For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાંધકામના મશીનો વપરાય રાંધકામમાં

Updated: Dec 9th, 2022


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

બુલડોઝર, જેસીબી મશીન અને સિમેન્ટ-કોંક્રીટ  મિક્સરની જેવાં બાંધકામના મશીનો રાંધકામમાં વાપરવામાં આવે ત્યારે કેવી નવાઈ લાગે? મધ્ય પ્રદેશના  ભિંડ જિલ્લાના ગામડામાં ધાર્મિક કાર્યક્રમ વખતે  જમણવાર ભંડારામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા હતા.  ભંડારામાં દરરોજ બે હજાર કિલો પૌઆ અને  ૮૦૦ કિલો રવામાંથી નાસ્તો તૈયાર કરવામાં આવતો હતો.  ત્યાર બાદ  બપોરના ભોજનમાં બે હજાર કિલો બટેટાની ભાજી, સેંકડો કિલો લોટમાંથી પુરી અને રીતસર ઢગલો થાય એટલા માલપુવા  તૈયાર કરવામાં  આવતાં હતાં.  જંગી  કદના તપેલામાંથી  ટ્રોલીમાં  આ ગરમાગરમ  વાનગીઓ  ઠાલવવા  માટે જેસીબી  મશીન ઉપયોગમાં લેવાયું હતું.  દાળને વલોવવા અને માલપુઆ વગેરેનો સામગ્રીને બરાબર મિક્સ કરવા માટે  સિમેન્ટ-કોંક્રીટ  મિક્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હજારોની સંખ્યાનાં દાંદ્રુઆ ધામ મંદિરમાં  ઉમટેલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.આ ભક્તોની સેવા માટે ૧૦ હજાર સ્વયંસેવકોની  ફોજ  દિવસ-રાત દોડાદોડ કરતી જોવા મળી હતી. બોલો, કેવો જંગી  જમણવાર કહેવાય? આ જોઈને કહેવું પડે કે-

શ્રદ્ધાની શક્તિના દર્શન થાય

ભક્તિના ધામમાં,

એટલે જ બાંધકામના સાધનો

વાપરવા પડે રાંધકામમાં.

ફૂટબોલની ફિમેલ ફેન જીભ નહીં જીપ ચલાવે 

લેન્ડલાઈન ફોનનો જમાનો હતો ત્યારે  કોઈને ફોન કરીએ અને એ એન્ગેજ્ડ હોય તો રેકોર્ડેડ મેસેજ  આવતો કે  ઠહરિયે, આપ  કતાર મેં હૈ... પણ આજે સેલફોન કે સેટેલાઈટના જમાનામાં કોઈ ફૂટબોલની રમતના  કટ્ટર શોખીન હોય એના વિશે  પૂછીએ તો  કદાચ લાઈવ મેસેજ  મળે  આપ કતાર મેં હૈ... ફૂટબોલના વિશ્વકપની  મેચોે જોવા માટે દુનિયાભરમાંથી ફૂટબોલના શોખીનો કતાર પહોંચ્યા એ તો  જાણે  સમજ્યા, પણ ભારતના કોઈમ્બતુરની એક ફિમેલ ફેન તો પોતાના પાંચ સંતાનોને  સગાવ્હાલાને  હવાલે કરી મસમોટી જીપ  હંકારી ઠેઠ કતાર જવા નીકળી છે. ફૂટબોલની રમત પાછળ આ કેવી  ઘેલછા કહેવાય? ફિમેલ ફેનનું નામ છે, નાજી નૌથી. આમ એ  યુટયુબર છે. કોઈમ્બતુરથી સાવ એકલી  જીપમાં નીકળેલી નાજી નૌશી  મુંબઈ  આવશે  અને મુંબઈથી આખી જીપ શિપમાં  ચડાવી  ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં   કતાર પહોંચીને તે જીપમાં  ફરશે અને ફૂટબોલની મેચોની મજા લેશે. આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીની તે કટ્ટર ફેન છે. આર્જેન્ટિના વર્લ્ડ કપ  જીતશે  એવા વિશ્વાસ સાથે  જીપમાં સાહસયાત્રાએ નીકળેલી આ ફૂટબોલની  ફિમેલ ફેન જોઈને કહેવું પડે-

સંસારની રમતમાં

કોઈને જીભ ચલાવવાની ફાવટ,

સોકરની રમતમાં

કોઈ ફેનને જીપ ચલાવવાની ફાવટ.

સ્કૂલ-બસ નહીં, 'સ્કૂલ-હોર્સ' સર્વિસ

આપણી જન્મકુંડળીને અંગ્રેજીમાં હોરોસ્કોપ કહેવાય, પણ માથેરાનના મૂળ નિવાસીઓનું ભાગ્ય અશ્વ સાથે જ જોડાયેલું  હોવાથી તેને હોર્સ-સ્કોપ કહી શકાય.  દેશનું  એકમાત્ર  એવું હિલ સ્ટેશન છે જ્યાં  મોટર-વાહનો  દોડતા નથી, ઘોડા દોડે છે અને હાથ-રિક્ષા ચાલે છે. ટુરિસ્ટો માટે સૌથી મોટું આકર્ષણ ઘોડેસવારી  છે. 

૪૦૦-૫૦૦ ઘોડા  પર્યટકોની વાટ જોઈને જ ઊભા હોય છે. અશ્વપાલકોના કેટલાય પરિવાર  આ વ્યવસાય  પર નભે છે. માલ-સામાનની હેરફેર પણ ઘોડા ઉપર થાય છે. ત્યાંની નગર પરિષદે  ઘોડાની લાદ ઉપાડવા  ખાસ સફાઈ કર્મચારી રાખ્યા છે, જે દિવસભર રસ્તો  સાફ રાખે છે.  સૌથી નવાઈ પમાડે એવું  દ્રશ્ય  સ્કૂલે જતાં બાળકોનું  છે. મુંબઈ જેવાં શહેરમાં  બાળકોને તેડવા માટે  સ્કૂલ બસ આવે છે, જ્યારે  માથેરાનમાં  'સ્કૂલ-હોર્સ'ની સર્વિસ જોવા મળે. 

દૂર દૂર રહેતાં બાળકોને ઘોડા પર બેસાડી  ઘરવાળા નિશાળે  મૂકવા માટે આવે.  સેકન્ડરીનાં કિશોરોમાંથી  ઘણા પોતે જ તબડાક તબડાક  કરતાં ઘોડા હંકારતા  સ્કૂલે પહોંચી જાય. કેટલાય ઘોડા એટલા સમજદાર હોય કે અશ્વપાલક પોતાના બાળકને ઘોડા પર બેસાડી  એના હાથમાં  લગામ આપી ડચકારો  કરી રવાના કરે તો બરાબર સ્કૂલે મૂકી આવે. સવારમાં  ઘોડા પર બેસી એક સરખા યુનિફોર્મ પહેરી વટથી સ્કૂલે જતા બાળકોને  જોઈને ગાવાનું મન થાય-

ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક,

જરાય ન લાગે બીક બીક બીક,

કેવી આ સગવડ ઠીક ઠીક ઠીક.

મહારાષ્ટ્રમાં અનોખા લેમન એટીએમ

એટીએમમાં કાર્ડ નાખો એટલે તરત પૈસા બહાર નીકળે. અમુક શહેરોમાં પૈસા નાખવાથી દૂધની કોથળી  બહાર આવે અથવા અંદરથી ગરમાગરમ ઈડલી નીકળે એવા પણ એટીએમ કે  ઈડલી-એમ જોવા  મળે છે. શહેરોમાં આવાં મશીનોનો વપરાશ વધતો જાય છે, પણ મહારાષ્ટ્રના  ગ્રામીણ ભાગોમાં  લેમન એટીએમ શરૂ  થઈ ગયા છે.  જો કે આ લેમન એટીએમમાં પૈસા નાખો અને  લીંબુ નીકળે એવું નથી. 

આ તો  મહારાષ્ટ્રના મરાઠવાડાના બીડ સહિતના વિસ્તારમાં ખેડૂતો ઓછી મહેનતે અને  ઓછા પાણીએ  ઉગાડી શકાય અને બારે માસ વેંચવાથી રોકડી આવક થાય એવાં લીંબુ ઉગાડવા  પાછળ મંડી પડયા છે.  એટલે સ્થાનિક લોકો લીંબુના  બાગને  લેમન એટીએમ  (લીંબાચા એટીએમ) તરીકે ઓળખે છે.  લીંબુના  વેચાણમાંથી એની-ટાઈમ મની  મળે છે, કારણ કે  મહારાષ્ટ્રના   અંતરિયાળ  વિસ્તારોમાં ઉગાડવામાં  આવતાં લીંબુ  મુંબઈ, પુણે, નાશિક સહિત બહારનાં રાજ્યોમાં  પણ જવા  માંડયાં છે.  છેલ્લા થોડા  વખતથી  આ લીંબુ ઠેઠ પાડોશી દેશ નેપાળના પણ  દાંત ખાટ્ટા કરવા માંડયા છે. આમ તો વસમા પાડોશી પાકિસ્તાનના દાંત તો  આપણે વગર લીંબુએ ખાટ્ટા કરીએ જ છીએ, બાકી નેપાળીઓને હવે ખાટ્ટા લીંબુનો સ્વાદ લાગ્યો છે. લીંબુના બાગરૂપી આ લેમન-એટીએમને કોઈની બુરી નજર ન લાગે  માટે  બાગની  વાડ ઉપર  લીંબુ-મરચાં લટકાવવા પડશે કે શું? એવો સવાલ  થાય. વડાપ્રધાન કરે મન કી બાત અને મહારાષ્ટ્રમાં કાને પડે  લે-મન કી બાત.

કીડીનો ચટકો કે કીડીની ચટણીના ટેસ્ટનો ચટકો

લાલ કીડી  ચટકો ભરે  તો શરીર ઉપર ભારે બળતરા થાય છે અને લાલ ચકામું  થઈ જાય છે, પણ લાલ કીડીમાંથી બનાવેલી  તીખ્ખી  તમતમતી  ચટણીના ટેસ્ટનો  ચટકો  મહારાષ્ટ્રના નકસલવાદીગ્રસ્ત  ગઢચિરોલીના જંગલમાં  વસતા  આદિવાસીઓને ખરેખર  લાગ્યો છે.  આ કીડીની ચટણી લીલી ભાજી,  વેજિટેબલ કરી તેમ જ નોનવેજ વાનગીઓને  એકદમ  તીખ્ખી  તમતમતી  બનાવવા માટે કીડીની ચટણી ભેળવવામાં આવે છે. આદિવાસીઓ સૌથી પહેલાં તો  ચટણીનું રૉ મટિરિયલ મેળવવા જંગલમાં  જાય છે. લાલ કીડી ઝાડ ઉપર દર બનાવીને રહેતી હોય છે.  એટલે એક જણ ઝાડ ઉપર ચડી કીડીના દરવાળી આખેઆખી ડાળ કાપી નીચે નાખે છે, જયારે નીચે ઊભેલો  સાથીદાર  લાલ કીડીઓ  ચટકા ભરે કે  આમતેમ તીતરબીતર  થઈ જાય એ પહેલાં  જ તેને મારી નાખે  છે. પછી  તેને વાસણમાં ભરી જરૂર પડે એમ  ચટણી  બનાવવામાં  વાપરે છે. આ કીડીની ચટણીમાં ખૂબ પ્રોટીન હોય છે  અને ફોલીક એસીડ  પણ હોય છે. કરદાતાને  ચૂંટણીના જાલીમ  ખર્ચાનો ચટકો લાગે તો  ગઢચિરોલીના આદિવાસીઓને  (કીડીની) ચટણીના ટેસ્ટનો  ચટકો લાગે  એ જોઈને કહેવું પડે કે-

કીડીને કણ ને હાથીને મણ

કબૂતરને ચણ અને ચૂંટણી

વખતે કાયમ ચણભણ.

પંચ-વાણી

જ્યાં જ્યાં નજર મારી ઠરે

ત્યાં ત્યાં નેતાની નિષ્ઠા ફરે.

Gujarat