For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રંગીલો રાજસ્થાન જયાં ગર્દભો પણ પામે માનપાન

Updated: Feb 2nd, 2023


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

લુચ્ચા કરે લહેર અને કામઢાની કનડગત... એ કહેવત તમારી આસપાસ નજર કરશો તો સાચી છે એવી ખાતરી થશે. માનવજાતમાં જ નહીં પ્રાણીજગતમાં પણ લુચ્ચા શિયાળ લહેર કરે છે અને ચૂપચાપ ભાર વેંઢારતા ગધેડાને ડફણાં જ સહન કરવા પડે છે ને ેગર્દભને મૂર્ખ ગણી ઠેકડી ઉડાડવામાં આવે છે. આમ છતાં ભારવહન કરી શરીર તોડી નાખતા ગધેડા જેવાં ઉપયોગી અને આજીવિકા રળી આપતાં પ્રાણીની સાવ ઉપેક્ષા કરવામાં આવે છે અને મજાકનો વિષય બનાવવામાં આવે છે. આ વાસ્તવિક્તા વચ્ચે માત્ર રાજસ્થાનમાં ગર્દભની  પૂજા થાય છે એ સાંભળીને ખરેખર આશ્ચર્ય થાય. 

રાજસ્થાનમાં વર્ષમાં એક વાર શીતલાષ્ટમની દિવસે ગર્દભની વિધિવત્ પૂજા થાય છે. કારણ, ગર્દભ એ શીતળા માતાનું વાહન ગણાય છે. શીતળા માતાના મંદિરમાં ગર્દભ પર આરૂઢ દેવીનાં દર્શન થાય છે. હોળી પછી આવતા શીતલાષ્ટમીના લોકપર્વ વખતે ખાસ કરીને બિકાનેરમાં  ગધેડાને શણગારવામાં આવે છે અને તેની પૂજા થાય છે.માતાજીના ભક્તો તરફથી જ્યારેમાનતા પૂરી થાય ત્યારે કાપડમાંથી બનાવેલા ટચુકડા ગધેડા મંદિરમાં ચડાવવામાં આવે છે. આમ તોગધેડા સહિત કોઈ પણ પ્રાણી માત્ર પર અત્યાચાર ગુજારવાને બદલે શાંતિથી જીવવા દો તો તે પૂજા જ છેને? રંગીલા રાજસ્થાનમાં આ  ગર્દભપૂજનની હકીકત જાણી કહેવું પડે કે-

રંગીલા રાજસ્થાનની

આ છે શાન,

ગર્દભો પણ પામે

છે માનપાન.

ભયાનક મંદિર જેમાં પગ મૂકતા ભક્તો ગભરાય

મંદિરોમાં ભક્તજનો  અને શ્રદ્ધાળુઓની ભગવાનના દર્શન માટે ભીડ જામતી  હોય છે, પણ એક મંદિર એવું  ભયાનક છે કે એમાં પગ મૂકતાં  ભક્તો ગભરાય છે અને બહારથી જ હાથ જોડી ચાલ્યા જાય છે. હિમાચલ પ્રદેશના ચંબામા યમરાજાનું  એક મંદિર આવેલું છે જેની અંદર જતા લોકો ડરે છે. બહારથી તો યમરાજાનું  આ મંદિર ઘર જેવું લાગે છે. પરાપૂર્વથી એવી માન્યતા છે યમરાજા આ મંદિરમાં  નિવાસ કરે છે. એક ખાલી ઓરડો ચિત્રગુપ્તના ખંડ તરીકે  ઓળખાય છે.  સ્થાનિક લોકો માને છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એટલે યમરાજાના દૂતો તેના આત્માને  આ જગ્યાએ   લઈ આવે છે.  પછી ચિત્રગુપ્ત પાપ-પુણ્યનો  ચોપડો તપાસી  વ્યક્તિને  સ્વર્ગમાં મોકલવી કે નરકમાં તેનો ફેંસલો કરે છે. મંદિરમાં  ચાર અદ્રશ્ય દ્વાર  છે. સોના, ચાંદી, તાંબા અને લોઢાના દ્વાર વિશે એવું મનાય છે કે સ્વર્ગ કે નરકમાં મૃતકનાં કર્મો અનુસાર એને આ ચાર દ્વારમાંથી લઈ જવામાં આવે છે. ગરુડ પુરાણમાં પણ યમરાજાના દરબારમાં ચાર દ્વારનો ઉલ્લેખ છે. અકાળે મૃત્યુ પામેલી વ્યક્તિનું આ મંદિરમાં પિંડદાન  કરવામાં આવે  છે. જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે છતાં યમરાજાના મંદિરથી ભય પામતા લોકોને જોઈને કહેવું પડે કે-

મંદિરોમાં જઈ ભક્તો

પાવન થાય દર્શનથી,

પણ યમના મંદિરે જઈ

દૂરથી હાથ જોડી 

સંતોષ માને દૂર-દર્શનથી.

ધૂમ મચાવે નાટૂ...નાટૂ, પોલીસ કહે નો-ટું...નો-ટું 

'આરઆરઆર' ફિલ્મના 'નાટૂ... નાટૂ...' ગીતે દુનિયાભરમાં  ધૂમ મચાવી  અનેગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો  એટલે  જયપુર અને લખનઉની  ટ્રાફિક  પોલીસે  નાટૂ... નાટૂ શબ્દમાં  જરાક ફેરફાર કરી ટ્રાફિક રૂલ્સનો ભંગ ન થાય એ માટે લોકોમાં  જાગૃતિ લાવવા સંદેશ વહેતો કર્યો છે. જયપુર  પોલીસે સંદેશ આપ્યો છે, જેમ કે 'નો-ટુ... ડ્રિન્ક ડ્રાઈવિંગ'. એટલે નશો કરી નો ડ્રાઈવિંગ પ્લીઝ. જ્યારે  લખનઉ પોલીસે ના-તૂં કભી  રેડ સિગ્નલ સ્કીપ કરે, ના-તૂં કભી ટ્રિપલિંગ કરે, ના-તૂં કભી ટ્રાફિક  રૂલ્સ તોડે... ના-તૂં ના-તૂં ના-તૂં... જો કે  બધા જાણે  છે કે  ઘણી વખત ટ્રાફિકના  નિયમનો ભંગ કરતાં કોઈ વાહન ચાલક  પકડાય ત્યારે  ટ્રાફિક  પોલીસવાળા  કડકડતી  ચલણી નોટું લઈને બને ત્યાં સુધી  પતાવટ કરી ેલેતા હોય છે. એટલે  વાહનચાલકોએ ગાઈ શકે, 'નોટું... નોટું... નોટું... કડકડતી નોટું...'

ગોરાઓ મારતા દંડા,

અંગ્રેજોની વંશાવલી સાચવે પંડા

કહેવત છે કે સાપ ગયા ને લીસોટા રહ્યા. અંગ્રેજોએ ભારત પર બસો વર્ષ રાજ કર્યું એ દરમિયાન જે ગોરા હાકેમો આવ્યા એમની વંશાવલી એ પાછા ગયા ત્યારે  ભેગી થોડી જ જાય? તો એ વંશાવલી ક્યાં સચવાઈ હશે એવો  સવાલ થાય. આ સવાલનો જવાબ શોધવા માટે બનારસ કે હરદ્વાર ગંગામૈયાના ઘાટ પર જવું પડે. જાણીને આશ્ચર્ય થાય કે  હરદ્વારમાં કેટલાક અંગ્રેજોના પણ પંડા છે.  પરતંત્ર ભારતમાં  જે અંગ્રેજો  હરદ્વાર આવ્યા હશે એમનાં નામો અને વંશાવલીની વિગતો  આ અંગ્રેજોના પંડાઓની પોથીમાંથી મળે છે. 

વિતેલા કાળની વિગતો અને અગણિત  લોકોની વંશાવલીની જાળવણીનું  બહું મોટું કામ પંડાઓએ કર્યું છે. આઝાદી પછી પ્રવાહ કેવો પલટાયો છે! ભારત પર રાજ કરી ગયેલા  અંગ્રજોની વંશાવલી પંડાઓની પોથીમાં  બંધ છે, જ્યારે ્અંગ્રેજોના દેશમાં  ભારતીય વંશના ઋષિ શૌનક રાજ કરે છે.

ભારતનો એક માત્ર

'વાંસળી'નો જિલ્લો

રાધાનું નામ  તમે વાંસળીના સૂર મહી વહેતું ન મેલો ઘનશ્યામ... મોરલી  વેરણ થઈ રે કાનુડા તારી મોરલી વેરણ થઈ... શ્યામ તેરી બંસી કનૈયા તેરી બંસી  પુકારે રાધા નામ... કાન્હા તુમને  બંસી  જો બજાઈ રે, જમુના પે દૌડી રાધા આયી રે... કૃષ્ણનું એક નામ બંસીધર છે.  વાંસળીમાં સૂર રેલાવીને બંસીધર  કૃષ્ણ સહુને  સંમોહિત  કરે છે. એટલે જ મોરલી વગાડતા  કૃષ્ણ વિશે પરાપૂર્વથી અગણિત લોકગીતો રચાયાં છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે  પણ મુરલીધર કૃષ્ણને યાદ કરી કહ્યું હતું  કે, 'ભગવાન શ્રીકૃષ્ણ પણ યુપીના પિલીભીતમાં  બનેલી  વાંસળી વગાડતા એવું મારું  માનવું  છે.' આ ટકોર સાથે સહુનું  ધ્યાન પીલીભીત તરફ ખેંચાયું. ત્યાં સુધી  ઘણાંને ખબર જ નહીં કે પિલીભીત  શહેર 'બાંસુરી જિલ્લા' તરીકે ઓળખાય છે. સદીઓથી પિલીભીતમાં વાંસમાંથી જાત જાતની વાંસળીઓ બનાવવામાં આવે  છે. મહાન વાંસળીવાદક  પન્નાલાલ ઘોષ, હરિપ્રસાદ  ચૌરસિયા, રોનુ મઝુમદાર સહિત દેશભરના બાંસુરીવાદકો પિલીભીતમાં બનેલી વાંસળીઓમાંથી  સૂરાવલિ રેલાવે  છે. 

બે દાયકા પહેલાં દેશમાં  વાંસળીના કુલ ઉત્પાદનમાંથી  ૯૦ ટકા વાંસળીઓ પિલીભીતમાં  બનતી  હતી. અત્યાર સુધી આસામથી બાંબુ લાવીને  એમાંથી   સુંદર અને સૂરીલી વાંસળીઓ તૈયાર કરવામાં આવતી હતી, જ્યારે  હવે પિલીભીતની આસપાસ બાંબુ  ઉગાડવાની યોજના હાથ  ધરવામાં આવી છે. બરેલી  શહેર 'ઝુમકા ગીરા રે બરેલી કે બાઝારમે' એ ગીતથી દુનિયાભરમાં  મશહૂર  થઈ ગયું અને પછી  ગામના ચોકમાં  લાખોના ખર્ચે  ઝુમકા લટકાવેલો સ્તંભ ઊભો  કરવામાં આવ્યો છે એવી રીતે  પિલીભીતમાં  ભગવાન શ્રીકૃષ્ણના  બે હાથમાં  વાંસળી અને વાંસળી ઉપર મોરપિચ્છ એવી સુંદર અને જંગી કલાકૃતિ  ગામના મુખ્ય ચોકમાં ગોઠવાઈ  છે અને તેને  'બાંસુરી ચોક' નામ અપાયું છે. વાંસળી  ઉત્પાદક પિલીભીતમાં  કોમી સંવાદિતાના સૂર રેલાય  છે. કૃષ્ણની ઓળખ બની ગયેલી વાંસળીઓ મુસ્લિમ કારીગરો બનાવે  છે. થોડા દાયકા પહેલાં પિલીભીતમાં વર્ષે ૬૦ લાખથી વધુ  વાંસળીઓનું ઉત્પાદન થતું, પરંતુ જ્યારથી ચીનમાં બનતી સસ્તી વાંસળીઓ આવવા માંડી છે ત્યારથી અહીં વાંસળીઓનું ઉત્પાદન  ઘટી ગયું  છે એટલે  મોરલી વેરણ થઈ ગીત જરા ફેરવીને ગાવું પડે -

મોરલી વેરણ થઈ રે

ચાઈના તારી મોરલી 

વેરણ થઈ.

પંચ-વાણી

પતિ પાકશાસ્ત્રી

પત્ની ધાકશાસ્ત્રી

Gujarat