મામાનું ઘર કેટલે? 'દિલ' બળે એટલે
- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
નાનપણમાં વેકેશનમાં મોસાળ જવાનું થાય ત્યારે એક જોડકણું કાયમ જીભે ચડતું ઃ મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે...! પરંતુ મધ્યપ્રદેશની લાખો મહિલાઓના વ્હાલા ભાઈ અને મહિલાઓનાં સંતાનો માટે માનીતા મામાનું બિરૂદ પામેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ માટે વધુ એક વખત સી.એમ. બનવાની તક છેલ્લી ઘડીએ હાથમાંથી સરકી ગઈ. એમપીમાં લાડલી બહેના યોજના હેઠળ મહિલાઓના કલ્યાણ માટે અનેકવિધ કાર્યો કરીને તેમણે ગજબની લોકચાહના મેળવી અને મધ્ય પ્રદેશમાં ભાજપની સત્તા આવી તેની પાછળ પણ મામાનો મોટો હાથ હતો. એટલે ફરી વાર સીએમ પદ એમને જ સોંપાશે એવું લાગતું હતું. પરંતુ ભાજપના મોવડીઓએ પાસા પલ્ટાવીને ચૌહાણને બદલે જેનું કોઈએ નામ પણ નહોતું સાંભળેલું એવાં મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવી દીધા. તાજેતરમાં જ શિવરાજ સિંહ તેમના બુધની વિધાનસભા ક્ષેત્રમાં ગયા ત્યારે સેંકડો બહેનો તેમને ઘેરી વળી હતી અને આંખમાં ઝળઝળિયા સાથે વિનવણી કરી હતી કે, 'ભૈયા, હમેં એકેલા છોડકર કહીં મત જાઓ.' ત્યારે શિવરાજ સિંહે ધરપત આપતાં કહ્યું કે હતું કે હું ક્યાંય નહીં જાઉં. ખરેખર ચૌહાણે પોતાના બંગલાનું નામ જ 'મામા કા ઘર' કરી નાખ્યું છે. જોકે ભાજપ હાઈ-કમાન્ડે એમને કેવા મામા બનાવ્યા. બસ, એટલે જોડકણું ફેરવીને કહેવું પડે કેઃ મામાનું ઘર કેટલે? (દીવો નહીં, પણ) દિલ બળે એટલે.
સોજા રાજકુમારી સો જા
મોડે સુધી ચાલતી લગ્નની વિધિઓ, મધરાત સુધી ગવાતાં લગ્નગીતો, પૂર્વ તૈયારીમાં લાગતો થાક - આ બધી બાબતો તરફ ખરેખર આંખ ઉઘાડે એવી ઘટના લગ્નમંડપમાં બની હતી. વર-કન્યા માંડવે પરણવા બેઠાં, સાજન-માજન લગ્ન માણવા ભેગું થયું હતું અને ગોર મહારાજ મંત્રોચ્ચાર કરતા હતા એ વખતે થાકેલી કન્યાને રીતસર ઝોકું આવી ગયું અને સૂઈ ગઈ. વરરાજાનું ધ્યાન ગયું એટલે જરાક ખભેથી હલબલાવી ત્યારે કન્યા રીતસર ઝબકીને જાગી ગઈ. આ ઘટનાનો વીડિયો વીજળી વેગે વાઈરલ થઈ ગયો. વડીલો કહે છે ને કે સંસારની ગાડી સડસડાટ દોડે એ માટે બન્ને પાત્રોએ સતત 'સજાગ' રહેવું જોઈએ. બાકી તો ઊંઘનું એવું છે કે કોને ક્યારે ઝોકું આવી જાય એનો નેઠો નહીં. એટલે જ હાથ બનાવટની કહેવત કહી શકાય કેઃ ભૂખ્યા ન જુએ હાંડવો અને ઊંઘતા ન જુએ માંડવો.
આખું તળાવ ચોરાયું
દિલની ચોરી થાય તો દેખાય નહીં. આવી જ રીત લાલુજીના બિહારમાં આખેઆખું તળાવ ચોરાયું છતાં કોઈને પહેલાં તો ખબર જ ન પડી. વાત જાણે એમ બની કે દરભંગા જિલ્લાના નીમપોખર ગામમાં ભૂમાફિયાઓએ એક નાનું તળાવ હતું એમાં માટી, પથ્થર, કાંકરા નાખીને બૂરી દીધું. તળાવની ઉપર મેદાન બનાવી દીધું. મેદાનની વચ્ચોવચ્ચ ઝૂંપડી પણ બાંધી દીધી. મજાની વાત તો એ છે કે સરકારી જમીન પરના આ તળાવને જમીન માફિયાઓએ રાતોરાત ગાયબ કરી દીધું. જમીનની વધતી કિંમત જોઈને માફિયાઓએ આ દુસાહસ કર્યું, બોલો, કેવી હિંમત કહેવાય!
બિહારની વાત જ છે ન્યારી, જ્યાં જાત જાતની ચોરી છેે પ્યારી. થોડા સમય પહેલાં એક પુલ તોડીને એમાંથી નીકળેલું લોખંડ બારોબાર વેચી નાખવામાં આવ્યું હતું. આજે ભલે દેશભરમાં નાનાં ગામડાઓ સુધી વીજળી પહોંચી હોય, છતાં બિહારના અમુક ગામડામાં આજે પણ ફાનસ કે દીવડા પેટાવવામાં આવે છે. આનું કારણ નવાઈ પમાડે એવું છે. ગામડા સુધી વીજળી પહોંચાડવા થાંભલા ખોડાયા અને વીજળીના તાર નખાયા પછી લોકો તાર કાપીને ભંગારમાં વેંચી આવ્યા. લાલુજીનો સિતારો જ્યારે બુલંદી પર હતો ત્યારે એવું કહેવાતું કે જબ તક સમોસે મેં આલુ રહેગા, બિહાર મેં લાલુ રહેગા. પરંતુ કરોડોનો ઘાસચારો હડપ કરી ટોચ પરથી નીચે પટકાયા અને બધો દબદબો ઓગળી ગયો. હવે ફેરવીને કહી શકાય કેઃ
જબ તક બિહાર કે જંગલ મેં
ભ્રષ્ટ ભાલુ રહેંગે,
તબ તક ચોરી કે
સિલસિલે ચાલુ રહેંગે.
બાબુપટ્ટીના બિગ-બીને ઓળખો છો?
શેક્સપિયર દાદા કહી ગયા છે કે નામમાં શું રાખ્યું છે? એટલે જ નામ બદલવામાં શૂરા નામકરણવીરો ગામનાં નામ, શહેરનાં નામ, જિલ્લાનાં નામ બદલતા હોય છે. નામ બદલવાના મામલે સૌથી હાસ્યાસ્પદ હરકત ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી હતી. અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું તે તો જાણે સમજ્યા, પરંતુ એક પાઠયપુસ્તકમાં ઉર્દૂના મશહૂર શાયર અકબર અલાહાબાદીનું નામ બદલીને શું કરવામાં આવ્યું ખબર છે? અકબર પ્રયાગરાજી. આ ભોપાળુ ંબહાર આવતા હોબાળો મચી ગયો હતો અને તત્કાળ ભૂલ સુધારીને મૂર્ખામી પર પડદો પાડવામાં આવ્યો હતો. જોકે આ જ અલાહાબાદમાં જન્મેલા ઈન્કલાબ શ્રીવાસ્તવનું નાનપણમાં જ નામ બદલવામાં આવ્યું. બદલાયેલા નામ અને અટક સાથે જ આ હસ્તી જગમશહૂર બની, એ અમિતાભ બચ્ચન. અલાહાબાદ જિલ્લાનું બાબુપટ્ટી ગામ અમિતાભનું પૈતૃક ગામ. હિન્દીના મહાન કવિ હરિવંશરાય બચ્ચનને ત્યાં જન્મેલા અમિતાભને ઈન્કલાબ શ્રીવાસ્તવ નામ અપાયું હતું. જો કે પિતા હરિવંશરાય જાતપાતમાં માનતા નહીં એટલે અટકથી જ્ઞાાતિ ખબર ન પડે માટે શ્રીવાસ્તવ સરનેમનો છેદ ઉડાડી બચ્ચન ઉપનામ રાખ્યું. એકવાર હરિવંશરાયને મળવા હિન્દીના બીજા એક મહાન કવિ સુમિત્રાનંદન પંત આવ્યા હતા. તેમણે ઈન્કલાબનું નામ અમિતાભ કરવાનું સૂચવ્યું.બસ, ત્યારથી ઈન્કલાબમાંથી અમિતાભ બન્યા અને અમિતાભે પણ શ્રીવાસ્તવને બદલે બચ્ચન સરનેમ અપનાવી. દાયકાઓથી અમિતાભ બચ્ચનના નામના સિક્કા પડે છે.
હાથીની અનોખી હોસ્પિટલ
આસામ, મહારાષ્ટ્ર કે કેરળમાં વિફરેલા હાથીના હુમલામાં અનેક લોકો મોતને ભેટે છે અને કેટલાય ઘાયલ થાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાય છે, પરંતુ માણસને ઘાયલ કરનાર હાથી ખુદ જખમી થાય તો તેની સારવાર માટે માણસે જ હોસ્પિટલ ઊભી કરી છે. ભારતની સર્વ પ્રથમ હાથીની હોસ્પિટલ મથુરામાં ખૂલી હતી. આ વાઈલ્ડ લાઈફ એસઓએસ હોસ્પિટલે તાજેતરમાં જ પાંચ વર્ષની મજલ પૂરી કરી છે. જખમી થયેલા હાથી અને બીમાર પડેલા હાથીની સારવાર માટે ૫૦ એકરના વિશાળ એરિયામાં સ્થપાયેલા એલિફન્ટ હોસ્પિટલ કેમ્પસમાં અત્યાર સુધીમાં અનેક હાથીઓને નવું જીવન અપાયું છે. આ હોસ્પિટલમાં આધુનિક પેથોલોજી લેબોરેટરી, લેસર થેરાપી, પોષક આહાર વિભાગ તેમ જ પુલના પાણીમાં દવા ભેળવીને અપાતી હાઈડ્રો થેરાપીની સુવિધા છે. આ હોસ્પિટલમાં અત્યંત ગંભીર રીતે ઘવાયેલા તેમ જ વિવિધ બીમારીથી ગ્રસ્ત હાથીઓને લાવવામાં આવે છે અને એને સાજા તેમ જ તાજામાજા કરી જંગલમાં છોડવામાં આવે છે. બીજું , આ હોસ્પિટલ તરફથી જુદાં જુદાં જંગલોમાં મેડિકલ ટીમો મોકલીને ખાસ હાથીઓ માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે. આ હોસ્પિટલનું એક જ સૂત્ર છેઃ હાથી બચાવો. એક ફિલ્મ આવી હતીઃ 'હાથી મેરે સાથી'. આ ગજપ્રેમીઓના પ્રયાસને જોઈ ફિલ્મનું ટાઈટલ બદલીને કહેવું પડે કેઃ હાથી મરે શાથી?
પંચ-વાણી
સઃ કપાલભાતી આસનની જેમ ફિલ્મી ગીતો ગાતાં ગાતાં ટેસથી આસન કરાય એ આસનને શું કહેવાય?
જઃ વિવિધ-ભારતી.