For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્ટરનેશનલ પેરા-શૂટર ફૂટપાથ પર ચિપ્સ વેચે છે

Updated: Jul 9th, 2021

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

દિવ્યાંગજનોની સહાય માટે આ દેશમાં કેટકેટલી સહાય યોજનાઓની જાહેરાત થાય છે ? દિવ્યાંગને નોકરી આપવામાં આવે છે અને નાનો વ્યવસાય શરૂ કરવાની મદદ પણ કરવામાં આવે છે. આ વાસ્તવિકતા વચ્ચે દેશની આંતરરાષ્ટ્રીય સ્તરની પહેલવહેલી મહિલા પેરા-શૂટરને ફૂટપાથ પર બેસી પોટેટો ચીપ્સ વેંચવાનો વખત આવે ત્યારે સરકારને અને દેશના એક એક રતમવીરોને શરમ આવવી જોઇએ. આ વસમી વિતકકથા છે ઉત્તરાખંડના દહેરાદૂનમાં રહેતી ૩૪ વર્ષની દિલરાજ કૌર નામની સ્વાભિમાની મહિલાની. દિલરાજે ૨૦૦૪ની સાલમાં પેરા-શૂટર તરીકે કારકિર્દી શરૂ કરી. ત્યાર પછીનો  એક પછી એક સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે સિધ્ધિ હાંસલ કરી દેશની શ્રેષ્ઠ પેરા એર પિસ્તોલ શૂટર તરીકે તેની ગણના થવા માંડી. ગોલ્ડ મેડલ સહિત રાષ્ટ્રીય સ્તરે તેણે ૩૦થી વધુ ચંદ્રકો મેળવ્યા. ૨૦૧૫માં ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી વર્લ્ડ-કપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્ત્વ કર્યું આ વર્ષે દિલ્હીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ  કપમાં તેનો સિલેકશન કમિટિમાં સમાવેશ થયો હતો.

પરંતુ ત્યાર પછી પરિવારને માથે એક પછી એક આફત આવી પડી. પિતાને કિડનીની બીમારી ઘેરી વળી એટલે ડાયાલીસીસ પર રાખવા પડયા. પિતાની સારવાર પાછળ ભારે ખર્ચ થયો છતાં બચી ન શકયા. આ આઘાતમાંથી પરિવારજન બહાર નહોતા આવ્યા ત્યાં દિલરાજ કૌરના ભાઇ મકાન પરથી પડી જતા ગંભીર રીતે જખમી થયા. ભાઇને બચાવવા બધુ કરી છૂટયા. સારવાર પાછળ લગભગ એક કરોડ રૂપિયા વપરાઇ ગયા.

છતાં પિતાને પગલે ભાઇ પણ ફાની દુનિયા છોડી ગયાં પૈસેટકે સાવ ખાલી થઇ ગયેલા દિલરાજ કૌર અને તેની વૃધ્ધ માતાની મદદે સ્પોર્ટસ એસોસિયેશન કે ઉત્તરાખંડ સરકાર તરફથી કોઇ આગળ ન આવ્યું. એટલે પછી દિલરાજે પોટેટો ચીપ્સ વેંચી જે થોડીઘણી આવક થાય એનાથી ગાડુ ગબડાવવાનું શરૂ કર્યું. સ્વમાની દિલરાજ કૌર હાથ લાંબો કરી  સરકારી મદદ લેવા તૈયાર નથી. તે સર્ટિફાઇડ કોચ છે એટલું જ નહીં લો-ગ્રેજ્યુએટ છે, એટલે નોકરી મેળવવા માગે આ પેરા-શૂટરની અવદશાથી અજાણ ઉત્તરાખંડના ખેલકૂદ ખાતાના પ્રધાને કહી દીધું કે આ મામલો અમારી સમક્ષ આવ્યો જ નથી. સંબંધિત મહિલા શૂટર અમારો સંપર્ક કરશે  તો સરકારી ધારાધોરણ મુજબ તેની મુશ્કેલીનો ઊકેલ લાવશું.

દુલ્હારાજા છાપુ ન વાંચી શકયા એટલે છાપે ચડયા

કપરા કોરોના કાળમાં પરણથી મરણ સુધી જાત જાતના નિયમોનું પાલન કરવું પડે છે. મૃત્યુ જેવાં દુઃખદ પ્રસંગે કેટલા લોકો હાજર રહી શકે તેની પણ સંખ્યા નક્કી હોય છે. આમાં જો નિયમની ઉપરવટ જઇ લગ્નમાં કોઇ વધુ મહેમાનોને નોતરવાની ભૂલ કરી બેસે તો આકરો દંડ સહેવો પડે છે. કયારેક વરરાજા સહિત જાનૈયાઓને પોલીસ થાણામાં જવું પડે છે. કયારે જમણવાર વખતે પોલીસ રેડ પાડે તો થાળી મૂકીને ભાગવું  પડે છે. આવા કિસ્સા અને ફોટા અવારનવાર છાપે ચડતા રહે છે. પણ હમણાં એક વરરાજાનો વિચિત્ર કિસ્સો એટલા ખાતર છાપે ચડયો કે એ લગ્ન-મંડપમાં  છાપું ન વાંચી શકયો. ઘણાંને સવાલ થાય કે લગ્નના માંડવે છાપુ વંચવવાની આ વળી કઇ વિધિ હશે ?  પણ ફોડ પાડીને કહીએ તો ઊત્તર પ્રદેશના જમાલીપુરા ગામની એક યુવતીના લગ્ન મહારાજપુરના યુવક સાથે નિર્ધાર્યા હતા. લગ્નને દિવસે જાન આવી. દુલ્હારાજને પોંખવામાં આવ્યા અને જયમાળા પહેરાવવાની વિધિ વખતે કન્યાને અને કન્યા-પક્ષવાળાને શંકા ગઇ કે વરરાજાની આંખ નબળી લાગે છે. ચાલાક કન્યાએ તરત જ ખાતરી કરવા છાપું મગાવ્યું અને ભાવિ ભરથારને વાંચવાનું કહ્યું. વરરાજાએ વાંચવામાં પહેલાં ગલ્લાતલ્લા કર્યા અને પછી અસમર્થતા દર્શાવી. આ રીતે આંખની નબળાઇ છેવટ સુધી છૂપાવી તેને કારણે નવવધૂ ખફા થઇ અને લગ્ન ફોક કરી નાખ્યા. સચ્ચાઇ છૂપાવવા બદલ છેવટે જાનને લીલા તોરણે પાછા ફરવું પડયું. છાપામાં આ કિસ્સો વાંચીને દુહો જરા ફેરવીને કહી શકાય.

પોથી પઢી પઢી

પતિ હુઆ ન કોઇ

 ઢાઇ અક્ષર ન્યુઝ કે

પઢે સો પતિ હોય.....

પોતાના હાથે ચિતા ગોઠવી અગ્નિસ્નાન

સ્મશાનમાં ચિતા પર કોઇ અજાણી વ્યકિતના મૃતદેહને બળતો જોઇને ઘડીભર જીવનની નશ્વરતાનો વિચાર આવે કે પછી સ્મશાન વૈરાગ્ય પણ આવી જાય. પણ કોઇ વ્યકિત પોતાના હાથે જ લાકડા ખડકી પોતાની ચિતા તૈયાર કરી શાંતીથી ઉપર સૂઇ જઇને અગનજવાળામાં ભસ્મ થઇ જાય એ જોઇને ઘડીભર આંખો ઉપર વિશ્વાસ ન બેસે. પણ આ ઘટના હૈદરાબાદ બાજુ સીધીપેટ જિલ્લાના વેમુલાઘાટમાં બની ત્યારે ચારે તરફ સનસનાટી વ્યાપી ગઇ હતી. બન્યુ એવું કે મલ્લાન્નાસાગર જળાશયના બાંધકામ માટે અનેક લોકોના ઘરો પાડીને તેમના પુનર્વસનની કામગીરી હાથ ધરાઇ હતી. આમાં ૭૦ વર્ષના મલ્લારેડ્ડી નામના વૃધ્ધનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું આનાથી કદાચ વ્યથિત થઇને કે પછી કોઇ બીજા બીજા કારણસર મલ્લારેડ્ડીએ તોડી પાડવામાં આવેલા પોતાના ઘરના લાકડા ભેગા કરી ચિતા તૈયાર કરીને પછી દીવાસળી ચાંપી દીધી. જોતજોતામાં તે રાખમાં ફેરવાઇ ગયો બોલો. આશ્વર્યની વાત એ છે કે વૃધ્ધના પરિવારજનોએ તો પુનર્વસનની શરતો માન્ય કરી વળતર સ્વીકાર્યું હતું. તો પછી મલ્લારેડ્ડીએ કયા કારણસર  જીવતા અગ્નિસ્નાન કર્યું ? એ એક વણઉકેલ્યો કોયડો બની ગયો છે.

એક ડઝન કેરીના ૧.૨ લાખ ઉપજયા

સામાન્ય રીતે બસો-ત્રણસો રૂપિયે ડઝનના ભાવે કેરી વેંચાતી હોય છે. તેને બદલે એક ડઝન કેરી ૧.૨ લાખ રૂપિયામાં વેંચાય એ સાંભળીને કાન પર વિશ્વાસ ન બેસે. શું આ કેરી સોનાની હશે ? એવો પણ વિચાર આવે. આ આશ્વર્યજનક દાસ્તાન જમશેદપુરની ૧૧ વર્ષની તુલસીકુમારીની છે. આટલી નાની ઊંમરમાં જમશેદપુરમાં રસ્તા પર કેરી વેંચીને થોડી-ઘણી કમાણી કરતી  હતી. આમાંથી પૈસા બચાવી એમાંથી સ્માર્ટફોન લઇ તે ઓનલાઇન ભણવા માગતી હતી. પણ જયાં ઘરના બે છેડા ભેગા કરવાની મુશ્કેલી હોય ત્યાં સ્માર્ટ-ફોન કયાંથી ખરીદી શકે ? પણ તુલસીકુમારીની આ મુશ્કેલી વર્ચ્યુઅલ કલાસની સુવિધા આપતા મુંબઇના અમેય હેટેએ ટીવી ન્યુઝચેનલ પર જોઇ અને તત્કાળ મદદ કરવાનો નિર્ણય લીધો.  તુલસીકુમારીના પિતા શ્રીમલકુમારનો સંપર્ક સાધી કેરી વેંચતી કન્યાના ભણતર માટે એક લાખ ૨૦ હજાર રૂપિયા શ્રીમલકુમારના બેન્ક ખાતામાં જમા કરી દીધા. તુલસીકુમારી તો રાજી રાજી થઇ ગઇ અને બોલી ઊઠી કે વાહ વાહ, મુંબઇના એક અંકેલ એક કેરી ૧૦ હજાર  રૂપિયા લેખે એક ડઝન ખરીદી લીધી હોય એવું લાગ્યું. તરત આ પૈસામાંથી સ્માર્ટફોન ખરીદી તેણે ઓનલાઇન ભણવાની શરૂઆત પણ કરી દીધી છે. આ દાસ્તાન જાણ 'વકત' ફિલ્મનું ગીત ઃ કૌન આયા કી નિગાહો મેં ચમક જાગ ઉઠી..... ફેરવીને ગાવાનું મન થાય   કે ઃ 'ફોન' આયા કી પઢને કી ઉમ્મીદ જાગ ઊઠી.....

જન્મોજન્મ આ જ પત્ની મળે એવી પતિદેવોની પ્રાર્થના

વટ-સાવિત્રીના તહેવારમાં પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિદેવોના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી વટવૃક્ષની પૂજા કરે છે, અને વૃક્ષની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરે છે, પરંતુ મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાં  આવેલા કુડાળ ગામે પુરૂષોને વટવૃક્ષની પ્રદક્ષિણા કરી ધાગો બાંધતા જોઇને ઘણાંને નવાઇ લાગે. પરંતુ કુડાળમાં દર વટ-પૂર્ણિમાને દિવસે 'પત્નીવ્રતા' પતિદેવો આ રીતે વડના વૃક્ષનું પૂજન કરી જન્મોજન્મ સુધી આ જ જીવનસાથી મળે એવી કામના કરે છે. 

છેલ્લા બાર  વર્ષથી પતિદેવો દ્વારા આ રીતે વટ-સાવિત્રીને દિવસે પૂજા અને પ્રદક્ષિણા કરવામાં આવી છે. કુડાળની બેરીસ્ટર નાથ પૈ શિક્ષણ સંસ્થાના ચેરમેન ઉમેશ ગાળવણકર અને ડૉ. સંજય નિગુડકરે સ્ત્રી-પુરૂષ સમાનતાનો સંદેશ લોકો સુધી પહોંચે એ માટે આ અનોખી પ્રથા શરૂ  કરી છે. પોતાના પતિદેવોને આ વ્રતની ઉજવણી કરતા જોઇને પત્નીઓ કેવી રાજી થતી હશે ? બાકી તો લગ્નજીવનમાં વમળ સર્જાય ત્યારે એકબીજાને દમ મારતા 'દંપતી' ઘણા જોવા મળે છે. પણ પત્નીની સુખાકારી અને લાંબા આયુષ્યની કામના કરે એવા 'પત્નીવ્રતા' પતિદેવો કુડાળ સિવાય  બીજે કયાં જોવા મળે ? એટલે જ કહેવું પડે કે

સુખદુઃખમાં સાથ

અને સંતોષ સાચી સંપત્તિ છે

દમબદમ એકમેકનું નામ

જીભે રમે એ સાચા દંપતી છે.

Gujarat