સાપનો એક ડંખ અઢી હજારનો અને વિષની દાણચોરી કરોડોની

Updated: Jan 6th, 2023


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

આપણામાં કહેવત છે કે ઝેરના પારખાં ન હોય. કોઈને ઝેરી સાપ ડંખ મારે ત્યારે  તેને  બચાવવા માટે ડોકટરોએ કેવી મહેનત કરવી પડે  છે! જ્યારે બીજી તરફ ડ્રગ્સ અને કેફી  દ્રવ્યોનું સેવન કરનારા નશેડીઓ વધુ કિક લાગે માટે સાપના ઝેરનો ઉપયોગ કરે છે. રેવ પાર્ટીઓમાં  સાપના ઝેરના વધતા જતા વપરાશ વિશે 'ઈન્ડિયન જર્નલ ઓફ મેન્ટલ હેલ્થ'માં જણાવ્યા પ્રમાણે નશેડીઓ સાપના એક ડંખ માટે અઢી હજાર ચૂકવે છે. એટલે જ કરોડોની કિંમતના સાપના ઝેરની દાણચોરી થાય છે. પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશની સરહદે  દક્ષિણ દિનાજપુર જિલ્લામાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ (બીસએસએફ)ના જવાનોએ કાચની બરણીમાં ભરેલું ૨.૧૪ કિલો  સાપનું કાતીલ ઝેર પકડી પાડયું હતું.  આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઝેરની કિંમત ૧૭ કરોડ રૂપિયા થાય છે. 

ભારત-બાંગલાદેશ વચ્ચે મોટા પ્રમાણમાં થતી સાપના ઝેરની દાણચોરી અટકાવવા બીએસએફના જવાનોએ  જાપ્તો વધાર્યો  છે. પરિણામે છેલ્લાં બે વર્ષ દરમિયાન ૧૬૪ કરોડની કિંમતનું ઝેર પકડી પાડવામાં સફળતા મળી છે. આશ્ચર્યની વાત એ છે કે દક્ષિણ દિનાજપુરમાંથી  સાપનું ઝેર  પકડાયું એ કોબ્રા, રસેલ વાઈપર અને સો સ્કેલ રસેલ વાઈપર સાપનું હતું. 

બરણી ઉપર મેડ ઈન ફ્રાન્સના લેબલ લગાડેલા હતા. ફ્રાન્સનાં  પરફયુમ મશહૂર છે, પણ  ફ્રાન્સના નામે સાપના વિષની દાણચોરી કરી ચાલતો કરોડોનો આ કારોબાર ક્યાં જઈ અટકશે?  આ જોઈ કહેવું પડે કે-

નશો માણસના જીવનને 

ઝેર કરે છે,

પણ આવાં નશેડીને કોણ વારે

જે ઝેરનો જ નશો કરે છે?

વડીલની જેમ વડલો પરણાવે

હમ ઈંટ કા જવાબ પથ્થર સે દેંગે... આ ડાયલોગ  અવારનવાર કાને પડે છે. પણ ઈંટના જવાબમાં જીવનસાથી મળે એવું સાંભળી કેવી નવાઈ લાગે? માનો યા ના માનો જેવી આ હકીકત છે એક લગ્ન કરાવી આપતા વૃક્ષની, જે મુંગેર જિલ્લાના જમાલપુર ગામે કાલી પહાડી ઉપર કાલીમાતાના મંદિર પાસે દાયકાઓથી અડીખમ ઊભું છે. પૈણું પૈણું કરતા ગ્રામવિસ્તારના જુવાનિયાઓ અને જુવાનડીઓ ઝટ લગ્ન થઈ જાય એવી માનતા માનવા માટે આ વટવૃક્ષ પાસે આવે છે  અને લાલ કપડામાં  ઈંટ વિંટાળી ઝાડ ઉપર  બાંધી દે છે. 

એવી માન્યતા છે કે ઈંટ  બાંધ્યા પછી લગભગ ૯૦ દિવસમાં  માનતા પૂરી થાય છે અને જીવનસાથી મળી જાય છે. માનતા પૂરી થયા પછી  યુવક-યુવતીઓ પાછાં વટવૃક્ષના દર્શને આવે છે અને ઝાડ પર બાંધેલી ઈંટ છોડી નાખે છે .એ તપાસ થવી જોઈએ કે માનતા માનવા માટે આવતા યુવક-યુવતીઓમાંથી કેટલાનાં લગ્ન આ વૃક્ષની સાક્ષીએ જ નક્કી થઈ જાય છે? આ ઈંટ બાંધી માનતા માનવાની પ્રથા  જોઈને કહેવું પડે કેઃ બીલીવ 'ઈંટ' ઓર નોટ.

મરચાં મેળવેલી લિપસ્ટિક

તુઝ કો મિર્ચી લગી તો મેં ક્યાં કરૃં... આ ફિલ્મી ગીતની જેમ  ખાવામાં તીખ્ખું તમતમતું  મરચું આવી જાય તો  મોઢામાંથી  રાડ નીકળી જાય છે કે  હાય... હાય મારી તો  જીભ અને હોઠ બળી ગયાં.  વિચારો કે સ્ત્રીઓ હોઠનું  સૌંદર્ય નિખારવા લિપસ્ટિક  લગાડે છે એમાં મરચું  ભેળવી દેવામાં  આવે તો? આવા  વિચાર માત્રથી  હોઠ  ચમચમી જાય. પણ  આ હકીકત  છે. શાકભાજીને લગતા અવનવાં  પ્રયોગો અને સંશોધન કરતી બનારસની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ  ઓફ વેજિટેબલ તરફથી મરચાંમાંથી લાલ અને કોળામાંથી  પીળા રંગનો અર્ક કાઢી  લિપસ્ટિક  તેમ જ અન્ય કોસ્મેટિકસમાં  વાપરી શકાય એવી  શોધ કરી છે. કુદરતી રંગોમાંથી બનેલાં  સૌંદર્ય પ્રસાધનો  ચામડીને  જરાય  નુકસાન નથી કરતાં. ભવિષ્યમાં  કોઈ  માનુની  તેનાં માટીડાને  ટોણો મારશે કે 'હું  બોલું તો  તમને કેમ મરચાં  લાગે છે?' ત્યારે  વરજી તડાક કરતો સામો જવાબ  વાળશે  કે 'મરચાના રંગની લિપસ્ટિકવાળા હોઠેથી  શબ્દો  ચળાઈને આવે પછી મને મરચાં જ લાગેને?'

મણિપુરમાં દુનિયાનો એક માત્ર તરતો નેશનલ પાર્ક

જ્યાં સ્વિમિંગ પુલની સુવિધા ન હોય એવાં ગામડાના લોકો નદી કે તળાવમાં તરવા જતા હોય છે, પરંતુ તળાવની વચ્ચે આખો ટાપુ તરતો જોઈને કેવી નવાઈ લાગે?  મણિપુરમાં  આવેલા લોકતાક  સરોવરની  ગણના દક્ષિણ એશિયાના સૌથી મોટા તાજા પાણીના સરોવરમાં  થાય છે.

 ચુરા ચાંદપુર  જિલ્લામાં  આવેલા આ સરોવરનું  કુલ ક્ષેત્રફળ ૨૮૦ વર્ગકિલોમીટર  છે. સરોવરના  જળની સપાટી પર  તરતી વનસ્પતિ અને માટીમાંથી બનેલાં તરતા ટાપુઓને લીધે  આ લેક વિખ્યાત છે. આમાં  સૌથી મોટો  તરતો ટાપુ 'કેયબુલ લામજાઓ' છે જેનું ક્ષેત્રફળ ૪૦ વર્ગ કિલોમીટર છે.  આ ટાપુ  વિલુપ્ત થઈ રહેલા સંગઈ હરણનું  અંતિમ  આશ્રયસ્થાન  છે.  એટલે જ સરકારે આ દ્વીપને  કેયબુલ લામંજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કર્યો છે.  દુનિયાનો  આ એકમાત્ર  તરતનો નેશનલ પાર્ક છે. આ ફલોટિંગ નેશનલ પાર્કને જોઈને કહેવાનું મન થાય કે-

જ્યાં હરણને કોઈ ન મારે

ટાપુ તરે અને હરણને તારે.

રાજસ્થાનના ગુનામુક્ત ગામડાં

દેશ-વિદેશના પર્યટકોને  આકર્ષતા રંગીલા રાજસ્થાનમાં  થારનું રણ શરૂ થાય છે ત્યાં  આવેલા ચુરૂ જિલ્લામાં  થોડાં વર્ષો પહેલાં  માથાભારે  ગેન્ગસ્ટરોની  ધાક વર્તાતી. દારૂ ગાળવાના અને દારૂની હેરફેર માટે  તેમ જ ધાણીની જેમ ફૂટતી બંદૂકો સાથે થતી ગેન્ગવોર માટે  ચુરૂ વિસ્તાર પંકાયેલો  હતો. ગામડાના તરૂણો મોટા ગેન્ગ લીડરોને હીરો માની એમને  પગલે ગુનાખોરીનો  રાહ લેતા.  પ્રવાહ પલટાતા ચુરૂ જિલ્લાના  ૨૧ ગામડાં  ગુનામુક્ત  થઈ ગયાં છે.  આ અજબ  ચમત્કાર પાછળ ગામડાંની  પંચાયતો તેમ જ  ઘરડા  ગાડાં વાળે એ  કહેવત સાચી પાડનારા વૃદ્ધો અને ડહાપણ ડાહ્યા  વડીલોએ  મુખ્ય ભાગ ભજવ્યો છે. મોટા ગેન્ગસ્ટરોને પોલીસે પતાવી નાખ્યા.  ત્યાર પછી ગ્રામજનોએ  સંકલ્પ કર્યો કે ગામડાઓને એવી  રીતે ગુનામુક્ત  કરીએ કે  પોલીસે  પગ મૂકવો  ન પડે.  એ માટે સૌથી  પહેલાં તો  દરેક ઘરમાંથી  બાળકોને ભણવા માટે નિશાળે મોકલવા માંડયા. 

દારૂના દૂષણને સદંતર નાબૂદ કર્યું.ગૃહકંકાસ થાય કે જમીનને લગતા ઝઘડા થાય ત્યારે કોઈએ પોલીસમાં નહીં જવાનું, પંચાયતવાળા અને ગામડાના   વડીલો  આપસી સમજાવટથી  જે ફેંસલો કરે એ સ્વીકારવો એવું  નક્કી થયું.  આશ્ચર્યની વાત એ છે કે  પૂર્વાશ્રમના એક રીઢા ગુનેગારે દીકરા દીકરીને  મડિકલનું શિક્ષણ અપાવ્યું અને બન્નેને ડોકટર બનાવ્યાં. આ રીતે ગુનામુક્ત  બનેલા ચુરૂ જિલ્લાના  ૨૧ ગામડાંમાં  છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન  એક પણ ક્રિમિનલ કે સિવિલ કેસ નથી  નોંધાયો.  ગામડાના અનુભવી વૃદ્ધો-વડીલોએ જે રીતે ગામડાંને ગુનામુક્ત કરી ખરેખર રાજસ્થાનના રણમાં મીઠી વીરડી જેવાં બનાવ્યા એ જોઈ કહેવું પડે-

જ્યાં માન પામે નહીં વડીલો

ત્યાં અંદરોઅંદર લડી લો,

બાકી જ્યાં ન્યાય તોળે વડીલો

ત્યાં  સુલેહ-સંપનો પાક લણી લો.

પંચ-વાણી

આળસુ 'આળસેશિયનો'ને જોઈને ગાંધીજીનું એક વાક્ય યાદ આવે છેઃ આળસ પણ એક પ્રકારની હિંસા જ છે.

    Sports

    RECENT NEWS