હવે ગંગાના જળ પર સાફસૂથરી હાઈડ્રોજન ટેક્સી

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
રામ તેરી ગંગા મૈલી હો ગઈ... પાપીઓ કે પાપ ધોતે ધોતે... પાપ ધોઈને જ નહીં, પણ પવિત્ર નદીમાં ઠલવાતી ગંદકી અને પ્રદૂષણને કારણે ગંગા મેલી થઈ ગઈ છે. એટલે જ વારાણસીમાં ગંગાને વધુ પ્રદૂષિત થતી બચાવવા માટે દેશની પહેલવહેલી હાઈડ્રોજન ટેક્સીઓ તરતી મૂકાઈ છે. ડિઝલ એન્જિનવાળી બોટ કે લોંચ પ્રદૂષણ ફેલાવતી હોય છે. એટલે જ હાઈડ્રોજન ટેક્સીઓ તરતી મૂકીને ઈકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટની દિશામાં નવી પહેલ કરવામાં આવી છે. આ હાઈડ્રોજન ટેક્સીને લીધે ઈંધણની બચત થશે એટલું જ નહીં, પણ નદીના પાણીમાં પ્રદૂષણ પણ નહીંફેલાય.
ગંગા નદીના પાણીને સ્વચ્છ કરવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ભવિષ્યમાં ગંગા નદીની સ્વચ્છતાનો પ્રયાસ સફળ થશે તો 'મન ચંગા તો કથરોટ મેં ગંગા' એે કહેવત થોડી ફેરવીને કહી શકાશે કે 'ગંગા તેરા પાની ચંગા...'
શાંતિથી સેલ-ભૂત ભગાડો વાંચન અને જાપમાં મન લગાડો
ભૂતનો વળગાડ છોડાવવા માટે ભૂવાને બોલાવવામાં આવે છે, તો સેલભૂતનો વળગાડ છોડાવવા કયો ઉપાય અજમાવી શકાય? સેલભૂત એટલે માણસને વળગેલું મોબાઈલ ફોનનું ભૂત. મોબાઈલના બંધાણીઓ જીવનનો અમૂલ્ય સમય જેનું કોઈ મૂલ્ય નથી એવા અ-મૂલ્ય વોટસ-એપ કે ચેટિંગ પાછળ વેડફે છે. લોકોને મોબાઈલના મારક મેગ્નેટથી છોેડાવવાના પ્રયાસ રૂપે પંજાબમાં ધોલિયા-ખુર્દ ગામે અજબ હરીફાઈ યોજાઈ હતી. હરીફાઈમાં ભાગ લેનારી વ્યક્તિ મોબાઈલનો યુઝ કર્યા વિના વધુમાં વધુ કેટલો સમય બેસી શકે છે તેની પરીક્ષા કરવામાં આવી હતી. સ્પર્ધકોને ટોઈલેટમાં પણ મોબાઇલ લઈ જવાની પરવાનગી નહોતી કે આપસમાં ટોળટપ્પા કરવાની પણ છૂટ નહોેતી. માત્ર પુસ્તક વાંચવાની કે મનમાં જાપ કરવાની છૂટ હતી.
આ સ્પર્ધામાં સતવીરસિંહ નામનો યુવાન સતત ૩૧ કલાક એમનેમ શાંતિથી બેઠા રહીને ફર્સ્ટ પ્રાઈઝ જીતી ગયો હતો. વિજેતાને એક સાઈકલ, રોકડ ઈનમા અને ચોખ્ખું ઘી ઈનામમાં આપવામાં આવ્યાં હતાં. પંજાબના એક નાના ગામડામાં યોજાયેલી આ સ્પર્ધામાંથી પ્રેરણા લઈને હવે ગામેગામ અને શહેરોમાં આવી હરીફાઈઓ યોજાવી જોઈએ, એટલું જ નહીં, મોબાઈલ મુકિત મહાયજ્ઞાો યોજીને એમાં સેલફોનની આહુતિ આપવી જોઈએ. આવું થશે તો જ સેલભૂતના વળગણમાંથી છૂટકારો થશે. આ માટે કહેવું જોઈએ કે:
શાંતિથી સેલ-ભૂત ભગાડો
વાંચન અને જાપમાં મન લગાડો.
વીમાની રકમ મેળવવા પ્લાસ્ટિકના પૂતળાના અંતિમ સંસ્કાર
રાજકીય પક્ષો તરફથી વિરોધ દર્શાવવા માટે નેતાઓના પૂતળા બાળવામાં આવતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના ગઢમુક્તેશ્વરમાં બનેલી એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં વીમાની ૫૦ લાખની રકમ મેળવવા માટે પ્લાસ્ટિકના પૂતળાના અંતિમ-સંસ્કારનુંકારસ્તાન કરવામાં આવ્યું હતું. કાપડના એક વેપારીને ૫૦ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ દેવું ભરપાઈ કરવા માટે વેપારીએ એક પ્લાન બનાવ્યો હતો. વેપારીએ દુકાનમાં કામ કરતા કર્મચારીના ભાઈના આધાર કાર્ડ અને પેન કાર્ડનો દુરૂપયોગ કરીને તેના નામે ૫૦ લાખ રૂપિયાની વીમાની પોલિસી લીધી હતી. થોડો સમય પોલિસીના હપ્તા પણ ભર્યા. ત્યાર પછી ગઢમુક્તેશ્વર જઈને કર્મચારીના ભાઈને આબેહૂબ મળતું આવે એવું પૂતળું બનાવ્યું હતું. ત્યાર બાદ પૂતળાને અંતિમ-સંસ્કાર માટે ત્યાંની સ્મશાનભૂમિમાં લઈ ગયો હતો. કર્મચારીનો ભાઈ મૃત્યુ પામ્યો છે એ દેખાડી ૫૦ લાખ રૂપિયાની વીમાની રકમ મેળવવા માગતા આ વેપારીની બાજી જ્યારે પૂતળાને ચિતા પર મૂકવામાં આવ્યું ત્યારે ઊંધી વળી ગઈ. આજુબાજુના લોકોને શંકા જતા સફેદ કફન હટાવતાની સાથે જ અંદરથી પ્લાસ્ટિકનું પૂતળું નીકળ્યું હતું. વેપારીની બાજી ઊંધી વળી ગયેલી જોઈને કહેવું પડે કે:
કાપડના વેપારીની ઊંધી
વળી બાજી,
કાપડ હટાવતા ઉઘાડી
પડી ચાલબાજી.
બાળકને નિ:વસ્ત્ર કરી ઝાડ પર લટકાવ્યો
સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમઝમ... એ રીતે વિદ્યાર્થીઓને મારીને ભણાવવાના દિવસો ગયા. હવે તો વિદ્યાર્થી પર માસ્તર કે માસ્તરાણી હાથ ઉપાડે કે તરત કાનૂનના લાંબા હાથ તેમના સુધી પહોંચી જાય છે. આ વાસ્તવિક્તા વચ્ચે પણ ઘણી વાર મારકણા માસ્તરો કે મારકણી માસ્તરાણીઓનાં કરતૂતો બહાર આવતા હોય છે.
છત્તીસગઢના સુરજપુર જિલ્લાના નારાયણપુર ગામની ખાનગી શાળાના નર્સરીના વિદ્યાર્થીએ ઘરકામ (હોમવર્ક) નહોતું કર્યું. એટલે બે શિક્ષિકાઓએ શું સજા કરી ખબર છે? ચાર વર્ષના માસુમના કપડાં ઉતાર્યા અને પછી દોરડાથી બાંધી સ્કૂલના આંગણામાં ઝાડ પર લટકાવી દીધો. બાળકની રડારોળ અને ચીસાચીસ સાંભળી નજીકના ઘરની અગાસી પર ઊભેલા એક તરૂણનું ધ્યાન ગયું અને તેણે તરત જ મોબાઈલથી આ ઘટનાનો વીડિયો ઉતારીને તત્કાળ સોશ્યલ મીડિયામાં વહેતો કર્યો. વીડિયો વાઈરલ થતાંની સાથે જ લોકો આ બન્ને ટીચરો પર ફિટકાર વરસાવવા લાગ્યા હતા અને હોબાળો મચી ગયો હતો.
આવી ફટીચર ટીચરની હરકત જોઈને કહેવું પડે કે-
ભાન વગરની માસ્તરાણી
જ ભૂલકાંને ભટકાવે,
ભૂલકાં ભૂલ કરે તો
કપડાં ઉતારી ઝાડ પર લટકાવે.
શિશુને શ્વાન સંત્રીઓએ રક્ષણ આપ્યું
કૂતરૃં માણસને કરડે એ સમાચાર ન કહેવાય, પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર ગણાય એવી વ્યાખ્યા આપવામાં આવે છે. આમ છતાં કૂતરા કરડવાના રોજબરોજ બનતા બનાવો અને રખડતાં કૂતરાંના હુમલામાં બાળકો જીવ ગુમાવતા હોવાની ઘટનાઓના સમાચાર મીડિયામાં આવતા રહે છે. એટલે જ રખડતા કૂતરાઓ લાકડી ફટકારીને કે પથ્થર મારીને દૂર ભગાડવામાં આવે છે, પરંતુ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બનેલી માન્યામાં ન આવે એવી ઘટના બની. તાજા જન્મેલા એક બાળકની ફરતે સુરક્ષા કવચ રચીને રઝળતા શ્વાનોની ટુકડીએ આખી રાત રક્ષણ પૂરૃં પાડયું હતું.
નાદિયા ગામની રેલવે કોલોનીના શૌચૈલયની બહાર રાતના સમયે તાજા જન્મેલા શિશુને મૂકીને તેની માતા નાસી ગઈ હતી. થોડા કલાક પહેલાં જ જન્મેલા શિશુંનું શરીર લોહીથી ખરડાયેલું હતું અને સતત રડતું હતું. રડવાનો અવાજ સાંભળી આસપાસમાં 'નાઈટ ડયુટી' બજાવતા રઝળતા શ્વાન દોડી આવ્યા હતા અને શિશુની ફરતે સિક્યોરિટી રિંગ રચી ગોઠવાઈ ગયા હતા. સવાર પડતાની સાથે રેલવે કોલોનીના લોકોએ જાગીને જ્યારે આ દ્રશ્ય જોેયું ત્યારે ઘડીભર પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેઠો. બે-ત્રણ મહિલાઓ ત્યાં પહોંચી ગઈ હતી અને નવજાત શિશુને કપડામાં વિંટાળી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આમ શ્વાનની ટોળીએ શિશુનો જીવ બચાવ્યો હતો. 'જીતે હૈ શાન સે...' ને બદલે બાળક કદાચ ભવિષ્યમાં કહી શકશે કે જીતે હૈ શ્વાન સે...
પંચ-વાણી
સ: જે વિમાન કંપનીના વિમાનો મોડા પડે એને શું કહેવાય?
જ: એર-લાઈન્સને બદલે દેર-લાઈન્સ કહેવાય.

