For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંદરા અને કૂતરાના નામે કરોડોની જમીન

Updated: Nov 4th, 2022


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

આપણે રસ્તા પરથી  ટાંટિયાતોડ  કરતા જતા હોઈએ અને બાજુમાંથી  કોઈ ચમચમતી મોટર પસાર થાય જેમાં  આગલી સીટ  પર ડ્રાઈવરની બાજુમાં વટથી આલ્સેશિયન ડોગ બેઠો હોય એ જોઈને  મનમાં થાય કે  કૂતરો પણ કેવો  નસીબદાર છે? જો કે આ  તો કાંઈ નથી.  પાળેલા  શ્વાનને  ભાવતા ભોજન  આરોગવા મળે  અને મોટરમાં ફરવા મળે  એ તો જાણે  સમજ્યા.  પણ પંજાબના ખાનપુર  ગામમાં  તો રઝળતાં ને રખડતા કૂતરા કરોડો રૂપિયાની  જમીનના માલિક છે. પટિયાલા જિલ્લાના આ ગામે  કૂતરાને  નામે ૧૬૦ વિદ્યા જમીન દાન કરવામાં આવી છે. આ જમીનની ઉપજમાંથી લગભગ ૪૦૦ કૂતરાને શંકર મંદિરના ચોગાનમાં  સવાર સાંજ ભરપેટ રોટી ખવડાવવામાં આવે છે અને  રગડા જેવી  છાશ  પીવડાવામાં આવે છે.  એવું કહેવાય  છે કે  પટિયાળાના  સ્થાપક બાબા આલા ત્યાંના ધાર્મિક ડેરાના  ગાદીનશીન ભગવાનગીરી  મહારાજ આધ્યાત્મિક ઊંચાઈથી  પ્રભાવિત જોઈને  આ જમીન  દાન આપી હતી. પણ ભગવાનગીરીએ કહ્યું કે સાધુને જમીનનું શું કામ? એના કરતાં કૂતરાને નામે કરો તો મૂંગા જીવોનું  પેટ ભેરલું  રહે. આમ આ કૂતરાઓ કરોડોની જમીનના  માલિક બની મનોમન બોલતા હશે કે  કૂતા બના કરોડપતિ... આવી જ રીતે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં વાંદરાને નામે ૩૨ એકર જમીનનું દાન કરવામાં આવ્યું છે.  ઉપલા નામના ગામે  લોકો વાંદરાને લાકડી ફટકારી ભગાડતા નથી, બલ્કે  એમને પૂજે છે. લગભગ  ૧૦૦ વાંદરાની વાનરસેના  આ ગામમાં  બાદશાહી કરે છે. કોઈના પણ ઘરને  ઉંબરે જાય ત્યારે  તેને અચૂક ખાવાનું  પીરસવામાં આવે છે. લગ્ન-સહિતના શુભપ્રસંગે  સૌથી પહેલાં વાનરોને ભોજન આપવામાં આવે છે, શુભ પ્રસંગોએ તેમની  પૂજા પણ કરવામાં આવે છે. ગામના સરપંચ કહે છે કે જમીનના દસ્તાવેજમાં સ્પષ્ટ  શબ્દોમાં લખ્યું છે  કે ૩૨ એકર જમીન વાંદરાઓના નામે છે.  પણ ગામમાં  ચકરાવા લેતા ઓલરાઉન્ડર કપિ-દેવોને  કોણે જમીન દાનમાં  આપી એ  લખવામાં આવ્યું નથી.    એટલે બંદરોની ફોજ ગામમાં  બસ મોજ કરે છે. શ્વાન અને વાનરોની આ 'જમીનદારી' જોઈ કહેવું પડે છેઃ

બંદરોની ફોજ કરે મોજ

અને શ્વાન જીવે શાનથી

કેવાં ભાગ્યશાળી આ ચોપગા

બે પગા જેને ચાહે જાનથી.

બોલો હનુમાનજીને રેલવેએ આપી નોટિસ

એક જમાનામાં  જ્યારે રેલતંત્ર આજના  જેટલું વિકસ્યુ નહોતું અને બુલેટ ટ્રેનને બદલે લેટ ટ્રેન દોડતી ત્યારે  મુસાફરો કહેતા કે રેલવે તો ભગવાન ભરોસે ચાલે છે,  ક્યારે આવે  એ કહેવાય નહીં. જો કે અત્યારે સમય  પલ્ટાયો  છે. હવે  તો રેલવે તંત્ર ભગવાનનો પણ નોટિસ ફટકારે છે. આ કિસ્સો ઝારખંડના ધનબાદના જિલ્લાના એક ગામડાનો  છે.રેલવેની જમીન ઉપર ૧૯૩૧થી  હનુમાનદાદાનું મંદિર છે. 

ગામવાસીઓ રોજ પૂજા-અર્ચના માટે આવે છે. એટલે જ જ્યારે એક સવારે ભક્તજનો મંદિરે પહોંચ્યા ત્યારે દરવાજા પર રેલવેની નોટિસ ચોંટાડેલી હતી. નોટિસમાં લખ્યું હતું કે  'આપને રેલવે કી જમીન પર કબ્જા કર રખા હૈ, જલ્દ હી જમીન ખાલી કર દીજીએ.' ભક્તોનો રોષ ભભૂકી ઉઠયો કે કોઈ નહીં અને હનુમાનજીને નોટિસ આપવાની  જુર્રત રેલવેવાળા કરી જ કેમ શકે? મંદિર ખાલી કરવાની નોટિસ  આપવાની સાથે જ આજુબાજુમાં  છેલ્લાં અનેક દાયકાઓથી રહેતા લોકોને પણ રેલવેની જમીન પરનો કબજો છોડવાની નોટિસ આપવામાં આવી છે. ટૂંકમાં ભગવાનની  સાથે ભક્તોને પણ જગ્યા ખાલી  કરવાની નોટિસ  મળતા રો, ભભૂકી ઉઠયો હતા ેબાકી તો આખા દેશમાં રેલવેની જમીન પર કેટલી હદે અતિક્રમણ થયું છે? દિલ્હી સ્ટેશન પર પણ ધર્મસ્થાન જોવા મળેછે, મુંબઈમાં  જો ઝૂંપડપટ્ટીઓ બંધાઈ ગઈ છે.  કોઈક સ્ટેશનો આસપાસ રેલવેની જમીનપર હારબંધ   અનધિકૃત દુકાનો ધમધમે છે. ત્યારે  ભક્તો કહે ે છે કે રેલવેને મોટા પાયે  થતું  અતિક્રમણ નથી દેખાતું અને હનુમાનજીનું મંદિર કેમ નડે છે.

કચરાની કમાણી ઈન્દોરમાં સમાણી

મ્હારી ગલીમાં આવજો સુરતવાલ... દાયકાઓ જૂની 'નમૂના' ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલું આ ગીત કેટલાને યાદ હશે? આજે આ ગીત યાદ કરવાનું કારણ એક જ છે કે  લતા મંગેશકરના માતા સુરતી લાડ જ્ઞાાતિના હતા એવું ક્યાંક વાંચ્યું હતું. અને   લતાજીનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં  થયો હતો. આમ એક જ કડી સાથે માતા-પુત્રીનો સંબંધ અનાયાસ જોડાયો છેને? હવે વાત લતાજીના જન્મસ્થાન ઈન્દોરની સ્વચ્છતાની કરવાની છે. ઈન્દોરને છઠ્ઠી વખત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે માન્યતા  મળી છે. આપણને જાણીને આશ્ચર્ય થાય પણ ઈન્દોર શહેર કચરામાંથી કરોડોની  કમાણી કરે  છે. આ શહેરમાં  દરરોજ ૧૯૦૦ ટન સૂકો અને ભીનો કચરો ભેગો કરવામાં આવે છે. ૮૫૦ કચરાગાડી ઘરે ઘરે જઈને કચરો ભેગો કરી તેનું છ ભાગમાં વર્ગીકરણ કરે છે. આ કચરાનું પ્રોસેસિંગ કરીને ગયા વર્ષે ઈન્દોર મહાપાલિકાએ ૧૪.૫ કરોડ રૂપિયાની કમાણી  કરી હતી. આમાંથી ૮.૫ કરોડ ઈન્ટરનેશનલ માર્કેટમાં કાર્બન ક્રેડિટ વેંચવામાંથી મળ્યા હતા. આ વર્ષે ૨૦ કરોડ રૂપિયાની કમાણી થશે એનો અંદાજ છે. કચરામાંથી નીકળતા ગેસમાંથી ૧૫૦ સિટી  બસને ઈંધણ મળે  છે. આ ગેસ સીએનજીથી પાંચ રૂપિયા સસ્તો  છે. આમ છણ છણ છીંકું આવે એવાં ચોખ્ખા ચણાક ઈન્દોર શહેરવાળા લતાજીને યાદ કરી એમના જ ગીતનું  મુખડું ફેરવીને  ગાઈ શકે  છેઃ મ્હારી ગલીમાં આવજો ઈન્દોરવાલા... કારણ દરેકેદરેક ગલી એવી ચોખ્ખી છે. બીજી મહાપાલિકાઓ કચરાના નિકાલ પાછળ કરોડો રૂપિયાનો કચરો કરે છે જ્યારે ઈન્દોર નગર નિગમ કચરામાંથી કરોડો રૂપિયા કમાય છે. આ જોઈને મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી એ ગીતને ફેરવીને ગાઈ શકાયઃ

આવી ચોખ્ખાઈ બીજે

ક્યાંય ન જોઈ કે જાણી

કચરાની કમાણી

ઈન્દોરમાં સમાણી.

હાથી ખાય ગોલગપ્પા

તીખ્ખા તમતમતા ફુદીનાના પાણી અને આમલીના ખટમીઠ્ઠા પાણીવાળી પાણીપુરીનું  નામ કાને  પડતાની સાથે જ મોઢામાંથી  પાણી છૂટવા માંડે.  પાણીપુરીની આઈટમ  માત્ર દેશમાં જ નહીં વિદેશમાં  પણ મશહૂર બની ગઈ  છે  એટલું જ નહીં  માત્ર બે-પગા જ નહીં ચોપગા પણ પાણીપુરી ટરકાવા ને ચટકાવા માંડયા છે. 

હાથીને પાણીમાં નહાતા સહુએ  જોયો જ હશે. પણ સૂંઢધારી હાથીને પાણી-પુરી  ખાતો જોયો નહીં  હોય. આવા પાણીપુરીના શોખીન હાથીરાજાનો વીડિયો તાજેતરમાં  જ ખરો વાઈરલ થયો, જે  જોઈને સહુ તાજુબ્બ થઈ ગયા.  આસામમાં હાથીઓની આબાદી  વધુ  છે. આસામના જ તેજપુર શહેરમાં પાણીપુરીના  ઠેલા પર સૂંઢ ઝુલાવતો હાથી પહોંચી  ગયો, એટલે પાણીપુરીવાળાએ  એક પછી એક ટેસ્ટી  પાણીપુરી આપવા માંડી. હાથી એક પછી એક ખાવા માંડયો, આ  જોઈને આસપાસના લોકોને તો ભારે મોજ પડી ગઈ.  ગણતરીની મિનિટોમાં હાથી થાળ સાફ કરી ગયો.  પાણીપુરીને દરેક પ્રાંતમાં  જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. દિલ્હી બાજુ  ગોલગપ્પા કહે છે,  અમદાવાદ બાજુ પકોડી તો કલકત્તામાં પુચકા કહે છે. એટલે હાથીને ગોલગપ્પા ખાતો જોઈને કહેવું પડે કેઃ

ભાષણબાજો ભાષણમાં 

મારે ગપ્પા

એનાંથી સારા હાથી જે

ચૂપચાપ ખાય ગોલગપ્પા.

દિલ કા 'સિગ્નલ'

કરે પુકાર

ફાસ્ટફૂડ, ચરબીવાળો ખોરાક, બહારનો  કચરો  અકરાંતિયાની  જેમ ઝાપટતાં હોય તેને ડોકટર સિગ્નલ આપે  છે કે  આ બધું ખાવાનું બંધ  નહીં કરો તો હૃદયરોગનો ભોગ  બનવામાં  વાર નહીં લાગે.  પણ આવાં ડોકટરોના સિગ્નલને કોણ ગણકારે છે? સિગ્નલ તોડીને બે હાથે ખાવાવાળા જોવા મળે જ છેને? કદાચ એટલે જ ડોકટરોના સિગ્નલને  ન ગણકારતા હોય એનાં લોકો  પોતાના હાર્ટની  કાળજી લેવા માટે સતત  સજાગ  રહે માટે  બેંગ્લોરમાં  અનેક જગ્યાએ ટ્રાફિક સિગ્નલમાં હાર્ટના આકારની લાલબત્તી ગોઠવવામાં આવી છે. બેંગલોર મ્યુનિસિપાલિટી અને ટ્રાફિક પોલીસે મળીને  હૃદયના સ્વાસ્થ્ય તરફ લોકો સજાગ  રહે  માટે હાર્ટ-શોપની રેડ-લાઈટ  લગાડવામાં આવી છે. આ સિગ્નલ તોડશે  એણેપછી ગાવાનો વારો આવશેઃ શીશા હો યા દિલ હો આખીર તૂટ જાતા હૈ... બાકી સંકેત સમજીને જે દિલનો ખ્યાલ રાખશે એ પછી દિલથી ગાઈ શકશેઃ તુમકો મેરે દિલને પુકારા હૈ બડે નાઝ સે... હાર્ટના આકારના સિગ્નલનો નુસ્ખો જોઈને કહેવું પડેઃ

હાર્ટઅટેકમાં ન જવું

હોય પતી

એ યાદ રાખે

સિગ્નલની લાલબત્તી

પંચ-વાણી

યુદ્ધના મેદાનમાં રણ-યોદ્ધા

સંસારના મેદાનમાં પરણ-યોદ્ધા.

Gujarat