પૈસા છૂટા કરાવતા બાપા કરોડપતિ બન્યા


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

બગાસું ખાતાં મોઢામાં પતાસું  આવે એ  કહેવત કેરળના ૭૭ વર્ષના સિનિયર સિટીઝન માટે  સાવ સાચી પડી. સદાનંદ બાપા  શાક લેવા  ગયા તો ખરા, પણ  ખિસ્સામાં ૫૦૦ રૂપિયાની  નોટ  હતી. હવે  પા-અડધો કિલો  રીંગણા કે ટીંડોળા ખરીદીને  ૫૦૦ રૂપિયાની નોટ  ધરે એને  છૂટા કોણ આપે? એટલે સદાનંદ  બાપાએ  આજુબાજુ  નજર દોડાવી. ત્યાં એક લોટરીની  ટિકિટનો   સ્ટોલ દેખાયો એટલે પહોંચી ગયા સ્ટોલ ઉપર  અને લોટરીની ટિકિટ ખરીદી, ૫૦૦ રૂપિયાના છૂટા લઈ, શાકવાળાને ચૂકવીને ઘરે  આવ્યા. બીજે દિવસે લોટરીનું  રિઝલ્ટ જાહેર થયું અને એમાં  સદાનંદ બાપાએ ખરીદેલી લોટરીને  જ ૧૨ કરોડ રૂપિયાનું જંગી  ઈનામ લાગ્યું. સિનિયર  સિટીઝન  કેવા નસીબદાર? આ જોઈને કહેવું પડે કે-

નસીબના જ ખેલ છે

આવે અને જાય સંપત્તિ,

કોઈ બને રોડ પતિ

તો કોઈ બને કરોડપતિ.

કાશ્મીર કી કલી 

કાશ્મીર કી કાર ચલી

કાશ્મીરનું નામ કાને પડે ત્યારે  નજર સામે  ત્રાસવાદીઓના હુમલા, પથ્થરબાજોના પ્રહાર કે  પછી  બોમ્બ  ધડાકાનાં  દ્રશ્યો  નજર સામે  ખડાં થાય છે.  ટુરિઝમ  સ્ટેટ,  ટેરરિઝમ  સ્ટેટમાં  ફેરવાઈ ગયું છે. આ જ કાશ્મીરમાં  અશાંત પરિસ્થિતિ  કે ઝળુંબતા જોખમના  માહોલ વચ્ચે પણ  અનેક દિવસોની જહેમત   અને  ફળદ્રુપ દિમાગને  કામે  લગાડી બિલાલ અહમદ નામના શિક્ષકે  સૌરઉર્જાથી દોડતી  અનોખી  સોલાર-કાર  બનાવી છે.  છેલ્લાં  ૧૧ વર્ષથી  દિવસ-રાત  મહેનત કરી શિક્ષકે   બનાવેલી  આ કાર  પેટ્રોલ, ડિઝલ કે  સીએનજીથી નહીં, પણ સૂર્યપ્રકાશથી  ચાલે છે. સોલાર-કારના આગલા  ભાગમાં સોલાર  પેનલ લગાડી છે. કારની ખૂબી એ છે કે  ઓછા  સૂર્યપ્રકાશમાં  પણ તેને  ચલાવી  શકાય છે. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના  એક માંધાતાએ જ્યારે આ સોલાર-કારની શોધના સમાચાર  જાણ્યા ત્યારે  કાશ્મીરી  ટીચરની  પીઠ થાબડી ખૂબ ખૂબ શાબાશી આપી. પેટ્રોલ, ડિઝલ અને ગેસના  આસમાને ગયેલા  દરનો મુકાબલો  કરે એવી  માત્ર સૌરઉર્જાથી ચાલતી  આ  કારને  જોઈને કહેવું  પડે કે-

કાશ્મીરના ઉપદ્રવીઓને

લાગે સરખાઈની ફટકાર,

પણ એ જ કાશ્મીરમાં

જેણે બનાવી સોલાર કાર

એનો થવો જોઈએ સત્કાર.

નૈનિતાલને માથે

ઝળુંબતું જોખમ

દાયકાઓ  જૂની 'વક્ત' ફિલ્મનું હલકદાર ગીત 'દિન હૈ  બહાર કે તેરે મેરે  ઈકરાર કે, દિલ કે  સહારે  આજા પ્યાર કરે...' સાંભળીને તરત જ નૈનિતાલના  નૈની  ઝીલમાં તરાપા  પર આ  ગીત  ગાતાં શશી કપૂર અને શર્મિલા ટાગોરની  યાદ આવે છે. નૈની  તળાવમાં  આવી તો અનેક  ફિલ્મોનાં દ્રશ્યો  ફિલ્માવયાં છે, પણ કમભાગ્યે  પ્રકૃતિ પર થઈ રહેલા પ્રહારને લીધે નૈની  તળાવ સામે જ નહીં, પણ આખા નૈનિતાલ પર ચારે બાજુથી ભેખડો ધસી પડવાનું  જોખમ ઝળુંબી  રહ્યું છે. 

કુદરતી  સૌંદર્ય,  ઊંચા પહાડો અને જંગલમાં  વહેતા ઝરણાંથી  શોભતા નૈનિતાલની રચના અંગ્રેજોએ  ૧૮૪૨માં  કરેલી.  ત્યારે  પહાડી ગામમાં  પાંખી વસતી  હતી, પણ પછી તો  પહાડો  તોડીને બેફામ બાંધકામો શરૂ  થઈ ગયા. વસતી વધવા માંડી જંગલ વચ્ચે કોંક્રિટનું  જંગલ  વધવા માંડયું. ત્યારબાદ  પહાડો પરથી  ભેખડો  ધસી  પડવાનો સિલસિલો  શરૂ થઈ  ગયો.  ૧૮મી સપ્ટેમ્બર ૧૮૮૦માં  નૈનિતાલના ઈતિહાસની  સૌથી  કારમી  ભૂસ્ખલનની દુર્ઘટના સર્જાઈ, જેમાં  ૧૪૧ જણ  દટાઈ ગયા. અત્યારે  વસતી  વિસ્ફોટને   લીધે નાનકડા  નૈનિતાલની  આબાદી  ૧૧ લાખ થઈ ગઈ છે. ટુરિસ્ટોના  સતત પ્રવાહ  રહેતો  હોવાથી  હોટેલો બંધાતી જરહે છે.  આમ, પ્રકૃતિનું  સંતુલન  બગડી ગયું  છે. ગયા વર્ષે અતિવૃષ્ટિની  સાથે  ભારે પૂર  આવતાં ખાનાખરાબી  થઈ  હતી અને  ઠેકઠેકાણે  ભેખડો  ધસી  પડી હતી.   હવે વૈજ્ઞાાનિકોએ  સમગ્ર  નૈનિતાલના  પહાડોની  સ્થિતિનો   અભ્યાસ કરી એવી  આગાહી  કરી છે કે સાવચેતીના  પગલાં લેવામાં  નહીં  આવે  તો આજુબાજુના  પહાડો  પરથી નાની ભેખડો જ નહીં,  પરંતુ અડધા-પડધા   પહાડના  હિસ્સા તૂટી તૂટી  નૈની ઝીલમાં  પડશે અને  છલકાયેલું   ઝીલનું  પાણી  આખા શહેરને   ડૂબાડી દેશે. જો આડેધડ બાંધકામો  અને કુદરત પર કુઠરાઘાત નહીં અટકે તો   નૈનિતાલનું  નામોનિશાન  મટી જશે.  એટલે  'વક્ત'ના જે  ગીતનો  ઉલ્લેખ  કર્યો એ  સાહિર લુધિયાનવીએ  લખેલા ગીતની બીજી કડી  પણ  ઓછી જ બંધબેસતી છેઃ 'દુશ્મન હૈ પ્યાર કે જબ  લાખો ગમ,  સંસાર કે  દિલ કે  સહારે કૈસે પ્યાર કરે...' નૈનિતાલઆજના  સંદર્ભમાં  એમ કહી શકાય કે પ્રકૃતિપ્રેમીઓ  ગળા ફાડીને જોખમનુંં  ગાણું  ગાય છે, પણ માત્ર   દિલના  સહારે આ જોખમ ક્યાંથી  નિવારી શકાય?  દિલથી નહીં  પણ દિમાગથી સરકાર કંઈક કરે તો  થાય.  

આસામવાળા અંગ્રેજોના દાંત ખાટ્ટા કરશે

ગોરાઓએ  બસો વર્ષે ભારત પર શાસન કરી દમ કાઢી  નાખ્યો  હતો. ત્યારે એવું  કહેવાતું  કે બ્રિટીશ  સામ્રાજયનો  સૂર્ય  ક્યારેય  અસ્ત નહોતો  થતો,  કારણ કે ભગવાન પણ અંધારામાં  અંગ્રેજોનો વિશ્વાસ ન કરતા. ખૈર, હવે તો આસામવાસીઓ એ  અંગ્રેજોના દાંત ખાટ્ટા કરવા માટે સજ્જ થઈ ગયા છ.ે કેવી  રીતે જાણો છો?  આસામમાં  ઉગતા ખાટ્ટા લીંબુની હવે  ઈંગ્લેન્ડ નિકાસ શરૂ થઈ ગઈ છે.  આમ પણ અંગ્રેજોએ  ભલે  ૨૦૦ વર્ષ ભારત પર  શાસન કર્યું,  પણ હવે  ભારતીય મૂળના કેટલાય  નેતાઓ  બ્રિટનમાં મહત્ત્વના સત્તાસ્થાને  બિરાજે  છે ને?  એટલે જ  કહેવું પડે કેઃ

ગોરાઓ માંડ ગયા

પડાવી ભારતમાં ફાંટા,

પણ હવે  ભારતના જ લીંબુ

કરશે ગોરાના દાંત ખાટ્ટા.

મંડપ છો દૂર છે

પૈણવું જરૂર છે...

બાલમંદિરમાં  એક કવિતા માસ્તર  ગવડાવતાઃ બંદર છો દૂર છે, જાવું જરૂર છે... બેલી તારો  બેલી તારો  બેલી તારો તુંજ છે... પણ હમણાં મધ્ય પ્રદેશના  ઈન્દોર  શહેરમાં  નીકળેલી લગ્નની  બારાતનો  વિડિયો  વાઈરલ થયો એ જોઈને  ભલભલા  હસી હસીને  ઊંધા  વળી ગયા.   ધોધમાર  વરસાદમાં  જાન નીકળી.  વરરાજા તો  વટથી  આગળ કારમાં બેઠા હતા અને પાછળ જાનૈયાઓ મોટી પીળી  તાડપત્રી  ઓઢીને નાચતા-ગાતા  આવતા હતાઃ  લે જાયેંગે, લે જાયેંગે તાડપત્રી-વાલે દુલ્હનિયા લે  જાયેંગે... 

આમ તો  લગ્નની મોસમનું  પણ ચોમાસા જેવું  જ છે.  પરણીને સંસાર  માંડો  ત્યારે  શરૂઆતમાં  પ્રેમની  ઝરમર થાય અને  પછી  વાત વટકે તો  પડવા માંડે  જોરદાર ઝાપટાં. આ હકીકતનો ઘણાને અનુભવ થાય છે એ જોયા છતાં  કુંવારાઓ  કે વખત  વીતતાં 'વાંઢાજનક' સ્થિતિમાં   રહેતા જુવાનિયાઓ પૈણુંં-પૈણું કરતાં રહે છે અને  પછી જે મળે એ પાત્ર  સાથે ધરાર પરણીને  જ છૂટકો કરે છે. વરસતા વરસાદમાં  નીકળેલી જાન જોઈને  બાલમંદિરમાં ગાયેલી  કવિતાજરા ફેરવીને  ગાવાનું મન થાય-

મંડપ છો દૂર છે

પૈણવુંં જરૂર છે,

બેલી તારો, બેલી તારો

બેલી તારો તું જ છે

પૈણવું જરૂર છે.

પંચ-વાણી

ભગવાન આપે વરદાન

સરકાર આપે કર-દાન.

City News

Sports

RECENT NEWS