વેપારીઓ સતરંગી ગાજર પોતાની સાથે લાવ્યાં હતાં. ભારતમાં ઉગતા ગાજર કરતાં આ સતરંગી ગાજર જુદા જ હતાં. આ સતરંગી ગાજરને છીણેને પછી એમાં દૂધ, સાકર અને માવો મેળવીને પકાવવામાં આવતા સ્વાદિષ્ટ ગાજર હલવો બની ગયો હતો.
પછી તો ગાજરનો હલવો આમ ભારતમાં પહોંચી ગયો. પંજાબમાં ગાજર હલવાને ગજરેલા કહે છે. એટલે હલવો ભલે બહારથી હિંદુસ્તાનમાં આવ્યો હોય, છતાં પણ હલવો ભારતીય સ્વાદશોખીનોનો ખૂબ માનીતો બની ગયો છે. હળવાશથી એમ કહી શકાય કે સંધીવામાં સાંધા અકડાઈ જાય જ્યારે હલ-વામાં સ્વાદ પ્રેમીઓની જીભ જકડાઈ જાય.
ગધેડા પાળો પૈસાની ચિંતા ટાળો
કોઈને વાત કરીએ કે ગધેડા પાળવા માટે સરકાર તરફથી લાખો રૂપિયાની સબસિડી આપે છે, તો સામેવાળો કહેશે કે શું ગધેડાને તાવ આવે એવી વાત કરે છે? પણ આ હકીકત છે. ગદર્ભપાલન એટલે કે ડોન્કી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માગતી વ્યક્તિને કેન્દ્ર સરકાર નેશનલ લાઈવસ્ટોક મિશન (એનએલએમ) હેઠળ ૫૦ લાખ સુધીની સબસિડી આપે છે. મતલબ કે આ હટકે બિઝનેસમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કરવા માગતા હો તો સરકાર વધુમાં વધુ ૫૦ લાખની સબસિડી આપે છે. દેશી નસલના ગધેડાના સંવર્ધનને ઉત્તેજન આપવા માટે આ સ્કીમ ઘડવામાં આવી છે. એટલે ગધેડાને ઊછેરીને વેચો તો ભાવ આવે. એટલે જ કહેવું પડે કે ગધેડા પાળો અને પૈસાની ચિંતા ટાળો.
દેશના સર્વપ્રથમ મ્યુઝિકલ સુપરટ્રી ટાવર
જંગલો કપાતાં જાય છે, વૃક્ષોનું નિકંદન નીકળતું જાય છે અને શહેરોમાં કોૅંક્રિટનાં જંગલો રચાતાં જાય છે. આ આ વસમી વાસ્તવિકતા વચ્ચે તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં દેશનો સર્વ પ્રથમ મ્યુઝિકલ સુપરટ્રી ટાવર બાંધવામાં આવ્યો છે. સિંગાપોરના સુપરટ્રી ગુ્રવિ ટાવર પરથી પ્રેરણા લઈને કરોડો રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા આઠ માળના ટાવરને જોતાંની સાથે જ રંગબેરંગી રોશીનીથી ઝળહળતા અને સંગીતની સુરાવલીથી રણઝણતા વિરાટ કૃત્રિમ વૃક્ષની ઝાંખી થાય છે. ટાવરમાં ઓપન ટેરેસ, વ્યુઈંગ ડેક અને વિશાળ ગેલેરી છે જ્યાં ઊભા રહીને લોકો સૂર્યોદય અને સૂર્યાસ્તનો, દરિયા કિનારા વિસ્તારનો અને ચેન્નઈ શહેરનો નઝારો માણી શકશે. જંગી કૃત્રિમ વૃક્ષની શાખાઓ અને નાની નાની ડાળીઓ રંગીન રોશનીથી ઝગમગતી કરવામાં આવી છે. આ ટાવરમાં સાઉન્ડ એન્ડ લાઈટ શોનું પણ આયોજન કરવામાં આવશે.
ભલે ચેન્નઈવાસીઓ માટે કે પછી દેશવિદેશથી આવતા ટુરિસ્ટો માટે આ વિરાટ કૃત્રિમ વૃક્ષ આકર્ષણરૂપ ઠરે પણ કહે છે ને કે અસલ એ અસલ અને નકલ એ નકલ છે. વિરાટ કૃત્રિમ વૃક્ષ રચવા પાછળ જેટલા પૈસા ખર્ચાયા અને મહેનત લેવામાં આવી એટલો ખર્ચ અને જહેમત વૃક્ષારોપણ પાછળ કરવામાં આવે તો કેટલી હરિયાળી છવાઈ જાય? જંગલો નષ્ટ થતા જાય છે અને વૃક્ષો નષ્ટ થતા જાય છે એ પરિસ્થિતિમાં વંદે માતરમ્... સાથે વન-દે માત્રમ...ની પણ આહલેક જગાવવાની જરૂર છે એવું નથી લાગતું?
પંચ-વાણી
વાંઢાજનક સ્થિતિમાં
રેડીમેડ રોટલી
વાંધાજનક સંસારમાં વહુના
હાથમાં વરની ચોટલી.


