આઇબ્રો અને પફ-પાઉડર : પોલીસોને મેકઅપની ટ્રેનિંગ
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
જાપાન... લવ ઈન ટોકિયો! જાપાન સાથે ભારતનો ગાઢ નાતો છે. દાયકાઓથી જાપાની જાતજાતની ચીજવસ્તુઓ અહીં વેંચાય છે. જાપાનની મોટરો સડસડાટ ઘુમે છે, જાપાનના ફટફટીયા ધમધમાટ કરતા દોડે છે અને બાકી હતું તે મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પણ જાપાનની મદદથી જ બંદૂકમાંથી બુલેટ છૂટે એવી ઝડપે છૂટવાની છે. જાપાન સ્વચ્છ, સુઘડ, સુંદર છે એટલે પછી એ દેશ પોતાના પોલીસોન ે પણ એકદમ અપટુડેટ રાખેને? જાપાને પોતાના પોલીસો એકદમ રૂડારૂપાળા દેખાય એને માટે એમને પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં મેકઅપની તાલીમ આપવાની શરૂઆત કરી છે. લેડી પોલીસને નહીં હો! મેલ પોલીસ કેડરોનેે આઈબ્રો પેન્સીલ કેવી રીતે વાપરવી, આઈબ્રો ટ્રીઝીંગ કેવી રીતે કરવું, વ્યવસ્થિત વાળ કેવી રીતે ઓળવા તેમ જ ચહેરા પર પફ પાઉડર લગાડી કેવી રીતે ચમકીલો બનાવવો તેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનું કારણ એ ે છે કે જાહેરમાં ફરજ બજાવતા તેમ જ મોટા સમારંભો કે કાર્યક્રમોમાં ખડેપગે બંદોબસ્ત ડયુટીમાં રહેતા પોલીસો થાકેલા કે પછી પરસેવે રેબઝેબ ચહેરા સાથે ઊભા ન રહે અને એકદમ ટાપટીપ કરી અપટુડેટ થઈને ફરજ બજાવે.
ભારતમાં તો પોલીસોને વધતા પેટને પેકઅપ કેવી રીતે કરાય તે માટેની કસરતની તાલીમ આપવાની જરુર છે. થોડા સમય પહેલાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે સંખ્યાબંધ પોલીસો ફિઝીકલી અનફીટ જણાયા હતા. ટાઢ, તાપ, વરસાદમાં આકરી ફરજ બજાવતા હોય અને બહારનું આચરકુચર ખાતા હોય એમાં બોડી ફિટનેસ ક્યાંથી જળવાય? એટલું સારૃં છે કે હવે પોલીસ સ્ટેશનોની અંદર જિમનેશિયમ ખુલવા માંડયાં છે.
બાકી થોડાં વર્ષોે પહેલાં મહારાષ્ટ્રના એક શહેરમાં પાવ-વડા ખાવે ચડેલા પોલીસમેનોને પોલીસ ચીફ તરફથી આવો કૈંક ઓર્ડર આપવામાં આવ્યો હતો: પોલીસ વડાનો આદેશ, પોલીસ વડા ન ખાતા.' જોકે પોલીસોએ તો ખાણાંની નહીં નાણાંની ખાઈકી પણ ઓછી કરવી જોઈએ. બાકી તો ખાઈકીના આ જમાનામાં કહેવું પડે કે
જય જય રઘુરાય કી...
રૂકે ના અપની ખાયકી...
વરઘોડો નહીં,
વહુઘોડી નીકળી
વરરાજા વાજતેગાજતે ઘોડા ઉપર બેસી વરઘોડો લઈ પરણવા નીકળે એવા વરઘોડા સહુએ અગણિત વખત જોયા હશે. પણ ઘોડી ઉપર બેસી દુલ્હન વહુઘોડી લઈને નીકળે એવું દ્રશ્ય ભાગ્યે જ કોઈએ જોયું હશે. થોડા વખત પહેલાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાઈરલ થયો હતો, જેમાં સોળે શણગાર સજેલી દુલ્હન ઘોડી ઉપર બેસીને વટથી મંડપમાં એન્ટ્રી મારે છે અને સહુ મહેમાનો તાળીઓના ગડગડાટથી વહુ-ઘોડીને વધાવી લે છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં સહુનું ધ્યાન ખેંચવા માટે નવા નવા ખેલ કરવામાં આવે છે. આ જોઈને કહેવું પડે કે-
કુછ નયા હૈ કુછ પુરાના હૈ,
હમારા મકસદ આપકા ધ્યાન
ચુરાના હૈ.
વિદેશીઓ પણ મનાવે મિચ્છામિ દુક્કડમ્
જૈનોમાં જેમ પર્યુષણ પછી મિચ્છામિ દુક્કડમ્ કહીને ક્ષમા પ્રાર્થવાની ઉજ્જવળ પરંપરા છે એવી જ રીતે ઈન્ડોનેશિયામાં નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'મંડી મંડી' પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે લોકો સજીધજીને એકબીજાના ઘરે મળવા જાય છે અને એકબીજાના રૂડારૂપાળા ચહેરા ઉપર પાઉડરની પેસ્ટ લગાડે છે. ઈન્ડોનેશિયન અને પોર્ટુગીઝ કલ્ચરના સમન્વય રૂપ આ મંડી મંડી પર્વની ઉજવણી કરીને કોઈ ભૂલચૂક થઈ હોય તો માફી માગવામાં આવે છે. લોકોના મનમાંથી ડંખ, વેરઝેર અને અણગમાની ભાવના દૂર થાય અને સમાજમાં એકતા જળવાય, માટે સહુ મંડી મંડી ઉજવવા મંડી પડે છે. આ જોઈને કહેવું પડે કે:
ઠંડી ઉડાડે બંડી-બંડી
દોસ્તી જગાડે મંડી-મંડી.
ગાડીના પાટે
દોડાવી મોટરગાડી
જુવાનીયાઓ અને જુવાનડીઓમાં મોબાઈલથી રીલ બનાવવાનો રઘવાટ જોઈને 'દિલ દે કે દેખો' ફિલ્મનું ટાઈટલ ફેરવીને કહેવું પડે 'રીલ લે કે દેખો'. હિલ સ્ટેશન પર રીલ બનાવવાની લ્હાયમાં કોઈ ખીણમાં પટકાય છે, દરિયા કિનારે ઉછળતા ભરતીનાં મોજાં સાથે રીલ બનાવવા જતાં કોઈ તણાઈ જાય છે, દિલ્હી મેટ્રોરેલમાં કપડાં ઉતારી રીલ બનાવવા જતાં યુવતી પોલીસના હાથમાં ઝડપાઈ જાય છે. રીલ બનાવવાના ચક્કરમાં કેટલાય જખમી થાય છે તો કોઈ જીવ પણ ગુમાવે છે, છતાં આ ગાંડપણ ઓસરતું નથી.
તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં રીલ બનાવવા માટે ચિક્કાર દારૂ ઢીંચીને એક યુવતીએ પોતાની કાર રેલવેના ટ્રેક ઉપર દોડાવી હતી. ટ્રેનને બદલે મોટરકાર દોડતી જોઈને ૧૫થી ૨૦ રેલવે કર્મચારી હાકલા-પડકારા કરતા પાછળ દોડયા હતા. આ ટ્રેક પરથી પસાર થનારી ટ્રેનને આગલે સ્ટેશને અટકાવી દેવામાં આવી. રેલવે કર્મચારીઓએ પીછો કરી માંડ માંડ કાર અટકાવી. પરંતુ યુવતી નશામાં એટલી હદે ચકચૂર હતી કે કારમાંથી બહાર નહોતી નીકળતી. આખરે પોલીસને બોલાવવામાં આવી અને આ યુવતીને ખેંચીને બહાર કાઢી અટક કરી હતી. આ યુવતીના સ્ટંટને લીધે બે કલાક ટ્રેનો ખોરવાઈ હતી. પૂછપરછમાં ખબર પડી કે એક મલ્ટિનેશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ પર ફરજ બનાવતી આ યુવતીએ રીલ બનાવવાના ચક્કરમાં આ સ્ટંટ કર્યો હતો. આવી રીલબાજોના સ્ટંટ જોઈને કહેવું પડે કે:
પાટે પાટે કાર દોડાવતા
જરાય ન ગભરાણી,
પીને ચકચૂર રીલબાજ
બની પાટાની પટ-રાણી.
માર નહીં,
માલ ખાવા મળે એવું થાણું
અથાણામાં ગુંદા ભરાય, પોલીસ થાણામાં પકડાયેલા ગુંડા ભરાય. ગુંડા, મવાલીઓ, ચોર, ઉચક્કાઓ પકડાય એણે પોલીસના હાથનો મેથીપાક અને માર ખાવા તૈયાર રહેવું પડે... પણ આખા દેશમાં એક જ એવું પોલીસ થાણું છે, જ્યાં માર નહીં, પણ માલમમાલ ખાવાનું પણ છે. પોલીસ થાણું વળી માલમમાલ ખાણું પીરસે એ કેમ માનવામાં આવે? પણ આ હકીકત છે મેઘાલયના સોહરા શહેરના ૧૪૦ વર્ષ જૂના પોલીસ થાણાની.
બ્રિટિશ હકૂમત વખતે આ પોલીસ થાણાનો ઉપયોગ ધરપકડ કરાયેલા આરોપીઓને ગોંધી રાખવા માટે થતો હતો. પોલીસ થાણાને અડીને નાનકડી જેલ હતી. આ પોલીસ થાણા અને જેલની અડીખમ ઊભેલી ઈમારતને જેલ થીમની રેસ્ટોરાંમાં ફેરવી નાખવામાં આવી છે. જેલની કોટડીઓમાં કસ્ટમરોને કેદીને જેમ ખાવાનું પીરસાય છે. જાણે જેલમાં બેસીને ખાતા હોઈએ એવું લાગે છે. જેલના લોખંડી દરવાજા અને અંદરના ઈન્ટીરિયરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. બસ, અસલના વખતમાં કેદીઓને સિમેન્ટ ભેળવેલા રોટલા પીરસાતા એવું ખાણું નથી પીરસાતું, પણઁ એકદમ ટેસ્ટી ફૂડ સર્વ કરવામાં આવે છે.
મેઘાલયના એક ઉચ્ચ પોલીસ અધિકારીને વિચાર આવ્યો કે એમનેમ પડેલી થાણા-જેલની ઈમારતને રેસ્ટોરાંમાં ફેરવી નાખવામાં આવે તો ટુરિસ્ટોને આકર્ષી શકાય. નેકી ઔર પૂછ પૂછ? ઉપરી અધિકારીને આઈડિયા ગમી ગયો. આમ પોલીસ-થાણા અને જેલની ઐતિહાસિક ઈમારતમાં જેલ રેસ્ટોરાં ધમધમતી થઈ ગઈ. આ રેસ્ટોરાંમાં જે નફો થાય છે એ પોલીસ કલ્યાણ ફંડમાં જાય છે. આ જોઈને કહેવું પડે કે-
ભલે હોય જેલ કે થાણું,
ભાવતું મળે ખાણું,
તો ગેલથી ગાવ ગાણું.
પંચ-વાણી
સ: જિંદગીનો અંત સમય નજીક આવે ત્યારે શરીર નબળું પડતું જાય તેને અંગ્રેેજીમાં શું કહેવાય?
જ: 'વીક'-એન્ડ.