લગ્નમંડપમાં વરરાજાએ કર્યો નવવધૂનો ચરણસ્પર્શ
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સંસાર માંડી જેણે સમસ્યા નોતરી હોય એવાં પીડિત પતિદેવોને જોઈ હાથબનાવટની કહેવાત યાદ આવે કે પરણે એ સમસ્યાના શરણે. લગ્નવિધિ વખતે પતિને પગલે ચાલીને નવવધૂ ફેરા ફરે છે. આ દ્રશ્ય સામાન્ય થઈ ગયું છે, પરંતુ આસામના ગુવાહાટીમાં એક લગ્ન-સમારંભમાં અસામાન્ય દ્રશ્ય જોવા મળ્યું હતું. લગ્નવિધિ વખતે વરરાજાએ નવવધૂનો ચરણસ્પર્શ કરી ત્યાં હાજર મહેમાનોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. સ્ત્રી પ્રત્યે આદરની ભાવના વ્યક્ત કરવા વરરાજા નવવધૂને પગે પડયા એ જવલ્લે જ જોવા મળે એવા સીનની મોબાઈલમાં વીડિયો ઉતારવા પડાપડી થઈ હતી. કાલોલદાસ નામના વરરાજાના આ પગલાને સહુએ વધાવી લીધું, એટલું જ નહીં, વીડિયા ક્લિપ પણ વીજળીવેગે વાઈરલ થઈ હતી. કોઈકે હળવાશથી ટકોર પણ કરી કે પત્ની ગળે પડે એ પહેલાં એને પગે પડવું સારૃં.
ગીધ માટે રેસ્ટોરાં
લોકો હરવાફરવા નીકળે ત્યારે હોટેલ કે રેસ્ટોરાંમાં ખાણી પીણી માટે જતા હોય છે. ચાઈનીઝ રેસ્ટોરાં, થાઈ રેસ્ટોરાં અને કોન્ટીનેન્ટલ રેસ્ટોરાં જેવી જાત જાતની અને ભાત ભાતની રેસ્ટોરાં જોવા મળે છે, પરંતુ હવે મધ્યપ્રદેશમાં ગીધો માટે અનોખું વલ્ચર રેસ્ટોરાં ખૂલવાનું છે. ગીધોની ઘટતી જતી આબાદીની ગંભીર નોંધ લઈ વન વિભાગે રીવા જિલ્લાના ક્યોટી વોટરફોલ પાસે કુદરતી સૌંદર્ય અને હરિયાળીથી હર્યાભર્યા વિસ્તારમાં વલ્ચર રેસ્ટોરાં ખોલવા માટેની તૈયારી કરી છે. લાંબા પાયાવાળા ઊંચા ટેબલ જેવા સ્ટેન્ડ પર લેબોરેટરીમાં ટેસ્ટ કરેલું માંસ પીરસવામાં આવશે. આને લીધે ગીધો ફૂડ પોઈઝનીંગથી બચી શકશે. મધ્યપ્રદેશના રીવા ક્ષેત્રમાં હવે દસેક હજાર ગીધ બચ્યા છે. પણ એમની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે. એટલે જ ગીધોના સંવર્ધન માટે વલ્ચર રેસ્ટોરાં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ પહેલાં મહારાષ્ટ્રના ફણસાડ અભયારણ્યમાં આવું વલ્ચર રેસ્ટોરાં ખોલવામાં આવ્યું છે. આ પ્રયોગ જોઈને કહેવું પડે કે-
ગીધડા પણ ઝાપટશે
ચડી ટેબલ પર,
ત્યારે જોવા મળશે
નોનવેજ વલ્ચર કલ્ચર.
સિક્કાનો ઢગલો કરી ખરીદ્યું સ્કૂટર
ઓનલાઈન પેમેન્ટ અને કાર્ડના ઉપયોગના આ જમાનામાં કડકડતી નોટો ગણી ખરીદી કરવાનો ટ્રેન્ડ જ ઓસરતો જાય છે. આવી સ્થિતિમાં સિક્કા અને પરચૂરણનું તો જાણે મહત્ત્વ જ નથી રહ્યું. એક જમાનામાં રાણીછાપ રૂપિયાનું કેટલું મહત્ત્વ હતું? વડીલો જૂના દિવસોની યાદો મમળાવી કહેતા હોય છે કે અગાઉના વખતમાં રૂપિયો ગાડાના પૈડાં જેવો લાગતા. આજે તો ચાર આનાના સિક્કા પાડવાનું ટંકશાળે થોડા વર્ષો પહેલાં બંધ કરી દીધું છે. માગણોને પણ રૂપિયો બે રૂપિયાના સિક્કા આપી તો કતરાય છે. કેટલીય બેન્કોમાં કોથળાં ભરીને પરચૂરણ પડયું રહે છે. મહારાષ્ટ્રના એક નાના ગામની બેન્કમાં પરચૂરણના ઠાંસી ઠાંસીને ભરેલાં કોથળાંનું વજન એટલું વધી ગયું કે મકાનના સ્ટ્રકચર સામે જોખમ ઊભું થતાં ભાર હળવો કરવો પડયો હતો. આ પરિસ્થિતિમાં જયપુરમાં એક યુવક ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે બે મોટા થેલામાં સિક્કા ભરીને ગયો ત્યારે શોરૂમવાળા તાજુબ્બ થઈ ગયા હતા. યુવકે છેલ્લા કેટલાંય વર્ષો દરમ્યાન દસ દસ રૂપિયાના સિક્કા ભેગા કર્યા હતા એ સિક્કાથી એક લાખની રકમ ચૂકવીને જ સ્કૂટર ખરીદવાની ઈચ્છા જાહેર કરી. યુવકની ભાવના સમજીને શોરૂમવાળાએ ચાર-પાંચ કર્મચારીને સિક્કા ગણવા બેસાડયા અને બે-ત્રણ કલાકે સિક્કા ગણાઈ ગયા પછી યુવકને સ્કૂટર સોંપીને રાજી કરી નાખ્યો હતો.
વડીલો અગાઉ કહેતા કે રાણી છાપ રૂપિયો ગાડાના પૈડા જેવડો લાગતો, જ્યારે જયપુરનો યુવક કહેતો હશે કે આજે તો દસ રૂપિયાનો સિક્કો પણ સ્કૂટરના પૈડા જેવડો નાનો થઈ ગયો છે.
દાદી અમ્મા ભણવા બેઠાં... ઘણી ખમ્મા
જન્મદિનની ઉજવણીના કાર્યક્રમોમાં એક ગીત અચૂક કાને પડે છે: તુમ્હે ઔર કયા દું મેં દિલ કે સીવા... તુમકો હમારી ઉંમર લગ જાયે... પરંતુ અત્યારે એક વાઈરલ થયેલી વીડિયોમાં પહેલા ધોરણના વર્ગમાં ટેણિયા મેણિયા વચ્ચે બેસી ભણતા ઘરડાં માજીને જોઈ સહુ મનોમન ગાઈ ઉઠે છે તુમકો હમારી ઉંમર લગ જાયે... કારણ ઉત્તરાખંડના પિથૌરાગઢનાં આ માજી ૬૧ વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં ભણવા બેઠા છે. ચંતરાદેવી નામનાં વૃદ્ધાની ઉંમર સ્કૂલના શિક્ષકોથી મોટી છે, પણ માજી માને છે કે ભણવાની સાચી લગનહોય તેને ઉંમંરનો કોઈ બાધ નથી નડતો. થોડા વખત પહેલાં ચંતરાદેવી પહાડી ગામની નિશાળમાં પોતાનાં પૌત્ર-પૌત્રીઓને મુકવા જતા ત્યારે મનમાં થતું કે સ્કૂલમાં ભણવાની તક મળે તો કેવી મજા આવે! કહેવત છેને મન હોય તો માળવે જવાય. એ ન્યાયે ચંતરાદેવીએ લોકો શું કહેશે અથવા તો કોઈ મશ્કરી કરશે તેની પરવા કર્યા વિના જાતે સ્કૂલમાં એડમિશન લીધું. હવે પોતાનાં પૌત્ર-પૌત્રી અને એમની જેવડાં ટચુકડા સહપાઠીઓ સાથે બેસીને ભણે છે. ધીમે ધીમે વાંચતા લખતા શીખવા માંડયા છે. માજીની ખરેખરી લગન જોઈને સ્કૂલ તરફથી જ તેમને પાઠયપુસ્તક, નોટબુક, પેન્સિલ, બેગ અને ટિફિન આપવામાં આવ્યાં છે.
આજે શહેરોમાં બાળકોને કઈ ઉંમરે સ્કૂલમાં દાખલ કરવું જોઈએ એ વિશે મતમતાંતર જોવા મળે છે, જ્યારે આ ડોસીમાએ તો ૬૧ વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં દાખલ થઈ દાખલો બેસાડી દીધો છે. જૈફ વયે લખતાં-વાંચતાં શીખીને સંસાર-સરિતા પાર કરવાની અદમ્ય ઇચ્છાશક્તિ જોઈને કહેવું પડે કે-
ટેણિયાઓ ભેળા બેસી
માજી ટેસથી દાખલા ગણે,
પઢો ઔર આગે
બઢો સૂત્ર અપનાવી
ડોશી ભણે,
ભલેને ગામ ચણ-ભણે?
લંબુજી લંબુજી
બોલો ટીંગુજી
લંબુજી લંબુજી... બોલો ટીંગુજી... અમિતાભ બચ્ચનની 'કૂલી' ફિલ્મના આ મજેદાર ગીતની યાદ અપાવે એવો ફોટો જોતજોતામાં દુનિયાભરમાં મશહૂર થઈ ગયો અને વીડિયો ક્લિપ વીજળીવેગે વાઈરલ થઈ ગઈ. દુનિયાના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા તુર્કીના સુલતાન કોસેન અને સૌથી ઠીંગણી મહિલા નાગપુરની જ્યોતિ આમગે અમેરિકામાં મળ્યાં એ તસવીર જોઈને લોકો આફરીન પોકારી ઉઠયા. તાડના ત્રીજા ભાઈ જેવા સુલતાનની હાઈટ છે આઠ ફૂટ ત્રણ ઈંચ અને ટચુકડી ટબુડી જેટલી જ્યોતિની હાઈટ છે માત્ર બે ફૂટ સાત ઈંચ એટલે બન્ને સાથે ઊભા ત્યારે ઊંચા પહાડની તળેટીમાં રેતીની નાની ઢગલી કરી હોય એવો ભાસ થાય. સૌથી ઊંચી અને સૌથી ઠીંગણી વ્યક્તિ તરીકે ગિનેસ બુકમાં સ્થાન મેળવનારાં આ બન્ને પહેલી વાર છ વર્ષ પહેલાં ઈજિપ્તમાં મળ્યાં હતાં. ત્યાર પછી ફરી અમેરિકાના કેલિફોર્નિયામાં તાજેતરમાં ભેટો થયો હતો. ત્રીસ વર્ષની જયોતિને જ્યારે આઠ-ફૂટિયા લંબુજીએ ધીરેકથી ઉપાડી અને ખોળામાં બેસાડી એ તસવીર જોઈને ફરી અમિતાભ બચ્ચનની ફિલ્મના ગીતની યાદ આવી ગઈ: જીસકી બીબી છોટી ઉસકા ભી બડા નામ હૈ, ગોદ મેં ઉઠા લો બચ્ચે કા ક્યા કામ હૈ... અમિતાભ બચ્ચન જ્યારે કલ્યાણજી-આણંદજી સાથે વિદેશમાં સ્ટેજ શો કરતા ત્યારે આ ગીતમાં ખરેખર પત્ની જયા બચ્ચનને તેડી લેતા હતા.જયા બચ્ચન જેવી જ એક મહિલાને કોઈએ સવાલ કર્યો કે તમે જીવનસાથી તરીકે ઊંચો પતિ કેમ પસંદ કર્યો? ત્યારે મહિલાએ જવાબ આપ્યો કે પસંદગીનું કારણ એ કે મારો હસબન્ડ કાયમ માથું નમાવીને મારી સાથે વાત કરે અને હું કાયમ ઊંચું માથું રાખી તેની સાથે વાત કરી શકું.
પંચ-વાણી
અવળેથી વાંચો 'વુ-મ-ન'
તો થાય 'ન-મ-વુ'ં
અવળેથી વાંચો 'મે-ન'
તો થાય 'ન-મે'.