mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દુનિયાના સૌથી મોટા પરિવારના મોભીની વિદાય

Updated: Jul 6th, 2021

દુનિયાના સૌથી મોટા પરિવારના મોભીની વિદાય 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

કુટુંબ નિયોજનનો જોરશોરથી પ્રચાર ચાલતો ત્યારે હમ દો હમારે દો, નાનું કુટુંબ સુખી કુટુંબ અને એક  કે બે બસ જેવા સૂત્રો જયાં નજર નાખો ત્યાં જોવા મળતા. એક કે બે બસ એટલે બેથી વધુ  સંતાન ન જોઇએ. પરંતુ એક કે બે બસ નહીં પણ ચારથી પાંચ 'બસ' ભરાય એટલો મોટો કોઇ પરિવાર હોય તે  માન્યામાં આવે ? પરંતુ આ માનવા ન માનવાની નહીં પરંતુ  હકિકત છે, મિઝોરમમાં વસતા દુનિયાના મોટામાં મોટા પરિવારની. આ પરિવારને યાદ કરવાનું કારણ  એ કે પરિવારના વડા ઝીઓનાએ ૭૬ વર્ષની ઉંમરે તાજેતરમાં જ દુનિયાથી વિદાય લીધી. મિઝોરમના બક્તાવંગ-થાંગનમ ગામે રહેતા ચાના સંપ્રદાયના વડા ઝીઓના ૩૯ પત્નીઓ અને ૨૦૦થી વધુ પુત્રો અને પૌત્રો, દીકરીઓ અને દોહિત્રીઓને રડતા મેલી ફાની દુનિયા છોડી ગયા. એક પતિના મૃત્યુથી ૩૯ પત્નીઓ વિધવા બની. મિઝોરમની ભાષામાં હોતુપા એટલે લીડર તરીકે ઓળખાતા ઝીઓના ચાના ધાર્મિક સંપ્રદાયના વડા હતા. ૧૫ વર્ષની ઉંમરે તેમણે પહેલા લગ્ન ૧૯૪૪માં કર્યા હતા અને છેલ્લાં લગ્ન ૨૦૦૪માં કર્યા હતા. 

ધીમે ધીમે પરિવાર વધવા માંડયો. કુટુંબના સભ્યો દિવસે  ન વધે એટલાં 'રાતે' વધવા માંડયા. પછી તો જાણે વિશાળ ધર્મશાળા હોય એવું ચાર માળનું મકાન બાંધ્યું અને એમાં ૨૦૦થી વધુ સભ્યોનો સંયુકત પરિવાર રહેવા માંડયો. આ દુનિયાના મોટામાં મોટા ફેમિલીની ખ્યાતી એટલી ફેલાઇ કે દેશ-વિદેશથી મિઝોરમ આવતા ટુરિસ્ટો માટે આ પરિવાર આકર્ષણરૃપ બની ગયો હતો. 

ઝીઓનાના મૃત્યુ પછી પરિવારના વડા તરીકેની ધૂરા તેના ૬૦ વર્ષના પુત્ર નુનપર્લિયાનાએ સંભાળી છે. તેને બે પત્ની અને ૧૩ સંતાનો છે. ઝીઓના ગામડામાં ભરાતા મેળા જેવો કુટુંબ મેળો છોડીને વિદાય લીધી ત્યારે કદાય કોઇને આ ગીત યાદ આવ્યું હોય તો કહેવાય નહીં :

ચલ અકેલા ચલ અકેલા

ચલ અકેલા

તેરા 'મેલા' પીછે છૂટા

રાહી ચલ અકેલા

દારૃ ખાતર દીકરી વેંચી

શરાબ ચીઝ હી ઐસી હૈ ના છોડી જાયે.....  ગઝલના આ શબ્દોની જેમ દારૃની એક વાર લત લાગે પછી સહેલાઇથી છૂટે નહીં. એક વાર એક માણસને શરદી થઇ તેના દારૃડિયા દોસ્તે ઉપાય દેખાડયો કે બે પેગ પી લે, શરદી ચપટી વગાડતા ચાલી જશે. દોસ્તે શંકા દર્શાવતા સવાલ કર્યો કે શું ખરેખર દારૃથી શરદી ચાલી જાય ? ત્યારે દારૃડિયાએ ખોંખારો ખાઇને જવાબ આપ્યો કે કેમ ન જાય ? દારૃને લીધે મારા  પૈસા ગયા, પરિવાર ગયો તંદુરસ્તી ગઇ અને બાકી હતું કે ઘર પણ ગયું, દારૃને કારણે આ બધું  જાય તો પછી શરદી કેમ ન જાય ? લત હાલત બગાડે છતાં બંધાણ છૂટે નહીં. 

શરાબની લતમાં સર્વસ્વ ગુમાવી બેઠેલા ઓડિશાના કેન્દ્રાપાડા વિસ્તારના અઠંગ બંધાણીએ દારૃના પૈસા ખલાસ થઇ જતા પાંચ હજાર રૃપિયામાં બે વર્ષની માસુમ દીકરીને વેંચી આવ્યો. આ દારૃડિયાના બાપનો જીવ ઊંચો થઇ ગયો કે વ્હાલી પૌત્રી કયાં ખોવાઇ ગઇ ? ચારે તરફ બેબાકળા બની શોધખોળ કરી, પણ પત્તો ન લાગ્યો.

 છેવટે દાળમાં કંઇક કાળુ લાગતા દારૃડિયા દીકરાને ધમકાવી પૂછયું બોલ દીકરી કયાં છે ? ત્યારે દીકરાએ એકરાર  કર્યો કે દીકરી તો તેણે પાંચ હજાર રૃપિયામાં સંતાનસુખ ઝંખતા દંપત્તીને વેંચી નાખી. પિતાએ જ પુત્રના આ કારસ્તાનની પોલીસને ફરિયાદ કરી અને પોલીસ ટીમે બે વર્ષની માસુમને ઊગારી લીધી. લગ્ન વખતે પિતા કન્યાદાન આપે છે. પણ નશો કરવા પોતાની કન્યાને વેંચી નાખે એવા બંધાણીને જોઇ કહેવું પડે કે :

હાલત બગાડે એ

લત કેવી ખરાબ

નશા ખાતર સંતાનના

સોદા કરાવે શરાબ.

પિતા કરે ઝાડુથી સફાઇ બેટો કરશે ગનથી દુશ્મનોની સફાઇ

આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ, દૂૂર હટો એ 'ચાયનાવાલો' હિન્દુસ્તાન હમારા હૈ..... દુશ્મન ચીન કે પાકિસ્તાનની કોઇ પણ અવળચંડાઇનો જડબાતોડ જવાબ આપવાં આપણાં જાંબાઝ જવાનો સજ્જ રહે છે. દેશભકિતના અને શોર્યના ગીતો કાને પડે ત્યારે દરેક દેશભકત હિન્દુસ્તાનીના હૈયામાં ઉમળકાનો ઊભરો આવે છે કે દુશ્મનોની ખો ભૂલાવી દેવા કરેકે કંઇક કરી  છૂટવું જોઇએ. ઉત્તર ભારતના એક નાનકડા ગામડામાં રહેતા સફાઇ કર્મચારી બીજેન્દ્રકુમારનું એક જ સપનું હતું કે મારા દીકરાને દેશની રક્ષા માટે ફૌજી અફસર  બનાવવો છે.

 અનેક આર્થિક સંકડામણ છતં તેણે પુત્ર સુજીતકુમારને ભણવા માટે ઠેઠ રાજસ્થાનની સ્કૂલમાં મોકલ્યો. ભણવામાં તેજસ્વી સુુજીતે સ્કૂલનું શિક્ષણ પૂરૃં કર્યો પછી તે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડેમી (આઇએમએ)માં જોડાયો. યુધ્ધની આકરી તાલીમ લઇ જૂન મહિનાની શરૃઆતમાં જ ગ્રેજ્યુએટ થયો. આમ પિતાના સપનાને સાકાર કરી બસીલા નામના ગામડાનો પહેલવહેલો જવાન ફૌજી અફસર તરીકે સેનામાં જોડાયો ત્યારે પિતાની ખુશીનો કોઇ પાર ન રહ્યો. આંખમાં ખુશીના આંસુ સાથે તે એટલું જ બોલી શકયો કે મેં ભલે ઝાડુથી કચરાની સફાઇ કરી, પણ મારો બેટો હાથમાં ગન લઇ દુશ્મનોની સફાઇ કરશે, જય હિન્દ.

કોરોના મૈયાનુ મંદિર જમીનદોસ્ત

રક્ષા કરો કોરોના મૈયા..... તુમ્હી રખવાલે તુમ્હી ખેવૈયા..... કપરા કોરોનાકાળમાં કેટલાય અંધશ્રધ્ધાળુઓ કોરોના મૈયાની આરતી ઉતારવા લાગ્યા ને પૂજા કરવા માંડયા. કોરોના મૈયા કોપથી બચાવે માટે માનતા માનવા લાગ્યા.   ઉત્તર પ્રદેશના જુહી- સુકલપુર ગામડામાં તો કોરોના માતાનું મંદિર બંધાઇ ગયું. અંધશ્રધ્ધાળુઓ દર્શને આવવા લાગ્યા.

 ગામડાના લોકોએ આપેલા દાનમાંથી બાંધવામાં આવેલું મંદિર 'ભકતજનો'થી ધમધમવા લાગ્યું. પણ આ ધમધમાટ પોલીસના કાન સુધી પહોંચ્યો. આવી અંધશ્રધ્ધાને પોષવાને બદલે  ગામડાના ભલાભોળા લોકોને મહામારીથી કેમ બચવું તેની સાચી જાણકારી પૂરી પાડવાનું કામ પ્રયાગરાજ રેન્જના ઇન્સ્પેકટર જનરલ ઓફપોલીસ, કે. પી. સિંહની દોરવણી હેઠળ પોલીસોએ માથે લીધું એટલું જ નહીં સૌથી પહેલાં તો જિલ્લા પ્રશાસન સાથે મળીને કોરોના માતાના મંદિરને જમીનદોસ્ત કરી નાખ્યું. ખરો સપાટો બોલાવ્યો. 

ત્યાર પછી કોના કહેવાથી આ મંદિર બાંધવામાં આવ્યું તેની તપાસ શરૃ કરવામાં આવી. ખરા લોકડાઉન વખતે દેશભરના મંદિરો કોરોના ફેલાતો અટકાવવા બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ અંધશ્રધ્ધાવશ કોરોના મૈયાનું નવું જ મંદિર બાંધીને પૂજા- આરતી કરવામાં આવે એ કેમ ચલાવી લેવાય ? અત્યારે પોલીસો તરફથી ગ્રામજનોને અંધશ્રધ્ધાના અંધકારમાંથી બહાર લાવી કોરોના વિશે સાચી જાણકારી આપી બચવાના ઉપાયો સૂચવવામાં આવે છે. આ જોઇ કહેવુ પડે  કે :

પહેલું સુખ તે જાતે નર્યા

બીજુ સુખ તે અંધશ્રધ્ધાથી પાછા ફર્યા.

ગંગાની પુત્રીને યોગી સરકારે દત્તક લીધી

ગંગાના અવતરણ વખતે જેમ શિવજીએ પોતાની જટામાં ઝીલી લીધી હતી એમ ગંગા નદીના વહેણમાં તરતી  તરતી આવેલી લાકડાની પેટીમાંથી નીકળેલી માસુમ બેટીને નાવિકે ઝીલી લીધી. 

 મહાભારતમાં જેવી રીતે માતા કુંતીએ કર્ણને ટોપલામાં મૂકી આ ટોપલો ગંગા નદીના વહેણમાં તરતો મૂકયો હતો, એવી જ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં બની. ગંગાના પ્રવાહમાં તરીને આવતી લાકડાની પેટીને ગુલ્લુ ચૌધરી નામના નાવિકે ઉપાડી લીધી. પેટી ખોલીને જોયું તો ખીલખીલાટ કરતી નવજાત બાળકી નીકળી. 

આશ્ચર્યની વાત એ છે કે પેટીમાંથી અનેક  દેવદેવીઓના ફોટા મળ્યા એટલંય જ નહીં ૨૧ દિવસની બાળકીની  જન્મકુંડળી પણ મળી. દાદરી ઘાટ પરથી નાવિક આ બાળકીને ઘરે લઇ ગયો અને પછી ગામવાળાને ગંગામૈયાએ ભેટ આપેલી બાળકીની વાત કરી.

 ગાઝીપુર જિલ્લા પ્રશાસનને જાણ થતા બાળકીને તરત જ સરકારી મહિલા હોસ્પિટલના નીઓનેટલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવી. ત્યાર પછી ઉત્તર પ્રદેશના ભગવાધારી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાહેર કર્યું કે હવે આ બાળકીના ઊછેરની તમામ જવાબદારી રાજ્ય સરકાર સંભાળશે. આ જોઇને કહેવું પડે કે :

 પ્રભુ જેને તારવા ધારે

તેનાથી મુસીબતો રહે છેટી

એટલે જ ગંગામાં તરતી

પેટીમાંથી નીકળી જીવતી બેટી.

પંચ-વાણી

કોરોનાની રસીમાંય રાજકારણ રમાતું

જોઇ કહેવું પડે કે :

ઇના મીના ડીકા

થાય જાત જાતની ટીકા

રસીકરણમાંય 'ટીકા'

ને રાજકારણમાંય ટીકા.

Gujarat