Get The App

બિહારમાં આખું પોલીસ સ્ટેશન નકલી

Updated: Sep 9th, 2022

GS TEAM

Google News
Google News
બિહારમાં આખું પોલીસ સ્ટેશન નકલી 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ખાખી વરદી પહેરીને રોફ જમાવતા  નકલી પોલીસો  ઘણી વાર  પકડાતા  હોય  છે,  પરંતુ બિહારમાં  નીતીશકુમારના  રાજમાં આખેઆખું  નકલી પોલીસ સ્ટેશન પડકાયું હતું.  બાંકા શહેરની  વચ્ચોવચ્ચ  આ બનાવટી પોલીસ  સ્ટેશન છેલ્લાં  લગભગ  આઠ મહિનાથી  ચલાવવામાં  આવતું હતું.  પોલીસ  સ્ટેશનમાં  અધિકારીઓ, કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ  સહિત પાંચનો  સ્ટાફ ખાખી  વરદીમાં  આ પોલીસ સ્ટેશનનું સંચાલન  કરતો હતો. આ નકલી પોેલીસોને  રોજ ૫૦૦ રૂપિયાના  પગારે ભરતી કરવામાં  આવેલા.  ખાખીધારીઓ નું  કામ સરકારી   યોજનાઓની   તપાસના નામ  પર લોકોને   ધમકાવવાનું કે નાના-મોટા ઝઘડાનું સમાધાન  કરવાને નામે પૈસા  પડાવવાનું હતું.  બાંકાના  અસલી  પોલીસ સ્ટેશનથી  અડધો કિલોમીટરના   અંતે આ નકલી પોલીસ સ્ટેશન ધમધમતું  હતું.  ગયા મહિને બાંકા પોલીસ  સ્ટેશનના એક  ઉચ્ચ  અધિકારી   રાઉન્ડમાં  નીકળ્યા ત્યારે તેમણે એકયુવકને   ખાખી યુનિફોર્મમાં  જોયો, જેણે ડીસીપીનો  બેજ લગાડેલો તરત  શંકા  જતા કરડાકીથી  પૂછપરછ કરતા  નકલી  પોલીસ સ્ટેશનનો  ભાંડો ફૂટી   ગયો હતો.   આમ, ડુપ્લિકેટ  પોલીસ સ્ટેશન ચલાવતા  આ બધા નકલી  પોલીસોની  અસલી પોલીસે ધરપકડ  કરીને  સળિયા   પાછળ ધકેલી  દીધા હતા.   નકલી  પોલીસ સ્ટેશન બિહાર સિવાય બીજે  ક્યાં સંભવી શકે? એટલે જ કહેવું  પડે- 

જ્યાં અસલીની સાથે

નકલી હારોહાર છે,

જ્યાં નકલીની જીત  અને 

અસલીની હાર છે,

આ બિહાર છેૈ

આ બિહાર છે.

સાપ કરડતાં મૃત્યુ પામેલા શખ્સના ભાઈનો  પણ સાપે  ભોગ લીધો

ઉત્તર પ્રદેશના  બલરામપુરમાં એક આશ્ચર્યજનક  કરૂણ ઘટના  સામે આવી  છે. ગઈ  બીજી ઓગસ્ટે    અરવિંદ મિશ્ર નામના   એક યુવકનું  સાપે ડંખ  મારતા મૃત્યુ  થયું. આ  આઘાતજનક સમાચાર  સાંભળતાની  સાથે જ  લુધિયાણામાં  રહેતો  ભાઈ ગોવિંદ મિશ્ર  દોડાદોડ  આવી  પહોંચ્યો  હતો. અરવિંદની  અંતિમવિધિ   થઈ ગયા પછી  ગોવિંદ રાત્રે  સૂતો હતો ત્યારે  તેને પણ સાપ કરડયો અને  તરત હોસ્પિટલમાં લઈ જવામાં  આવ્યો હતો , જ્યાં  સારવાર  દરમિયાન  મૃત્યુ  થયું  હતું. આ કરૂણ ઘટના  વિશે જાણીને   કહેવું પડે-

આ તે કેવો

કરૂણ સંયોગ-

સાપ ડંખીને લે 

બે ભાઈનો ભોગ?

ભાઈ-બહેન બંનેનું રક્ષણ કરે એવી  અનોખી બારમાસી  રાખડી

રક્ષાબંધનમાં  બહેન પોતાના  ભાઈના હાથે  રાખડી બાંધે  છે અને  ભાઈ બહેનને   ભેટ આપવાની સાથે જ  આજીવન  તેનું રક્ષણ કરવાનું  વચન   આપે છે,   પરંતુ માત્ર રક્ષાબંધનના પર્વમાં  જ પહેરી શકાય એવી નહીં  બારે માસ  પહેેરી  શકાય અને  બહેનનું જ નહીં બહેન-ભાઈ બંંનેનું  રક્ષણ કરી શકે  એવી કમાલની  ડિજિટલ  રાખડી  વિશે તમે  સાંભળ્યું છે?   આવી  અનોખી રાખડી  ઉત્તર પ્રદેશના બુલડોઝર  બાબા યોગી  આદિત્યનાથના  હોમટાઉન  ગોરખપુરની બે કન્યાઓ  પૂજા યાદવ  અને રાણી  ઓઝાએ  શોધી છે.  

ગોરખપુર  ઈન્સ્ટિટયુટ  ઓફ ટેકનોલોજી  એન્ડ  મેનેજમેન્ટ એન્જિનીયરિંગ કોલેજની  વિદ્યાર્થિનીઓએ  આ સ્માર્ટ  ડિજિટલ  રાખડી બનાવી   છે. આ રાખડી કાંડા  પર બાંધીને  બ્લુ-ટૂથથી  મોબાઈલ  સાથે  કનેકટ  કરી શકાય છે . સ્માર્ટ મેડિકલ રાખીમાં  ડોકટરના   એંમ્બ્યુલન્સના, કુટુંબીજનોના અને પોલીસના મોબાઈલ નંબર સ્ટોર કરી શકાય  છે. કોઈ  અકસ્માત કે  સંકટની  સ્થિતિમાં   રાખડીનું  એક  ટચુકડું  બટન  દાબતાની સાથે  જ સેટ કરેલા  નંબર  પર સંદેશ  પહોંચાડી   શકાય છે. ઘણીવાર  રોડ  એક્સિડન્ટમાં  એવું બને  છે કે પોલીસ કે પોતાના  પરિવારજનોને સંદેશ પહોંચાડવામાં  થતા વિલંબને   કારણે તબીબી   સહાય મળતાં  વાર લાગે  ને  જીવનું  જોખમ ઊભું   થાય છે...   પણ હવે  આ સ્માર્ટ   રક્ષક મેડિકલ  રાખડીને   પ્રતાપે  તરત   મદદ મેળવી  શકાશે.   એક વાર ચાર્જિંગ  કર્યા બાદ   ૧૨ કલાક  સુધી રાખડી  વાપરી શકાશે.  આ અનોખી  રાખડી  જોઈને કહેવું પડે કે-

જે નીકળે બહાર હાથે

બાંધી રાખી,

એનું રક્ષણ કરશે આ

સ્માર્ટરક્ષક 'રાખી'

મહિલા કેદીઓને મંગળસૂત્ર પહેરવાની છૂટ!

હમ અંગ્રેજ કે જમાને કે  જેલર  હૈ... 'શોલે' ફિલ્મના  જેલર અસરાનીનો રમૂજી ડાયલોગ  કોણ ભૂલી શકે?   જેલરનું   પાત્ર લોકોને  હસાવતું હતું, પણ ઉત્તર પ્રદેશમાં તો આઝાદીનાં ૭૫  વર્ષ પછી  પણ રીતસર  હસવું  આવે  એવાં જેલ  મેન્યુઅલ (નિયમાવલી)નો અમલ થતો હતો.  અંગ્રેજોએ  ૮૧ વર્ષપહેલાં  ઘડેલા  આ જેલ  મેન્યુઅલમાં  જે  કેદીને  કાળાપાણીની સજા થાય   તેનું આંદામાન-નિકોબારમાં સ્થાનાંતરણ કરવાની  જોગવાઈ હતી.  ઉપરાંત   યુરોપિયન  બંદીવાનો  માટે  અલગ જેલની  જોગવાઈ,  રજવાડાના   કેદીઓ  માટે નિર્ધારિત   સમયે  છૂટકારાની    વ્યવસ્થા  તેમ જ નેપાલ, ભૂતાન,  સિક્કિમ અને કાશ્મીરના કેદીઓની  રિહાઈ અને સ્થાનાંતરણની  વ્યવસ્થાનો  જેલ  મેન્યુઅલમાં  સમાવેશ  થતો હતો.  હવે  યુ.પી.ના  પ્રધાન-મંડળે  આ વર્ષથી  નવા જેલ મેન્યુઅલ-૨૦૨૨ને   જારી કરવાના પ્રસ્તાવને   મંજૂરી   આપવામાં આવી છે.  એટલે   ગોરા હાકેમોએ  બનાવેલી  જેલની  નિયમાવલીનો  છેદ ઉડાડી  દેવામાં આવ્યો  છે. 

નવી  નિયમાવલીમાં  ખાસ  કરીને  મહિલા કેદીઓને વધુ સુવિધા  આપવામાં  આવી છે . પરીણિત મહિલાને   મંગળસૂત્ર  પહેરવાની  છૂટ આપવામાં   આવી  છે.   ઉપરાંત તેઓ  સલાવર-સૂટ  પણ પહેરી શકશે. ગર્ભવતી  મહિલાઓ  માટે પોષક  આહાર અને  તબીબી  સુવિધાની  જોગવાઈ  કરવામાં  આવી છે.  જો કે  પિંજરામાં   પૂરાયેલા  પંખીને   ભાવતું  ખાવાનું આપીને  અને સારસંભાળ લઈને ગમે  એટલાં લાડ  લડાવવામાં આવે  છતાં તે મનમાં તો  બંદીવાન  સ્થિતિમાંથી  ક્યારે છૂટકારો  થાય  એ જ  વિચારતું હશેને?  પંખી જેવી જ દશા જેલની બંદિનીઓની છેને? 

દહીં ખાવ તાજામાજા થાવ

એક જમાનામાં  ભારતમાં ઘી-દૂધની  નદીઓ  વહેતી.  પછી આ નદીઓની  આડે ડેરી-ડેમ  બંધાઈ ગયા. હવે  તો ડેરીમાંથી  વહેતા દહીં,  દૂધ, ઘીના  વહેણ ઉપર  પણ સરકારે  સામાન્ય  જનતા  પર  વેરા ઝિંકવાની  આ 'વેરવૃત્તિ' નહીં પણ  'વેરા-વૃત્તિ' (જીએસટી)થી  હચમચી  ગયેલા લોકો  બહારથી  મોંઘું દહીં કે છાશ  ખરીદવાને  બદલે ઘરે જ  મેળવતા  થઈ ગયા  છે. એમાં  પણ ઘરનું  મેળવેલું દહીં ખાવ તો   એ  દવાનું કામ  કરે છે  એમ આયુર્વેદમાં પણ લખ્યું  છે. કહે છે ને  કે દવા કામ  ન આવે ત્યાં દુવા  કામ આવે છે. એમાં  એક મુદ્દો   જોડી શકાય કે  દવા  કામ ન આવે ત્યાં  દહીં કામ  આવે છે.  થોડાં વર્ષો પહેલાં  હિન્દી  અખબારમાં   વાંચેલું કે  ખૂબ જ ગુણકારી  દહીં  છત્તીસગઢમાં   મળે છે  અને  મેળવણથી  મળે છે.  છત્તીસગઢની  આબોહવામાં  દહીંમાં  વિશેષ  પ્રકારના   બેકટેરિયા   પેદા થાય છે.  જે  દવાનું કામ કરે છે.  

દુગ્ધ કોલેજમાં  ડેરી  માઈક્રોબાયોલોજીમાં અભ્યાસ  કરતા એક વિદ્યાર્થીએ થોડા વર્ષો પહેલાં   સંશોધન  કર્યું હતું કે  આ દહીં  આંતરડાં,  પેટ અને  ગળાની તકલીફ   નિવારવામાં   ઉપયોગી છે.   છત્તીસગઢમાં  સરેરાશ  ઉષ્ણતામાન  ૩૦ ડિગ્રીની   આસપાસ  રહે છે.    આ ઉષ્ણતામાનમાં   દહીંમાં જેે  લેક્ટોબેસીલ્સ   બેકટેરિયા  હોય છે તેની ગુણવત્તા  વધુ  સારી હોય  છે. આ દહીંમાં  સાલ્મોનેલા-એયુરિયસ બેકટેરિયા  ગળા અને  આંતરડાંની  તકલીફ  દૂર કરવા   ફાયદાકારક છે.  દહીંના ફાયદા  સાંભળી  જય હિન્દની  સાથે  દહીં-હિન્દનો   નારો લગાવી    ઘરમાં જ  દહીં જમાવી  તબિયત  જમાવવા જેવું છે. દહીંની જમાવટની વાત  જાણી  જોડકણું  જોડી શકાય-

મેળવો ઘરે દહીં

તો લાગે નહીં વેરો,

દોણી સંતાડી દહીં લેવા જવાનો

ટળી જાય ફેરો,

અને ટનાટન તંદુરસ્તીથી 

ખીલી જાય ચહેરો.

પંચ-વાણી

પતિવ્રતા કહેઃ 'વર' ઈઝ વરશિપ.

Tags :