- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સાસુ અને વહુ વચ્ચે સુમેળભર્યા સંબંધ હોય એ જોઈને ખરેખર આંખ ઠરે. છત્તીસગઢના સરગુજા જિલ્લાની આવી જ એક ઘટના જાણીને આંખ ઠરે નહીં, પણ આંખોમાં ઝળઝળિયાં જ આવી જાય.
ગામના એક ૯૦ વર્ષના માજીનું ૫૦૦ રૂપિયાનું પેન્શન આવતું બંધ થઈ ગયું હતું. કારણ, છેલ્લા ચાર મહિનાથી ખાતેદારનું કેવાયસી નહોતું થયું એટલે બેન્કવાળા પેન્શન આપતા નહોતા. અત્યંત ગરીબ પરિવાર માટે ૫૦૦ની રકમ પણ મોટી કહેવાય. હવે ૯૦ વર્ષના માજીને બેન્કમાં લઈ જવા માટે રિક્ષા કે ટેકસીનું ભાડું ક્યાંથી પોષાય? માજીની ૫૦ વર્ષની પુત્રવધૂએ કહ્યું કે હું મારા સાસુને પીઠ પર ઉપાડીને બેન્કમાં લઈ જઈશ. ખરેખર વહુએ ધરડા સાસુમાને પીઠ ઉપર ઉપાડયાં અને બળબળતા ઉનાળે ને આગ ઓકતી ગરમીમાં ત્રણ કિલોમીટરનો પંથ કાંપીને બેન્કમાં પહોંચાડયાં અને પેન્શન અપાવીને જ રહી. વહુ સુખમનિયાએ બેન્કમાં પહોંચી મનોમન કંઈક આવું જ કહ્યું હશેઃ
ટેન્શન નહીં લેને કા... પેન્શન લેને કા!
પોલીસ પેટ્રોલિંગ
માટે સાઈંક્લિંગ
પોલીસ પેટ્રોલિંગ માટે સામાન્ય રીતે જીપમાં કે પછી બાઈક ઉપર નીકળતા હોય છે, પરંતુ દિલ્હીના ગ્રામીણ ભાગમાં સાંજ પડે ત્યારે નવો નઝારો જોવા મળે છે. ખાખી વર્દીધારી પોલીસો સાઈકલ ઉપર ટ્રીન ટ્રીન ટોકરી વગાડતા પેટ્રોલિંગમાં નીકળી પડે છે. ઈંધણ બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાકલ કર્યા બાદ નજફગઢના બાબા હરિદાસનગર અને જડૌદામાં પોલીસોએ સાઈકલ વાપરવાની શરૂઆત કરી દીધી છે. હવે તો એક પછી એક ગામોમાં સાઈકલનો વપરાશ શરૂ થવા માંડયો છે. પોલીસોનું અને ગ્રામજનોનું કહેવું છે કે પહેલાં પોલીસો કાર, જીપ કે બાઈક પર વટથી નીકળતા ત્યારે જનતા અને પોલીસ વચ્ચે થોડું અંતર રહી જતું હતું, પણ જ્યારથી ધીમે ધીમે સાઈકલ પર નીકળે છે અને વચ્ચે વચ્ચે સાઈકલ ઊભી રાખીને લોકોના હાલચાલ પૂછતા રહે છે તેને કારણે પોલીસ અને લોકો એકબીજાથી વધુ નજીક આવી ગયાની લાગણી થાય છે. લોકો હવે જરાય સંકોચ રાખ્યા વિના પોલીસોને પોતાની મુશ્કેલી જણાવે છે અને ફરિયાદો કરે છે. પોલીસો પણ સાઈકલ ઉપર સાંકડી ગલીઓમાંથી પણ આસાનીથી નીકળે છે એટલે એક એક ખૂણામાં શું ચાલી રહ્યું છે તેની પૂરેપૂરી ખબર રાખી શકે છે. આ સાઈકલ સવાર પોલીસોને જોઈને કહેવું પડે કે-
પેટ્રોલ બચાવી કરે પેટ્રોલિંગ,
વર્દીધારી કરે સાયક્લિંગ.
ચાંદી કા દિલ દે
કે દેખો
વર્ષો પહેલાં એક ફિલ્મ આવેલી 'દિલ દે કે દેખો'. આ ફિલ્મનું ટાઈટલ એટલે યાદ આવ્યું કે તાજેતરમાં રાજસ્થાનના કૃષ્ણના ધામ શ્રી સાંવરિયા સેઠના મંદિરમાં એક આસ્થાળું ભક્તે ચાંદીનું દિલ અર્પણ કર્યું હતું. એમાં એવું થયું કે આ ભક્તને હાર્ટએટેક આવ્યો અને તબિયત બગડી. હાર્ટની બાયપાસ સર્જરી કરાવવાની ડોક્ટરે સલાહ આપી. બાલમુકુંદ તિવારી નામના ભક્તને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવતા હતા ત્યારે તેમણે માનતા માની કે હે સાંવરિયા સેઠ શસ્ત્રક્રિયા સફળ થશે તો ચાંદીનું દિલ ચડાવીશ. ઓપરેશન સફળ થયું એટલે માનતા પૂરી કરવા ૧૯૭ ગ્રામનું ચાંદીનું હૃદય અર્પણ કર્યું. આ મંદિરમાં માનતા પૂરી થાય તેને લાગતું ચાંદીનું પ્રતીક ચડાવવાની પ્રથા પડી ગઈ છે.
એક ભક્તનો પેટ્રોલનો બિઝનેસ પૂરબહારમાં ખીલ્યો ત્યારે તેણે ચાંદીનો નાનકડો પેટ્રોલ પમ્પ ભેટ ધર્યો હતો. એક વિદ્યાર્થી બારમા ધોરણમાં સારા ટકા સાથે પાસ થયો ત્યારે તેણે ચાંદીનું પુસ્તક અર્પણ કર્યું હતું. બાકી ચાંદીનું દિલ અર્પણ કરવામાં આવ્યું હોય એવી આ પહેલી જ ઘટના છે. આ જોઈને કહેવું પડે કે-
ચાંદી કા દિલ દે કે દેખો,
શ્રદ્ધા કી યે અસર દેખો.
વહેલો ઉઠાડતા કાયમ માટે પોઢી ગયો
પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થાય એમાંથી ક્યારેક વાત કેટલી હદે વણસી જાય છે તેનો ઉત્તર પ્રદેશના હાથરસના રામપુર-બટ્ટારી ગામની અરેરાટીપૂર્ણ ઘટનાથી ખ્યાલ આવશે. લાલુસિંહ નામના ભાઈ રોજ ૮ વાગ્યે ઊંઘમાંથી ઉઠતા હતા. એક દિવસ પત્નીએ પાંચ વાગ્યે ઘઘલાવીને ઊઠાડયા. એમાંથી ઝઘડો થયો અને ંમગજ પરનો કાબૂ ગુમાવી લાલુસિંહે તમંચાથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. વાત જાણે એમ બની કે પત્ની વહેલી ઉઠી ત્યારે કિચનના દરવાજાનું તાળું ખુલતું નહોતું, એટલે પતિને ઉઠાડયા. કાચી નિંદરમાંથી ઉઠાડવામાં આવતા લાલુસિંહ ગુસ્સે થયા હતા અને ઘરમાં પડેલા તમંચામાંથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. વહેલા ઉઠવા જેવી બાબતમાં ઝઘડો થતા ભાઈ કાયમ માટે પોઢી ગયા.
જંગલી હાથીના પ્રેમમાં સરકારી હાથણી
ઉત્તરાખંડમાં બીજનોર ખાતે આવેલા જગપ્રસિદ્ધ કોર્બેટ ટાઈગર પાર્કમાં સહુને આશ્ચર્યચક્તિ કરી દે એવી ઘટના બની હતી. ઝિરના રેન્જમાં પેટ્રોલિંગ કરવા અને સુરક્ષા માટે તુંગા અને કપિલા નામની બે હાથણીઓને તૈનાત કરવામાં આવી છે. આ પાળેલી બન્ને સરકારી હાથણીઓ એક દિવસ અચાનક ગુમ થઈ ગઈ. વનરક્ષકો ચિંતામાં પડી ગયા અને પછી શોધખોળ શરૂ કરવામાં આવી. એમાં એવી ખબર પડી કે બન્ને સરકારી હાથણીઓ ચારા માટે જંગલમાં ગઈ હતી ત્યારે ત્યાં જંગલી હાથીઓનું ઝૂંડ આવી ચડયું હતું. બન્ને સરકારી હાથણીઓ જંગલી હાથીના પ્રેમમાં લટ્ટુ બની ગઈ અને પરિવારની મરજી વિરુદ્દ કોઈ કન્યા તેના પ્રેમી સાથે ભાગી જાય એમ હાથણીઓ જંગલી હાથીએ સાથે ભાગી ગઈ હતી. આખી રાત વનરક્ષકોએ ગોતાગોત કરી, પણ હાથણીનો ક્યાંય પત્તો નહોતો લાગતો. સદ્ભાગ્યે બીજે દિવસે બન્ને હાથણીઓ હાથી સાથે જંગલમાં મંગલ કરીને ચૂપચાપ સાવ ડાહી ડમરી થઈને પાછી આવી ગઈ ત્યારે વનરક્ષકોનો જીવ હેઠે બેઠો હતો.
માણસની જેમ પ્રાણીની દુનિયામાં પણ આવી રીતે પ્રેમી સાથે ભાગી જવાના બનાવો બનતા હશેને?
પંચ-વાણી
સઃ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ કામ કરે એવા કામચોરને સારી ભાષામાં શું કહેવાય?
જઃ વન-ડે માત્રમ્.


