Get The App

ચાચી કી ગાલીવાલી કચૌડી અબ કહાં ખાયેંગે?

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
ચાચી કી ગાલીવાલી કચૌડી અબ કહાં ખાયેંગે? 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

થોડી મીઠી ગાલી ખા-લી ઔર સાથ મજેદાર કચોરી (કચૌડી) ખા-લી...  આ વાક્ય અનેક રસ સે બના બના-રસમાં અચૂક સાંભળવા મળતું હતું. લગભગ સો વર્ષ પહેલાં એક મહિલાએ કચોરીની હાટડી શરૂ કરી હતી. હિંગ ભેળવેલી દાળવાળી કચોરી તેલમાં તળીને સ્વાદરસિયાઓને દોણામાં પીરસતી જાય અને પ્રેમથી એક એકથી ચડિયાતી ગાળો સોફાવતી જાય. સ્વાદશોખીનો કચોરીનો ટેસ્ટ પણ માણે અને ગાળાખ્યાનની મજા પણ માણે. મહિલાની ઉંમર વધતી ગઈ એમ નામના પણ વધતી ગઈ. દેશ- વિદેશથી બનારસ આવતા યાત્રીઓ અને પર્યટકો 'ચાચી કી કચૌડી ઔર ગાલી'ની મજા લેવાનું ચૂકે નહીં. કચોરીની સાથે સીતાફળ નાખેલું શાખ અને મટકા જલેબી બીજે ક્યાંય ન મળે. દાયકાઓ વિત્યા  બાદ ચાચીની ગેરહાજરીમાં એમના વંશજોએ કચોરી, સીતાફળવાળુ શાક અને મટકા જલેબી વેંચવાનું ચાલુ જ રાખેલું, જોકે ચાચીના મુખેથી પ્રેમપૂર્વક મશીનગનની જેમ વછૂટતી ગાળોની ખોટ સાલતી હતી. હવે તો કચોરીની આ દુકાનનું અસ્તિત્વ જ મટી ગયું. કારણ કે પી.ડબલ્યુ.ડી.એ લંકા વિસ્તારમાં રસ્તા પહોળા કરવા માટે જૂની દુકાનો પાડી નાખી એમાં કચોરીની આ દુકાન તેમજ એટલી જ ફેમસ પહેલવાનની લસ્સીની દુકાનનો પણ ખાતમો બોલી ગયો. યોગી આદિત્યનાથ સહિત ટોચના નેતાઓ પણ વારાણસી આવે ત્યારે આઠે કોઠે ટાઢક પહોંચાડે એવી પહેલવાનની લસ્સી પીવાનું ચૂકતા નહીં. હવે આ બંને દુકાનો નામશેષ થઈ ગઈ એ જોઈને કહેવું પડે કેઃ

અબ જબ બનારસ જાયેંગે

તો ચાચી કી ગાલીવાલી કચૌડી કહાં ખાયેંગે?

આખું ગામ કરશે નેત્રદાન

એક મૃત વ્યક્તિના ચક્ષુદાનમાંથી જોઈ ન શકતી બે વ્યક્તિને દ્રષ્ટિ મળે છે. મૃત વ્યક્તિનો નશ્વરદેહ પંચમહાભૂતમાં મળી જાય છે, પણ જો તેણે નેત્રદાન કર્યું હોય તો બીજાની આંખોમાં દ્રષ્ટિરૂપે જીવંત રહેશે. આમ છતાં વસમી વાસ્તવિકતા એ છે કે ચક્ષુદાનનું પ્રમાણ ઓછું હોવાથી આઈ-બેન્કોને પૂરતા પ્રમાણમાં આંખો નથી મળતી. આ પરિસ્થિતિ પલ્ટાય  એ માટે પહેલ કરી છે. તેલંગણા રાજ્યમાં હનુમકોંડા જિલ્લાના ખોબા જેવડા મુચરેલા ગામડાના ગ્રામજનોએ ૫૦૦ની વસતી ધરાવતા આખા ગામડાના લોકોએ મૃત્યુ પછી ચક્ષુદાનની પ્રતિજ્ઞાા લીધી છે. સિંચાઈ વિભાગમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા મંડલા રવિન્દ્રએ દેશમાં ચક્ષુદાન અને અવયવદાનનું  પ્રમાણ ખૂબ જ ઓછું છે એ જાણીને પોતાના ઘરથી જ શુભ શરૂઆત કરવાનો નિર્ધાર કર્યો. થોડા વર્ષ પહેલાં પિતાનું મૃત્યુ થયું ત્યારે તેમની આંખોનું દાન કર્યું. ત્યારબાદ માતાની આંખોના દાનના પ્રતિજ્ઞાાપત્ર પર સહી કરી. પછી તો આખા ફેમિલીએ ચક્ષુદાનની પ્રતિજ્ઞાા લીધી અને ધીમે ધીમે બધા ગ્રામજનોએ સંકલ્પ કર્યો કે અમારા મૃત્યુ પછી ચક્ષુદાન કરવામાં આવે. તાજેતરમાં જ તેલંગણાના ગવર્નર તરફથી આ ગામડાને ચક્ષુદાનની દિશામાં ઉલ્લેખનીય પહેલ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હવે તો ચક્ષુદાનનો મેસેજ આસપાસના ગામડાઓમાં પણ ફરી વળ્યો છે અને લોકો ચક્ષુદાનની પ્રતિજ્ઞાા કરવા પ્રેરાયા છે. આ જોઈને કહેવું પડે કેઃ

માન ન માન પણ કામ છે મહાન

ચક્ષુદાન શ્રેષ્ઠદાન અવયવદાન શ્રેષ્ઠદાન

ધણીએ ખરેખર ધણિયાણીનું નાક કાપ્યું

આજકાલ છાશવારે જીવનસાથીની બેવફાઈના કિસ્સા છાપરે ચડીને જ નહીં પણ છાપે ચડીને પોકારે છે. પત્ની લગ્ન પછી પણ પોતાના પ્રેમી સાથે ઈલુ ઈલુ ચાલુ રાખે ત્યારે ઓળખીતા ટોણા મારતા હોય છે કે આ બાઈએ તો નાક કપાવ્યું. ઉત્તર પ્રદેશના હરદોઈ ગામે બનેલી એક ઘટનામાં પતિ સાથે ઝઘડીને પ્રેમીના ઘરે પ્રયાણ કરનારી પત્નીનું નાક સાચે જ તેનાં ધણીએ કરડી ખાધું હતું અને નાકનું ટીચવું કાપીને હાથમાં આપી દીધું હતું. એમાં એવું થયું કે પત્નીનું છેલ્લાં દસ મહિનાથી એક યુવક સાથે લફરું ચાલતું હતું. ચોરી ચોરી ચૂપકે ચૂપકે પ્રેમીને મળવા જતી. થોડા દિવસ પહેલાં પતિ સાથે જોરદાર ઝઘડો થયા પછી બેવફા પત્ની પોતાના પ્રેમીના ઘરે ચાલી ગઈ હતી. ઘૂંઘવાયેલો ધણી પણ પાછળ પાછળ પહોંચી ગયો હતો અને બધાની હાજરીમાં પત્નીનું નાક કરડી ખાધું હતું અને તેને લોહીલુહાણ કરી નાખી હતી. પોલીસે કરડકણા પતિને તો તરત પકડી લીધો હતો અને નકટી પત્નીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ધણી- ધણીયાણી વચ્ચે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય ત્યારે શું શું થાય છે તેના કિસ્સા છાશવારે છાપે ચડતા હોય છે, છતાં કોઈ આમાંથી ધડો લઈને સુધરવાને બદલે કે જીવન સુધારવાને બદલે લફરાબાજી ચાલુ જ રાખે છે. કહે છે ને કે પહેલાં નેક-ટાઈની ફેશન હતી અને હવે નક- ટાઈની ફેશન છે.

ગૃહિણીને ઝાડ સાથે બાંધીને કર્યો જુલમ

કરે કોઈ ભરે કોઈ. પાડાના વાંકે પખાલીને ડામ. આવી કહેવત યાદ અપાવે એવો ધુ્રજારીપૂર્ણ કિસ્સો આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાના એક ગામમાં બન્યો હતો. એક મહિલાના પતિએ ગામના શાહુકાર પાસેથી ૮૦ હજાર રૂપિયા ઊધાર લીધા હતા. કરજ ચૂકવી શકવાની ત્રેવડ નહોતી એટલે ધણી પોતાની વહુ અને છોકરાને લઈ ગામ છોડી પરગામ ચાલ્યો ગયો હતો. એકવાર શાહુકારને ખબર પડી કે ઉધાર પૈસા લઈ ગામ છોડી ગયેલા શખસની પત્ની દીકરાનું રિઝલ્ટ લેવા માટે ગામની સ્કૂલમાં આવી છે. આ ખબર પડતાની સાથે જ જાલીમ શાહુકાર સ્કૂલ પાસે પહોંચી ગયો હતો અને મહિલાને ઘસડીને એક ઝાડ સાથે મુશ્કેટાટ બાંધી દીધી હતી. ત્યાર પછી ઢોર માર મારીને અધમૂવી કરી નાખી હતી. આવી તાલીબાની સજાનો ખેલ ગામડાના લોકો ચૂપચાપ જોતા રહ્યા હતા. બોલો! આ જોઈને કહેવું પડે કે

ધણી લે પૈસા ઉધાર

ધણિયાણી ખમે ઢોર માર

જનતા ચૂપચાપ જોવો ખેલ

એમાં જ માઝા મૂકે શાહુકાર

વાંચતા કિશોરનું સ્ટેચ્યૂ જોવાની મોબાઈલ ઘેલાઓને ફૂરસદ નથી

મોબાઈલના આક્રમણ સાથે જાણે લોકો પુસ્તકો વાંચવાનું ભૂલી ગયા છે. પુસ્તકાલયો ખાલી પડયા છે. વાંચનાલયોમાં પુસ્તકો પર ધૂળ જામી જાય છે. અમૂલ્ય અને અલભ્ય ગ્રંથો મુંબઈની ફૂટપાથો પર જૂના પુસ્તકના વિક્રેતાઓ સસ્તામાં વેંચી નાખે છે. લોકો મોબાઈલના ગુલામ બની ગયા છે. મોબાઈલ હાથમાં પકડી બંને અંગુઠાથી મેસેજ ટાઈપ કરવામાંથી ઉંચી ન આવતી આ ભણેલ ગણેલ અંગુઠાછાપ જમાત અને હરતા ફરતાં, પાણીમાં તરતાં કે આકાશમાં ઉડતા મોબાઈલ ફોનમાં જ આંખો ચોંટાડી રાખતા આ સેલઘેલાઓ પુસ્તકો વાંચવાનું જ ભૂલી ગયા છે. આ ફોનના બંધાણીઓએ ફોનમાંથી માથું ઊંચું કરી દક્ષિણ મુંબઈમાં આવેલી વિખ્યાત એશિયાટીક લાયબ્રેરી પાસેના એક સ્ટેચ્યૂ પર નજર કરવી જોઈએ. ત્રણ સ્તરના ફૂબારાની ઉપર એકદમ એકાગ્રતાથી પુસ્તક વાંચતા કિશોરનં સુંદર સ્ટેચ્યૂ છે. મુંબઈના વિકાસમાં સિંહફાળો આપનારા કચ્છી ભાટિયા પરિવારનો આ સ્ટેચ્યૂ સાથે સંબંધ છે. કચ્છી ભાટિયા સમાજના કોટનના મોટા વેપારી અને દાનવીર રતનશી મુળજીના એકના એક પુત્ર ધરમશીને વાંચનનો અનહદ શોખ હતો. આ કિશોર ભણવા માટે વિલાયત જવા માગતો હતો. કમભાગ્યે ૧૮૮૯માં પ્લેગની બીમારીએ આ કિશોરનો ભોગ લીધો. એટલે રતનશી મુળજીએ દિવંગત પુત્રની સ્મૃતિમાં ફૂવારાની ઉપર વાંચન કરતા કિશોરનું સુંદર સ્ટેચ્યૂ ગોઠવ્યું હતું, જેથી લોકોને વાંચવાની પ્રેરણા મળે. અફસોસ કે આજે કોઈને મોબાઈલમાંથી માથું ઉંચુ કરી આ મૂર્તિ સાથે જોવાની ક્યાં ફૂરસદ છે?

પંચ- વાણી

ઓપરેશન સિંદૂર અને આયુર્વેદિક ઉપચાર એટલે ઓપરેશન-સે-દૂર.

Tags :