Updated: Feb 10th, 2023
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
કોઈ ઉદ્યાનમાં લટાર મારતી વખતે કોઈ વૃક્ષ પાસેથી પસાર થતી વખતે એ બોલી ઉઠે કે હું વડનું ઝાડ છું કે હું આંબાનું વૃક્ષ છું... ત્યારે ઘડીભર વિચાર આવે કે આ ભ્રમ થયો કે શું? પરંતુ પુણેના એમ્પ્રેસ ગાર્ડનમાં આવાં એક-બે નહીં ૮૫૦ બોલકાં વૃક્ષો છે, જે પોતાનાં નામ ઉપરાંત ઉંમર પણ જણાવે છે. વનસ્પતિશાસ્ત્રી ડો.શ્રીનાથ કવડેએ છ મહિનાની મહેનત પછી આ બધાં વૃક્ષોને બોલતાં કર્યાં છે. વૃક્ષો ઉપર ક્યુઆર કોડ લગાડવામાં આવ્યા છે. એટલે એક બટન દબાવતાં વૃક્ષ પોતાના નામ સાથેની બધી જ માહિતી આપશે. એમ્પ્રેસ ગાર્ડનમાં ૨૦૦ વર્ષ જૂનાં અનેક વૃક્ષો છે, જેમાં આંબાના ઝાડ, બદામ, બોટલપામ, કદંબ, મોહગની, કાંચનવેલ વગેરેનો સમાવેશ થાય છે. વૃક્ષો પર બટન લગાડવામાં આવ્યાં છે. બટન દાબતાંની સાથે જ વૃક્ષ બોલી ઉઠે છે. વનસ્પતિમાં જીવ હોય છે એ ભારતીય વિજ્ઞાાની જગદીશચંદ્ર બોઝે શોઢી કાઢયું હતું, પણ હવે આ સજીવ વૃક્ષો બોલતાં થયાં છે! અત્યારે તો વૃક્ષો પોતાની વિગતો બોલી સંભળાવે છે. ભવિષ્યમાં એવી કોઈ શોધ થાય તો સારૂં કે જંગલોનું નિકંદન કાઢતો માનવી જ્યારે ઝાડ કાપવા કુહાડી ઉઠાવે ત્યારે ઝાડ ચિત્કાર કરી ઉઠે - મુઝે મત મારો...
સંતાન વધારો તો
થાય વેતન વધારો
આમ તો આખા દેશમાં કુટુંબ નિયોજનનો 'એક કે બે બસ'ના નારા ગાજે છે, આજકાલનાં મા-બાપો પણ એક કે બેથી વધુ બાળકો નથી ઈચ્છતાં. જ્યારે સિક્કિમ એક જ એવું રાજ્ય છે, જ્યાં પ્રજનન દર વધારવા માટે વધુ બાળકોનાં જન્મ માટે જાતજાતની પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવી છે. સિક્કિમના જે સરકારી કર્મચારી બે બાળકો પેદા કરવાનો નિર્ણય લેશે તેને એક વેતન વૃદ્ધિ અપાશે. જે બેથી પણવધુ બાળકોને જન્મ આપશે તેને ડબલ ઈન્ક્રીમેન્ટ આપવામાં આવશે.
સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમસિંહ તમાંગે જાહેરાત કરી છે કે સરકારી મહિલા કર્મચારી બાળકને જન્મ આપશે ત્યારે બાળકની દેખભાળ માટે ચાઈલ્ડ કેર અટેન્ડન્ટની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રસૂતાને એક વર્ષ 'માતૃત્વ અવકાશ' એટલે ૩૬૫ દિવસની રજા અપાશે અને તેના પતિને એક મહિનાની પેટરનીટી લીવ અપાશે. સિક્કિમમાં ૪૦ ટકા પુરૂષો અને ૨૫ ટકા મહિલાઓ અવિવાહિત છે. સિક્કિમનો પ્રજનન દર માત્ર ૧.૧ છે. એટલે જ બાળકોનો જન્મદર વધારવા રાજ્ય સરકારે કમર કસી છે. જે કૃત્રિમ ગર્ભધાન કરાવવા ઈચ્છશે તેને પણ સરકાર આર્થિક સહાય આપશે. આમ સિક્કિમે નવું સૂત્ર અપનાવ્યું છે : બચ્ચે બઢાવ, બચ્ચે પઢાવ.
અડધી સદીથી માત્ર
ચા પીને જીવતી વૃદ્ધા
ચાય પે ચર્ચા યોજાય છે, પણ માત્ર ચા પીને જીવન જીવાય છે એ જાણીને આશ્ચર્ય થાય. કોઈ વાર નકોરડો ઉપવાસ કરીએ કે એકટાણું કરીએ ત્યારે પેટમાં ભૂખના ભડકાને લીધે ચેન નથી પડતું, ત્યારે વિચાર કરો કે પશ્ચિમ બંગાળની ૭૬ વર્ષની વૃદ્ધા અનિમા ચક્રવર્તી છેલ્લાં ૫૦ વર્ષથી માત્ર ચા અને થોડા પ્રવાહી આહારનું સેવન કરીને તંદુરસ્ત જીવન જીવી રહી છે.હુગલી જિલ્લાના બેલડીહા ગામડાની અનિમા ચક્રવર્તી વર્ષો પહેલાં ઘરકામ કરીને પરિવારને પાળતી હતી ત્યારે જ્યાં કામ કરતી એ ઘરેથી મમરા, ભાત કે રોટલી મળે એ ઘરે લાવીને ભૂખ્યા બાળકોને ખવડાવી દેતી. પોતાને માટે ખાવાનું બચતું નહીં એટલે પોતે ભાતનું ઓસામણ, છાશ કે ચા પીને ભૂખને મારતી હતી. વર્ષો વીતતાં ગયા એમ તેને ચા પીવાની એવી આદત પડી ગઈ કે હવે આખો દિવસ ચા પીવે છે અને છાશ કે બીજું પ્રવાહી લે છે. એ કહે છે કે ચામાંથી જ તેને પોષણ મળે છે. ચામાં કેવી તાકાત છે! માણસને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચાડે છે અને કોઈને સંપૂર્ણ તંદુરસ્ત જીવન જીવાડે છે. એટલે જ કહેવું પડે કે બેથી જીવી જવાય છે, એક ચાઈ અને બીજી સચ્ચાઈ.
નવાબને માટે મહેલ
નહીં, જેલ બંધાઈ
રાજાશાહી અને નવાબશાહીના વખતમાં રાજા મહારાજા અને નવાબો માટે આલિશાન મહેલ બંધાતા હતા, પરંતુ અવધના નવાબ માટે અંગ્રેજોએ કલકત્તામાંં ખાસ જેલ બાંધી હતી. આ કમનસીબ નવાબનું નામ હતુ વજીરઅલી ખાન, જેણે જીવનના અંતિમ ૧૭ વર્ષ યાતનામય સ્થિતિમાં ગુજાર્યાં. ૧૭૯૯માં લુચ્ચા અંગ્રેજોએ નવાબ વજીઅલી ખાનને ગાદી ઉપરથી ઉથલાવી તેના કાકા સદાઆતઅલી ખાનને નવાબ બનાવ્યા. વજીરઅલી ખાન ગુસ્સામાં રાતાપીળા થઈ ગયા અને પોતાના ૨૦૦ સૈનિકોને લઈ તત્કાલીન અંગ્રેજ કમાન્ડર જ્યોર્જ ફ્રેડરિકને મળવા પહોંચ્યા. મસલત કરતા કરતા વાત વધી પડી અને નવાબ વજીરઅલી ખાન અને તેના સૈનિકોએ કમાન્ડર જ્યોર્જ ફ્રેડરિક અને તેની સાથેના બધા જ અંગ્રેજોને મોતને ઘાટ ઉતારી દીધા. થોડીવારમાં બ્રિટિશ ફોજ આવી પહોંંચી એટલે વજીર ખાને ભાગવું પડયું. ભાગીને રાજસ્થાન બાજુ પહોંચ્યા. ત્યાં અંગ્રેજોએ નવાબની ધરપકડ કરી અને સીધા કલકત્તા લઈ ગયા. કલકત્તામાં ખાસ જેલ બાંધવામાં આવી. ભારતની આ પહેલી બોમ્બ-પ્રૂફ જેલ હતી. નવાબી ઠાઠમાઠ સાથે રહીચૂકેલા વજીરઅલી ખાને અંગ્રેજોના સિતમ સહી નરકની યાતના ભોગવી જીવનના આખરી ૧૭ વર્ષ જેલમાં ગુજાર્યાં. મર્યા પછી જ એ જેલની યાતનામાંથી છૂટયા. એ જમાનામાં નવાબનાં લગ્ન પાછળ ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ થયેલો. એ જ નવાબના મોત પછી દફનવિધિ પાછળ અંગ્રેજાએેે માત્ર ૧૭ રૂપિયા મંજૂર કર્યા અને ખાડો ખોદી દફન કરી દીધા. કિસ્મતનો ખેલ જોઈ એક ગીત યાદ આવે કે-
કિસ્મતનો કેવો છે
આ ખેલ,
કોઈને છે મહેલ તો
કોઈને છે જેલ
ભીમના સાસરાના પ્રદેશની મુખ્ય ભાષા અંગ્રેજી
ગુજરાતની ભાષા ગુજરાતી, કર્ણાટકની ભાષા કન્નડ અને મહારાષ્ટ્રની ભાષા મરાઠી તો મહાભારતના પ્રચંડ બળશાળી ભીમના સાસરાના પ્રદેશની ભાષા અંગ્રેજી કેમ? એવો સવાલ થાય અને એમાંથી વળી બીજો સવાલ નીકળે કે પાંચ પાંડવોમાં સહુથી શક્તિશાળી ભીમનો પ્રદેશ કયો? તો એનો જવાબ છે, નાગાલેન્ડ. નાગાલેન્ડની મુખ્ય ભાષા અંગ્રેજી છે. નાગાલેન્ડમાં જ મહાભારત કાળમાં ભીમના હિડિંબા સાથે લગ્ન થયાં હતાં અને હિડિંબાએ ઘટોત્કચ નામના પુત્રને જન્મ આપ્યો હતો. નાગાલેન્ડનું દીમાપુર પહેલાના વખતમાં હિડિંબાપુર તરીકે ઓળખાતું હતું. આજની તારીખમાં ડિમાશા જનજાતિ પોતાને હિડિંબાના વંશજ માને છે. દિમાપુરમાં મહાભારત કાળની વિરાસતના દર્શન થાય છે. ત્યાં હિડિંબાનો વાડો છે, આ રજવાડામાં પથ્થરના બનેલા શતરંજનાં તોતિંગ મોહરાં ભગ્ન અવસ્થામાં જોવા મળે છે. એવી માન્યતા છે કે ભીમ અને તેનો પુત્ર ઘટોત્કચ અહીં શતરંજ રમતા હતા. પાંડવોએ વનવાસ દરમિયાન ઘણો સમય આ પ્રદેશમાં વિતાવ્યો હોવાનું મનાય છે.
નાગાલેન્ડ રાજ્ય પહેલાં નાગા હિલ્સ તુએનસાંગ એરિયા તરીકે ઓળખાતું હતું. આઝાદી પછી થોડો સમય નાગાલેન્ડ કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યો. ત્યારબાદ ૧૯૬૩માં ૧૬મું રાજ્ય બન્યું. આ એક જ એવું રાજ્ય છે. જ્યાં એક જ એરપોર્ટ અને એક જ રેલવે સ્ટેશન છે. નાગાલેન્ડમાં જુદી જુદી ૧૬ આદિવાસી બોલીઓ છે, પણ મુખ્ય ભાષા અંગ્રેજી છે એ કેવી નવાઈ લાગે? બાકી તો ભાષાવાદની ઝંઝટમાં પડવાને બદલે ભીમના સાસરાનો પ્રદેશ છે એ યાદ રાખીને કહી શકાય-
ભાષાને વળગે શું ભૂર
રણમાં જે જીતે તે શૂર.
પંચ-વાણી
કહેવત સાચી પડી છે આજ,
જેણે છોડી લાજ,
એનું નાનું સરખું રાજ.