Get The App

આખેઆખા રસ્તાની ચોરી .

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
આખેઆખા રસ્તાની ચોરી                                              . 1 - image


- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

દિલ, દૌૈલત, દાગીનાની ચોરી થાય, કાંદાના ભાવ આસમાને જાય ત્યારે કોસ્ટલી કાંદા પણ ચોરાય, ઓઈલ ટેન્કરોમાંથી તેલની ચોરી થાય અને કન્ટેનરો તોડી મોંઘા માલની ચોરી થાય. આ ઓછું હોય એમ રસ્તા પર નાની-મોટી ચોરી તો થતી જ રહે છે. રસ્તા પર ચોરી થાય એમાં કંઈ નવાઈ નથી, પરંતુ આખેઆખો રસ્તો જ ચોરાઈ જાય ત્યારે પહેલાં તો કોઈના માન્યામાં જ ન આવે કે રસ્તો કોણ ચોરી જાય? આ સવાલનો જવાબ મેળવવા છત્તીસગઢના નક્સલવાદી ગ્રસ્ત બીજાપુર વિસ્તાર તરફ નજર દોડાવવી પડે. બન્યું એવું કે બીજાપુરના બાસાગુડાના ગ્રામજનોએ પોલીસમાં ફરિયાદ કરી કે પ્રધાનમંત્રી ગ્રામ-સડક યોજના હેઠળની બે હજાર મીટર લાંબી સડક કોઈ ચોરી ગયું છે. આ ફરિયાદ મળતા પોલીસ અને સરકારી તંત્ર સફાળું જાગ્યું અને તપાસ કરતાં ખબર પડી કે પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના હેઠળ ૨૦૧૮માં બે હજાર મીટર સડકના બાંધકામને મંજૂરી આપવામાં આવી હતી. ગ્રામજનો રાજી થઈ ગયા હતા કે ચાલો સારૂં, હવે રસ્તો બન્યા પછી અવરજવરની તકલીફ ઓછી થશે, પણ હાય નસીબ... ચાર-ચાર વર્ષ રાહ જોયા પછી પણ રસ્તો ન બન્યો રસ્તો ન બંધાયો પણ ૨૦૨૨માં 'સડક નિર્માણનું કામ પૂરૂં થયું છે.' એવું બોર્ડ લાગી ગયું. આ બોર્ડ વાંચીને ગ્રામજનો વિફર્યા, સીધા પોલીસ સ્ટેશનમાં ધસી ગયા અને ફરિયાદ નોંધાવી કે આખો રસ્તો ચોરાયો છે. માન્યામાં ન આવતું હોય તો બોર્ડ પરનું લખાણ વાંચો કે રસ્તાનું કામ પૂરૂં થયું છે, બોલો ક્યાં છે રસ્તો? કોણ ચોરી ગયું રસ્તો? ગામડાઓ સુધી વિકાસ પહોંચાડવાની ગુલબાંગો વચ્ચે કઈ હદ સુધી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે એનો ભાંડો ફૂટતા હંમેશની જેમ તપાસના તરકટનું તિકડમ અજમાવવામાં આવ્યું. ભ્રષ્ટાચારીઓની આ ભ્રષ્ટાચાર-સંહિતા કેવી ભારે પડતી હોય છે!

સગાઈ મેં વાટ લગાઈ

સબસે ઊંચી પ્રેમ-સગાઈ એમ કહેવાય છે, પણ તેલંગણામાં એક યુવતી પોતાની જ સગાઈમાં પોલીસના યુનિફોર્મમાં રૂઆબભેર પહોંચી હતી. જેની સાથે સગાઈ નક્કી થઈ હતી એ આઈ.ટી. પ્રોફેશનલને શંકા ગઈ કે પોલીસ ફોર્સમાં હોય એ યુવતી પોતાની  સગાઈમાં કોઈ દિવસ યુનિફોર્મમાં જાય ખરી? વહેમ ગયા પછી તેણે તત્કાળ તપાસ કરતાં યુવતીનો ભાંડો ફૂટી ગયોે હતો. આ યુવતી પોતાની ઓળખ આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની સબ-ઈન્સ્પેકટર તરીકે આપીને ફરતી હતી. ઉચ્ચ શિક્ષિત યુવતીની બોલવાની છટા અને રૂઆબદાર પર્સનાલિટીને લીધે કોઈ સવાલ કરવાની હિંમત નહોતું કરતું. છેલ્લા એક વર્ષથી તે પોલીસ સબ-ઈન્સ્પેકટરના સ્વાંગમાં ફરતી હતી, પરંતુ પોતાની જ સગાઈમાં એ યુનિફોર્મ પહેરીને ગઈ એમાં પોલ પકડાઈ ગઈ. જે પોલીસો આ બની બેઠેલા લેડી ઓફિસરને સલામ કરતા હતા એ જ તેને પકડીને લઈ ગયેલા. કેમિસ્ટ્રીમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવતી આ યુવતીએ થોડાં વર્ષ પહેલાં આરપીએફમાં સબ-ઈન્સ્પેકટર તરીકે જોડાવા માટે પરીક્ષા આપી હતી, પરંતુ મેડિકલ ટેસ્ટમાં નાપાસ થવાથી પોલીસ અધિકારી બનવાનું સપનું રોળાઈ ગયું હતું. થોડો વખત હતાશામાં ગુજાર્યા બાદ તેણે ખાખી યુનિફોર્મ ધારણ કરીને સ્વયંભૂ સબ-ઈન્સ્પેકટર તરીકે ફરવા માંડી હતી. ટ્રેનમાં મફત ટ્રાવેલ કરતી, કોઈ પણ મંદિરમાં જાય ત્યારે વીઆઈપી દર્શનની લાઈનમાં ઊભી રહેતી. એક તેલુગુ ફિલ્મ સ્ટાર સાથે નિકટતા વધારીને કૈંક લાભ પણ લીધા હતા... પરંતુ ખાખી વર્દીના નાદે જ તેને ખત્તા ખવડાવી. એટલે જ કહેવું પડે છે-

સબ સે ઊંચી  પ્રેમ-સગાઈ,

સબ સે રિસ્કી  વહેમ સગાઈ,

ખાખી વર્દી કે નાદને  કૈસી વાટ લગાઈ?

કોલેજ કન્યા 

કૃષ્ણને પરણશે

મેરે તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ... ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેના જન્મોજન્મના પ્રેમ અને અલૌકિક ભક્તિનો દિવ્ય રણકાર મીરાંબાઈના  આ ભજનમાં સંભળાય છે. મીરાંબાઈની જેમ જ મુરલી મનોહરને મનથી વરી ચૂકેલી શિવાની નામની ગ્વાલિયરની યુવતી ટૂંક સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે ધામધૂમથી પરણવાની છે. કોમર્સ ગ્રેજયુએટ થયેલી શિવાની પરિહારનાં ગ્વાલિયરના મંદિરમાં ધામધૂમથી લગ્ન થશે. વૃંદાવનથી  વાજતેગાજતે શ્રીકૃષ્ણની જાન આવશે અને મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી અનોખા લગ્ન પારપડશે. ત્રણ દિવસની લગ્ન-સમારોહ માટે રીતસર કંકોતરી પણ છપાવવામાં આવી છે. ૧૦૦થી વધુ મહેમાનો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં મગ્ન રહેતી વ્હાલસોયી પુત્રીની કૃષ્ણ સાથે વિવાહની જિદ સામે નમતું જોખી લગ્નની પરવાનગી આપનારાં માતા-પિતા લગ્ન પછી કન્યાને સજળ નયને વિદાય આપશે. શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરીને શિવાજી વૃંદાવન જશે અને ત્યાં ગીતાનો અભ્યાસ કરશે અને કૃષ્ણભક્તિમાં  જીવન વ્યતીત કરશે.

આખેઆખા રસ્તાની ચોરી                                              . 2 - image

બસમાં મહિલાઓને મફત પોપટની ટિકિટ

પોપટ પઢો લીંબડે ચડો... એવું કહેવાતું હોય છે, પણ હવે એવું કહેવું પડશે કે પોપટ (બસમાં) ચડો ટિકિટ કાઢો... કારણ કે કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસમાં સ્ત્રીઓને શક્તિ યોજના હેઠળ મફત પ્રવાસની સુવિધા અપાઈ છે, પણ પોપટ કે બીજા કોઈ પક્ષીને બસમાં લઈ જવા હોય તો ટિકિટ કઢાવવી પડે છે. તાજેતરમાં જ વાઈરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા તેની પૌત્રી સાથે પિંજરામાં ચાર પોપટ લઈને ચડી. મહિલા અને પૌત્રીની ટિકિટ લેવાનો સવાલ જ નહોતો, પણ કંડકટરે બેંગ્લોરથી મૈસૂર  સુધીના પ્રવાસ માટે દરેક પોપટ દીઠ ૧૧૧ રૂપિયા લેખે ૪૪૪ રૂપિયાની ચાર ટિકિટ ફાડી હતી. કર્ણાટક એસટીમાં પાળેલાં પ્રાણી કે પક્ષી સાથે પ્રવાસની પરવાનગી છે, પણ તેની ટિકિટ કઢાવવી પડે  છે. જો ટિકિટ કઢાવવામાં ન આવે તો ટિકિટની કિંમતના દસ ટકા દંડરૂપે વસૂલ કરવામાં આવે છે. પોપટને પિંજરામાં પૂરી બસમાં લઈ જવાય તો પૈસા ખર્ચવા પડે છે, એનાં કરતાં મફતમાં ઉડાડી મૂકોને?  જીવદયાપ્રેમીઓ તો એવું માને છે કે પક્ષીને બંદીવાન દશામાં રાખે એણે દંડ ભોગવવો જ પડે છે. પછી ભલેને પોપટને સોનાના પિંજરામાં રાખ્યો હોય? ખુલ્લા આકાશમાં ઉડવાની તેની આઝાદી માણસ છીનવી જ લે છેને? આ જોઈને જૂની ફિલ્મનું ગીત યાદ આવે છે ઃ ચલ ઉડ જા રે પંછી કી અબ યે દેશ હુઆ બેગાના... 

આખેઆખા રસ્તાની ચોરી                                              . 3 - image

લીંબુની કિંમત ૨.૩૬ લાખ

શાક માર્કેટમાં લીબું પાંચ રૂપિયાના બે કે ત્રણ મળતાં હોય છે અને માલની ખેંચ હોય ત્યારે દસેક રૂપિયાના બે વેંચાતા હોય છે. પણ ૯ લીંબુની કિંમત  ૨.૩૬ લાખ સાંભળીને જ કાનમાં લીંબુની ખટાશ ઘૂસી જાય કે નહીં? જોકે  આ લીંબુ શાક માર્કેટમાં વેંચાતા સામાન્ય લીંબુ નહીં, પણ ભગવાનને ચડાવવામાં આવ્યા હોય છે એટલે શ્રદ્ધાળુઓ મોં માગી કિંમત આપી ખરીદી લે છે. તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં  દર વર્ષે પાંગુની ઉત્તરમ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. નવ દિવસ ચાલતા આ ઉત્સવમાં પૂજારી રોજ એક લીંબુ ભગવાનના ભાલા પર ચડાવે છે.

 નવ દિવસનો ઉત્સવ પૂરો થયા પછી ભાલે ચડાવવામાં આવેલા નવ લીંબુ ઉતારીને લીલામ કરવામાં આવે છે. ગયા મહિને નવ લીંબુનું લિલામ થયું ત્યારે ભક્તોએ ૨.૩૬ લાખ રૂપિયા આપીને આ પવિત્ર લીંબુ ખરીદ્યાં હતાં. એવી માન્યતા છે કે આ લીંબુ ઘરમાં પૂજામાં રાખવાથી સુખ-સંપત્તિ અને સંતતિ મળે છે. એટલે લીંબુ મોં માંગી કિંમતે લેવા માટે રીતસર પડાપડી થાય છે.

પંચ-વાણી

સઃ ચૂંટણી વખતે અવળેથી અને સવળેથી વાંચ શકાય એવાં કયા બે શબ્દનો વધુમાં વધુ ઉપયોગ થાય છે?

જઃ એ શબ્દ છે ટેકા, જેને અવળેથી વાંચો તો વંચાય કાટે. કાં કોઈને ટેકા આપે અથવા કોઈની ટિકિટ કાટે.


Google NewsGoogle News