Mera Bharat Mahan

માતાએ ફર્શ સાફ કરી એ કોલેજમાં બેટીએ ડોકટરેટની પદવી મેળવી

By GS Team
30 Oct 20265 mins read
TukuTouch Logo
ઝારખંડના રાંચીમાં એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. સફાઈ કર્મચારી રાનૂદેવીની પુત્રી આરતીકુમારીએ બીઆઈટી મેસરા એન્જિનિયરિંગ કોલેજમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી છે. માતાએ 26 વર્ષ સુધી જે સંસ્થામાં ઝાડૂ-પોતા કર્યા, ત્યાં જ દીકરીએ ઉચ્ચ શિક્ષણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. માતાના સંઘર્ષ અને દીકરીની લગનથી આ સિદ્ધિ હાંસલ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માતાએ ફર્શ સાફ કરી એ કોલેજમાં બેટીએ ડોકટરેટની પદવી મેળવી
  • મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જે શિક્ષણ સંસ્થામાં માતાએ ૨૬ વર્ષ સુધી ઝાડૂ-પોતા કર્યા એ જ સંસ્થામાં ભણીને દીકરીએ પીએચ.ડી. (ડોકટરેટ)ની પદવી હાંસલ કરી. આ પ્રેરણાદાયક કહાણી છે ઝારખંડના રાંચી શહેરમાં રહેતી સફાઈ કર્મચારી રાનૂદેવી અને તેની તેજસ્વી પુત્રી આરતીકુમારીની. રાનૂદેવીના પતિનું નિધન થયા બાદ ત્રણ બાળકોના ઊછેરની અને ઘર ચલાવવાની જવાબદારી રાનૂદેવીના માથે આવી પડી. એક તો અત્યંત ગરીબ સ્થિતિ અને બાળકોના ઉછેરની જવાબદારી માથે આવી પડયા છતાં રાનૂદેવી હિંમત ન હારી. તેણે ઘરના બે છેડા ભેગા કરવા માટે રાંચીની પ્રતિષ્ઠિત બીઆઈટી મેસરા એન્જિનિયરિંગ કોલેજમાં ઝાડૂ-પોતા કરવાની નોકરી સ્વીકારી લીધી. આખો દિવસ સફાઈ કર્મચારી તરીકે કોલેજની ફર્શ પર ઝાડૂ-પોતા કરીને કમરતોડ મહેનત કરે. જે નજીવો પગાર મળે એમાંથી ઘરનું ગાડું ગબડાવે અને બાળકોને ભણાવે. માતાના આ સંઘર્ષને જોઈને મોટી થયેલી દીકરી આરતીકુમારીએ મનોમન ગાંઠ વાળી કે ખૂબ ભણીને તે માતાનું નામ રોશન કરશે. સ્કૂલનું ભણતર પૂરૃં કરીને આરતીએ બીઆઈટી મેસરા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું. કડી મહેનત, લગન અને સ્કોલરશીપની મદદથી તેણે બી.ટેક. અને પછી એમ.ટેકની ડિગ્રી મેળવી. ત્યારબાદ ઈજનેરી વિષયમાં પીએચ.ડી. (ડોકટરેટ)ની પદવી મેળવી. આમ જે સંસ્થાનની ફર્શ ચમકાવવા માટે માતાએ ૨૬ વર્ષ સુધી મહેનત કરી એ જ ફર્શ ઉપર ડગ માંડતી માંડતી દીકરી દિક્ષાંત સમારોહમાં ડોકટરેટની પદવી હાંસલ કરવા મંચ પર પહોંચી ત્યારે તાળીઓના ગડગડાટથી સહુએ તેને વધાવી લીધી હતી. માતાની મહેનત અને દીકરીની નિષ્ઠા કેવો રંગ લાવી?
મહારાષ્ટ્રમાં ગણિત નગરી રચવાની જાહેરાત હવામાં
ભારતે દુનિયાને શૂન્યની ભેટ આપી એવો ગર્વભેર ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કર્યો હતો. પરંતુ શૂન્યની શોધ પછી ગણિતના અભ્યાસને આગળ વધારનારા મહાન અને મેઘાવી ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યની જન્મભૂમિ અને કર્મભૂમિના વિકાસ આજ પણ શૂન્ય જ રહ્યો છે. મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના સાત માળાના ડુંગરાળ વિસ્તારની ગોદમાં વસેલા પાટણા નામના ગામડામાં બારમી સદીમાં ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે ગણિત શાસ્ત્રનું ગહન અધ્યયન કર્યું હતું. આ જગ્યાએ પાટણાદેવીનું પુરાતન મંદિર આવેલું છે. મંદિર પાસેના શીલાલેખમાં ભાસ્કરાચાર્ય અને તેમના વંશજોનો ઉલ્લેખ મળે છે. ૧૮૬૧માં ઈતિહાસ કાર ભાઉદાજી લાડે પાટણાદેવી મંદિરની મુલાકાત લીધી ત્યારે તેમણે આ શીલાલેખ શોધી કાઢ્યો હતો. સંપૂર્ણ દેશ જે ગણિતશાસ્ત્રી પર ગર્વ કરી શકે એવાં આ સ્થળે ગણિતનગરી વિકસાવવાની ૨૦૧૫માં મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી. બસ પછી રાત ગઈ બાત ગઈ એ ન્યાયે એ જાહેરાત હવામાં જ ઓગળી ગઈ. એટલે મનમાં સવાલ થાય કે ગણિતશાસ્ત્રીની આ ભૂમિનો ખરેખર ગણિતનગરી તરીકે વિકાસ થાય એ માટે હજી કેટલા દિવસ, મહિના કે વર્ષો લાગશે?
શૂર્પણખાએ જ્યાં નાક કપાવ્યું એ મહારાષ્ટ્રમાં જ તેનું દહન
પ્રભુ રામજી, સીતા માતા અને લક્ષ્મણજી વનવાસ દરમ્યાન પંચવટીમાં રહેતા હતા એ વખતે લક્ષ્મણજીએ રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપ્યું હતું. એ રામાયણનો પ્રસંગ સહુને ખબર છે. એ પંચવટીમાં શૂર્પણખાનું નાક એટલે નાસિકા કાપી એ સ્થળે વસેલા ગામને નામ અપાયું નાસિક એવું મનાય છે. આ નાસિક શહેરથી મોટર રસ્તે સાડાત્રણ- ચાર કલાકને રસ્તે આવેલા છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં દશેરા પર્વમાં શૂર્પણખાને ફરી યાદ કરવામાં આવી. કારણ વિજયા દશમીના તહેવારમાં આખા ભારતમાં રાવણના પૂતળાને બાળવામાં આવ્યા જ્યારે છત્રપતી સંભાજી નગરમાં રાવણની બહેન શૂર્પણખાના પૂતળાનું દહન કરવામાં આવ્યું. પત્નીઓના સતત ત્રાસથી જેનાં નાકે દમ આવી ગયો છે એવાં પતિદેવોએ રચેલા પત્ની પીડિત પુરૂષ આશ્રમના સભ્યોએ બાઝકણી અને વઢકણી વહુઓના પ્રતિક સમાન શૂર્પણખાના પૂતળાનું દહન કર્યું હતું. આ સંગઠનના પ્રમુખ ભારત ફુલારેએ કહ્યું હતુંકે પુરૂષોના અધિકારોની હિફાઝત માટે પુરૂષ પંચ રચાવું જોઈએ. જેથી ઘરેલુ હિંસાના જૂઠા આરોપોથી પુરૂષો બચી શકે અને ન્યાય મેળવી શકે. દેશમાં મહિલા પંચ હોય તો ભાંગી પડેલા ભાયડાઓનું ભઈલા પંચ કેમ ન હોઈ શકે? પત્ની પીડિત પુરૂષોની માગણી સરકાર સુધી પહોંચાડવા માટે શૂર્પણખાનું પૂતળું બાળવામાં આવ્યું હતું. જોકે નકટી શૂર્પણખાને શું ફેર પડે છે? ભલે કોઈ પાળે કે કોઈ બાળે…
ગામ નામ સત્ય હૈ: રામની જેમ રાવણના નામના પણ ગામ
પ્રભુ રામની ધરતી પર ભગવાન રામના નામના ગામ તો હોય જ ને?આજે હિંદુસ્તાનમાં ભગવાન રામના નામ પર ૩૬૨૬ ગામો છે આમાં સૌથી વધુ ૧૦૨૬ ગામો એકલા ઉત્તર પ્રદેશમાં છે. ગામનું નામ લેેતાની સાથે જ મુુખમાં રામનું નામ આવે બોલો! પણ સહુને જાણીને નવાઈ લાગશે કે જુદા જુદા રાજ્યોમાં રાવણના નામના ૩૪ ગામો અસ્તિત્ત્વમાં છે. આમાં રાજસ્થાન સૌથી મોખરે છે. રાજસ્થાનમાં રાવણના નામ સાથે જોડાયલા ૧૦ ગામ છે. જેમાં રાવણ ગુરારી, કરિયા રાવણ, ઈસ રવાસ રાવણ, બરબરી રાવણ, બગરૂ રાવણ અને દેઓલી રાવણનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યોમાં છત્તીસગઢમાં સાત અને ઉત્તર પ્રદેશમાં ૬ ગામોના નામ રાવણ સાથે જોડાયેલા છે. છત્તીસગઢમાં ભેજરી રાવણ, રાવણ ખોદ્રા, રાવણ રાવડ અને સાવન રાવણ છે. ઉત્તર પ્રદેશમાં ખીરી રાવણ. રાવણ -બરગાંવ, રાવણ-બુજુર્ગ, કંદ રાવણ, બહુ રાવણ અને રાવણ ખુર્દ-બીબીપુરનો સમાવેશ થાય છે. રામાયણ બુરાઈ પર અચ્છાઈની અસત્ય પર સત્યની આસુરી ઉપર દૈવી શક્તિના વિજયની કથા વર્ણવે છે. આમ તો માનવીના મનમાં પણ રામ-રાવણનું યુદ્ધ ચાલતું જ હોય છે.રાવણવૃત્તિ પર રામ વૃત્તિનો વિજય થાય તો સંસાર નૈયા પાર ઉતરી જાય.
આ રૂડીને રંગીલી રે પીલીભીતની વાંસળી રે લોલ
રાજસ્થાનનું જયપુર પિંક સિટી તરીકે નારંગીના વિપુલ ઉત્પાદનને કારણે નાગપુર ઓરેન્જ સિટી તરીકે, અનેક તળાવોને લીધે ભોપાલ સિટી ઓફ લેક્સ તરીકે ઓળખાય છે. પરંતુ સિટી ઓફ ફલ્યુટ્સ તરીકે કયું શહેર જાણીતું છે એમ કોઈ પૂછે તો શક્ય છે ઝટ જવાબ ન પણ મળે. ભારતમાં સિટી ઓફ ફલ્યુટ્સ તરીકે ઓળખાતું શહેર છે ઉત્તર પ્રદેશનું પીલીભીત. કારણ કે છેલ્લાં લગભગ ૨૦૦ વર્ષથી પીલીભીતના કારીગરો દિવસ-રાત મહેનત કરીને વધુમાં વધુ વાંસળીઓ બનાવે છે. આખા દેશમાં બનતી વાંસળીઓમાંથી ૮૫થી ૯૦ ટકા વાંસળીઓ પીલીભીતમાં બને છે. જોવાનું એ છે કે આ વાંસળીઓનું વધુમાં વેચાણ પણ બંસીધર શ્રીકૃષ્ણના મથુરા, વૃંદાવન અને બ્રજમાં થાય છે. કાનુડો જ્યારે વાંસળી વગાડતો ત્યારે તેની સુરાવલીની મોહિનીથી ખેંચાઈને ગાય-વાછરડા દોડી આવતા. વાંસળીના સૂરે ગોપ-ગોપીઓ ગુલતાન થઈ રાસે રમતા. એટલે જ તો લોકગીતોમાં ગવાય છે: આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ… હિન્દી ફિલ્મોમાં બાંસુરી અને મોરલીના અનેક ગીતો કાને પડે છે: મુરલી બૈરન ભઈ કનૈયા તોરી મુરલી બૈરન ભઈ… કે પછી શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ… આમ ભગવાન શ્રીકૃષ્ણએ લગભગ પાંચેક હજાર વર્ષ પહેલાં વાંસમાંથી બનેલી વાંસળીને આગવી ઓળખ આપી હતી એ વાંસળીનો મધુર સ્વરનો વારસો જાળવવા માટે પીલીભીતના કારીગરો ખૂબ જ ચીવટથી વાંસળી બનાવીને દેશ અને દુનિયામાં મોકલે છે. પીલીભીત શહેરની બાંસુરી નગરીની ઓળખ સાર્થક કરવા માટે થોડા વખત પહેલાં ૧૬ ફૂટ લાંબી વાંસળી બનાવીને વિશ્વ વિક્રમ કરવામાં આવ્યો હતો હવે તો પીલીભીતની વાંસળીની આગવી ઓળખ માટ જી.આઈ. (જ્યોગ્રાફિકલ ઈંડિકેશન) ટેગ પણ આપવામાં આવ્યો છે. સૂરીલી વાંસળીઓ બનાવતી આ બાંસુરી નગરી વિશે જાણીને કહેવું પડે કે:
નામ ભલે હોય જુદા
બાંસુરી, વાંસળી કે બંસરી
એક એકથી ચડે એવી સૂરીલી
વાંસળી બનાવે બંસરી નગરી.
ત્યાં સદાકાળ ગુજરાત.