Get The App

ઇરાનમાં વિષ્ણુ ભગવાનની હાજરી

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનમાં વિષ્ણુ ભગવાનની હાજરી 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

હાલ વિરામ પામેલા ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ભારત સહિત દુનિયાભરમાં ઈંધણની કટોકટી સર્જાઈ ગઈ. પેટ્રોલ પમ્પ ઉપર ટુ-વ્હીલર સહિતના વાહનોની લાઈનો લાગી. પૃથ્વી પર સર્જાયેલી આ કટોકટીનો જાત અનુભવ લેવા માટે વિષ્ણુ ભગવાન દેવલોકમાંથી સીધા પૃથ્વી લોકમાં વેશપલટો કરીને આવ્યા. વેશપલટો તો કર્યો પણ સોનાની ચમચમતી મોજડી ઉતારવાનું ભૂલી ગયા. વિષ્ણુ ભગવાન તો સ્કૂટર લઈને સીધા પહોંચી ગયા એક પેટ્રોલ પમ્પ ઉપર અને લાઈનમાં  ઊભા રહી ગયા. જેવો વારો આવ્યો એટલે પમ્પનો એક સ્માર્ટ કર્મચારી પાઈપ લઈને નજીક આવ્યો. તેની નજર પ્રભુની સોનાની મોજડી પર પડી અને પછી ચહેરા પર જોયું તો દિવ્ય આભા. એણે તરત પૂછ્યું, ભગવાન વિષ્નુ? ભગવાને કહ્યું, ના, તીસનું! 

આ જૂનો ટુચકો વાંચનારને સવાલ થાય કે ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધને વિષ્ણુ ભગવાનનો શું સંબંધ? યુદ્ધ સાથે ભગવાનનો ભલે કોઈ સંબંધ ન હોય, પણ વિષ્ણુનો ઈરાન સાથે પરાપૂર્વથી સંબંધ રહ્યો છે. ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં વિષ્ણુ ભગવાનનું પ્રાચીન અને મુખ્ય મંદિર આવેલું છે. વિષ્ણુ ભગવાનનું મંદિર પથ્થર અને માટીના મિશ્રણથી બાંધવામાં આવેલું છે. આ મંદિર બુતખાનાના નામે પણ જાણીતું છે. ભારત અને ઈરાન વચ્ચે સદીઓથી વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો રહેલા છે. એટલે ૧૮૯૨ની આસપાસ ભારતીય વેપારીઓએ આ મંદિર બંધાવ્યું હતું. આ સિવાય  તહેરાન અને જહેદાનમાં પણ નાનાં મંદિરો છે. ચાબહારમાં પણ હિન્દુ મંદિર છે.  દક્ષિણી ઈરાનના તટવર્તી ઈલાકામાં પુરાણા જમાનામાં અનેક મંદિરો હતાં. કાળક્રમે મંદિરો ઓછાં થતાં ગયાં. એવું જાણવા મળે છે કે અત્યારે ઈરાનમાં લગભગ ૩૦-૪૦ હજારની આસપાસ હિંદુઓ રહે છે.

દીકરીનાં લગ્નની કંકોતરી નહીં પણ કાળોતરી છપાવી

 ઘણી વાર વડીલોની હયાતીમાં જ તેમનું જીવતું જગતિયું કરવામાં આવતું  હોય છે, પરંતુ રાજસ્થાનના એક અનોખા કિસ્સામાં પિતાએ તેની હયાત પુત્રીની પ્રાર્થનાસભા યોજી હતી. વાત જાણે એમ બની કે ભીલવાડા જિલ્લાના એક ગામની કન્યા આગળ ભણવા માટે જયપુર ગઈ. ત્યાં પરજ્ઞાાતિના યુવકના પ્રેમમાં પડી અને પોતાના પિતાની મરજી વિરુદ્ધ એ યુવક સાથે જ પરણવાનો નિર્ધાર જાહેર કર્યો. આને કારણે વિફરેલા પિતાએ કંકોતરીને બદલે કાળોતરી (શોકપત્રિકા) છપાવી અને દીકરીની રીતસર પ્રાર્થનાસભાનું  આયોજન કર્યું. પિતાએ જાહેર કર્યું કે પોતાની મરજીથી પરણવાનો નિર્ણય મારી પુત્રીએ કર્યો એટલે એ હવે અમારા માટે મૃત સમાન છે. પિતાની ઈચ્છા તો મૃત્યુ ભોજન રાખવાની હતી, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા.

પિતાનો આક્રોશ જોઈને 'બાબુલ કી દુઆએં લેતી જા...' આ કન્યા વિદાયનું ગીત ફેરવીને ગવાયું હોય તો કહેવાય નહીંઃ 'બાબુલ કી બદ-દુઆએ લેતી જા... જા તુઝકો...'

ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક... પેટ્રોલ કી તંગી  ઠીક ઠીક ઠીક

ગેસની તંગી ઊભી થતા લોકો અસલના વખતની જેમ ચૂલામાં કોલસા અને લાકડાં બાળી રાંધવા  માંડયા. આવી જ રીતે પેટ્રોલની ખેંચ ઊભી થતા ઘણા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ શરૂ કરી દીધો. મધ્યપ્રદેશના દેવાસ શહેરમાં ગયા મહિને ત્રણ પેટ્રોલ-પમ્પ બંધ થઈ ગયા. એક બેન્ક ઓફિસરની બાઈકની ટાંકી સાવ ખાલી થઈ ગઈ હતી. હવે બેન્કમાં ટાઈમસર પહોંચવું કંઈ રીતે? થોડી વાર વિચાર કર્યા બાદ આ ઓફિસર ઘોડા પર સવાર થઈને તબડક તબડક કરતાં એકદમ ટાઈમસર બેન્કમાં પહોંચી ગયા. 

કાર અને બાઈક કેટલા શક્તિશાળી છે તેનું માપ તેનાં હોર્સપાવર પરથી નક્કી થાય છે. જ્યારે આ બેન્કરની કાર અને બાઈકનાં પૈડાં ઈંધણ વિના થંભી  ગયા ત્યારે સાચા અર્થમાં હોર્સ-પાવર કામ આવ્યો. આના પરથી કહી શકાય કે-

ઘટમાં ઘોડા થનગને

આંતમ વિંઝે પાંખ,

ક્યારે તંગી મટશે એની પર

મંડાઈ સહુની આંખ. 

નશામાં પત્નીને પીટશે તેને એક હજારનો દંડ

એક જણે ઓળખીતા શખ્સને સવાલ કર્યો કે, હે ભાઈ, દારૂ પીવાથી શરદી અને ખાંસી ખરેખર જાય? પેલાએ જવાબ આપ્યો કેે મારા વ્હાલા, દારૂથી ઘર, પરિવાર, પૈસો અને સુખ-શાંતિ બધું જ જાય તો પછી શરદી અને ખાંસી કેમ ન જાય? 

મહારાષ્ટ્રના નકસલગ્રસ્ત ગઢચિરોલી જિલ્લામાં આવેલા ગામડાઓમાં દારૂના વ્યસનને લીધે અનેક પરિવારો પાયમાલ થઈ ગયા છે. દારૂડિયા પતિ નશામાં બૈરી-છોકરાની મારપીટ કરે છે અને ત્રાસ ગુજારે છે. નક્સલવાદીઓના ભય કરતાં પણ વધુ ફફડાટ નશેડીઓની પત્નીઓને દારૂના દૂષણનો હોય છે. શરાબના દૂષણને જાકારો આપવા માટે ભામરગઢ તાલુકાના બામનપલ્લી નામના ગામના ડાહ્યા માણસોએ નિર્ણય લીધો. ગ્રામસભા તરફથી આ વિસ્તારને શરાબમુક્ત જાહેર કરવામાં આવ્યો અને પછી દારૂ ગાળવાના અને પીવાના તથા નશામાં પત્ની પર અત્યાચાર સહિતના ગુના બદલ દંડ ફટકારવાનો નિર્ણય લીધો. એટલે હવે દારૂ વેંચતા પકડાશે તેને ૨૦ હજાર રૂપિયાનો દંડ થશે, જે કોઈ ગ્રામજન દારૂ વેચનારાને સપોર્ટ કરશે તેની પાસેથી  બે હજાર રૂપિયાનો દંડ અને નશામાં પત્નીને પીટનાર પતિ પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ દંડની રકમ ભેગી થશે તેનો ઉપયોગ ગામડાના વિકાસકાર્ય પાછળ કરવામાં આવશે. આ સાથે જ કોઈ ગ્રામજન દારૂનું ક્યાં વેચાણ થાય છે અને કંઈ જગ્યાએ દારૂ ગાળવામાં આવે છે એવી બાતમી આપશે તો તેને ગ્રામસભા તરફથી પાંચ હજાર રૂપિયાનુું રોકડ ઈનામ આપવામાં આવશે. 

આમ, સ્વૈચ્છિક શરાબ બંધીની સારી અસર ગામડામાં  દેખાવા લાગી છે. આ જોઈને કહી શકાય કે-

દારૂબંધીથી ઘણાંનું છૂટશે       બંધાણ,

આમ તૂટેલા સંબંધોનું થશે       સંધાણ.

લ્યો બોલો! પેટ્રોલ પમ્પ પર દારૂ વેંચાશે

પીધેલી હાલતમાં ગાડી દોડાવીને કોઈ અકસ્માત કરે તો તેને સજા થાય છે. હાઈવે પર પસાર થતા ંવાહનોના ચાલકો પ્રવાસ દરમિયાન છાંટોપાણી ન કરી શકે માટે વાઈનશોપ હાઈવેથી ચોક્કસ અંતરે ખોલવાનું ફરજિયાત છે. શરાબના નશામાં ડ્રાઈવિંગ કરવું એ  ગંભીર ગુનો ગણાય છે. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે ચંડીગઢમાં પેટ્રોલ પમ્પ ઉપર દારૂના વેચાણની છૂટ આપવામાં આવી છે.  નવા આબકારી ધોરણ હેઠળ શરાબની આવશ્યક પરમિટ મેળવ્યા પછી પેટ્રોલ-પમ્પ, શોપિંગ મોલ અને મોટા સ્ટોરમાં દારૂ, વાઈન અને બિયરનું વેચાણ થઈ શકશે. આ સાથે જ બાર, હોટેલ, રેસ્ટોરાંમાં ફરજિયાત આલ્કોમીટર રાખવા પડશે જેથી કોઈ ચિક્કાર દારૂ ઢીંચીને સાનભાન ન ગુમાવી બેસે. બાકી તો આવનારા દિવસોમાં કારમાં પેટ્રોલ-પમ્પ ઉપર પેટ્રોલ ભરાવવા આવનાર શોખીન વ્યક્તિ શરાબ ઢીંચીને પોતાની ટાંકી ફુલ કરીને જશે.

પંચ-વાણી

હાથ ધ્રુજે એ કંપવા

દુનિયા ધ્રુજે એ ટ્રમ્પવા.