Get The App

કાગનો વાઘ નહીં સ્ક્રેપનો વાઘ

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
કાગનો વાઘ નહીં સ્ક્રેપનો વાઘ 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

મધ્ય પ્રદેશના જંગલોમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ ફરતા હોય છે. શિકાર પર કાનૂની પ્રતિબંધ નહોતો આવ્યો ત્યારે રાજા-મહારાજાઓએ સેંકડો વાઘનો શિકાર કરી ઢાળી દીધા હતા. હવે વાઘના અભયારણ્યો રચાયા પછી વાઘ મુક્તપણે વિચરણ કરતા હોય છે. મધ્ય પ્રદેશના શિવનીના યુવાનોએ મધ્ય પ્રદેશની આગવી ઓળખ બની ગયેલા રાષ્ટ્રીય પ્રાણીની જંગી કલાકૃતિ ઘડવાનું નક્કી કર્યું. આર્ટીસ્ટ રિષભ કશ્યપના માર્ગદર્શન હેઠળ બારથી તેર જણની ટીમ કામે લાગી ગઈ. સૌથી પહેલાં લોખંડનો ૧૦ ટનનો ભંગાર ભેગો કરવામાં આવ્યો. પછી છૂટાભાગોને જોડી વાઘની જંગી કલાકૃતિ ઘડવામાં આવી અને પછી તેના શરીર પર રંગથી ચટ્ટાપટ્ટા કરવામાં આવ્યા. આમ દુનિયાની સૌથી મોટી વાઘની કલાકૃતિ પેન્ચ ટાઈગર રિઝર્વમાં શાનથી ગોઠવાઈ. આ વાઘની કૃતિ ૧૭ ફૂટ ૬ ઇંચ ઊંચી, ૪૦ ફૂટ લાંબી અને ૮ ફૂટ પહોળી છે. આ અગાઉ અમેરિકામાં જાયન્ટ ટાઈગરનું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવેલું જે ૮ ફૂટ ઊંચી અને ૧૪ ફૂટ લાંબી હતી. આમ ટ્રમ્પના દેશના ટાઈગરને ભારતીય વાઘે ક્યાંય પાછળ રાખી દીધો. હવે આ વાઘને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે એ  માટે અરજી કરવામાં આવી છે. ભારતમાં તો હજારો વર્ષથી વાઘ પૂજાય છે. વાઘને જંગલનો રક્ષક ગણવામાં આવે છે. હવે જ્યારે ગિનેસ બુકમાં પેન્ચના વાઘને સ્થાન મળશે ત્યારે દુનિયાનું ધ્યાન આ સ્ક્રેપ ટાઈગર ખેંચશે. આને કાગનો વાઘ નહીં, સ્ક્રેપનો વાઘ કહેવાય.

આદિવાસી આત્માને લેવા પહોંચ્યા હોસ્પિટલમાં

ગંભીર માંદગીમાં પટકાયેલા વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી સારવાર મેળવી સાજી થઈને ઘરે પાછી ફરતી હોય છે. પણ જેની આવરદા પૂરી થઈ હોય એ હોસ્પિટલમાં પ્રાણ ત્યજે છે અને પછી પરિજનો સદ્ગતના મૃતદેહને ઘરે લાવી અંતિમ સંસ્કાર કરે છે. પરંતુ મધ્ય પ્રદેશના રતલામની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. આદિવાસીઓ ઢોલ-નગારા વગાડતા અને ગાતા-નાચતા હોસ્પિટલમાં પહોંચ્યા. અચરજમાં પડી ગયેલા હોસ્પિટલના કર્મચારીઓએ પૂછ્યું કે આ બધી ધામધૂમ શેની છે? ત્યારે તેમણે કહ્યું કે અમારા સ્વજને થોડા દિવસ પહેલાં જ હોસ્પિટલમાં પ્રાણ ત્યાગ્યો હતો, એના આત્માને અમે લેવા આવ્યા છીએ પછી ખબર પડી કે આ વિસ્તારના  આદિવાસી સમાજમાં એવી માન્યતા છે કે વ્યક્તિ જે જગ્યાએ મૃત્યુ પામે એ જ જગ્યાએ તેનો આત્મા એ જ જગ્યાએ હોય છે. એટલે એ આત્માને કળશ જેવાં પાત્રમાં પ્રતીકાત્મક રીતે લેવામાં આવે છે અને પછી ખેતરમાં કે ગામની બહાર પ્રતિમા બનાવીને દાટી દેવામાં આવે છે. એટલે રતલામની હોસ્પિટલમાં જે સજ્જન મૃત્યુ પામ્યા હતા તેનો આત્મા લેવા માટે આદિવાસીઓ વાજતેગાજતે આવ્યાં હતા. આ પ્રથા વિશે જાણીને પ્રાચીન ભજનની કડી યાદ આવે છેઃ આત્માને ઓળખ્યા વિના રે... આ લખચોરાશી નહીં તો ટળે હો...જી...

જય-વીરૂની દોસ્તીની જેમ બાઈક પણ ટકી રહી છે

યે દોસ્તી હમ નહીં તોડેંગે... શોલે ફિલ્મમાં જય-વીરૂ (અમિતાભ-ધર્મેન્દ્ર)ની જુગલ જોડીએ બાઈક દોડાવીને જે ગીત ફફડાવેલું એ કોણ ભૂલી શકે?  પણ સિનેમા શોખીને કદાચ જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં જે બાઈક જોવા મળેલી એ આજે પણ સાચવી રાખવામાં આવી છે. ૧૯૭૫માં રિલીઝ થયેલી 'શોલે' જય અને વીરૂએ બી.એસ.એ.-ડબલ્યુ એમ ૨૦ મોડેવની ૧૯૪૨ બ્રિટીશ મોટરસાઈકલ દોડાવીને યે દોસ્તી હમ નહીં તોડેંગે... ગીત ગાયેલું. તાજેતરમાં જ ગોવામાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટીવલ  વખતે થિયેટર પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવેલી આ ઐતિહાસિક મોટર સાઈકલ જબરૂં રીતે વિતેલા જમાનાની સંગીતમય કોમેડી ફિલ્મ 'ચલતી કા નાામ ગાડી'માં અશોકકુમાર, કિશોરકુમાર, અનુપકુમાર આ બંધું ત્રિપુટીએ જે વિન્ટેજ કાર દોડાવી હતી એ પણ વર્ષો સુધી અશોકકુમારે પોતાના ગેરેજમાં સાચવીને રાખી હતી. આરાધના ફિલ્મમાં રાજેશ ખન્નાએ દાર્જિલીંગમાં ટચુકડી ટ્રેનની સાથે જીપ દોડાવી  મેરે સપનોં કી રાની કબ આયેગી તું... ગીત ગાયેલું એ વિલીઝ જીપ (સીજે૩બી)નું તો યુવાનોએ એવું ઘેલું લાગેલું કે કેટલાય જુવાનીય કન્વર્ટીબલ જીપમાં રોમિયોગીરી કરવા નિકળીી પડતા હતા.  જરા વિચાર કરો કે આજના જમાનામાં 'ધૂમ' ફિલ્મમાં બાઈક રેસિંગ જોઈને ગામેગામ અને શહેરોમાં બાઈકર્સ ગેન્ગ ધૂમ મચાવતી ફરે છે, છતાં 'શોલે'માં જોવા મળેલી લગભગ ૮૫ વર્ષ પહેલાંની મોટર સાયકલનું આકર્ષણ ઓછું થયું નથી. 

લગ્નમાં કન્યાપક્ષ તરફથી વરપક્ષને બકરો નહીં આપવાનોઃ શરાબબંધી

ગ્રામીણ વિસ્તારોમાં ખોટી શાન દેખાડવા માટે ધામધૂમથી અને ધૂમધડાકા સાથે લગ્નસમારંભો યોજવા પાછળ લાખો રૂપિયાનો ધુમાડો થતો હોય છે. આમાં કેટલાંય એવાં હોય છે જેની ત્રેવડ ન હોવા છતાં દેખાદેખીને કારણે ઊછીના પૈસા લઈને દેખાડો કરવો પડે છે. આ દૂષણનો એક ઝાટકે છેદ ઉડાડી દેવાનો ફેંસલો કર્યો છે ઉત્તરાખંડના જૌનસાર-બાવર ક્ષેત્રના ૨૫ ગામોના સમજદાર ગ્રામજનોએ ખરેખર આ આવકારદાયક નિર્ણય માટે તેમને સલામ કરવી પડે. આ ૨૫ ગામોમાં યોજાતા લગ્નોમાં શરાબ, ફાસ્ટ-ફૂડ અને મોંઘી ભેટ-સોગાદો પર  સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ અત્યાર સુધી લગ્ન વખતે કન્યાપક્ષ તરફથી વરપક્ષને બકરો ભેટ આપવામાં આવતો હતો, આ પ્રથા પણ બંધ કરવામાં આવી છે. માત્ર મામા તરફથી આટો, ચોખા અને બકરાની ભેટ અપાશે. દારૂબંધી સહિતના નિયમનો ભંગ કરશે તેને તત્કાળ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે સાદગીથી સોંઘા લગ્નો થશે. આ વિશે જાણીને એટલું જ કહેવું પડશે કેઃ

હવે સાવ સાદી થશે શાદી

અટકશે પૈસાની બરબાદી.

અવકાશમાંથી સીધું બેંગ્લોર પહોંચવું સહેલું છે

આસમાન સે ટપકા ઔર પૈડ પે લટકા... એ કહેવત ભારતીય અવકાશવીર શુભાંશુ શુકલા માટે  સાચી પડી હતી. થોડા મહિના પહેલાં એક્સિઓમ મિશન-૪ના ભાગરૂપે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈ આવેલા અવકાશયાત્રી અને ઈન્ડિયન એરફોર્સના ગુ્રપ કેપ્ટન શુભાંશું શુક્લા  તાજેતરમાં જ બેંગ્લોરના પ્રવાસ વખતે ખરેખરા ટ્રાફિકમાં ફસાયા હતા. એક લેકચર આપવા માટે ગયેલા અવકાશયા૬ીને કારમાં ૩૪ કિ.મી.નું અંતર કાપતા ત્રણ કલાકથી વધુ સમય  લાગ્યો હતો. ટ્રાફિકનો ત્રાસ વેઠી માંડ લેકચરના સ્થળે પહોંચેલા શુક્લાએ માઈક સામે આવીને હળવાશથી ટકોર કરી હતી કે અવકાશમાંથી સીધા બેંગ્લોર પહોંચવાનું સહેલું છે, પણ મરાઠાહલ્લીથી શિખરા સુધીનું ૩૪ કિ.મી.નું અંતર કાપવાનું અઘરૂં છે. કારણ કે આટલું અંતર કાપતા મને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો બોલો! કર્ણાટકના એક પ્રધાને આ ટકોરની નોંધ લઈને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે એ માટે ચોક્કસ પગલાં લેવામાં આવશે. આમ તો આ નેતાઓએ આપેલા ઠાલા વચન જ કહેવાય એ સહુ જાણે છે. કારણ કે બેંગ્લોરમાં ટ્રાફિની સમસ્યાના ઉકેલ માટે અગાઉ પણ વચનો અપાઈ ચૂક્યા  છે, પણ સમસ્યા યથાવત રહી છે. એટલે જ કહેવું પડે કેઃ

ટ્રાફિક નડે ત્યારે ધરો ધીર

બાકી ટ્રાફિકમાં તો અટવાય છે અવકાશવીર.

પંચ-વાણી

કેમ  છે કેમ છે

ભાષાના વિવાદો એમનેમ છે

પણ માતૃભાષા તરફ પ્રેમ છે

ત્યાં સુધી માહિભાષા હેમખેમ છે