- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
આપણે બોલચાલની ભાષામાં ઘણીવાર એવો શબ્દપ્રયોગ કરીએ છીએ કે ફલાણાને બલિનો બકરો બનાવવામાં આવ્યો. પરંતુ ખરેખર જે બકરાનો બલિ ચડાવવામાં આવે ત્યારે તેને કેવી પીડા થતી હશે તેની કલ્પના માત્રથી જીવદયા પ્રેમીનાં હૈયાં હચમચી જાય. ધર્મને નામે આવી ક્રૂરતા કેમ ચલાવી લેવાય? કોઈ પણ પશુ, પક્ષી, પ્રાણીનું લોહી વહેવડાવવાથી શું પુણ્ય મળવાનું છે? ખરેખર બલિ ચડાવવાને બદલે પ્રતીકાત્મક રીતે બલિ ન ચડાવી શકાય?
આ સવાલનો જવાબ મેળવવા બિહારના મુંડેશ્વરી ધામ મંદિર તરફ નજર દોડાવવી પડે. ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંના એક મંદિર ગણાતા મુંડેશ્વરી ધામમાં દેવી મુંડેશ્વરીની આરાધના શક્તિના સ્વરૂપે થાય છે.
આ મંદિરમાં સૌથી વિલક્ષણ રક્તહીન બલિની પરંપરા છે. આ પ્રથા હેઠળ બકરાને મંદિરની અંદર લાવી સૂવડાવવામાં આવે છે. ત્યાર પછી પુજારી દ્વારા અક્ષત (ચોખા) બકરા પર ફેંકવામાં આવે છે અને આવી પ્રતિકાત્મક રીતે બલિ ચડાવવામાં આવે છે. પછી બકરો જે ભક્તજન લાવ્યા હોય તેને પાછો સોંપી દેવામાં આવે છે. આમ આ પ્રથામાં કરૂણા અને આસ્થાનો સમન્વય જોવા મળે છે.
જીવતા જગતિયું નહીં,
પણ જીવતા કબર
જીવન શટલ છે અને મૃત્યુ અટલ છે એ જાણવા ઘણા લોકો પાછલી અવસ્થામાં જીવતા જગતિયું કરીને ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. દેહ નશ્વર છે આત્મા અમર છે એ સત્ય પામી ગયેલા તેલંગણાના લક્ષ્મીપુર ગામના એંસી વર્ષના નાક્કા ઈન્દ્રૈયાએ ૧૨ લાખના ખર્ચે ગ્રેનાઈટથી પોતાની અફલાતૂન કબર તૈયાર કરી છે.
સ્વર્ગસ્થ પત્નીની બાજુમાં જ આ કબર બનાવી છે અને આસપાસ નાનકડું ઉદ્યાન પણ વિકસાવ્યું છે. બાંધકામ વ્યવસાયમાંથી નિવૃત્ત થયેલા આ વૃદ્ધજન દરરોજ પોતાની કબર પાસે જાય છે, સાફસૂફી કરે, ફૂલ ચડાવે અને ફૂલ-ઝાડને પાણી પાય છે. વડીલ કહે છે કે મૃત્યુ પછી મારે અહીં જ રહેવાનું છે એટલે કબરની જગ્યાની જાળવણી તો કરવી જોઈએને? આ કબર જોઈને કહેવું પડે કેઃ
જીવન શટલ છે
મૃત્યુ અટલ છે એની ખબર છે
એટલે જ વૃદ્ધજને
બાંધી સુંદર કબર છે.
સોના-હીરાજડિત
લાખોની સાડી
સ્ત્રીઓ માટેનો સૌથી મર્યાદાપૂર્ણ પહેરવેશ એ સાડી છે. સાડી મહિલાઓના સૌંદર્યમાં નિખાર લાવે છે. ભારતીય સાડીની ખ્યાતિ દુનિયાભરમાં ફરી વળી છે અને એટલે જ ડિસેમ્બરમાં સાડી-દિનની ઉજવણી કરવામાં આવે છે ને? સાડીની કિંમત ૧૦૦ રૂપિયાથી માંડીને લાખ-બેલાખ સુધીની હોઈ શકે છે. પરંતુ તાજેતરમાં જ એક મૂલ્યવાન સાડીની કિંમત ૪૦ લાખ રૂપિયા સાંભળીને ભલભલાને તમ્મર આવી ગયા હશે.
દુનિયાની સૌથી મોંઘી સાડી તરીકે જાહેર કરવામાં આવેલી 'વિવાહ પટ્ટ સાડી' ચેન્નઈના કાંચીપુરમમાં તૈયાર કરવામાં આવી હતી. રેશમી પોત ઉપર સોના, ચાંદી, હિરા, પ્લેટિનમ, માણેક, પન્ના અને પોખરાજથી સજાવવામાં આવી હતી. ૫૯.૭ ગ્રામ સોનું, ૯૧.૩ કેરેટ હીરા, ૧૨૦ મિલી૪ગ્રામ પ્લેટિનમ અને ચાંદીના તાર સહિત રત્નો જડીને કારીગરોએ ખરેખરો કસબ અજમાવીને તૈયાર કરેલી લાખો રૂપિયાની સાડીને જોઈને કહેવું પડે કે-
દેખ ભાઈ દેખ
સાડી કો દેખ
યે તો લાખોં મેં એક.
માસ્તરે બાળકોને ભણાવવાના કે રખડતાં કૂતરાંને ભગાડવાના?
'બોબી'નું ગીત છે ને - 'જૂઠ બોલે કૌઆ કાટે કાલે કૌએ સે ડરિયો...' એટલે કાગડા તો જૂઠ બોલીએ તો ચાંચ મારે, પણ કૂતરા તો કંઈ ન બેલીએ તોય કરડે. સુપ્રીમ કોર્ટે થોડા વખત પહેલાં જ રખડતાં કૂતરાંના ત્રાસને નાથવા અંગે આદેશ બહાર પાડયો હતો.
આ આદેશને પગલે છત્તીસગઢ શાળા શિક્ષણ વિભાગે બહાર પાડેલી નવી ગાઈડલાઈન અંતર્ગત સ્કૂલ પરિસરમાં રખડતાં કૂતરાં નજરે પડે કે તરત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને જાણ કરવાની જવાબદારી પ્રિન્સિપાલની અથવા સંસ્થાના પ્રમુખની રહેશે. સંબંધિત ગ્રામ પંચાયત, નગરપાલિકાના ડોગ-કેચર નોડલ અધિકારીને કહેવું પડશે કે સ્કૂલ પરિસરમાં કેટલાં કૂતરાં ફરે છે. ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં કૂતરાંની એન્ટ્રી રોકવા માટે ગેટની અથવા બેરિયર્સ ગોઠવવાની જવાબદારી નિભાવવી પડશે. કદાચ કોઈ વિદ્યાર્થીને કૂતરૂ કરડે ત્યારે તેને તત્કાળ નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાની જીમ્મેદારી પણ સ્કૂલ પ્રશાસને ઉપાડવી પડશે. આ ગાઈડલાઈન વિરુદ્ધ છત્તીસગઢના શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી છે. રોષ વ્યાપે એ દેખીતું જ છેને! સ્કૂલના પ્રિન્સિપલ અને માસ્તરો બાળકોનું ધ્યાન રાખે કે પછી કૂતરાનું ?
સાસરિયાનું ઘર પાડવા લઈને જાય બુલડોઝર
ઉત્તરપ્રદેશમાં યોગીજીએ ગુંડા અને ગેંગસ્ટરોના ગેરકાયદે મકાનો અને બંગલા પર બુલડોઝરો ફેરવી ફેરવીને એવો સપાટો બોલાવ્યો છે કે એમને બુલડોઝર બાબાનું ઉપનામ મળ્યું છે.
પરંતુ ઝારખંડના સિરસિયા ગામે એક માથાફરેલ જમાઈરાજા વારંવાર રિસાઈને પિયર ચાલી જતી પત્ની ઉપર દાઝ ઉતારવા માટે બુલડોઝર લઈ સાસરિયાનું ઘર તોડવા પહોંચી ગયા હતા. પતિ દારૂના નશામાં વારંવાર પત્નીની બેરહેમીથી મારપીટ કરતો અને ત્રાસ આપતો. એટલે પત્ની પિયર ચાલી જતી. થોડા દિવસ થાય એટલે પતિ મનાવીને ઘરે લઈ આવતો. છેલ્લે જ્યારે પત્ની પિયર ચાલી ગઈ ત્યારે ધણી કંટાળ્યો અને સીધો બુલડોઝર લઈને પત્નીના પિયરે પહોંચી ગયો.
કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના બુલડોઝરની મદદથી ઘરની કમ્પાઉન્ડ વોલ તોડવા માંડયો. ગાામલોકોને થયું કે ગેરકાયદે બાંધકામ તોડવા માટે કોઈ આવ્યું લાગે છે. પણ પછી જોયું તો બુલડોઝરના ચાલકની બાજુમાં જમાઈરાજાને બેઠેલા જોયા. લોકોએ ઉહાપોહ કરી મૂક્તા જમાઈ બુલડોઝર લઈને નાસી છૂટયો. આ ઘટના જાણીને જૂની ફિલ્મનું ગીત યાદ આવે- જો તુમ તોડો પિયા મેં નાહી તોડૂં રે... ધણીએ બુલડોઝરથી દીવાલ તોડી, પણ પત્નીએ નાતો નથી તોડયો. આ જોઈને કહેવું પડે કેઃ
જમ જેવા જમાઈ
અજમાવે કેવું જોર,
સાસરિયાનું ઘર પાડવા
લઈને જાય બુલડોઝર.
પંચ-વાણી
જનતા કર-ભરે
નેતા ઘર-ભરે.


