Updated: Mar 3rd, 2023
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
કોઈ મરાઠીભાષીને સુંદર કોલ્હાપુરી ચપ્પલ દેખાડીને પૂછીએ કે કેવાં છે? તો તરત કહેશે 'છાન આહે' એટલે કે સુંદર છે... પરંતુ છાણમાંથી છાન કોલ્હાપુરી ચપ્પલ બનાવવામાં આવે એ જોઈને કેવું આશ્ચર્ય થાય! આજે દેશ અને દુનિયામાં કોલ્હાપુરી ચપ્પલની બોલબાલા છે. જાતજાતની ડિઝાઈન અને રંગનાં ચપ્પલોથી કોલ્હાપુરી બજાર ફાટફાટ થતું હોય છે. પરંતુ ચામડાનાં ચપ્પલ કે બૂટ પહેરવાથી ઘણાને પગના પંજામાં દુઃખાવો કે બીજી તકલીફ થતી હોય છે. આ વાત ધ્યાનમાં લઈ કોલ્હાપુરના કિરમ માળીએ ગાયના છાણમાંથી આરોગ્યવર્ધક કોલ્હાપુરી ચપ્પલ બનાવવાની શરૂઆત કરી છે. આમ તો ગાયના છાણમાંથી અને ગોમૂત્રમાંથી ગોમય પાદુકા તેઓ છેલ્લાં બે વર્ષથી બનાવે છે, પરંતુ હવે કોલ્હાપુરી ચપ્પલની ડિઝાઈન સાથેના આ પગરખાંએ સારું આકર્ષણ જમાવ્યું છે. ગોમય પાદુકા-ચપ્પલ બનાવવા માટે દેશી ગાયનું છાણ, લાકડાંનું ભૂસું અને લાકડાનો માવો વાપરવામાં આવે છે. ત્યાર પછી જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર કરી તેેને મજબૂત બનાવવામાં આવે છે. ગાયના છાણ અને ગોમૂત્રનો ઉપયોગ કરી અત્યારે પગરખાં ઉપરાંત ઘણા વેદિક રંગ, ગોક્રિટ (બાંધકામમાં વપરાતી ઈંટ), ધૂપ, અગરબત્તી અને વોલપીસ સહિત અનેક જાતની ચીજો બનાવે છે. એવો દાવો કરવામાં આવે છે કે ગોમય પાદુકા પહેરવાથી પગના હાડકાનો દુઃખાવો નથી થતો અને બીજા પણ લાભ થાય છે. રસ્તા પર પોદળો પડેલો જોઈ કોઈ શહેરી ચોખલીયા છાણને ઘાણ કહેશે. એનેે કોણ સમજાવે કે છાણ એ કાંઈ ઘાણ નથી, એ તો ખાતર છે અને કંઈક તકલીફોનો ઈલાજ રામબાણ છે.
તેર વર્ષની ઉંમરે વર્ષે લગભગ 18 લાખ પગારઃ કામ ચોરીનું
તેર વર્ષની ઉંમર ભણવા-ગણવાની અને બાળગોઠિયાઓ સાથે રમવા-ભમવાની ગણાય, પરંતુ તેર વર્ષનો ટેણિયો વર્ષે લગભગ ૧૮ લાખનું મહેનતાણું મેળવતો હોય એ જાણીને ખરેખર આશ્ચર્યચકિત થઈ જવાય. આ તેર વર્ષનો ટેણિયો તાજેતરમાં જ રાજસ્થાનના બુંદીમાં ઝડપાયો ત્યારે ખબર પડી કે મોટાં મોટાં લગ્ન-સમારંભોમાં ઠાઠથી જઈ તે લાગ જોઈ દરદાગીના તફડાવી પલાયન થઈ જતો હતો. બુંદાના લગ્ન-સમારંભમાં ૧૭ લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગની ચોરી કરી સરકી જવાની વેતરણમાં હતો ત્યારે જ સતર્ક જાનૈયાઓએ તેને ઝડપી લીધો હતો ત્યારે ખબર પડી કે આ ટેણિયો ચોર તોે એક ચોર-ટોળી માટે કામ કરતો હતો. મધ્યપ્રદેશમાં રહેતાં મા-બાપે બેટાને શિક્ષણ કે સંસ્કાર આપવાને બદલે નાની ઉંમરથી જ કમાવા માંડે માટે ત્રણેક વર્ષ પહેલાં ચોર ટોળીને સોંપી દીધો હતો. પરાણે વહાલો લાગે એવો રૂપાળો ચહેરો, લગ્ન-પ્રસંગે માલેતુજારોના સંતાનો પહેરતાં હોય એવાં મોંઘાં વસ્ત્રો પહેરી ચમચમતી મોટરકારમાં બાળચોર ઠાઠથી ફાઈવસ્ટાર હોટલો કે મોટાં મેદાનોમાં લગ્ન-સમારંભો યોજાયા હોય ત્યાં પહોંચી જતો ચબરાક નજરે સ્ટેજની આસપાસ વર-કન્યાના સગાવ્હાલાંની જોખમ સાથેની બેગ ક્યાં પડી હશે તેની તપાસ કરી લેતો હતો. ત્યાર બાદ ભીડ અને ધામધૂમનો લાભ લઈ દાગીના કે રોકડ ભરેલી બેગ લઈ ટેસથી નીકળી જતો હતો. કોઈને ડાઉટ ન જાય એ માટે તેની સાથે બે જોડીદાર પણ રહેતા. બહાર નીકળી મોટરમાં પૂરઝડપે દૂર દૂરના ગામે પહોંચી જતા. કોઈ હોટેલમાં આ 'બાળ-કલાકારો' નહોતા ઉતરતા. મોટરમાં જ સૂઈ જતા અને પબ્લિક ટોઈલેટ કે બાથરૂમમાં નાહીને તૈયાર થઈ નવી જગ્યાએ હાથ-ચાલાકી અજમાવવા પહોંચી જતા. એકનો એક ડ્રેસ બીજા લગ્ન સમારંભમાં નહોતો પહેરતો, જેથી સીસીટીવી કેમેરાથી બચી શકાય. તેની આ કરામતના મહેનતાણા રૂપે ગેંગ તરફથી વર્ષે દહાડે ૧૮ લાખ રૂપિયા ચૂકવવામાં આવતાં એવું કહેવાય છે. ચોરી કરવા કાયમ પ્રવાસમાં રહેતો આ ટીનેજર સમય મળે ત્યારે મા-બાપને ઊભાઊભ મળી આવતો. આમ તેણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં લાખોની માલમત્તાની ચોરી કરી હોવાની શંકા છે. જો કે રાજસ્થાનના બુંદી ખાતે આ તેર વર્ષના ચોરની ચાલાકી કામ નહોતી આવી અને તે ઝડપાઈ ગયો હતો. આ જોઈને કહેવું પડે કે-
સંસ્કારની રાખી
પાટી કોરી,
સંતાનને શીખવી
બસ ચોરી,
એમાં જ બદનામી
તરફ ગયું બાળપણ દોરી.
દુર્ગમ જંગલમાં ડ્રોનથી પહોંચાડયું પેન્શન
સામાન્ય રીતે નિવૃત્તિ વેતન મેળવવા માટે વયોવૃદ્ધો કે વિકલાંગોએ સરકારી કચેરીઓમાં કેટલા ધક્કા ખાવા પડે છે? એમાંય ગામડાઓની પરિસ્થિતિ વધુ વિકટ છે. ગામડેથી ઠેઠ જિલ્લા મથકે પહોંચવું પડે છે. ઓડિશાના ઘનઘોર જંગલ વચ્ચે નૌપાડા જિલ્લાના ગામડે વસતા હેતારામ સતનામી નામના વિકલાંગને રાજ્ય સરકાર તરફથી પેન્શન લેવા પગ વિના બે કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરવો પડતો હતો, પરંતુ તાજેતરમાં તે પેન્શન લેવા માટે પ્રવાસ આદરે એ પહેલાં ડ્રોન દ્વારા તેને પેન્શનની રકમ ઘરે પહોંચાડવામાં આવતા તેની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. એમાં એવું થયું કે ભાલેશ્વર પંચાયત ક્ષેત્રના પુરકપાડા ગામનો રહેવાસી હેતારામ સતનામી જન્મથી જ ચાલી નથી શકતો એવી સરપંચ સરોજ અગ્રવાલને ખબર પડી. ત્યાર પછી સૌથી પહેલં કામ હેતારામનું નામ નિવૃત્તિવેતન યોજનામાં નોંધાવ્યું, પણ હેતરામ જંગલના રસ્તે કેવી રીતે પેન્શન લેવા જાય? એ પ્રશ્ન ઊભો થતાં સરપંચે ડ્રોન ઓનલાઈન ખરીદ્યું અને પછી ડ્રોન મારફત રકમ હેતારામના ઘરને ઉંબરે પહોંચાડી. ડ્રોનનો દુરૂપયોગ બોમ્બ ફેંકવા માટે થાય ત્યારે ખાનાખરાબી સર્જાય છે, પણ સદુપયોગ થાય તો કેટલી રાહત પહોંચાડી શકાય? એટલે જ આ ડ્રોનલીલા જોઈને કહેવું પડે કે-
કોઈ ડ્રોન આપે ટેન્શન
કોઈ ડ્રોન આપે પેન્શન.
વાનરમાંથી નર
નરમાંથી વાનર
ડાર્વિનદાદાની ઉત્ક્રાંતિવાદની થિયરી મુજબ વાનરમાંથી કાળક્રમે નર બન્યા છે, પણ એકવીસમી સદીમાં પેટિયું રળવા માટે નરમાંથી ફરી વાનર બનવાની નોબત આવી છે.
મુંબઈમાં થોડા વખત પહેલાં જ યોજાઈ ગયેલા રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવમાં વાનરનો વેશ ધારણ કરી દાંતિયા કરતા, પૂંછડી ઉલાળી અને આમથી તેમ ઠેકડા મારતા 'નર-વાનર' જોવા મળ્યા હતા. નરના આ વાનરવેડા જોઈ રાજી થતાં બાળકો તાલીઓ પાડી ચિચિયારી પાડતાં હતાં અને લોકો 'વાનર' સાથે સેલ્ફી ખેંચાવી થોડા પૈસા આપી તેને રાજી કરતા હતા. નર-વાનરનું એક સુખ ખરૃં કે પૈસા અથવા મોબાઈલ હાથમાંથી ઝૂંટવી ન લે. જ્યારે મથુરા માથે લેનારા સાચા વાનરો તો લોકોના હાથમાંથી મોબાઈલ, પર્સ, ચશ્માં બધું જ ઝૂંટવી જાય છે.'શોલે'ની બસંતી હેમામાલિનીના આ સંસદીય ક્ષેત્રના વાંદરાનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે બંદરોની બેફામ રીતે વધતી આબાદી અંકુશમાં લેવા એમની નસબંધી કરવામાં આવશે. આગ્રા અને મથુરાના વાંદરાને ફોરેસ્ટ ખાતાવાળા પકડી પકડી જંગલમાં મૂકી આવે છે છતાં બીજે દિવસે બધા જ સાભાર પરત થાય છે. વાનર અને નર, નર અને વાનરના ખેલ જોઈ વિચાર આવે કે માનવની દુનિયામાં ખોટા નડે છે અને સાચા પડે છે. જ્યારે વાનરોની આલમમાં સાચા નડે છે અને ખોટા સહુને રાજી કરે છે. બાકી તો માણસ હોેય તો કાને ધરે મન-કી-બાત પણ વાનરો ક્યાંથી કાને ઘરે મન્કી-બાત?
પંચ-વાણી
મોબાઈલ જીવન સંદેશઃ
દુઃખને ડિલીટ કરો
સુખને સેવ કરો
ફનને ફોરવર્ડ કરો.