- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ગામનાં નામ બદલાય છે. દાયકાઓથી જે નામ લોકજીભે ચડયા હોય એ બદલીને ઘણીવાર તો બોલતાં જીભની જલેબી થઈ જાય એવાં નામ કરી નાખવામાં આવે છે. પણ રાજસ્થાનમાં હવે નામનાં નામ બદલવાનું અભિયાન શરૂ થયું છે. ગામડાગામમાં બાળકનું નામ ગંજારામ, ધમંડીરામ, ગાંડાલાલ કે પછી લંબાલાલ જેવાં પાડવામાં આવ્યા હોય એ જ બાળક ઉંમરલાયક થાય અને ભણીગણીને શહેરમાં જાય ત્યારે ઘણી વાર આવાં નામને લીધે મજાકનું પાત્ર બની જાય છે. એ વ્યક્તિ ખુદ પોતાના નામથી શરમ અનુભવે છે. એટલે જ રાજસ્થાનના શિક્ષણ વિભાગે નામ બદલવા માટે સાર્થક નામ અભિયાન શરૂ કર્યું છે.
શિક્ષણ વિભાગે ૨૯૫૦ નામોની યાદી તૈયાર કરી છે. બાળકો અને પેરેન્ટસ જૂનાં અને હસવું આવે એવાં નામની જગ્યાએ જેમાંથી અર્થ નીકળતો હોય એવાં સરસ સાર્થક નામની પસંદગી કરી શકશે. આ લિસ્ટ વાલીઓને વંચાવવામાં આવશે કે જેથી તેઓ પોતાનાં દીકરા-દીકરીઓનાં નામોની પસંદગી કરી શકે. સ્કૂલમાં વાલીમંડળ અને શિક્ષકોની મીટિંગમાં તથા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની મીટિંગમાં સાર્થક નામ અભિયાન વિશે જાણકારી આપવામાં આવશે. આને લીધે કોઈ બાળક કે બાળકી પોતાના નામને કારણે હીનભાવના નહીં અનુભવે, બલ્કે નામ બદલવામાં આવતાં ગર્વની લાગણી મહેસૂસ કરશે. આ સાર્થક નામ ઝુંબેશ વિશે જાણીને કહેવું પડે કે-
જૂના નામને જાકારો
નવા નામને આવકારો.
નમકના કણ કણ સાથે મળી ગણ ગણ
કોઈ નમકહલાલ હોય તો કોઈ નમકહરામ હોય. કોઈ અક્કલ વગરની વાત કરે ત્યારે કહેવાય કે તારામાં મીઠું જ નથી. ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે ચપટી નમક ઉપાડી મીઠાનો સત્યાગ્રહ કરીને બ્રિટિશ હકૂમતને કેવી હચમચાવી દીધી હતી! ફિલ્મોની વાત કરીએ તો મીઠાદાર સંવાદ પણ કાને પડે છે, 'સ...સરદાર , મૈંને આપકા નમક ખાયા હૈ...' આમ, મીઠાનો સ્વાદ અને શબ્દ આપણા જીવનમાં વણાઈ ગયા છે.
તાજેતરમાં કેટલાક ભેજાબાજ દોસ્તોને વિચાર આવ્યો કે એક કિલોગ્રામ મીઠામાં કેટલા કણ હોય? એની ગણતરી કરવી જોઈએ. નેકી ઔર પૂછપૂછ? દોસ્તોએ એક કિલો મીઠાનું પેકેટ ટેબલ પર વેરી દીધું. એક જણ વીડિયોગ્રાફી કરવા માંડયો. મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી અને અત્યંત શાંતિથી ચાર દોસ્તો એક એક કણ ગણવા માંડયા. નવ દિવસે ગણતરી પૂરી થઈ અને પછી તેમણે સોશ્યલ મિડિયામાં જાહેર કર્યું કે એક કિલો મીઠામાં લગભગ ૧,૪૨,૧૩,૭૫૩ કણો હોય છે!
શાબ્બાસ! ગણતરી બાજોની મહેનતને દાદ દેવી પડે કે નહીં? એટલું જ કહી શકાય કે-
કામે લગાડી શકાય ક્ષણ ક્ષણ
મીઠાના ગણ્યા કણ કણ
થાક્યા નહીં કરી ગણ ગણ.
'મેરે પિયા ગયે રંગૂન...' ગીતનો સંબંધ યુદ્ધ સાથે?
આજે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના યુગમાં ટપાલ લખવાનું ભૂલાઈ જ ગયું છે અને લેન્ડલાઈન ટેલિફોનનો વપરાશ પણ બહુ જ ઓછો થયો છે. આમ છતાં ૭૭ વર્ષ પહેલાં ફિલ્મમાં આવેલું ટેલિફોનનું કાળજયી ગીત આજે પણ લોકોની જીભ પર રમે છે અને સાંભળનારને ગમે છે. એ ગીતના શબ્દો હતાઃ 'મેરે પિયા ગયે રંગૂન, વહાં સે કિયા હૈ ટેલિફૂન, તુમ્હારી યાદ સતાતી હૈ...'
આ મજેદાર પ્રેમગીતનો અને તેમાં આપવામાં આવેલાં શહેરનો આડકતરો સંબંધ બીજા વિશ્વ યુદ્ધના સમય સાથે હોય એવું માનવામાં ન આવે, પણ આ હકીકત છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જપાની સેના બર્મા (મ્યાંમાર) પહોંચી ગઈ હતી. તેનો સામનો કરવા માટે બ્રિટિશરોએ ભારતીય સૈનિકોને બર્માને મોરચે મોકલ્યા હતા. એ વખતે ભારતીય સૈનિકો પોતાને વતન પત્ની અને પરિવારને પત્ર લખી ખબર આપતા, કારણ એ જમાનામાં ટેલિફોન તો એક લકઝરી ગણાતી. રાજા મહારાજાના મહેલોમાં, ગોરા હાકેમોના બંગલામાં, પોલીસમાં કે સરકારી ઓફિસમાં જ મોટે ભાગે ટેલિફોન રહેતા હતા.
વિશ્વ યુદ્ધ પૂરૃં થયું તેના બે-ત્રણ વર્ષ પછી ભારતને આઝાદી મળી અને ૧૯૪૯માં ફિલ્મ બની 'પતંગા'. આ ફિલ્મમાં ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણએ ટેલિફોન કેવી લકઝરી ગણાતી અને બર્મા મોર્ચે લડવા ગયેલા ભારતીયો પોતાની પત્નીઓને પત્ર લખી કેવી રીતે સંપર્કમાં રહેતા તે દર્શાવતું આ ગીત લખ્યું ને તેમાં 'ટેલિફોન' શબ્દ વણી લીધોઃ 'મેરે પિયા ગયે રંગૂન વહાં સે કિયા હૈ ટેલિફૂન, તુમ્હારી યાદ સતાતી હૈ...'
ફિલ્મની હિરોઈન કેટલો ગર્વ અનુભવે છે કે મારા પિયા ઠેઠ રંગૂન ગયા છે છતાં ત્યાંથી ટેલિફોન કરીને મારા ખબરઅંતર પૂછે છે એ કેટલી મોટી વાત કહેવાય! હવે તો બર્માનું નામ મ્યાંમાર થઈ ગયું છે અને રંગૂનનું નામ યાંગૂન થઈ ગયું છે, છતાંશમશાદ બેગમ અને સી. રામચંદ્રએ ગાયેલા આ સાત દાયકા જૂના ગીતની લોકપ્રિયતા હજુ ટકી રહી છે.
લ્યો બોલો! હવે પગારદાર ચોર
કંપનીના સ્ટાફને પગાર ચૂકવવા માટે લાવવામાં આવેલી રકમ ચોરાઈ જાય કે લૂંટાઈ જાય એવી ઘટનાઓ ઘણી વાર બનતી હોય છે, પરંતુ તાજેતરમાં પગારદાર ચોરોની ટોળીનો પર્દાફાશ થયો છે. નાગપુરમાં રેલવે પ્રોટેકશન ફોર્સ તરફથી તાજેતરમાં ત્રણ ચોરને પકડવામાં આવ્યા. તેમની પૂછપરછને આધારે ચોંકાવનારી જાણકારી મળી હતી કે આ ટોળીનો સૂત્રધાર કાયમ બેરોજગાર અને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા યુવાનોની શોધમાં રહે છે. આવા યુવાનોને શોધીને તેમને ૧૫થી ૨૫ હજાર રૂપિયાનો પગાર નક્કી કરી ટોળીમાં સામેલ કરે છે. પ્રોબેશન પિરીયડમાં સિનિયર ચોરો તરફથી જુનિયરોને કેવી રીત ચોરી કરવી તેની વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવે છે. પછી શરૂઆતમાં નાની નાની ચોરીઓ કરાવવામાં આવે છે. એક વાર ચોરીમાં હાથ બેસી જાય એટલે પછી મોટી મોટી ચોરીના ટાર્ગેટ આપવામાં આવે છે. અમુક ચોરને રેલવે સ્ટેશનો પર, અમુક ચોરટાઓને બસ સ્ટેશન પર જ્યારે અમુક 'નાઈટ વોચમેન' જેવા ચોરોને રાત્રે ઘર કે દુકાનમાં ખાતર પાડવાની કામગીરી સોંપવામાં આવે છે. ગમે એટલી મોટી રકમની ચોરી કરે પણ પગારદાર ચોરોએ પોતાના બાંધેલા પગારથી જ સંતોષ માનવો પડે છે. બિહારના ખગડિયાથી આ ચોર કંપનીનો 'ચેરમેન' સૂત્ર સંચાલન કરતો હોવાની જાણકારી મળી હતી.
આ પગારદાર ચોર મંડળીની વાત જાણીને કહી શકાય કે-
બેકારીની આ કેવી બલિહારી છે,
સારા પગારની ચોરીની નોકરી સારી છે!
મચ્છર ચાલીસા ગાવ, મચ્છર ભ-ગાવ
સચરાચરમાં મચ્છરાચર વ્યાપ્યું હોય ત્યારે કેવો ત્રાસ થાય! રાત્રે વાત કરવા મોઢું ખોલીએ ત્યં મોઢામાં મચ્છર ઘૂસી જાય, મચ્છરદાની વિના સૂવાની હિમ્મત કરીએ તો સવાર સુધીમાં ડંખીલા મચ્છરો શરીર ચારણી કરી નાખે. આવા ખરેખર લોહી પી જતા મચ્છરોથી વાજ આવી ગયેલા કાનપુરના લોકોએ મચ્છરનો ઉપદ્રવ ઓછો કરવામાં નિષ્ફળ ગયેલી મહાપાલિકા સામે મચ્છર ચાલીસા ગાઈને વિરોધ વ્યકત કર્યો હતો. ભૂતપ્રેત અને ભયને ભગાડે હનુમાન ચાલીસા અને મારકણાં મચ્છરોને ભગાડે મચ્છર ચાલીસા.
જરા કલ્પના કરો, રાત્રે કાનમાં મચ્છર ઘૂસી જાય તો કેવી હાલત થાય? એટલે જ બીમારીઓ લઈને ઉડી આવતા મચ્છરોના ત્રાસની વાત પાલિકાના સત્તાવાળાના બહેરા કાન સુધી પહોંચે તે માટે કાનપુરવાસીઓએ મચ્છર ચાલીસાનું જોરશોરથી પઠન કર્યું હતું. જે જે ગામ કે શહેરમાં લોહી તરસ્યા મચ્છરોનો ત્રાસ હોય તેમણે આવી રીતે મચ્છર ચાલીસાનું સામૂહિક પઠન કરીને સત્તાવાળાને જગાડવા જોઈએ.
ખૂન પીવત મચ્છર
સબ જાના,
અબ દવા છીડકને કો
તુમ આના.
પંચ-વાણી
લગ્નમાં હસ્ત-મેળાપ,
છૂટાછેડા ટાણે કોર્ટમાં ત્રસ્ત
મેળાપ.


