Get The App

પાંઊની ઉંમર થઈ 14 હજાર વર્ષ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
પાંઊની ઉંમર થઈ 14 હજાર વર્ષ 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

પચરંગી મુંબઈના પાંઉ-વડાનો મજેદાર સ્વાદ ન ચાખ્યો હોય એવો કોઈ શખસ દિવો લઈને શોધવા જાવ તો પણ ન મળે. આવી જ રીતે પુણેરી મિસળ-પાઉ, ઉસળ-પાંઉ, ભજી પાંઉ,  મસ્કા-પાંઉ , પાંઉ-ભાજી, ચીઝ-બટર પાંઉ  જેવી અનેક આઈટમોનાં નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય. આ બધી આઈટમોનો સ્વાદ-સોડમ જુદા હોય પણ તેનો સાથ નિભાવતા પાઉંનો ટેસ્ટ સરખો જ હોય. ટૂંકમાં, વાનગી જુદી જુદી હોય પણ તેનો સાથ નિભાવતા પાંઉ કોમન હોય. 

ભારતમાં કેટલાં વર્ષોથી પાંઉ ખવાતા હશે એવું  કોઈ પૂછે તો કદાચ એવો જવાબ મળે કે ભારતમાં પોર્ટુગીઝો આવ્યા પછી સૌથી પહેલાં ગોવામાં પાંઉ બનાવવાની શરૂઆત થઈ હતી. ભારતમાં ભલે થોડી સદીઓ પહેલાં પાંઉ ખાવાની શરૂઆત થઈ હોય, બાકી પાંઉની ઉંમર લગભગ ૧૪ હજાર વર્ષની થઈ છે. ભારતીય ખાદ્ય સંસ્કૃતિ સ ાથે એકરૂપ થઈ ગયેલા પાંઉની શોધ ૧૪ હજાર વર્ષ પહેલાં જોર્ડનમાં થઈ હતી. એ વખતે સ્થાનિક લોકો ઘઉં, જઉંનો આટો લઈ એમા વિશિષ્ટ પ્રકારના વૃક્ષનાં મૂળિયાં અને પાણી ભેળવી તેને ગુંદીને નાનાં નાનાં ગોયણાં તૈયાર કરી ધગધગતી ભઠ્ઠીમાં શેકતા અને જાડા રોટલા જેવી ફલેટ-બ્રેડ કે પાંઉ બનાવતા, પરંતુ આ બ્રેડ આથો આવે એવી ફર્મન્ટેશનની પ્રક્રિયાથી બનાવવામાં નહોતી આવતી. તો પછી આથો આવે એવાં આટામાંથી બ્રેડ કે પાંઉની શરૂઆત કેવી રીતે થઈ હશે એવા સવાલના જવાબરૂપે મળતી જાણકારી મુજબ ટાયગ્રિસ અને ટુફ્રિટિસ નદીના ખીણ વિસ્તારમાં ૯,૦૦૦ વર્ષ પહેલાં ધુમંટાકાર ભઠ્ઠીઓ હતી. આ જગ્યાએ ઘઉં અને જવની ખેતીના પુરાવા પણ સાંપડયા છે. એ વખતે પાંઉ બનાવવા માટે લોટના જે પીંડા તૈયાર કરીને લાકડાના પાત્રમાં રાખવામાં આવેલા એમાં અજાણતા દારૂ પડી ગયો હશે. પછી થોડા દિવસ આ લોટના પીંડા એમને એ મ પડયા રહ્યા પછી જ્યારે પાંઉ બનાવવા ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે પાંઉનો  રંગ બદલાઈ ગયો અને એકદમ સોફટ અને જાળીદાર બની ગયા. આમ દારૂને લીધે ફર્મનટેશન એકદમ પોચા અને જાળીદાર પાંઊ બને છે એની શોધ ૯ હજાર વર્ષ પહેલાં થઈ એમ કહી શકાય. ઠીક છે. આપણને તો મમથી મતલબ કે ટપટપથી? પાંઉ ખાઓ, ખુદ જાન જાવ... 

એક રમૂજી કિસ્સો યાદ આવ્યો બેકરીવાળો રોજ સવારે સાઈકલના કેરિયર પર પાંઉ બાંધીને જુદી જુદી જગ્યાએ ડિલીવરી કરવા જાય. ક્યારેક સાઈકલ ખાડામાં ઉછળે અને થોડા પાંઉ સ્તા પર પડે એટલે રઝળતા કૂતરા દોડીને ખાઈ જાય. પછી તો હેવાયા થઈને કાયમ પાછળ દોડે. અચાનક થોડા દિવસ પછી કૂતરાં દોડતા બંધ થઈ ગયાં. કોઈએ કારણ પૂછ્યું ત્યારે બેકરીવાળાએ સાઈકલના કરિયર પર બાંધેલી પેટી તરફ આંગળી ચીંધીને શાયરના અંદાઝમાં ગાઈને જવાબ આપ્યોઃ આજકલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે... ટૂંકમાં પાંઉઅને પાવનો શું અર્થ થાય ખબર છેઃ પેટમાં પડે પાંઉ અને જમીન પર પડે પાંવ...

ચોકલેટના સ્વાદને બદલે સ્ફોટ

નિર્દોષ બાળકને ચોકલેટ મળે એટલે રાજી રાજી થઈ જાય. ચોકલેટની લાલચ  કોણ નકારી શકે? એટલે જ ઘણીવાર બાળકને ચોકલેટની લોભામણી ઓફર કરી નરાધમો દુષ્કૃત્ય આચરતા હોય છે. પરંતુ રાજસ્થાનના અલ્વર શહેરમાં બનેલા એક વિચિત્ર બનાવમાં ત્રણ વર્ષની બાળકી દુકાને ચોકલેટ લેવા ગઈ. ચોકલેટનું રેપર ખોલી ચોકલેટ મોંઢામાં મૂકતાની સાથે જ ધડાકો થયોે હતો અને બાળકીના ગાલ અને હોઠ ફાટી ગયા હતા. તત્કાળ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તાત્કાલિક સારવાર મળતા બચી ગઈ હતી. બાળકીના પરિવારને એવો આરોપ કર્યો હતો કે દુકાનદારે ચોકલેટને બદલે ભીંતભડાકા જેવો કોઈ ફટાકડો ભૂલથી આપી દીધો હશે. પોલીસે તપાસ તો હાથ ધરી છે, પણ આપણને તો એ માસુમનો જ વિચારઆવે કે ચોકલેટનો સ્વાદ માણવા જતા મોઢામાં સ્ફોટ થાય ત્યારે કેવી દશા થાય?

ભેંકાર ખંડેરમાં કિતાબઘર

ખંડેર જોઈને મનોમન એક સંવાદ પડઘાયઃ  ખંડહર ગવાહી દેતા હૈ કી ઈમારત કભી બુલંદ થી... આજે મોબાઈલ અને કોમ્પ્યુટરના યુગમાં પુસ્તકાલયો અને વાંચનાલયો જાણે ભેંકાર ખંડેરમાં ફેરવાઈ રહ્યાં છે, પુસ્તકો પર ધૂળ જામતી જાય છે, વાચક વિનાના આવાં પુસ્તકાલયો જોઈ અ-વાચક બની જવાય. પરંતુ દિલ્હીના મહરૌલી ઈલાકાના સદીઓ પુરાણા ચૌમુખા દરવાજા ખાતે ખંડેરમાં ફરેવાઈ ગયેલા અનામ સ્મારકને વાંચનાલયમાં ફેરવી નાખવામાં આવ્યું છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ આર્કિલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એ.એસ.આઈ.)ને અધીન ચૌમુખા દરવાજા પાસેના અનામ સ્મારકની જગ્યામાં સુંદર રિડિંગ રૂમ બનાવ્યો છે. 

થોડાં વર્ષો પહેલાં જ્યાં ભેંકાર લાગતું હતું એ જગ્યા આજે રિડિંગ રૂમમાં આવતા વાંચન શોખીનોની ચહલપહલ અને ખુલ્લી જગ્યામાં રમતાં બાળકોના ખિલખિલાટથી જીવંત બની ગઈ છે વાંચનાલયની સામે હરિયાળી લોન રચવામાં આવી છે જ્યાં બેસીને સવારે વયોવૃદ્ધો સૂરજના સોનેરી તડકાની મજા લેતા હોય છે. બાજુમાં જ નાનકડું તળાવ છે જેની અંદર ઉડતા ફુવારા વાતાવરણમાં ઠંડક પ્રસરાવેછે. આમ જે ખંડેર સૂમસામ ભાસતું હતું.ં એ આજે અબાલવૃદ્ધો માટે મનસપંદ જગ્યા  બની ગઈ છે. દિલ્હીના ચૌમુખા દરવાજામાં જે રીતે જાદુઈ પરિવર્તન થયું એવું જો અન્ય ઐતિહાસિક સ્મારકો અને કિલ્લાની જગ્યામાં કરવામાં આવે તો લોકો ઐતિહાસિક વિરાસતની ઝાંખી મેળવવવાની સાથે જ વાંચન અને આનંદ પ્રમોદ પણ કરી શકશે.

લે જાંયેગેં 'ગનવાલે' દુલ્હા કો લે જાયેંગે

લે જાંયેગેં લે જાંયેગેં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે... આ ગાણું ફેરવીને ગાવાનું ટાણું આવ્યું છેઃ લે જાયેંગે લે જાયેંગે 'ગનવાલે' દુલ્હા લે જાયેંગે... આ ગીત ફેરવીને  ગાવાનું કારણ એ છે અત્યારે ઘણી જગ્યાએ ગનની ધાક દેખાડી યુવકને બળજબરીથી પરણાવી દેવામાં આવે છે. આને બિહારમાં પકડૌઆ શાદી કહે છે. તાજેતરમાં જ બિહારનો એક યુવાન ગાય ખરીદવા માગતો હતો.તેને ખગાડિયા ગામનો એક ખેડૂ વેચવા માગે છે એવું કહીને આ યુવાનને બોલાવવામાં આવ્યો. જેવો આ યુવાન ખગડિયા પહોંચ્યો એ વખતે તેને રૂમમાં પૂરી દેવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી દુલ્હારાજાનો વેશ પહેરાવીને સોળે શણગાર સજી બેઠેલી યુવતી સાથે પરણાવી દેવામાં આવ્યો. જબરજસ્તી લગ્ન પછી દુલ્હને  કહ્યું કે તે આ યુવકને પહેલેથી ઓળખતી હતી અને તેની સાથે જ પરણવવા માગતી હતી. એટલે આ કિસ્સામાં શક્ય છે કે યુવક કદાચ દાદ દેતો નહીં હોય એટલે બંધક બનાવી ધાકધમકીથી પરણાવી દેવામાં આવ્યો હશે. આવી પકડૌઆ શાદીના કિસ્સા સાંભળીને કહેવું પડે કેઃ

ગનની ધાકે થાય લગન

દુલ્હારાજા પણ વિચારે કે

જાન પણ ન જાય અને 

જાન પણ ન નીકળે

પછી એમાં શું જોવાય શુકન?

પંચ-વાણી

રાજાને ગમે તે રાણી

એક પટરાણી બીજી 

ખટ-પટરાણી