For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેન્ક ઓફ બેગર્સ .

Updated: Sep 2nd, 2022

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

પાકિસ્તાન આર્થિક રીતે એટલું  પાયમાલ થઈ ગયું છે  કે જ્યારે  વડાપ્રધાન પદે  ઈમરાન ખાન  હતા એમનું નામ જ બદલીને ત્યાંના લોકોએ કટોરા ખાન કરી નાખ્યું હતું.  ઈમરાને  કટોરો  લઈને બીજા દેશો પાસે  મદદ માગવા નીકળવું પડતું  હતું, જ્યારે  ભારતની સ્થિતિ તો  પાકિસ્તાનની સરખામમીએ ઘણી... ઘણી... ઘણી સારી રહી છે.  આર્થિક  સ્થિતિ એટલી  સારી છે કે  હાથ લાંબો કરીને ભીખ માગતા માગણોએ  પણ પહેલવહેલી બેન્ક  શરૂ કરી છે. આ  બેન્ક ઓફ  બેગર્સ બિહારના  મુઝફફરપુરમાં  ભીખારીઓએ  જ મળીને શરૂ કરી છે. માગણો ભીખમાં  મળેલા પૈસા આ બેન્કમાં  જમા કરાવે છે  અને  આ રકમ પર  વ્યાજ પણ મેળવે   છે. આ  બેન્ક સાથે માત્ર ભીખારીઓ જ જોડાયેલા  છે એવું નથી, અત્યંત  ગરીબ લોકો પણ જોડાયેલા છે.  બેન્ક તરફથી લગ્ન,  તબીબી ઈલાજ કે એવી જરૂરિયાત વખતે મેમ્બરોને  લોન પણ આપે છે.  ૧૦૦ રૂપિયાની લોન પર એક રૂપિયા લેખે વ્યાજ વસૂલવામાં  આવે છે.  અત્યારે આ બેન્ક  સાથે ૧૭૫ મેમ્બરો  જોડાયેલા છે. આ  બધા પાંચ  અલગ અલગ  સેલ્ફ-હેલ્પ ગુ્રપમાં  વિભાજિત છે.  દર અઠવાડિયે  મિટિંગ  યોજાય છે, જેમાં  મેમ્બરો  તરફથી પૈસા  જમા કરવામાં આવે છે અને  લોનની જરૂરિયાત હોય એ પોતાના આવેદનપત્રો  રજૂ  કરે છે. મજાની વાત  એ છે કે  વાર્ષિક  આમ સભામાં  મેમ્બરોને  લાભાંશ  પણ આપવામાં  આવે છે. 

મોટી મોટી  બેન્કોમાંથી  કરોડો  રૂપિયાની લોન લઈને પછી  પલાયન  થઈ જતા  અને બેન્કને   ફડચામાં  નાખતા ભાગેડુઓ  કરતાં માગીભીખીને મેળવેલા પૈસા  બેન્કમાં જમા કરાવી  તેને ટકાવી  રાખતા  મેમ્બરો નહીં  સારા?

ઓનલાઈન લગનની લાઈફ-લાઈન

એક મઝેદાર નાટકનું  ટાઈટલ યાદ આવે  છે - 'મારો લાઈન તો તબિયત ફાઈન'. ટૂંકમાં,  સોગીયા રહે સજામાં  અને મોહબ્બત કરે એ  મજામાં. તમે નહીં  માનો, પણ  મુંબઈમાં  તો એક  ગલીનું નામ જ લવ-લેન  છે. કબીરજીએ  એટલે જ કહ્યું  છે ને કે  પ્રેમગલી અતિ સાંકી તો મે દોઉ ન સમાય,  એટલે પ્રેમ ગલી-લવ લેન એટલી  સાંકડી છે કે  એમાં  હું અને તું  બન્ને એકસાથે  પસાર ન થઈ શકીએ.  જો હું અને તું નો ભેદ મીટાવી  એક થઈ જઈએ તો જ પ્રેમ-ગલીમાંથી  કે લવ-લેનમાંથી  પસાર થઈ જવાય. એટલે જ  આજના  જમાનામાં  લવ-મેરેજનું  જ વધુ  ચલણ  છેને?  પ્રેમમાં ન પડે અને  યોગ્ય  પાત્ર મળે  તેની પીંજણમાં  પછી  'વાંઢાજનક' સ્થિતિમાં  લગ્નબ્યુરોની  લાઈનમાં  કે પછી લગ્ન-પરિચય સમારંભોની લાઈનમાં રાહ  જોઈ ઊભા  રહેવાને  બદલે  લવ-લેનના સરનામે  આગળ  વધવામાં ખોટું શું  છે?  એમાં પણ  તાજેતરમાં  મદ્રાસ હાઈ કોર્ટે  ઓનલાઈન મેરેજને  મંજૂરી આપી દીધી. 

તામિલનાડુની  મહિલાએ  ભારતીય વંશના અમેરિકન  નાગરિક સાથે ડિજીટલ  માધ્યમથી  ઓનલાઈન  મેરેજ માટે  મંજૂરી  માગતી અરજી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે મંજૂરી  આપતાં  કહ્યું કે  લગ્ન કરવાં એ મૂળભૂત  માનવાધિકાર છે, એટલે  કોઈ પણ  સ્વરૂપે  લગ્ન થઈ શકે. બોલો! હવે તો  ઔર એક  લાઈન ક્લિયર  થઈ ગઈ. હવે કહી શકાય કે-

ખુલી ગઈ એક નવી

લાઈફ-લાઈન,

તત્કાળ પરણો ઓન-લાઈન

તો તબિયત ફાઈન.

સાબુદાણાની ખીચડીના  પાયામાં પોર્ટુગીઝો

શ્રાવણ મહિનો  એટલે વ્રત, એકટાણાં અને ઉપવાસનો માસ. શ્રદ્ધાળુઓ ઉપવાસ-એકટાણાં કરે ત્યારે ફરાળમાં  સાબુદાણાની ખીચડી, સાબુદાણાની પેટીસ જેવી  અવનવી ફરાળી  વાનગીઓ  આરોગીને  પવિત્ર  માસમાં  પૂજા  અર્ચના કરે છે, પરંતુ  ઘણાંને  કદાચ ખ્યાલ નહીં હોય તે  ફરાળી વાનગીઓમાં  માનવંતુ સ્થાન ધરાવતા  સાબુદાણા એ ભારતીય  મૂળના નથી  પણ  પોર્ટુગીઝોની દેન છે.  

સાબુ સાથે સાબુદાણાનો કોઈ  સંબંધ નથી. સાબુદાણાનું વતન  દક્ષિણ અમેરિકા છે.  કસાવા  નામના કંદમૂળમાંથી  જે દૂધ  કાઢવામાં  આવે છે  તેને ટેપિઓકા   કહે છે.  આ દૂધ  ઘટ્ટ થઈ  જાય એટલે  નાની નાની ગોળી જેવાં દાણા બનાવીને  સૂકવી નાખવામાં  આવે છે અને   આમ તૈયાર  થયા છે સાબુદાણા.   સાબુની  ગોળી જેવા  દેખાવને  લીધે નામ મળ્યું સાબુદાણા. દુનિયામાં  ૧૨મી સદીથી જ  સાબુદાણા  આહારમાં વપરાશની શરૂઆત  થઈ ગઈ હતી, પરંતુ  ભારતમાં  ૧૭મી સદીમાં  પોર્ટુગીઝો સાબુદાણા લાવ્યા.  એવું  થયું કે  પોર્ટુગીઝોએ ભારતમાં  સૌથી  પહેલો પગપેસારો   કેરળમાં કર્યો હતો.  ૧૭મી સદીમાં  કેરળમાં  દુકાળ પડયો.  પાણી વિના ચોખાની ખેતી કરવાનું શક્ય નહોતું.  એટલે ત્રાવણકોરના  રાજા વિશાખમ  થિરૂમલ   રાજવર્માએ ભેજું  ુંદોડાવ્યું  કે ચોખાને  બદલે  પોર્ટુગીઝો  જે ટેપિઓકા કંદમૂળ લાવ્યા છે એ ઉગાડવામાં  બહુ ઓછું  પાણી જોઈએ છે તો પ્રયોગ ખાતર એ ઉગાડવાની  શરૂઆત કરવી જોઈએ. આમ,  કેરળનો  આ પ્રયોગ સફળ થયો અને પછી તો  આખા ભારતમાં  સાબુદાણાનો વપરાશ શરૂ  થઈ ગયો. આપણામાં કંદમૂળ ખાઈને ઉપવાસ એકટાણાંની  પરંપરા  રહી છે.  એટલે જ  ફરાળ તરીકે સાબુદાણાને ચારે તરફથી   આવકાર  મળ્યો.  કેવું આશ્ચર્ય કહેવાય, કેટલાય દાયકાઓથી   ફરાળ  તરીકે ભારતીયો   હોંશે હોંશે  ખાય છે. એ સાબુદાણા અને બટેટાનું  મૂળ વિદેશી છે. ફરાળ ખાય દેશી જેનું મૂળ વિદેશી. એટલે   હાથ બનાવટની  ફરાળી કહેવત સંભળાવી શકાય કે, સાધુનું  કૂળ અને સાબુદાણાનું  મૂળ ન પૂછાય.

હો રંગ (ચાના) રસિયા

હો રંગ રસિયા કંયા રમી આવ્યા રાસ જો... કેવું  હલકદાર  લોકગીત છે!  પરંતુ  અત્યારે તો  રશિયાવાળા  આપણી  ચાના રસિયા  બની ગયા છે.  એટલે આ  લોકગીત જરાક ફેરવીને ગાઈ શકાય કે  હો રંગ રશિયા કયાં પી આવ્યા  ચાહ જો... જોકે યુક્રેન સાથેના યુદ્ધની પ્રર્વતતી તંગદિલીને લીધે  એમ પણ  ગાઈ શકાય હો તંગ રશિયા... આશ્ચર્યની વાત એ છે કે  રસિયાએ  યુક્રેન પર આક્રમણ કર્યું એ પછી  કોઈ અગમ્ય કારણસર  રશિયનોમાં ચા પીવાનું પ્રમાણ  વધ્યું છે. અગાઉના  જમાનામાં તો આપણે ત્યાં અસ્સલ કડક-મીઠી ને મસાલેદાર  ચા  કપમાંથી  રકાબીમાં  ઠાલવી સહુ  સબડકા  બોલાવીને  કે  ચૂસકી લઈને  ટેસથી પીતા. જોકે પછી  રકાબીમાં   ચા પીવાવાળા  દેશી કે  જૂનવાણી ગણાવા લાગ્યા. કપથી કે મગથી ચા પીવાની  ફેશન શરૂ થઈ ગઈ,  પરંતુ રશિયનો આજે  પણ  ચાની રકાબી  મોઢે  માંડીને ચૂસકી  લેતાં લેતાં  મજેથી ચા પીવે  છે. આ જોઈને  ગાવાનું મન થાય-

હો 'તંગ' રશિયા

ક્યા પી  આવ્યા ચાહ જો,

આ રકાબી  માંડી મોઢે

ચૂસકી કાંઈ ભારે લીધી.

ભારતની ફલાઈંગ રાણીઓ

હવા મેં ઉડતા જાયે મેરા લાલ  દુપટ્ટા મલમલ કા  હો....જી. કોઈ યુવતી  પ્રેમમાં  પડે  પછી એવી પાંખો  ફૂટે છે કે મસ્તીના મસ્ત ગગનમાં  ઉડવા માંડે છે, પણ અત્યારે   વાત  કરવાની છે જેનો દુપટ્ટો  હવામાં  ઉડે છે  એ નહીં, પણ આખું પ્લેન હવામાં ઉડાડતી  યુવતીઓની, જે પોતે  હવામાં ઉડે છે એટલું જ  નહીં સાથે તે કેટલાય પ્રવાસીઓને  પણ હેમખેમ  હવામાં ઉડાડે છે. જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકા, જાપાન અને ફ્રાન્સ કરતાં  પણ ભારતમાં મહિલા પાયલટની  ટકાવારી  વધુ છે.  અમેરિકામાં  ૫.૧ ટકા,  જાપાનમાં ૫.૬  ટકા  અને ફ્રાન્સમાં  ૭.૬ ટકા  મહિલા પાયલટ ફરજ  બજાવે છે,  જ્યારે  ભારતમાં  મહિલા પાયલટની સંખ્યા ૧૫ ટકા  છે બોલો!  ભારતમાં  ૧૭,૭૨૬  પાયલટ છે  એમાં મહિલા પાયલટની  સંખ્યા ૨,૭૬૪  છે. સામાન્ય રીતે વધુ ખર્ચ કરતી મહિલાઓ માટે  એવો શબ્દ પ્રયોગ  થાય છે કે  એ બહુ  ઉડાઉ છે પણ ખરેખર  પોતે ઉડતી  અને બીજાને  ઉડાડતી  ઉડાઉ   મહિલા પાયલટની  સંખ્યા  વધી  રહી છે એ દર્શાવે છે કે આભને આંબતી  મહિલાઓની  સાહસવૃત્તિ પુરૂષો કરતા જરા પણ ઓછી નથી. હવાની  સંગ સંગ  ઉડતી આ મહિલા વિમાનીઓની  હિમ્મત અને સાહસની  ભાવના વ્યકત કરતો ક્યાંક  સાંભળેલો  શેર યાદ આવે છે -

હમને જબ ભી પંખ

ખોલે હૈ ઉડાન કે લીયે, 

ચુનૌતી  બન ગયે હંૈ

આસમાન કે લીયે.

પંચ-વાણી

પોલીસ કરે ધરપકડ

પત્ની કરે વર-પકડ

Gujarat