For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશની અનોખી કિતાબ હોટેલ

Updated: Mar 7th, 2024

Article Content Image

- મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

લોકો હોટેલમાં જાય અને ખાવાનો ઓર્ડર આપે. ખાવાનું ટેબલ ઉપર આવે એ દરમ્યાન સહુ મોબાઈલ જોવામાં જ વ્યસ્ત હોય છે, પરંતુ નાસિક નજીક મુંબઈ-આગ્રા રોડ ઉપર આવેલી અનોખી કિતાબ હોટેલમાં કસ્ટમર જાય ત્યારે ટેબલ પર ગોઠવેલાં પુસ્તકો પર નજર ફેરવે છે. દીવાલો પર લખેલાં સુવાક્યો વાંચે છે. એટલું જ નહીં, એકવાર જે આ કિતાબ હોટેલમાં આવે એ પછી અવારનવાર પોતાના બાળકોને અને મિત્રોને લઈ આવે છે. આ પુસ્તકોના અલભ્ય ખજાનાવાળી હોટેલના પાયામાં માત્ર પાંચ ધોરણ સુધી ભણેલા ભીમાબાઈ નામના માજી અને એના દીકરા પ્રવીણ જોંધળેનો પરિશ્રમ સમાયેલો છે. ભીમાબાઈએ ઘર ચલાવવા માટે ૨૦૧૦માં એક ચાની ટપરી ખોલી. તેમણે જોયું કે  ચા ઉકળીને તૈયાર થાય ત્યાં સુધી ગ્રાહકનો ટાઈમપાસ થાય માટે છાપાં- મેગેઝિન રાખવા જોઈએ. છાપાં અને મેગેઝિન રાખ્યા પછી ચાના ગ્રાહકો વધવા માંડયા. ટપરી પાસે રાખેલી પાટલી ઉપર બેસીને સહુ  ચા તૈયાર થાય ત્યાં સુધી છાપા વાંચે. આને પગલે ભીમાબાઈના મગજમાં ઝબકારો થયો કે એક હોટેલ ખોલવી જોઈએ અને એમાં પુસ્તાલયની જેમ પુસ્તકો રાખવાં જોઈએ. પોતે ઓછું ભણી હોવા છતાં શિક્ષણ અને વાંચનનું મહત્ત્વ સમજતી ભીમાબાઈએ દાયકાઓ પહેલાં તેના પતિએ નજીવી કિંમતે વેચી દીધેલી જમીન વધુ કિંમત આપી પાછી ખરીદી લીધી. એ જમીન ઉપર સરસ કિતાબ હોટેલ શરૂ કરી. આજે આ હોટેલમાં પાંચ હજારથી વધુ પુસ્તકો છે. દરેક દીવાલ ઉપર કાવ્ય- પંક્તિઓ અને સુવાક્યો લખેલાં છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિને ૧૫મી ઓક્ટોબરે રીડિંગ ઈન્સ્પિરેશન ડે ઉજવાતો હોવાથી ભીમાબાઈ આખો દિવસ નિઃશુલ્ક પુસ્તકો વહેંચી દે છે. ભીમાબાઈ અને દીકરાએ અવનવું ટોકરી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત પુસ્તકોને ટોકરીઓમાં ભરી ભરીને વૃદ્ધાશ્રમો અને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવે છે. વાનગીની ભૂખ સંતોષાય તેની સ ાથે વાંચનની ભૂખ પણ સંતોષાય એવી 'પુસ્તકાચી માચા' (પુસ્તકોની માતા) તરીકે ઓળખાતી ભીમાબાઈની સેવા-પ્રવૃત્તિ જોઈને કહેવું પડે કે-

વાનગી પચાવવા કામ લાગે

પાચન-તંત્ર

અને વાંચન પચાવવા કામ લાગે

વાંચન-તંત્ર

અધ્ધર સ્તંભવાળું આંધ્રનું અનોખું મંદિર

મજબૂત પાયા ઉપર અને સ્તંભ ઉપર સદીઓથી અડીખમ ટકેલાં અગણિત મંદિરો છે, પરંતુ આંધ્રપ્રદેશમાં એક એવું અનોખું મંદિર છે જેનો સ્તંભ જમીનથી અડધો ઈંચ ઉપર છે. દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે એવું મંદિર ખોબા જેવડા લેપાક્ષી ગામમાં આવેલું. વીરભદ્ર સ્વામીને સમર્પિત આ મંદિરમાં પથ્થરના ૭૦ કલાત્મક સ્તંભ છે. આમાંથી એક સ્તંભ લગભગ અડધો ઈંચ ઉપર છે. એવી માન્યતા છે કે લટકતા થાંભલા નીચેથી કપડું પસાર કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ આપે છે. ૧૬મી સદીમાં વિજયનગરના મહારાજાને ત્યાં કામ કરતા બે ભાઈઓ વિરૂપન્ના અને વિરન્નાએ આ કલાત્મક મંદિર બંધાવ્યું હતું. જોકે એક સ્તંભ ક્યા કારણથી અધ્ધર છે તેનું રહસ્ય કોઈ જાણી નથી શક્યું. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ હેંગિંગ પિલર ટેમ્પલ તરીકે મશહૂર આ મંદિરના દર્શને આવે છે. બીજી બાજુ, તામિલનાડુના તિરૂનેલવેલીમાં નેલ્લઈઅપ્પાર મંદિરના સંગીતમય સ્તંભો સહુને આશ્ચર્યચકિત કરી નાખે છે. આ સ્તંભોની ખાસિયત એ છે કે તેની ઉપર ટકોરા મારવાથી ઘંટડીના રણકારનો સુમધુર ધ્વનિ નીકળે છે. એક સ્તંભ ઉપર ટકોરા મારવામાં આવે તો બીજા સ્તંભોમાં પણ કંપન થવા લાગે છે. સંગીતના સાત સ્વરો આ સંગીત સ્તંભોમાંથી રેલાય છે. સાતમી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરના સંગીત સ્તંભો એ સમયના શ્રેષ્ઠ શિલ્પકાર નિંદરેસર નેદુમારને ઊભા કર્યા હતા એવું જાણવા મળે છે. સૂરીલા સ્તંભોની આ કરામત જોઈને કહેવાનું મન થાય કે-

સૂરીલું સંગીત પથ્થર-દિલને

પણ પીગળાવે છે,

અને અનોખા મંદિરમાં પથ્થરના

સ્તંભ સંગીત રેલાવે છે.

Article Content Image

ટ્રેન જેવાં સ્ટેશનનાં લાંબાં નામ

વહેલી સવારે રેલવે પ્લેટફોર્મમાં ગાડી દાખલ થઈ ત્યારે ચા... ચા...ચા... એવી બૂમો પાડતા ચા વેચનારાઓ ટ્રેનની બારીના સળિયા પકડી દોડવા માંડયા. એક કાકાએ આંખો ચોળી ઊભા થતા પૂછયું કે 'ક્યું સ્ટેશન છે?' ચા વેચવાવાળાએ કહ્યું, 'એક કપ ચા ખરીદો તો કહું .' કાકા બોલ્યા, 'સમજી ગયો. અમદાવાદ છે.' 

અમુક સ્ટેશનોનાં નામ  ટૂંકાં હોય તો તરત જીભે ચડી જાય. દાખલા તરીકે વાપી, વાશી, પેણ, વસો વગેરે. પરંતુ અમુક સ્ટેશનોનાં નામ એટલાં લાંબા હોય કે તરત બોલવાનું ન ફાવે. જેમકે અત્યાર સુધી મોગલસરાઈ સ્ટેશનનું નામ લોકજીભે ચડી ગયું હતું, પરંતુ થોડા વખત પહેલાં જ મોગલસરાઈનું નામ બદલીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું હતું. મોટા ગજાના નેતાની સ્મૃતિમાં નામ અપાય એનો વાંધો નહીં, પણ જરા કલ્પના કરો કે ટ્રેન ઉપડવાની તૈયારી હોય વ્હીસલ વાગતી હોય ત્યારે છેલ્લી ઘડીએ ટિકિટ કાઉન્ટર પર પહોંચી કોઈ લાંબા નામવાળા સ્ટેશનની ચાલુ ટિકિટ માગવા જાય તો શક્ય છે ટ્રેન છૂટી પણ જાયકે નહીં?' ભારતમાં સૌથી લાંબુ નામ ધરાવતું સ્ટેશન આંધ્રપ્રદેશમાં છે. આ સ્ટેશનનું નામ છે શ્રીવેંકટનરસિંહ રાજુવરિયાપેટા. ગુજરાતીમાં પંદર અક્ષરના  સ્ટેશનનું નામ અંગ્રેજીમાં ૨૮ અક્ષરનું થાય છે. જેવી લાંબી ટ્રેન એવું લાંબુલચક નામ. જ્યારે સૌથી ટૂંકા અને ટચ નામનાં બે સ્ટેશન છે. એક છે ઓડિશાનું ઈબ અને ગુજરાતનું ઓડ. લાંબાં અને ટૂંકાં નામનાં સ્ટેશનોની આ નામાયણ જાણીને કહેવાનું મન થાય કે-

સ્ટેશનનાં લાંબા હોય કે

ટૂંકાં નામ,

પ્રવાસીને તો બસ

મંઝિલે પહોંચવાનું કામ.

Article Content Image

બે આંગળીથી સલામ કરવાની સજા

કોઈને સારો માર્ગ દેખાડીએ તેને આંગળી ચિંધ્યાનું પૂણ્ય કહેવામાં આવે છે. પરંતુ બે આંગળીથી સલામ કરવા જતા સજા ભોગવવી પડે એવો અજબ કિસ્સો દિલ્હી પાસેના ગુરૂગ્રામ (ગુડગાંવ)માં બન્યો હતો. ગયા મહિને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસ અધિકારીએ એક આરોપીને રજૂ કર્યો. આરોપીને અદાલતમાં પેશ કર્યા પછી પાછા જતી વખતે પોલીસ અધિકારીએ બે આંગળીથી ન્યાયાધીશને સેલ્યુટ કરી હતી. આવી વિચિત્ર રીતે સેલ્યુટ કરવામાં આવી તેની ન્યાયાધીશે ગંભીર નોંધ લીધી હતી અને સંબંધિત અધિકારી સામે પગલાં લેવા પોલીસ કમિશનરને આદેશ આપ્યો હતો. અધિકારીએ પોતાના બચાવમાં અદાલતને જણાવ્યું હતું કે શર્ટ બહુ ટાઈટ હતું એટલે આખો હાથ વાળીને સરખી સેલ્યુટ નહોતો કરી શક્યો. ત્યારબાદ અદાલતે ૧૯૩૪ના પંજાબ પોલીસ રૂલ્સને ટાંકીને જણાવ્યું હતું કે કોર્ટ ચાલુ હોય ત્યારે પ્રવેશ કરતી વખતે પોલીસ અધિકારીએ વ્યવસ્થિત રીતે સેલ્યુટ કરવી જોઈએ, દરેક પોલીસને નિયમો અને પ્રોટોકોલ બાબત જાણકારી તેમજ તાલીમ આપવી જરૂરી છે. એટલે જ કહેવું પડે કે-

આંગળી ચીંધ્યાનું પૂણ્ય કરે

એ મેળવે મજા,

આંગળીઓથી સલામ કરે

એ મેળવે સજા.

પંચ-વાણી

માથે પડયા તે

મહાસુખ માણે રે,

મત-લબી મત-માગણો

ખુરશી તાણે રે.

Gujarat