પ્રેમલગ્નની સજાઃ નવદંપતીને હળ સાથે જોતરી ખેતર ખેડાવ્યું
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
આજના જમાનામાં પ્રેમલગ્ન એ કાંઈ નવી નવાઈની વાત નથી રહી, આમ છતાં ઓડિશાના રાયગડા જિલ્લામાં સામાજિક ધારાધોરણની વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારા નવદંપતીને હળ સાથે જોતરીને ખેતર ખેડાવવામાં આવ્યું હતું.
એવું બન્યું કે એક જ ગામના યુવક અને યુવતી પ્રેમમાં પડયાં હતાં અને પરણી ગયાં હતાં. હવે વરરાજા કન્યાની કાકીનો દીકરો થતો હોવાથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નવદંપતીને ખેતર ખેડવાની સજા કરવામાં આવ્યા પછી તેમને ગામના મંદિરમાં લઈ જઈને શુદ્ધિકરણની વિધિ કરવામાં આવી હતી. થોડા સમય પહેલાં આ જ વિસ્તારની એક મહિલાએ બીજી જ્ઞાતિના પુરૂષ સાથે લગ્ન કરતાં, સજારૂપે તેમનું મુંડન કરવામાં આવ્યું હતું અને પછી શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી.
લ્યો બોલો, પ્રેમ કરવો એ ગુનો છે? કહ્યું છે ને કે-
સબસે ઊંચી પ્રેમ સગાઈ
પર કુછ દરિંદોને વાટ લગાઈ.
ગૌશાળાની અંદર જેલ
જેલનું નામ કાને પડતાંની સાથે જ ઊંચી દીવાલો, લોખંડી દરવાજા અને કોટડીઓમાં બંધ યુનિફોર્મ પહેરેલા કેદીઓ નજર સામે તરવરે, પણ રાજસ્થાનમાં હનુમાનગઢના ડિબ્બી ગામમાં ગૌશાળામાં જેલ જોવા મળે છે. હનુમાનગઢ, બિકાનેર અને અજમેર જિલ્લામાં ૫૦થી વધુ ઓપન જેલ છે જેમાં ઊંચી દીવાલો નથી, કાંટાળા તાર નથી કે ડરામણા તોતિંગ દરવાજા નથી. આ ઓપન જેલોમાંની એક જેલ ટિબ્બી ગામે ગૌશાળાની અંદર ચલાવવામાં આવે છે. કેદીઓ ગૌશાળામાં ગાયમાતાની સેવાને લગતું કામ કરે છે, ઘાસ કાપીને લાવે છે અને સ્વચ્છતા જાળવે છે. બદલામાં રોજ અઢીસો રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. અન્ય ઓપન જેલમં ઘણા કેદીઓ પોતાના ફેમિલી સાથે રહે છે, મોબાઈલ વાપરે છે, મહેનત-મજૂરી કરે છે અને મજાથી સજા કાપે છે. કેદીઓ ઉપર ત્રાસ ગુજારવામાં આવે તો એ રીઢા બની જાય છે, હિંસક બની જાય છે અને મારપીટ પણ કરી બેસે છે, જ્યારે ઓપન જેલમાં એમની પર કોઈ ત્રાસ ગુજારાતો નથી. અહીં સજાને બદલે સુધારણાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. તેમને ખેતીવાડી સહિત વિવિધ હુન્નરની તાલીમ આપવામાં આવે છે. આમ, ખુલ્લી જેલને લીધે કેદીઓનું નસીબ ખુલી ગયું છે. આ જોઈને કેદીઓ પણ મનોમન કહેતા હશે-
કિસ્મત કા ખેલ દેખો
રાજસ્થાન કી ખુલ્લી જેલ દેખો.
૫૦ હજાર રાજસ્થાનીઓએ એકતા દર્શાવવા આરોગ્યું ખાણું
રંગીલા રાજસ્થાનના દાલ-બાટી-ચુરમાના ખાણાનો ટેસ્ટ આજે દેશ-વિદેશના સ્વાદ શોખીનોની દાઢે વળગ્યો છે, પરંતુ આ દાળ-બાટી-ચુરમાનો સ્વાદ માણવા માટે પાંચ-પચ્ચીસ નહીં ૫૦ હજાર લોકો ભેગા મળે એ જોઈને દેશ-દેશાવરના લોકોની આંખો ચાર થઈ ગઈ હતી. રાજસ્થાનના ગુલાબી શહેર જયપુરમાં જયોણાર પરંપરાની ઉજવણી વખતે ૫૦ હજાર જયપુરવાસીઓએ સાથે મળીને દાલ-બાટી અને ચુરમાનું ભોજન કર્યું હતું.અગાઉના જમાનામાં રાજા-મહારાજા યુદ્ધમાં જીત મેળવી પાછા ફરે ત્યારે જીતની ખુશાલીમાં આખા ગામને ધુમાડાબંધ જમાડતા. આ સમૂહભોજનની પ્રથા જ્યોણાર તરીકે જાણીતી થઈ, પણ પછી તો રાજા-રજવાડા વિલુપ્ત થઈ ગયા તેની સાથે જ્યૌણારની ઉજવણી પણ બંધ થઈ ગઈ હતી. જયપુરના વેપારી સમાજે અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ નક્કી કર્યું કે સામાજિક એકતા અને રાજસ્થાનની સંસ્કૃતિના પ્રતીક તરીકે જ્યૌણાર પ્રથા ફરી શરૂ કરવી જોઈએ. આમ, જયપુરમાં જુલાઈના બીજા અઠવાડિયામાં ધામધૂમથી જ્યૌણારની ઉજવણી થઈ હતી, જેમાં ૫૦ હજાર જયપુરવાસીઓએ ટેસથી સામૂહિક ભોજન લીધું હતું. ૧૧૦ વર્ષ પછી આયોજિત જ્યૌણાર માટે ૧૭ હજાર કિલોગ્રામ ખાદ્યસામગ્રીમાંથી દાલ-બાટી અને ચુરમાનું ખાણું બનાવવામાં આવ્યું હતું.
આપણામાં કહેવત છે ને કે અન્ન એક એનાં મન એક. આના પરથી જોડકણું કહી શકાય કે-
સાથે મળી આરોગ્યું દાલ-બાટી-
ચુરમાનું ખાણું
હવે સહુ ગાશે એકતાનું ગાણું.
ઉંદર અને હાથી શરાબનું સેવન કરે શાથી?
ઉંદર શરાબના ઘૂંટ મારે તો સિંહને પડકારે. ઉંદર દરમાંથી નીકળી જો ઉ-દરમાં પધરાવે દારૂ તો પછી નશામાં ચકચૂર હાલતમાં ભૂલી જાય કે શું માઠું ને શું સારૃં. ઝારખંડમાં હમણાં આવું જ થયું. ધનબાદમાં સરકારી દારૂની દુકાનમાંથી 'ઢીંચણીયા' ઉંદરોની ગેન્ગ ૮૦૦ બોટલ વિદેશી દારૂ ગટગટાવી ગઈ હતી. શરાબની બોટલોના ઢાંકણાં અણીદાર દાંતોથી ચાવી ગયા બાદ મૂષક સેના દારૂ ઢીંચી ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઝારખંડમાં નવી શરાબનીતિ લાગુ કરવામાં આવે એ પહેલાં સરકારી ગોદામો અને દુકાનોમાં સ્ટોક ચેક કરવામાં આવતો હતો ત્યારે આ પીયક્કડ ચૂહા ગેન્ગના કારસ્તાનની જાણ થઈ હતી. જોકે દર દારૂ પી ગયા કે પછી ઊંદરને નામે બીજા ગટગટાવી ગયા એ ખબર નથી.
ઉંદર શરાબના નશામાં ચકચૂર થાય ત્યારે સિંહને પણ પડકારે, ત્યારે કલ્પના કરો કે કદાવાર હાથી દારૂ ઢીંચીને એકદમ તર્રાટ થાય ત્યારે કેવો ઉઘમ મચાવે? આસામમાં આવી ઘટના અવારનવાર બનતી હોય છે. ખેતરોમાં દેશી દારૂ ગાળ્યા બાદ પીપડામાં ભરીને રાખવામાં આવ્યો હોય ત્યારે તેની ગંધ આવી જતાં હાથીઓનું ઝૂંડ આવી ચડે છે અને પછી સૂંઢે સૂંઢે દેશી દારૂનું સેવન કરીને એવી તો ધમાલ મચાવે છે કે બધું ખેદાનમેદાન કરી નાંખે છે. હાથીઓના ઉપદ્રવને ખાળવા માટે વનવિભાગે ખેતરોમાં દારૂના ડ્રમ ન મૂકવાની તાકીદ કરે છે.
માણસ હોય કે પછી પ્રાણી. નશો ચડે ત્યારે બધું ભૂલી જાય છે. એટલે જ કહેવું પડે કેઃ
માનવ હોય કે પશુ-પ્રાણી
જ્યારે પેટમાં જાય દારૂ,
ત્યારે ભૂલી જાય
શું તારૃં અને શું મારૃં.
છૈયાં... છૈયાં ટ્રેનની સવાસો વર્ષની સફર
'ચલ છૈયાં છૈયાં...' ગીત કાને પડતાંની સાથે જ ટચુકડી રમકડા ગાડીની છત પર મન મૂકીને નાચતા શાહરૂખ ખાન અને મદમસ્તદ મલાઈકા નજર સામે તરવરવા લાગે છે. ૧૯૯૮માં આવેલી 'દિલ સે' ફિલ્મના આ મજેદાર અને હલકદાર ગીતનું શૂટિંગ જે મિની-ટ્રેનની છત પર થયું હતું એ નીલગિરી માઉન્ટન ટ્રેને લગભગ સવાસો વર્ષની સફર પૂરી કરી છે. યુનેસ્કો તરફથી ૨૦ વર્ષ પહેલાં જ આ હિલ-ટ્રેનને વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. આ ટ્રેનને ઊટી ટોય ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. નીલગિરીના પહાડી વિસ્તારમાં હરિયાળા જંગલ વચ્ચેથી પસાર થતી આ હિલ ટ્રેન મેટ્ટપાલયમથી ઉટી વચ્ચે દોડે છે. ૪૬ કિલોમીટરનો રુટ ધરાવતી આ ટ્રેન ટુરિસ્ટો માટે આકર્ષણરૂપ બની ગઈ છે. રેલવે બોર્ડે ખોટમાં ચાલતા રેલવે રૂટ બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે ૬૦ના દાયકાના અંતમાં આ હિલ-ટ્રેનપણ બંધ થવાની અણી ઉપર હતી. આની સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો અને મામલો સંસદમાં ગાજ્યો હતો. આખરે આ હિલ ટ્રેન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવતા આજે વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થયાને પણ ૨૦ વર્ષના ંવહાણા થઈ ગયા છે.
આ હિલ ટ્રેનમાં સૌ પ્રથમ તમિલ ફિલ્મ 'મુંદ્રામ પિરઈ'નું ૧૯૮૨માં શૂટિંગ થયું હતું. કમલ હાસન અને શ્રીદેવીની આ ફિલ્મમાં પહેલીવાર નીલગિરી માઉન્ટન ટ્રેને દેખા દીધી હતી. જો કે દેશ-વિદેશમાં આ ટ્રેન જાણીતી થઈ 'દિલ સે' ફિલ્મમાં 'ચલ છૈંયા છૈંયા...' પછી એટલે જ હિલ-ટ્રેનની શાનમાં ગાઈ શકાય કે, 'દિલ-સે રે... હિલ સે રે...'
પંચ-વાણી
લાઈટથી બહાર અજવાળું થાય,
ડિલાઈટથી અંદર અજવાળું થાય.