Get The App

મરણ નોંધની જેમ રાજકીય મરણનોંધ ક્યારે છપાય?

બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી

Updated: Apr 22nd, 2019

GS TEAM

Google News
Google News

પરણ અને મરણ ક્યાં માણસના હાથની વાત છે? પરણીને સંસાર સુખેથી ચાલે તો ઘર સ્વર્ગ બની જાય અને મરણ પછી માણસ સ્વર્ગ-વાસી બની જાય પણ કહે છે ઘણીવાર  રણમાં તાપ સહન કરવો પડેઅને પ-રણમાં સંતાપ સહન કરવો પડે મને નવાઈ લાગે છે કે છાપામાં મરણનોંધ છપાય છે એમ પરણનોંધ છાપી ન શકાય?

મુંબઈના છાપામાં મરણનોંધ વિગતવાર છપાય. આપણાં પથુકાકા મરણનોંધ વાંચવાના  રીતસર બંધાણી બની ગયા છે.  સવારે  છાપું આવે એટલે સૌથી પહેલાં મરણનોંધનું આખેઆખું વાંચી લે પછી જ નહાવા જાય અને કહે પણ ખરાં આટલા બધા મરણના સમાચાર વાંચ્યા પછી  નહાયા વગર કેમ ચાલે?

એક દિવસ સવારે છાપું લઈને ઓટલે બેઠાં બેઠાં  વાંચતા હતા. મેં  નજીક જઈને જોયું તો મરણનોંધના પાનાને બદલે પહેલુંપાનું વાંચવામાં મશગૂલ બની ગયા હતા. મેં  પૂછયું 'કાકા આજે કેમ પહેલું પાનું વાંચો છો?'  કાકાએ માથું ઊંચુ કરીને જવાબ આપ્યો કે 'આજે હું રાજકીય મરણનોંધ વાંચું છું.'

મને નવાઈ લાગી એટલે પૂછ્યું કે રાજકીય  મરણનોંધ ઈ વળી શું છે?' ત્યારે કાકા બોલ્યા જો ચૂંટણી નજીક આવે ત્યારે  અમુકને ટિકિટ અપાય અને મારા જેવાં ઘરડાબુઢ્ઢા હોય એની ટિકિટ કપાય એટલે  ટૂંકમાં  જેની ટિકિટ કપાય એનું રાજ્કીય મરણ જ થયું કહેવાયને? તું છાપામાં વાંચે છે કે નહીં ? ફલાણા પીઢ નેતાને હાંસિયામાં ધકેલી દેવાયા, ઢીંકણા નેતાને ટિકિટ ન અપાઈ, કોઈ વળી આડા હાલ્યા તો એને  એક બાજુ હડસેલી 'સીધા' કરી દેવાયા વગેરે... વગેરે... આ બધાનું  રાજકીય મરણ જ કહેવાયને? એમાં જેમ છૂટાછેડા પછી ભરણ-પોષણઆપવું પડે એમ અમુક વડીલોને એક કોર ખસેડયા પછી રાજ્કીય મરણ થયા પછી કોઈ પદ પર ગોઠવી મરણ-પોષણ આપવાનો પ્રયાસ થાય છે. આ બધી વિગતો રાજકીય મરણનોંધમાંથી વાંચવી પડે સમજાયું?'

રવિવાર એટલે ગાંઠિયાના શોખીન કાકાનું  ઘર કાંઠિયાવાડીને  બદલે 'ગાંઠિયા-વાડી'માં ફેરવાઈ જાય.  પથુકાકા સાત વાગ્યામાં થેલી લઈને  ઉપડે ગાંઠિયા લેવા અને ગરમાગરમ ગાંઠિયા લઈ આવે.

એક દિવસ રવિવારે હું પણ પહોંચી ગયો ગાંઠિયા ખાવા માટે કાકાના ઘેર.  થોડી વાર થઈ ત્યાં તો  કાકા બે કિલો ફાફડાનું  પડીકું લઈને આવી પહોંચ્યા. પડીકાનું અનાવરણ  કરતા પહેંલાં આજકાલના વામણા નેતાઓને નિશાન બનાવી દો-લાઈના ફફડાવતા બોલ્યા કે આજકાલ આવાં બાંઠિયા નેતાના રાફડા ફાટયા છે એટલે જ મારે કહેવું પડે છે કેઃ

રાજકારણમાં 

ફાટે રાફડા બાંઠિયાના

પણ સ્વાદકારણમાં કોઈ

સાની નહીં ફાફડા ગાંઠિયાના.

પડીકું ખુલ્યું અને અમે બધા ટેસથી ગાંઠિયા  અને લીલા પપૈયા- મરચાનો સંભારો ખાવા લાગ્યા. કાકાના એકના એક (હો) બાળાકાકી તો મોઢામાં દાંત નહીંએટલે ગાંઠિયાનો ભૂક્કો કરીને ખાતા જાય. કાકાએ ટોણો માર્યો કે 'આવા ગરમાગરમ ફાફડા ગાંઠિયાનો ભૂક્કો કરીને ખાવાને બદલે સીધેસીધો ચણાનો લોટ ફાકતી  જાને?'કાકી છણકો કરીને તાડૂક્યા 'બેસો છાનામાના, મારે  ખાવો હશેને ત્યારે લોટ ખાઈશ તમનેપૂછીશ નહીં, નોટબંધીની જેમ લોટ-બંધી થોડી જ છે?' કાકા બોલ્યા ' આ તારી કાકીને મેં દાંતના દાક્તર પાસે બે બે ચોકઠાં બનાવી દીધા છે.

એક ચોકઠું ઘરેખાવા માટે  અને બીજું મોંધુ ચોકઠું પ્રસંગે બહાર જાય ત્યારે  પહેરવા માટે. કહેવત છેને હાથીના (કે હાથણીના) ચાવવાના જુદા અને દેખાડવાના જુદા.... બે બે ચોકઠા ઘડાવી આપ્યા તોય મનેવગર દાંતે બોખાં મોંઢે વચકડાં ભરે તું જુએ છેને?'

આવાં ઘરેલું આરોપ- પ્રત્યારોપ વચ્ચે હું તો ગાંઠિયા ઝાપટવામાંપડયો હતો. ત્યાં કોણ જાણે કાકા એક લાંબો ફાપડો ગાંઠિયો હાથમાં લઈ એની સામે ધારી ધારીને જોયા પછી  ધુ્રસકે  ધ્રુસકે રોવામાંડયા . હું અને કાકી ગભરાઈ ગયા.  કાકાને છાના રાખીને મેંપૂછ્યું કે 'આમ અચાનક શું થયું?' કાકા બોલ્યા 'મારા જામખંભાળીયાના જૂના પાડોશી જખુભાઈ ગુજરી ગયા. મને ખબરય ન પડી.'

મેંપૂછ્યુ કાકા, જખુભાઈ ગુજરી ગયા એ  તમને ગાંઠિયા સામે જોઈને કેમ ખબર પડી?' કાકાએ ગાંઠિયો મારી સામે  ધરીને કહ્યું કે ગરમાગરમ તેલમાં  તળેલા ગાંઠિયાનું  છાપામાં   પડીકું બંધાવીને આવ્યોને? એમાં છાપાના કાગળની પ્રીન્ટ ગાંઠિયા ઉપર ઉપસી આવી ઈ છાપાનું પાનું મરણનોંધનું હશે એટલે જે ગાંઠિયા  ઉપરછપાઈ એ જખુભાઈની મરણનોંધ હતી.

એટલે  આ પ્રીન્ટેડ ગાંઠિયા પર જખુભાઈના મરણના સમાચાર વાંચી મને આઘાત લાગ્યો એટલે રોઈ પડયો.' આ સાંભળી (હો) બાળાકાકી  ઘસી આવ્યા અને કાકાના હાથમાંથી ગાંઠિયો ઝૂંટવી ઘા કરતા બોલ્યા કે ઈ જખુભાઈને દેવ થયે  છ મહિના થઈ ગયા, એનું  ભાન છે કે નહીં?  જૂની પસ્તીમાં વિંટીને કંદોઈએ ગાંઠિયા આપ્યા એ વાંચીને અટાણે રોવાનું હોય?'

મરણતોલ જવાબદારી
જીવન શટલ છે અને મૃત્યુ અટલ છે એવું માનતા આપણા પથુકાકા મરણ પ્રસંગને માણવાનું  ચૂકે નહીં. કોઈના લગ્ન પ્રસંગે જવા માટેના એમના ડ્રેસનું ઠેકાણું ન હોય પણ ઓચિંતુ કોઈના મરણ પ્રસંગે  જવું પડે તો કામ આવે માટે ખાદીના  ત્રણ જોડી સફેદ ઝબ્બા-લેંઘા ઈસ્ત્રી ટાઈટ કરાવીને રાખે.

આ તો ઠીક સ્મશાનેથી સીધા જ ઉપડે જુદા જુદા છાપાની ઓફિસોમાં મરણનોંધ  પહોંચાડવા. હજી ગયા અઠવાડિયે એમના નજીકના  સગામાં  મરણ થયું. એમની મરણનોંધ આપવા ગયા ત્યારે શું અનુભવ થયો એ કાકાના શબ્દોમાં  જ વાંચવાની મજા છે.

'કોઈ પણ ચાર સગાને રાખશું, બાકીનાને  અમારી રીતે  કાપી નાખશું.  શું કરવું છે બોલો?'  એક સગાની મરણનોંધ આપવા ગયો ત્યારે ટેબલ પર બેઠેલા મમતા બેનર્જીની ભાષા બોલતા બહેનબાની પાણી-કાપ નહીં પણ વાણી-કાપની કાપાકાપીની વાત સાંભળી હું તો ઘડીભર ધુ્રજી ગયો. મારી દશા તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ.

મરણનોંધ સ્વીકારતા એ બહેનને મેં વિનવણી કરી કે જુઓ બહેન મહાભારતની રણભૂમિમાં  ઉભેલા અર્જુનની કક્ષાએ નથી પહોંચ્યો કે મારે જે હાથે મારા સહાવ્હાલાની  કતલ કરૂં, તમે જ  કાપો મારા સગાના નામ. બહેને  કટારની જેમ કલમ ફેરવી ચાર સગાના નામ કાપી નાખ્યા.પછી જાણે પાપમાં  ભાગીદાર  બનાવવા માગતા હોય એમ મને કહે કે હવે નીચે સહી કરો.

હાશકારોઅનુભવતો બહાર નીકળવા ગયો ત્યાં બહેને મને હાક મારી પાછો બોલાવી ઉલટ તપાસ લેતા હોય એવાં  અવાજે પૂછયું 'લાકડાની  રસીદ ક્યાં?' મેં બહાનું કાઢતા કહ્યું કે  લાકડું  બચાવવા અને જંગલ બચાવવા ઈલેકટ્રિક સ્મશાનમાં  છેલ્લો 'શોક' આપી વડીલને વિદાય કર્યા. બહેને બીજો સવાલ કર્યો તો વીજળીનું  બિલ ક્યાં છે? મેં કહ્યું વગર બિલે  બે નંબરનો  અગ્નિદાહ દીધો પણ માને તો મહિલા શેની? નાછૂટકે મેં થેલો ફંફોસ્યો તોપંદરેક દિવસ પહેલાં કાશ્મીરવાસી (એટલે સ્વર્ગવાસી, સળગ્યું એ પહેલાં કાશ્મીર પણ સ્વર્ગ કહેવાતું ને?) થયેલા દૂરના સગાની લાકડાની રસીદ હાથ આવી.

મેં એ રસીદ દેખાડી જાણે મેં એમની દુકાનમાંથી  ખાપણનો સામાન ખરીદ્યો હોય એવાં સંતોષના સ્મીત સાથે એમણે મને વિદાય કર્યા બસ એ દિવસથી મનોમન ગાંઠ  વાળી કે  કોઈની મરણનોંધની મરણતોલ જવાબદારી ન સ્વીકારવી. લાકડાની રસીદ માગવામાં આવે ત્યારે  કહી દેવું કે દેહદાન કર્યું છે. ગ્રહણ વખતે માગણો રાડો પાડતા નીકળે છેને 'દે દાન છૂટે ગ્રહણ' એમ આપણે પણ કહેવું કે દેહ-દાન એટલે છૂટે ગ્રહણ.

ખબર ન પડે એમ આવે મરણ અને મરણના પહોંચે ખબર
આજેય મને પચાસેક વર્ષ પહેલાંના દિવસો સાંભરે  છેએ વખતે ખોબા જેવડાં ખંભાળિયા ગામમાં ક્યારેક સવારના પહોરમાં ગીગુભાઈ ગોરમા'રાજનો સાદ કાને પડે  'સાંભળજો ભાઈ સાંભળજો, મોટી વંડીવાળા વજુભાઈ પરધામ સીધાવ્યા છે....' આ સાંભળતાની સાથે જ વજુભાઈના સગા-સંબંધીઓ જેમ આગ લાગે અને બંબાવાળા દોડે એમ  ખભેધોતિયું અનેહાથમાં  ગમછો લઈને પહોંચી જાય મોટી વંડીએ.

એ વખતે ગોરમા'રાજ કલાક-બેકલાકમાં  ગામના પાદર સુધી  સમાચાર પહોંચાડી દેતા.  પણ આજે  મુંબઈ જેવાં શહેરમાં  મરણના  સમાચાર પહોંચાડવા ગો'ર મારાજને દોડાવવામાં  આવે તો એમનું  આયખું જ પૂરૂં થઈ જાય. એટલે મરણના  સમાચાર પહોંચાડવાની  પવિત્ર ફરજ છાપાઓ બજાવે છે.

મરણનોંધમાં  લખ્યું હોય છે કે ફલાણા ફલાણા સ્વર્ગવાસી થયા છે. આ વાંચી  મારો પાડોશી એેસ્ટેટ એજન્ટ કાયમ ટીખળ કરે કે આટઆટલા લોકો સ્વર્ગવાસી થાય છે તો સ્વર્ગમાં જગ્યાના ભાવ સોનાના કટકા જેવાં  બોલાતા હશે હો?

જૂના વખતમાં તાર-ટપાલથી મરણના ખબર મોકલવામાં આવતા.  પાંચ પૈસાના પોસ્ટ-કાર્ડ ઉપર કાળી શાહીથી લખ્યું હોય અશુભ.  અથવા શું લખ્યું હોય ખબર છે? કપડાં ઉતારીને વાંચજો. એનો અર્થ એ કે મરણના ખબર વાંચીને નહાવું પડે. હવે નાહીને બેઠા હો ને એ વખતે હાથમાં પોસ્ટકાર્ડ આવે એ વાંચતા પહેલાં કપડાં ઉતારીને, ધોતિયું વિટાવી લેવું.  

 પથુકાકાને જ્યારે આ વાત  યાદ આવી ત્યારે એ બોલ્યા કે  અત્યારે તો  આ રાજકારણીઓ એક બીજા પર જેવાં તેવાં  આક્ષેપોનો એઠવાડ ફેંકે છે એના સમાચાર  આપતા પહેલાં તેની ઉપરકૌસમાં  સૂચના આપવી જોઈએ કે કપડાં  ઊતારીને  વાંચજો.

પાંચ-છ દાયકા પહેલાં જામનગરમાં  તળાવ પાસે એક નાગર ગૃહસ્થ રહે. આ નાગરબંધુ ખૂબ જ સોશિયલ એટલે સારા-માઠા ખબર સાથેની ટપાલ લઈને ટપાલીઓ આપતા જ રહે. હવે  જો દરેક સારા પ્રસંગના સમાચારનો તાર લઈને આવતા ટપાલીને બક્ષીસ આપવા બેસે તો  ટૂંકાપેન્શનમાં પૂરૂં કેમ થાય? એટલે એમણે નુસ્ખો અજમાવ્યો.

કોઈ સગાને ત્યાં  પુત્ર-જન્મના, લગ્નના કે પછી મેટ્રિક પાસ થયાનો તાર  આવે એટલે વાંચીને મોઢું ગંભીર કરી રસોડા તરફ જોઈ નાગરાણીને મોટા અવાજે  સાદ દઈ કહે 'કહું છું સાંભળો છો? જરાગરમ પાણી મૂકજોને... મરણના સમાચાર હશે એટલે નહાવાનું પાણી મૂકવાનું કહે છે એ સમજીને  ટપાલી ચાલ્યો જાય. ટપાલી ડેલી વટાવી  એટલે કાકા અધૂરૂ  વાક્ય પૂરૂં કરે કે અને ગરમ પાણીમાં  જરા ચા-ખાંડ પણ નાંખજોને?

અંત-વાણી

સઃ રાજ્કીય મરણપછી નેતાને કોઈ પદ પર ગોઠવી દેવાય એને શું કહેવાય?

જઃ જીવતાં જગતિયું

Tags :