For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાણી-પૂરી નહીં પુરીનું પાણી

Updated: Aug 13th, 2021

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

નાનકડી પૂરીમાં  મસાલેદાર પાણી ભરીને પછી ટેસથી પાણી-પૂરી ખાવાની મજા જ કાંઇક ઔર હોય છે. પણ મુંબઇમાં અને દિલ્હીમાં કોઇ કોઇ જગ્યાએ મિનરલ વોટર વાપરીને તૈયાર કરાતા પાણીનો ઉપયોગ કરી પાણી-પૂરીનું વેચાણ થાય છે. પણ અત્યારે તો પાણી-પૂરીની નહીં પણ પૂરીના પાણીની ચારે તરફ ચર્ચા છે. કારણ ઓડિશાનું યાત્રાધામ પુરી દેશનું પહેલવહેલું એવું શહેર બન્યું છે જયાં નળમાંથી જ સીધું શુધ્ધ પાણી પી શકાય છે. નળ દ્વારા પીવાલાયક શુધ્ધ પાણી પૂરૂ પાડવાના મામલે પુરી હવે લંડન, ન્યુયોર્ક અને સિંગાપોર જેવાં આંતરરાષ્ટ્રીય શહેરોની હરોળમાં આવી ગયું છે. 

આમ પુરીમાં વસતા અઢી લાખ લોકો અને દર વર્ષે આવતા બે કરોડ યાત્રાળુઓ નળમાંથી જ સીધું શુધ્ધ પાણી પી શકશે : આ માટે ઓડિશામાં ૪૦૦ વૉટર ફાઉન્ટન લગાડવામાં આવ્યા છે. પુરીની મંગલા નદીમાંથી પાણી આવે તેને મંગલાઘાટ  વૉટર ટ્રીટમેન્ટ પ્લાનમાં મોકલવામાં આવે છે. આ પ્લાન્ટમાં પાણીનું શુધ્ધીકરણ થાય છે. આ સાથે જ ઓનલાઇન વૉટર ક્વોલિટી એનેલાઇઝર બેસાડયું છે. જેની મદદથી પાણીની ગુણવતાની સતત ચકાસણી થતી રહે છે. આ પ્રોજેકટને લીધે વર્ષે ત્રણ કરોડ પ્લાસ્ટિકની બોટલોનો વપરાશ ઓછો થશે વર્ષે ૪૦૦ ટન પ્લાસ્ટિનો કચરો જતા નહીં થાય. હવે ઓડિશાના ૧૬ શહેરોમાં આ શુધ્ધ પાણીની યોજના અમલમાં મૂકાશે. આ જોઇને કહેવું પડશે કે :

દૂષિત પાણી પીનારા

બહારના લોકોને વળશે કળ 

જયારે નળમાંથી ખળખળ

આવતું પીશે જળ.

પથ્થરનો વરસાદ વરસે ?

પતરાના છાપરાં પર મુશળધાર વરસાદ વરસતો હોય ત્યારે જાણે પથ્થર વરસતા હોય એવો સતત અવાજ આવે એ સમજી  શકાય. પણ કોઇ એવું કહે કે અમારા ઘર ઉપર અવારનવાર પથ્થર વરસાવવામાં આવે છે તો માન્યામાં કયાંથી આવે ? પરંતુ કેરળના ઇડુક્કી જિલ્લાના પહાડી વિસ્તારના બે ઘરો છાપરાં ઉપર વારંવાર પથ્થર વરસતા હોવાની ફરિયાદ આ ઘરના રહેવાસીઓએ જુલાઇની શરૂઆતમાં કરી ત્યારે કોઇએ વાત માની નહોતી. પણ આ ઘરોમાં રહેતા પી. સુરેશ અને સસરા સેલ્વરાજ  તેમજ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી ત્યારે આ ભેદી પથ્થર-વર્ષા નોંધ લેવામાં આવી. પછી તો પોલીસે આવીને તપાસ કરી તો છાપરાં ઉપર પથ્થર પડેલા જોયા હતા. ઇડુક્કી જિલ્લાના જીયોલોજીસ્ટને જયારે ખબર પડી ત્યારે આ  બાબતની તપાસ કરીને એવી આશંકા વ્યકત કરી હતી કે આ ઘરો પહાડના ઢોળાવ ઉપર આવ્યા છે. ઘણી વાર ખડક અને માટીનું નિવિધાન થવાથી નાના પથ્થર કે કાકરા ઉડીને નીચેની  તરફ આવેલા ઘરોના એસ્બેસ્ટોસના છાપરાં પર પડે તેને લીધે પણ અવાજ આવવાથી જાણે કોઇ પથ્થર વરસાવતું હોય એવો ભ્રમ થાય. જોકે આ રહસ્યમય પથ્થર વર્ષાનું ચોક્કસ કારણ હજી જાણવા  નથી. મળ્યું અત્યારે તો આ બે ઘરમાં વસતા પરિવારો ભયને કારણે બીજે રહેવા ચાલ્યા ગયા છે. છાપરાંતોડ પથ્થર-વર્ષોથી બચવા સલામત સ્થળે  ચાલ્યા ગયેલા લોકો મનોમન કહેતા હશે : 

જયાં પથ્થર વરસે છાપરે

ત્યા પછી કેમ રહેવાય બાપરે.....

એક અનોખું મંદિર જયાં દેડકા પૂજાય છે

આપણાં દેશમાં દેવ-દેવીઓના ગણ્યા ગણાય નહીં એટલા મંદિરો હશે. સદીઓથી મંદિરો બંધાતા આવ્યા છે. પરંતુ કોઇ કહે કે એક મંદિર એવું છે જયાં દેડકાની પૂજા થાય છે, તો પહેલાં માન્યામાં ન આવે. પણ આ હકિકત છે. આ અનોખું મંદિર ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરી જિલ્લાના ઓયલ કસ્બામાં આવેલું છે. દેશનું આ એકમાત્ર મંદિર એવું છે જયાં દેડકાની પૂજા થાય છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલાં આ સ્થળ ઓયલ શૈવ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું, અને રાજા શિવના ઉપાસક હતા. એટલે આ કસ્બાની વચ્ચે મંડૂક યંત્ર પર આધારિત પ્રાચીન શિવ મંદિર બાંધવામાં આવ્યું હતું. ૧૧મીથી ૧૯મી સદી સુધી આ ક્ષેત્રમાં ચાહમાનવંશનું  રાજ હતું.  ચાહમાન વંશના રાજા બખ્શ સિંહે આ દેડકાના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે મંદિરની વાસ્તુ - પરિકલ્પના કપિલાના એક મહાન તાંત્રિકે કરી હતી. તંત્રવાદ પર આધારિત આ મંદિરના પ્રવેશદ્વારા પર પથ્થરના વિશાળ દેડકાના દર્શન થાય છે. એક એવી માન્યતા છે કે દુકાળ અને પૂર જેવી કુદરતી આફતો સામે પ્રજાના રક્ષણ માટે મંદિરનું નિર્માણ થયું હતું. આ શિવ મંદિરમાં દિવાળી ઉપરાંત મહાશિવરાત્રીમાં ભકતોની ભારે ભીડ ઉમટે છે. 

આ સિવાય વિદેશી પર્યટકો પણ આ એક માત્ર ફ્રોગ ટેમ્પલ જોવા આવે છે. આજે પણ દેશના અમૂક પ્રાંતમાં વરસાદ ખેંયાય અને દુકાળ પડશે એવાં એંધાણ વર્તાય ત્યારે દેડકા-દેડકીના વિધિવત લગ્ન કરાવવામાં આવે છેને ?

એકલવીરે 30હજાર વૃક્ષો  ઉગાડયા

આજે વિકાસકાર્ય માટે વિનાશકાર્ય થાય છે. કોંક્રિટના જંગલ ઉભા કરવા વૃક્ષોનું નિકંદન કાઢવામાં  આવે છે. વનનો વિનાશ થતો જાય છે અને મનુષ્યુનું જી-વન જોખમમાં મૂકાતું  જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઓડિશાના એક પ્રકૃતિપ્રેમી વૃધ્ધજને છેલ્લાં ૬૦ વર્ષમાં ૩૦,૦૦૦ વૃક્ષો ઉગાડયા છે. કિંતિલો ગામના અંતજર્યામી સાહૂ ઉર્ફે ગચ્છા સર તરીકે જાણીતા આ નિવૃત્ત ઉગાડવાના કાર્યમાં સતત વ્યસ્ત રહે છે. આ એકલવીર ટ્રી-મેન છ વર્ષના હતા ત્યારથી તેમને  વૃક્ષારોપણનો નાદ લાગ્યો હતો. જયારે સમય મળે ત્યારે છોડ રોપવાનું કામ કરે. મોટા થયા પછી તેમણે વૃક્ષારોપણ એટલે  પ્રકૃતિ અને માનવજાતની સેવા જ છે એ મંત્ર અપનાવીને સાર્વજનિક જગ્યાએ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતું. આમ ૬૦ વર્ષમાં હજારો વૃક્ષો વાવીને હરિયાળી વધારી ચૂકયા છે. હવે તો જુદી જુદી સ્કૂલોમાં જઇને વૃક્ષારોપણના પાઠ ભણાવે છે. ઓડિશા સરકારે તેમને 'નેચર લવર' પુરસ્કાર આપ્યો છે. જોકે તેમને માટે તો નજર સામે મોટા થયેલા વૃક્ષો અને આખ  ઠારતી લીલોતરી એ પ્રકૃતિએ આપેલો મોટામાં મોટો પુરસ્કાર છે. આ ટ્રી-મેનની જીવનભરની આ જહેમત જોઇને કહેવું પડે કે:

હરિયાળીમાં હૈયાનો

ધબકાર પણ છે

અને વનમાં જ

જી-વન છે.

હવે અંગ્રેજોને ખરેખરા મરચા લાગશે

૨૦૦  વર્ષ ભારત પર શાસન કર્યા પછી  જયારે ગાંધીજીની રાહબરીમાં સત્યાગ્રહ અને અહિંસક આંદોલન સામે ઝૂકીને અંગ્રેજોએ હિન્દુસ્તાન  છોડીને જવું પડયું હશે ત્યારે કેવા મરચા લાગ્યા હશે એ ગોરા હાકેમોને ? પણ હવે ખરેખર જરાક ખાતાની સાથે જ ગોરાઓના મોઢા લાલચોળ થઇ જાય અને ઠેકડા મારી ઉઠે એવાં દુનિયાના સૌથી તીખ્ખા મરચા ભારતથી ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા છે. પૂર્વાંચલના આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં ઉગાડવામાં આવતા આ સૌથી તીખ્ખા મરચાની જાત ભૂતજોલોકિયાના નામે ઓળખાય છે.

ભારત અને બ્રિટન વચ્ચેના વ્યાપારી સંબંધોની તવારીખ પર નજર કરીએ તો પહેલી વાર નાગાલેન્ડથી ભૂતજોલોકિયા (રાજા મિર્ચ)ની પહેલી ખેપ ઇંગ્લેન્ડ મોકલવામાં આવી છે. મરચાની તીખાશ માપવાના માપદંડને એસ. એચ. યુ. એટલે સ્કોવિલ હીટ યુનિટ કહેવાય છે. આ માપદંડને આધારે ભૂતજોલોકિયાની ગણના દુનિયાના સૌથી તીખ્ખા મરચામાં ટોપ-ફાઇવમાં થાય છે. 

આ મરચા એટલી તીખ્યો હોય છે કે જરા સરખી કટકી જીભ પર અડતાની સાથે જ આંખ અને નાકમાં પાણી આવી જાય છે. પૂર્વાંચલમાં તો જયાં જંગલી હાથીઓનો બહુ ત્રાસ હોય ત્યાં ઘણાં ખેડૂતો ભૂતજોલોકિયા મરચાની વાડ બાંધે છે. આ મરચાની તીખાશથી હાથી પણ ભાગે છે. એટલે જરા કલ્પના કરો કે મોટે ભાગે બાફેલું, મોળુ અને ફિક્કું ખાણુ ખાવાવાળા અંગ્રેજો આ મરચા ચાખશે તો તેમની કેવી દશા થશે?  આવા કોઇ અંગ્રેજને ઠેકડા મારતા જોઇ ત્યાં વસતા કોઇ ભારતીય આ ગીત ગાઇ ઉઠે તો કહેવાય નહીં : 

તુઝે મિર્ચી લગી તો મેં કયા કરૂં.....

પંચ-વાણી

પ્રેમ-રોગની મળે નહીં કોઇ રસી

આ રોગમાં ભલભલાએ જાતને નાખી ઘસી

Gujarat