- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવા સિટીમાં મહિલાઓ કિટી-પાર્ટી યોજતી હોય છે. નાચ-ગાન, રમત-ગમત, ખાણી-પીણીના જલ્સા કરવામાં આવે છે. પણ હવે ઉત્તર-પ્રદેશના લખનઉ અને વારાણસી જેવાં શહેરોમાં કિટી-પાર્ટીનું સ્વરૂપ બદલાવા માંડયું છે. કિટી-પાર્ટીને ધાર્મિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. એટલે હવે ટાઈમપાસ કે મનોરંજનના આશયથી કિટી-પાર્ટી નથી યોજાતીપણ હવે કિટી-પાર્ટીમાં સુંદરકાંડના પાઠ, ભજન-કીર્તન, ધાર્મિક વિધિનું આયોજન થવા માંડયું છે. આવી કિટી-પાર્ટીને કિટી-સુંદરકાંડ નામ અપાયું છે.હવે કિટી-પાટીની શરૂઆત હનુમાન ચાલીસા કે સુંદરકાંડથી થાય છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ શણગારવામાં આવે છે, ધાર્મિક સજાવટ કરવામાં આવે છે. મહેમાનોને શુદ્ધ-સાત્વિક શાકાહારી ભોજન પ્રસાદરૂપે પીરસવામાં આવે છે. લખનઉની મહિલા કહે છે કે કિટી-પાર્ટી માત્ર ટાઈમપાસ કરવા કે મનોરંજન માટે નથી યોજાતી, બલ્કે માનસિક શાંતિ માટે અને પોઝીટીવ એનર્જી પ્રસરે એના માટે યોજવામાં આવે છે. વારણસીમાં તો મહિલાઓ મોટા બેન્કવેટ હોલ ભાડે લઈને આ રીતની ધાર્મિક કિટી-પાર્ટીનું આયોજન કરે છે. મહિલાઓના એક જૂથે તો 'કાશી-ક્રાંતિ' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અલગ અલગ વિસ્તારમાં બહેનો તરફથી સુંદરકાંડ પાઠ અને ભક્તિરસના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. હવે તો યુપીના એક પછી એક શહેરોમાં ધાર્મિક કિટી-પાર્ટીઓ યોજાવા માંડી છે. આમ કિટી-પાર્ટી મનોરંજનથી મનોમંથનની દિશામાં આગળ વધી રહી છે.
હાથણીએ જણ્યા જોડિયા મદનિયા
ચલ ચલ મેરે હાથી ઓ મેરે સાથી, ચલ લે ચલ ખટારા ખીંચકે... હાથી મેરે સાથી ફિલ્મ દાયકાઓ પહેલાં આવી હતી છતાં આજે પણ હાથીને જોઈને ઘણાંના મનમાં આ ગીત ગુંજવા લાગે છે. 'હાથી મેરે સાથી' ફિલ્મના ટાઈટલની જેમ ઉતરાખંડના જિમ કાર્બેટ નેશનલ પાર્કમાં એક હાથણીએ એકમેકના સાથી જેવાં જોડિયા મદનિયાને જન્મ આપ્યો છે.હાથણી જોડિયા બચ્ચાને જવલ્લે જ જન્મ આપે છે. કારણ હાથીનું બચ્ચું જન્મ સમયે ૭૦થી ૧૨૦ કિલો વજનનું હોય છે એટલે હાથણીના ગર્ભમાં એક સાથે બે બચ્ચા આકાર લેતા હોય તો ગર્ભાશયમાં કેટલો ભાર થઈ જાય? હાથણી માટે આટલું વજન ઉઠાવવાનું બહુ જ તકલીફ ભરેલું બની જાય છે. હાથણીનો ગર્ભધારણનો સમય બાવીસથી ચોવીસ મહિનાનો હોય છે, એટલે લગભગ બે વર્ષ સુધી આ હાથણી કેવી રીતે બે-બે બચ્ચાનો ભાર વેંઢારીને ફરતી હશે? એવો સહેજે વિચાર આવે. પણ હાથણીએ ટ્વિન્સને જન્મ આપ્યો એ ઘટનાએ દુનિયાભરના પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રાણીના ડોકટરોનું ધ્યાન ખેંચ્યું છે. આ મદનિયાના શું નામ રાખી શકાય? રામ ઔર શ્યામ, મટ એન્ડ જેફ, ગટુ ઔર મટુ કે પછી જોન ઔર જોની? આપણે તો ભાઈ પહેલી નજરે જોતાંની સાથે જ ગમી જાય એવા મદનિયાની જોડીને જોઈને કહી શકીએ.
હાથણી અને બે બચ્ચા હેમખેમ છે
બે મદનિયા સેમ ટુ સેમ છે.
ઘાઘરાના ઘાતકી મગરે જમાઈનો જીવ લીધો
ઉત્તર પ્રદેશના ગોંડાની એક અરેરાટીપૂર્ણ ઘટનામાં સાસુના અંતિમ સંસ્કાર માટે ઘાઘરા નદીના કિનારે ગયેલા જમાઈનો મગરે જીવ લીધો હતો. દીપક નામના શખસે સાસુ ઉર્મિલાદેવીના અંતિમ સંસ્કાર માટે નદી કિનારે ખાડો ખોદ્યો હકતો. ત્યારબાદ માટીવાળા હાથ ધોવા માટે ઘાઘરા નદીમાં હજી તો હાથ બોળ્યા ત્યાં જ વીજળીની ઝડપે લપાઈને બેઠેલા મગરે યુવકનું માથું જ જડબામાં દબાવીને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો અને તેનું ભક્ષણ કર્યું હતું. આંખના પલકારામાં આ ઘટના બનતા કોઈ યુવકને બચાવી નહોતું શક્યું. આ કિસ્સો જાણીને કહેવું પડે કેઃ
મારકણા મગરે કરી ઘાત પરિવાર
પર આઘાત પર આ-ઘાત.
ઉંધા મોહરા વાઘથી બચાવે
એક હિન્દી ગીતની કડી યાદ આવે છેઃ એક ચહેરે પે કંઈ ચહેરે લગા લેતે હૈ લોગ... એક ચહેરા પર બીજા ચહેરાનું મોહરૂ લગાવીને ઘણાં ફરતા હોય છે. પણ મધ્ય પ્રદેશના ગાઢ જંગલોમાં તો તેંદૂપત્તા વિણવા જતા શ્રમિકો માથાની પાછળના ભાગમાં મોહરૂ લગાડીને કામ કરતા હોય છે. શા માટે ખબર છે? વાઘના હુમલાથી બચવા માટે માથાની પાછળના ભાગમાં માનવ ચહેરાનું મોહરૂ પહેરવામાં આવે છે. વાઘને થાય કે માણસ તેની સામે ધારી ધારીને જોઈ રહ્યો છે, ત્યારે હુમલો કરતા અચકાય છે. આ જ કારણસર મધ્ય પ્રદેશના વન-વિભાગ તરફથી તેંદૂપત્તા વિણવા જતા આદિવાસીઓ અને ગ્રામજનોને આવા મોહરા આપવામાં આવ્યા છે. વાઘ અને દિપડા હંમેશા માણસ ઉપર પાછળથી જ હુમલો કરે છે. એટલે પ્રાણીઓને થાપ ખવડાવવા માટે આ નવવો નુસ્ખો અજમાવવામાં આવ્યો છે. જોકે મધ્ય પ્રદેશ માટે નવો હશે આ નુસ્ખો, બાકી સુંદર વનમાં રોયલ બેંગાલ ટાઈગરના હુમલાથી બચવા લોકો કેટલાય વર્ષોથી આ રીતે ઊંઘા માસ્ક ચડાવીને ફરતા હોય છે. જ્યારે મહારાષ્ટ્રમાં દીપડાના આતંક સામે ખેતમજૂરો અને ખેડૂતોને રક્ષણ આપવા માટે અણીદાર ખીલ્લાવાળા ચામડાના ગળાપટ્ટા આપવામાં આવે છે. કારણ દીપડો હુમલો કરે ત્યારે માણસને સૌથી પહેલાં ગરદનથી જ પકડતો હોય છે. આ ઉપાયનું સારૂ પરિણામ જોવા મળ્યું છે. ઉંધા મોહરા વાઘ-દીપડાથી બચાવે તો પછી કોને એ પહેરવા ન ફાવે?
માસ્તરનો હોર્સ-પાવર
ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંઝે પાંખ... આ પંકિત યાદ અપાવી ઝારખંડના તાતિદિરી ગામના એક શિક્ષકે વડા પ્રધાને ઈંધણ બચાવવા માટે અપીલ કરી એ કાને ધરીને મુન્નાપ્રસાદ ગુપ્તા નામના શિક્ષક ઘોડા પર સવાર થઈ તબડક... તબડક... કરતા સરકારી કામે નીકળી પડે છે. ઘોડાને ઈંધણ રૂપે ચણાં અને ચારો ખવડાવો પડે છે. અત્યારે આ શિક્ષકને વસ્તી ગણતરીને લગતી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે માસ્તરજી સવારમાં ઘોડે ચડીને નીકળી પડે છે. સરકારી કામે. સોશ્યલ મિડિયામાં આ માસ્તરજીનો વિડિયો વાઈરલ થયા પછી ઘણાંએ એમાંથી પ્રેરણા લઈને ઘોડે સવારી શરૂ કરી છે. વધુ હોર્સપાવરની મોટરો કે બાઈક ફેરવીને ઈંધણ બાળવા કરતાં સાચેસાચા હોર્સના પાવરથી ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક... કરતા નીકળી પડવામાં કેવી મોજ છે એ તો જે વગર પરણ્યે ઘોડે ચડે એ જ જાણે. ઈંધણના ખર્ચમાં ઘટ થાય એવો નુસ્ખો અજમાવ્યા પછી 'ઘટ'માં ઘોડા થનગને કે નહીં?
પંચ-વાણી
શિયાળે શીરો ભલો
ઉનાળે ટાઢી છાશ
વરખામાં વડા ભલા
ખીચડી બારે માસ


