- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
પનીર પકોડા, પાલક પનીર, પનીર સેન્ડવિચ, આલુ પનીર, પનીર ટીકા....ગણ્યા ગણાય નહીં અને ખાતા ખૂટે નહીં એટલાં વ્યંજનોમાં ટેસ્ટી અને પૌષ્ટિક પનીર વપરાય છે. પનીરમાં પ્રોટીન કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. પનીર શબ્દ ફારસીમાંથી આવ્યો છે જેનો અર્થ ચીઝ જેવો પદાર્થ થાય છે. એવું મનાય છે મુગલ કાળમાં મધ્ય એશિયાના પ્રભાવને કારણે પનીરનો ઇસ્તેમાલ ભારતમાં વધ્યો. અમુક પાક નિષ્ણાતોના મતે પોર્ટુગીઝોએ ૧૬મી સદીમાં પહેલી વાર પનીર બનાવ્યું હતું. જો કે આ બધાથી પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિ વખતે પનીર જેવા દૂધમાંથી બનેલા ખાદ્યપદાર્થનો ઉલ્લેખ મળે છે. ભારતમાં પનીરની ખપત દર વર્ષે પ્રતિ- વ્યક્તિ ૨-૩ કિલોની છે. હજારો વર્ષ પુરાણા પનીરને ભવિષ્યમાં જીનોમિક ટ્રેકિંગથી જોડવામાં આવશે. એને કારણે પનીરને આધારે દૂધનો સ્ત્રોત, પશુનું સ્વાસ્થ્ય અને પનીર બનાવવાની પ્રક્રિયાની જાણકારી ક્યુ-આર કોડથી મળશે. એ.આઇ. અને રોબોટ્સ સંચાલીત ડેરી યુનિટમાં કોઇ માનવીય ભૂલની ગુંજાઇશ નહી રહે. ગાય- ભેંસના દૂધનો ઉપયોગ કર્યા વિના લેબ-ગ્રોન પનીર તૈયાર કરાશે જે વિગન પણ ખાઇ શકશે. આમ લેબ-ગ્રોન ડાયમન્ડની જેમ ભવિષ્યમાં લેબ- ગ્રોન પનીર વેંચાવા માંડશે. આના પરથી કહી શકાય કે :
પનીર શોધાયા પછી
કેટકેટલા વહી ગયા નીર
આજે હવે વેંચાશે લેબગ્રોન ડાયમન્ડ જેમ લેબગ્રોન પનીર.
કાનની રક્ષાનું જ્ઞાન
સૂન સાહેબા સૂન પ્યાર કી ધૂન... મૈંને તુઝે ચૂન લિયા, તૂં ભી મુઝે ચૂન... ચૂન.. ચૂન સંગીતના શોખીનો મોબાઇલના ઇયરફોનને કાનમાં ભરાવી હરતાં- ફરતાં, સૂતાં જાગતા, ઘરમાં કે ઓફિસમાં ગીતો સાંભળતા હોય છે. પણ ઇયરફોન કે હેડફોનના અતિ વપરાશથી કાનમાં બહેરાશ આવી જાય છે અને કોઇ કન્યા મોટા અવાજે ચિલ્લાઇને કહે કે સૂન સાહેબા સૂન... ત્યારે સાહેબાને સંભળાતું નથી. એટલે જ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે લોકોને ઇયરફોન અને હેડફોનના અતિરેક સામે લાલબત્તી ધરી છે. કારણ સતત કાનમાં ભૂંગળી નાખીને ગીત- સંગીત સાંભળ્યા કરવાની, ઓનલાઇન ગેમિંગમાં વ્યસ્ત રહેવાથી કે પછી ચેટિંગમાં જ ખોવાયેલા રહેવાથી અનેક સમસ્યા ઉભી થાય છે. કાનમાં બહેરાશ આવે છે, મગજના સંજ્ઞાત્મક વિકાસ ઉપર માઠી અસર થાય છે. હતાશામાં સરી પડાય છે અને માણસ પોતાની રચનાત્મક શક્તિ ખોઇ બેસે છે. એટલે સૌથી પહેલા તો બાળકોના મોબાઇલના વપરાશ પર અંકુશ મૂકવાની, ૫૦ ડેસિબલથી વધુ અવાજવાળા ઓડિયો- વિડિયોથી દૂર રહેવાની અને બને એટલા ધીમા અવાજે ઇયરફોન કે હેડફોનમાં સાંભળવાની સલાહ અપાઇ છે.
કેન્દ્ર તરફથી દરેક રાજ્યોને પણ પત્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે ઇયરફોન અને હેડફોનના વધુ પડતા વપરાશથી થતા નુકસાન બાબત જાગૃતિ ફેલાવવામાં આવે. સરકારની આ ચેતવણી લોકો કાને ધરે તો સારું, નહીંતર બહેરા કાનને અથડાશે તો કોઇ ફાયદો નહીં થાય.
લાઇફ સેવિંગ શર્ટ
ફોરેનની ટોચની કંપનીઓએ એટલા મોંઘા શર્ટ બહાર પાડયા છે કે સામાન્ય માણસની તો બચત એટલે સેવિંગ જ ખર્ચાઇ જાય. પણ આપણાં ઘરઆંગણે એક સામાન્ય શર્ટ ખરા અર્થમાં સેવિંગ નહી પણ લાઇફ- સેવિંગ સાબીત થયું હતું. વડોદરાના નંદેસરી બ્રિજ પરથી એક યુવાન બાઇક પર જતો હતો ત્યારે પાછળથી આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા યુવાન ૨૦ ફૂટ ઉંચા બ્રિજ પરથી નીચે પટકાયો હોત, પણ નસીબ સારા કે તેનું શર્ટ પૂલના એક ખીલ્લામાં અટવાતા તે અધ્ધર પધ્ધર લટકી ગયો હતો. યુવકના હાથમાં એક પાઇપ આવી જતા તેણે મજબૂત રીતે પકડી રાખ્યો હતો. અકસ્માત નજરે જોનારા તરત જ મદદે દોડયા હતા અને ત્રણ- ચાર જણે ભેગા થઇને યુવાનને ઉપર ખેંચી લીધો હતો. આમ શર્ટને લીધે જીવ બચ્યો એટલે લાઇફ સેવિંગ શર્ટ જ કહેવાયને? રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત ફેરવ ીને કહી શકાય કે શર્ટથી લટકે એને પછી કોણ પટકે.
વાંદરાને ભગાડવા સરપંચ રીંછ બન્યા
વાંદરા હૂપ હૂપ કરતા આવ્યા... મણી માસીનું માટલું રે ફોડયું....આવાં બાળગીતો ગાવાની અને સાંભળવાની મજા આવતી. પણ આજે જ્યારે વાંદરા હૂપ હૂપ કરતા આવીને ત્રાસ ફેલાવે છે અને તોફાન મચાવે છે ત્યારે ગામલોકો ત્રાહિમામ પોકારી ઊઠે છે. તેલંગણાના નિર્મલ જિલ્લાના કદમે મંડળના લિંગપુર ગામે પણ છેલ્લા કેટલાય મહિનાઓથી વાંદરાઓના આતંકથી ગામલોકો ગળે આવી ગયા હતા. લાકડીઓ વિંઝી વાંદરાને ભગાડે, પથ્થરો ફેંકે કે પછી પતરાના ડબ્બા પર દાંડી પીટી ગોકારો મચાવે છતાં વાંદરાને કોઇ અસર નહોતી થતી. બંદરોને પકડવા ઠેકઠેકાણે પીંજરા મૂકવામાં આવ્યા છતાં ઝડપાતા નહોતા. ગામલોકોને વાનરોના ત્રાસમાંથી છોડાવવા માટે નવા ચૂંટાયેલા સરપંચ રંજિતકુમારે ગજબનું દીમાગ અજમાવ્યું. સરપંચે રીંછનો કાળો વેશ ધારણ કર્યો અને સાચા રીંછ જેવું મહોરું પહેર્યું. ગામના જે વિસ્તારમાં વાંદરાની ટોળી આવી ચડે એટલે આ મેન મેડ રીંછ રીંછના વેશમાં દોડી જાય. રીંછને જોઇને બાંદરાઓ ઉભી પૂંછડીએ નાસી જાય. થોડા દિવસમાં તો રીંછની એવી ધાક બેસી ગઇ કે વાંદરાઓ આવતાં જ બંધ થઇ ગયા. હવે ગામલોકો સરપંચના આ અનોખા ઉપાયની તારીફ કરતા થાકતા નથી. આ આઇડિયા જોઇને કહેવું પડે કે..
રિંછનો વેશ પહેરાવો નરને
જો ભગાડવા હોય વા- નરને
ગાય, ભેંસ, બકરીઓ સાથે રહેતા ગુફાવાસી
મહારાષ્ટ્રમાં અજન્ટા- ઇલોરા, એલિફન્ટા કે કાર્લા- ભાજાની ગુફાઓ જોવા માટે દેશ વિદેશના પર્યટકો આવતા હોય છે, પરંતુ આ જ મહારાષ્ટ્રમાં અમુક એવી ગુફાઓ છે જેને જોવા માટે કોઇ નથી જતું. આ ગુફાઓ પર્યટકોને નથી આકર્ષતી, પણ પશુપાલક પરિવારોને આકર્ષે છે. અહિલ્યાનગર જિલ્લામાં ફોકસંડીના પહાડી વિસ્તારમાં આવેલી આ ગુફાઓમાં કેયલાંય પરિવારો ગાય, ભેંસ અને બકરીઓ સાથે વર્ષમાં છ મહિના માટે વસવાટ કરે છે. આ પરિવારોના પહાડની તળેટીના ગામડામાં ઘરો તો છે, પણ ચોમાસા દરમિયાન વરસાદમાં પોતાના માલ એટલે કે ઢોરને રાખી શકાય એવી ગમાણો નથી. એટલે જૂનથી નવેમ્બર સુધી આ પરિવારો પોતાના ઢોરઢાખર સાથે પહાડ પર ચડી ગુફામાં ચાલ્યા જાય છે. ગુફામાં જ છ મહિના માટે પશુ માટેની કામચલાઉ ગમાણ બનાવે છે અને પોતે પણ નજીકની ગુફામાં રહેવાની વ્યવસ્થા કરે છે. સવાર પડે એટલે ગાય, ભેંસ, બકરીઓને ચરવા માટે છુટા મૂકી દે છે. સાંજ પડે એટલે બધા ઢોર પોતાની ગુફામાં પાછા ફરે છે. ગાય, ભેંસ અને બકરીનું દૂધ ગામડામાં વેંચીને આ પરિવારો આજીવિકા રળે છે. અનાજ, કરિયાણુ અને મરીમસાલા સહિતનો બધો સામાન એમના કેવ્ઝ- કોઠારમાં હોય છે. રાત્રે લાઇટ વિના ફાનસ અને ન ાના ટમટમિયા સળગાવીને કામ ચલાવે છે. આમ સદીઓ પહેલાંની આ ગુફાઓ પશુપાલકો અને તેમના ઢોરઢાખરને વરસાદ સામે રક્ષણ આપે છે. ગુફાવાસની આ વ્યવસ્થા જોઇને કહેવું પડે કે :
ગુફાઓ જોવા જાય પર્યટકો
ગુફાઓમાં રહેવા જાય
પશુપાલકો.
પંચ- વાણી
તમે જો ખર્ચો નાણું
તો મળે સરખું ખાણું અને
સાંભળવા મળે સારું ગાણું
બાકી તો મફતિયાઓનું
નસીબ કાણું એ કાણું.


