Get The App

મળો, શરણાઈની નાની બહેન સુંદરીને...

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
મળો, શરણાઈની નાની બહેન સુંદરીને... 1 - image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ... તેરી શહેનાઈ બોલે  સૂન કે દિલ મેરા ડોલે...  લગ્ન પ્રસંગે અને તહેવારોમાં શરણાઈની સૂરાવલી રેલાતી સાંભળી મન રણઝણી ઊઠે છે. શરણાઈ વાદ્યની વાત છેડાય ત્યારે સહુની જીભે એક નામ અચૂક આવે છે ભારતરત્ન ઉસ્તાદ બિસ્મીલ્લા ખાં સાહેબ. ખાંસાહેબે શરણાઈને ઘર ઘરમાં અને હર દિલમાં જાણીતી કરી દીધી, પરંતુ શરણાઈની નાની બહેનને તમે ઓળખો છો? શરણાઈની નાની બહેન એટલે ફૂંક મારીને વગાડી શકાય એવું સુષિર વાદ્ય, જેનું નામ છે - સુંદરી.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અહેરવાડી ગામના જાધવ પરિવારે અનેક દાયકાઓ પહેલાં સુંદરી વાદ્ય વિકસાવ્યું હતું. શરણાઈની જેમ સુંદરી વાદ્ય પણ મહારાષ્ટ્રમાં મંગળ પ્રસંગોએ વગાડવામાં આવે છે. આજના સમયમાં ભૂલાતા જતા આ કર્ણપ્રિય અને દુર્લભ વાદ્યને જીવંત રાખવાનું બીડું દેશની એકમાત્ર સુંદરીવાદક મહિલા નમ્રતા ગાયકવાડે ઝડપ્યું છે. 

સાગના લાકડામાંથી બનતા આ સાજમાં આઠ છિદ્ર હોય છે. આ છિદ્રમાંથી હવા પસાર થાય એટલે જુદા  જુદા સૂર નીકળે છે. એટલે જ આપણે કહીએ છીએને કે જે કલાકારનું હૈયું વિંધાયેલું હોય છે એ જ અનોખી સુરાવલી રેલાવી શકે છે. આ સુંદરીને જાળવવાનું બીડું પુણેની સુંદરીએ ઝડપ્યું  છે એનાં પરથી કહી શકાય કે-

સુંદરી શરણાઈની નાની બહેન છે,

સુંદરીને ટકાવનારી પુણેની બહેન છે.

નરપિશાચે ટીનેજરને મારીને એનું લોહી પીધું

આપણે વાતવાતમાં એવું બોલતા હોઈએ છીએ કે ફલાણો તો લોહી પી ગયો... પણ ખરેખર કોઈ માણસને લોહીપીતો જોઈને ભલભલા થથરી જાય. મધ્યપ્રદેશના દમોહ ડિસ્ટ્રીકટના સમન્ના ગામે બનેલી આવી જ એક ઘટનામાં આધેડ વયના શખસે ૧૬ વર્ષના ટીનેેજરના માથામાં હથોડો ફટકારી ખોપડી ફાડી નાખી હતી અને ટેસથી લોહી પીવા માંડયો હતો. ચીસાચીસ સાંભળીને ગામ લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે નરપિશાચ ટીનેજરના માથામાંથી વહેતું લોહી ગટગટાવતો હતો અને માંસ કાઢીને ખાતો હતો. 

આ દ્રશ્ય જોઈને ગામ લોકો થથરી ઉઠયા હતા અને એકદમ ડરી ગયા હતા. નરપિશાચે લોકોને નજીક આવતા જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોકોએ તેને ઘેરીને પકડી પોલીસને હવાલે કર્યો હતો. અગાઉ પત્નીની હત્યાના કેસમાં જેલની સજા ભોગવી આવેલા આ નરાધમે મૃતક ટીનેજરના પરિવાર સાથે જૂની અદાવત હોવાથી  અધમ કૃત્ય આચર્યું હતું. બાળવાર્તામાં આવે છે ને કે ખાધું, પીધું ને રાજ કર્યું, પણ આ નરાધમનો લોહિયાળ કાંડ જાણ્યા પછી કહેવું પડે કે માંસ ખાધું, લોહી પીધું અને તા-રાજ કર્યું.

ઘરે ઘરે ટિફિન પહોંચાડી બન્યા સનદી અધિકારી

 જે પડકાર ઝીલે એનું નસીબ ખુલે...  હિમ્મતે મર્દા તો મદદે ખુદા... અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી... આ બધાં ઉત્સાહપ્રેરક સૂત્રોને મહારાષ્ટ્ર્રના બાપુસાહેબ ગાયકવાડે  આકરા સંઘર્ષનો સામનો કરી સાચા ઠેરવ્યા છે. 

અત્યંત ગરીબ પરિવારમાં  બાપુ સાહેબનો જન્મ થયો. નાનપણથી જ પિતા અને માતા કુટુંબનું પેટ ભરવા આકરો પરિશ્રમ કરતાં હતાં. પિતા ચોકીદાર અને માતા ઘરકામ કરતાં અને વાસણ માંજવા જતાં. બાપુસાહેબે આ સંઘર્ષમય જીવનમાંથી પરિવારને બહાર લાવવા માટે મનોમન સંકલ્પ કર્યો કે કંઈક કરી દેખાડવું છે. આપબળે  ભણીને ગ્રેજયુએટ થતા પછી યુપીએસસી (યુનિયનપબ્લિક સર્વિસ કમિશન)ની સૌથી કઠિન પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.  ભણતરનો ખર્ચ કાઢવા માટે દિવસે ઘર ઘરમાં ટિફિન પહોંચાડવા જાય અને રાત્રે વાંચન કરે. લગાતાર મહેનત રંગ લાવી. બાપુસાહેબની સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ પર વરણી થઈ. જોકે હજી સનદી અધિકારી બનાવનું લક્ષ્ય પૂરૃં ન થયું હોવાથી તેમણે આ પદનો અસ્વીકાર કર્યો. આખરે ૨૦૨૫માં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને  સનદી અધિકારી બન્યા ત્યારે પરિવારજનો તેમ જ ગ્રામજનોનવા મુખેથી એક જ વાક્ય સરી પડયું કે સંઘર્ષ વિના સફળતા ન મળે. બાકી તો મોઢામાં સોના-ચાંદીના ચમચા સાથે જન્મ્યા હોય એવા માલેતુજારના પરિવારના નબીરાઓ સૌથી સારી અને સૌથી મોંઘી સ્કૂલ-કોલેજોમાં ભણે છતાં પણ કાંદો કાઢતા નથી. એટલે જ કહેવું પડે-

સાહેબી વચ્ચે કૈંક નબીરા

રહે અમથાં અમથાં ફફળતા,

જ્યારે બીજી બાજું, કોઈ

સંઘર્ષથી મેળવે સફળતા.

કાર જુઓ આકાર જુઓ અને આ-કાર જુઓ

રસ્તા પરથી લેમ્બોર્ગિની જેવી ચમચમતી કાર  સૂસવાટા બોલાવતી પસાર થાય ત્યારે સહુનું ધ્યાન ખેંચાય, પરંતુ અત્યારે તો સહુનું ધ્યાન ઝારખંડના એક ગામની ચળકતા લીલા રંગની લેમ્બોર્ગિનીએ ખેંચ્યું છે. કારણ છે આ ઓરિજિનલ લેમ્બોર્ગિની નથી, પણ મોહમ્મદ આરિફ નામના એક મેકેનિકે જૂની મારૂતિ-૮૦૦ કારમાંથી બનાવેલી દમામદાર દેશી લેમ્બોર્ગિની છે. કારની રેડીમેડ બોડી બેસાડવાને બદલે કારના આ કસબીએ પતરાંની પેનલો કોપીને અને આબેહૂબ આકાર આપીને માત્ર ચાર લાખના ખર્ચે આ દેશી લેમ્બોર્ગિની તૈયાર કરી છે. જોકે એન્જિન મારૂતિ-૮૦૦નું જ રાખ્યું છે. આ જોઈને રાજ કપૂરની ફિલ્મના ગીતની કડી યાદ આવેઃ સરપે લાલ ટોપી રૂસી ફિર ભી 'એન્જિન'  હિન્દુસ્તાની.

ગાંધીજીએ ગાંધી ટોપી બીજાને પહેરાવી

તાતડિયા તડકામાં ટાલકાને તપતું બચાવવા માટે આજકાલ લોકો જાતજાતની હેટ કે કેપ પહેરીને નીકળે છે. પરંતુ આઝાદીની લડત સાથે જેનો ગાઢ સંબંધ રહ્યો છે એવી ગાંધી ટોપી પહેરવાનું ચલણ ઓછું થઈ ગયું છે. ગાંધીજીએ તો ટોપી પહેરી નહોતી છતાં તેનું નામ ગાંધીટોપી કેવી રીતે પડયું હશે? એવો સવાલ થાય.આ વિશે ખાંખાંખોળા કરતા મળેલી જાણકારી મુજબ આઝાદીની લડત વખતે ગાંધીજી રામપુરના પ્રવાસે ગયા હતા ત્યારે એક મહિલાએ જાતે સીવેલી હોડી આકારની ટોપી બાપુને પહેરાવી હતી. બાપુને આ ટોપી બહુ ગમી ગઈ હતી. કારણ, પાઘડીમાં ઘણું બધું કાપડ વપરાતું હતું, જ્યારે ટોપીમાં તો બહુ જ ઓછાં કાપડની જરૂર પડતી હતી. એટલે ગાંધી બાપુના નિર્દેશ હેઠળ ખાદીની સફેદ રંગની ગાંધીટોપીઓ સીવાવા લાગી. ૧૯૨૦-૨૨ના અસહકાર આંદોલન વખતે સ્વયંસેવકો, સ્વાતંત્ર્યસૈનિકો અને આમ જનતામોં ગાંધી ટોપી ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી. ગાંધીવાદી વિચારધારાના સમર્થકો આ ટોપી પહેરવા માંડયા હતા. 

ગાંધી ટોપીની અપાર લોકપ્રિયતાથી ગભરાઈને બ્રિટિશ હુકુમતે ટોપી પર પ્રતિબંર્ધ મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગોરા શાસકો આ ટોપીની લોકપ્રિયતા આટોપી લેવામાં નિષ્ફળ ગયા હતા. બાકી તો આજે ઘણા ગાંધીવાદી વિચારધારાને જ માથેથી ફગાવી દીધી છે ત્યાં ગાંધીટોપીથી ક્યાં માથું ઢાંકવાના? ગાંધીજીનો અહિંસા અને પ્રેમનો સંદેશ દુનિયાએ અપનાવ્યો હોત તો અત્યારની ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ ન સર્જાઈ હોત. બાકી તો ગાંધીટોપીની આ દાસ્તાન પરથી એટલો સબક શીખવાનો કે ખુદ ટોપી પહેરો પણ ગામને ટોપી ન પહેરાવો.

પંચ-વાણી

સવાલઃ બુફેમાં ખાણાંનો જે બગાડ થાય છે જોઈને કયા ક્રિકેટપ્રેમી દેશનું નામ યાદ આવે?

જવાબઃ વેસ્ટ-ઈન-ડિશ.