mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મનોરોગીઓના ઈલાજ માટે ગાયોનું વિદેશાગમન

Updated: Oct 7th, 2022

મનોરોગીઓના ઈલાજ માટે ગાયોનું વિદેશાગમન 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

દીકરી ને ગાય દોરે ત્યાં જાય એ કહેવત સોએ સો ટકા  સાચી  પડી છે.  અત્યાર સુધી  દીકરીઓ  વિદેશમાં  વસતો  મૂરતિયો મળે એટલે  લગ્ન કરી સપનાંનો સંસાર  વસાવવા  પરદેશ જતી હતી.  હવે તો  ગાય પણ  પરદેશ જવા લાગી  છે. દીકરી  પરણીને પરદેશમાં  સંસાર વસાવે છે એમ ગાય પરદેશમાં  મનોરોગીઓની  સારવાર  માટે  જાય છે. ઓસ્ટ્રેલિયાના નોર્થ કવીન્સલેન્ડમાં  ભારતીય ગાયોની  મદદથી  માનસિક બીમારીથી પીડાતા દરદીઓનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો છે. મનોરુગ્ણોને  ગાયોની વચ્ચે  રાખવામાં આવે છે. તેઓ ગાયોને પ્રેમથી  ગળા અને પીઠ પર  પસવારે છે તેનાથી  દરદીઓની  માનસિક તાણ ઓછી  થાય છે.  ખાસ  તો  ઓટિઝમના દરદીઓ  સામાન્ય રીતે  બીજા લોકો સાથે વાત  કરવામાં સંકોચ  અનુભવે છે, એ દરદીઓને  ગાય સાથે રાખવામાં  આવતા  કાઉ-થરોપીથી તેમનો  સંકોચ  દૂર થાય  છે, પછી  ધીમે ધીમે લોકો  સાથે પણ  સહજન વર્તાવ  અને વાતચીત  કરવા  માંડે   છે. મનોરોગીઓને  કાઉ-થરોપી આપવા માટે ખાસ કાફ-કડલિંગ સેન્ટરો   ખુલી ગયા છે. આ  સેન્ટરમાં  દરદીઓ  ગાયોને  પ્રેમથી  પંપાળે છે અને માનસિક  તાણ  ઘટાડે  છે. કાઉ-થેરાપી  માટે ફી   પણ લેવામાં  આવે છે. પર્સનાલિટી ડિસોર્ડર,  ડિપ્રેશન, ઓટિઝમ  અને  ગભરાટ   અનુભવતા  દરદીઓને   સાજા  કરવામાં ભારતીય  ગાયોનો જ  કેમ  ઉપયોગ કરવામાં  આવે છે?  એના જવાબમાં   કહેવામાં આવ્યું  હતું કે  અન્ય દેશોની   ગાયો કરતાં  ભારતની  ગાયો  ખૂબ જ શાંત હોય છે એટલે  કાઉ-થેરાપીમાં  ભારતીય ગાયેનો ઉપયોગ કરવામાં  આવે છે.  ગાયની  ડોકને પ્રેમથી પંપાળે  એને ગુજરેજીમાં  ગાય-નેક જ કહેવાયને?  એના પરથી એક જોડકણું જોડયું છે-

ગાય-નેકને પંપાળે

અને માનસિક બીમારી ટાળે, 

ગાય તો  કહેવાય કામધેનુ

ગાયને પંપાળે એ સર્વસુખ ભાળે.

વિવાહમાં વિલંબથી

વિષપાન

વાના જુદા જુદા  પ્રકાર છે -  સંધિવા, ગાંઠિયોવા અને ફરતોવા વગેરે ,  પણ સૌથી  પીડાદાયક વા છે પરણ-વા.  બિહારના ગોપાલગંજમાં  એક યુવકનાં   લગ્નની વાતચીત ચાલતી  હતી, પરંતુ  લગ્નની તારીખ  નક્કી થતી  નહોતી. પરિવારજનોએ કહ્યું રે  હમણાં આર્થિક તંગી છે  એટલે તારાં આવતે  વર્ષે લગ્ન કરાવી  દઈશું. કેટલાય મહિનાથી  પૈણું... પૈણું કરતા આ 'પરણ-વાના પેશન્ટ'  યુવકની  વહેલામાં વહેલી  તકે પરણાવવાની  જીદ્દ કરીને  બેઠેલા   યુવકે  જંતુનાશક દવા ગટગટાવી  લીધી.   યુવકને હોસ્પિટલમાં   પહોંચાડવામાં આવ્યો. સમયસરની સારવારને  લીધે જીવ બચી ગયો, પણ  એ પોેતાની  જીદને  વળગી જ રહ્યો છે. એટલું  તો વિચાર્યું જ હશેને કે-

પરણવા ખાતર જાન જાય

એના કરતાં પરણાવવા ભલે 'જાન' જાય.

તાજામાજા થવા

ફળ ખાવ તાજાં

ગીતાજીમાં  ઉપદેશ આપવામાં  આવ્યો છે કે ફળની આશા ન રાખો, બસ કર્મ કર્યે જાવ. જો કે  તંદુરસ્તી  ટનાટન રાખવા  માટે સલાહ આપવામાં  આવે છે કે  તાજાં ફળની  આશા રાખો.  આજની  બિઝી  લાઈફમાં લોકો  કર્મ કરવા પાછળ  એવા મંડી પડ્યા હોય છે કે  ફ્રુટ માર્કેટમાંથી  તાજાં લાવેલાં  ફળો બગડી જાય છે. ફળો અને શાકભાજી  બગડે નહીં તે માટે ગુવાહાટી આઈઆઈટી તરફથી એડિબલ કોટિંગ  એટલે  ખાઈ શકાય એવું આવરણ શોધી કાઢવામાં  આવ્યું છે.  માઈક્રો-એલ્ગી  અને પોલિસેકેરાઈટ નામના એક જાતના   કાર્બોહાઈડ્રેટમાંથી   આ કોટિંગ   લગાડયા  પછી ફળો અને લીલાં શાક લગભગ  બે મહિના  સુધી  તાજાં રહે છે.  કોટિંગને  લીધે   સફરજન, સ્ટ્રોબેરી, કિવી, અનાનસ  વગેરે ફળો   અને ટમેટાં, સિમલા મરચાં  ૨૦ દિવસથી  લઈને બે મહિના સુધી તાજાં રહે  છે. એમાં  પણ કોટિંગને  લીધે ટમેટાંની  શેેલ્ફ-લાઈફ એક મહિનો વધી જાય છે. ફળો  અને શાક  બગડી  જવાથી   ઘણી વખત  ખેડૂતોએ  ભારે હૈયે  એ બધું ફેંકી દેવાની  નોબત આવે છે એવું નહીં થાય,  એમ આઈઆઈટી - ગુવાહાટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જિનીયરિંગના પ્રાધ્યાપક વિમલ કટિયારનું  કહેવું  છે. તાજાં ફળ શાકભાજી   માટેના  આવરણની શોધ વિશે જાણીને કહેવાનું મન થાય-

લીલાં શાક અને ફળો

માંદાને કરે સાજા,

હવે આવરણને પ્રતાપે

સાજા પણ રહેશે તાજા માજા.

લાલુજીને સજા સુણાવનારા જજસાહેબ વકીલને પરણ્યા

કરોડોના ચારાકાંડને લીધે બદનામ  થયેલા બિહારમાં  તાજેતરમાં  એવાં અનોખા  લગ્ન  થયાં જેનો સંબંધ જ કોર્ટ અને ચારા બન્ને  સાથે ગણી શકાય.  ચારાકાંડમાં  જેને જેલમાં  ધકેલવામાં આવેલા એ  લાલુપ્રસાદ યાદવને સજા સુણાવનારા જજ શિવપાલસિંહે  ૫૯ વર્ષની ઉંમરે તેમનાથી  ૯ વર્ષ નાની  વકીલ અને  ભાજપની નેતી નૂતન  તિવારી સાથે  લગ્ન કરી લીધાં છે.  

વાત એમ બની કે ગોડ્ડા ડિસ્ટ્રિકટ    કોર્ટમાં  એડિશનલ   ડિસ્ટ્રીકટ  એન્ડ સેશન્સ   જજ તરીકે  ફરજ  બજાવતા શિવપાલ સિંહની પત્નીનું ૨૦૦૬માં  અવસાન થયું  હતું.  જ્યારે નૂતન  તિવારીના પતિ એક  અકસ્માતનો  ભોગ બન્યા હતા બન્નેને  મોટા સંતાનો  છે અને એમની સહમતીથી  જ એકલવાયું જીવન વિતાવતા જજ અને વકીલે  એક થવાનો ફેંસલો કર્યો હતો. શિવપાલ સિંહ રાંચી ડિસ્ટ્રિકટ કોર્ટમાં સ્પેશ્યલ  સીબીઆઈ  જજ હતા ત્યારે તેમણે  લાલુપ્રસાદ   યાદવને   ચારા કૌભાંડના બે મામલામાં  દોષી  ઠેરવ્યા હતા અને એક  કેસમાં  લાલુજીને  ૧૪ વર્ષની કેદની સજા  સુણાવી હતી. કોર્ટમાં વકીલોની  દલીલો સાંભળવા ટેવાયેલા જજ સાહેબને  હવે ઘરમાં પણ વકીલની દલીલ  સાંભળવામાં  વાંધો નહીં આવે,  બરાબરને?   એટલે  આ લગ્ન વિશે  જાણીને  કહેવું પડે કે-

મક્કમ નિર્ધારવાળા

એકના બે ન થાય,

પણ મક્કમ નિર્ધારવાળા

બેમાંથી એક તો થાય.

૧૦૨ વર્ષે નીકળી બારાત, અંધેર કારભારને લાત

હરિયાણામાં સેન્ચુરી  વટાવ્યા પછી  પણ કડેધડે  દાદાની  વાજતેગાજતે   નીકળેલી  બારાતની   વિડિયો  ખૂબ  વાઈરલ  થયો ત્યારે    લોકોએ  એવું અનુમાન કર્યું  હતું કે  બાપા ઘરડે ઘડપણ પરણવા નીકળ્યા લાગે છે. 

 વધુ ખણખોદ  કરતાં એવી ખબર પડી  કે સરકારના અંધેર  કારભારનો  ધજાગરો  કરી    ઊધાડો  પાડવા ૧૦૨ વર્ષના દુલીચંદ દાદાએ  બારાત કાઢવાનો અજબ સ્ટંટ કર્યો હતો. 

જાણે  વાત  આ બની કે  હરિયાણા  સરકારે   દુલીચંદ  દાદાને  મૃત ઘોષિત  કરીને પેન્શન બંધ કરી દીધું. એટલે દાદાએ પિત્તો ગુમાવ્યો અને પછી   પોતે જીવતા  છે એ દેખાડી દેવા માટે વરઘોડો  કાઢ્યો અને પ્લકાર્ડ પર  હરિયાણવી ભાષામાં લખ્યું કે  થારા ફૂફા અભી જિંદા  હૈ... ગળામાં પૈસાની  નોટોનો  હાર લગાવ્યો અને માથે  પાઘડી  પહેરી દાદાજી  ઠાઠમાઠથી  અને વાજતેગાજતે  આખા  રોહતક  શહેરમાં  ફર્યા.    ટૂંકમાં પેન્શન  બંધ થતા ંટેન્શનમાં   આવેલા  દાદાજીએ  વરઘોડો કાઢીને સરકારને  ડબલ ટેન્શન  આપ્યું, પણ  ધજાગરા પછી  સરકાર એટેન્શનમાં  આવી કે નહીં એ રામ  જાણે. વયોવૃદ્ધ ઉંમરે  વરઘોડો કાઢવાની નોબત આવી એટલે દાદાજી દાંત ભીંસીને  મનોમન બોલ્યા હશે-

મારી જેવા  જીવતાની

કાઢે જાન

એવી  સરકારની ઠેકાણે

લાવવા સાન

ઘરડે-ઘડપણ કાઢવી 

પડે જાન.

પંચ-વાણી

અમદાવાદમાં પુનઃલગ્ન  સમારંભ વખતે વાંચવા મળેલું સૂત્રઃ

નગરી આ કર્ણાવતી

ફરી ફરી પરણાવતી.

Gujarat