વડોદરાથી દહેગામ જીઆઇડીસીના ઉબડ-ખાબડ માર્ગથી ગ્રામજનો ત્રસ્ત
- ઠેકઠેકાણે ખાડા પડી જવાના કારણે પાણી ભરાતાં અવર જવર કરતાં વાહનચાલકોને અકસ્માતના ભયે પસાર થવું પડે છે
ગાંધીનગર, તા. 14 જુલાઇ 2020, મંગળવાર
ગાંધીનગર જિલ્લાના વડોદરા ગામનથી દહેગામ જીઆઇડીસી તરફનો માર્ગ તાજેતરમાં થયેલા વરસાદમાં બિસ્માર બની જતાં અવર જવર કરતાં વાહન ચાલકોને અકસ્માતના ભયે પસાર થવું પડી રહ્યું છે. સમગ્ર માર્ગમાં ઠેકઠેકાણે ખાડા પડી જવાના કારણે પાણી ભરાઇ જતાં મુશ્કેલીનો સામનો પણ વાહનચાલકોને કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર અવાર નવાર તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ગુણવતા વગરની હોવાના કારણે ટુંકાગાળામાં માર્ગો બિસ્માર બની જવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે ચોમાસાની મોસમમાં સતત વરસાદ પડતો હોવાથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર મસમોટા ખાડા પડી જતાં હોય છે અને વાહનચાલકોને પણ હેરાન પરેશાન થઇને પસાર થવું પડે છે.
આમ જિલ્લાના વડોદરા ગામથી દહેગામ જીઆઇડીસી તરફ જવાના માર્ગ ઉપર રોજના અસંખ્ય વાહનચાલકો અવર જવર કરે છે. ત્યારે તાજેતરમાં થયેલાં વરસાદમાં આ માર્ગ ઉપર ખાડા થઇ જવાના પગલે વરસાદી પાણી ભરાઇ રહેવાથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરીને પસાર થવું પડે છે. માર્ગ ઉબડ ખાબડ થઇ જવાના પગલે વાહનચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.
આમ આ માર્ગ ઉપર તંત્ર દ્વારા સત્વરે સમારકામની કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પણ માંગ પણ કરવામાં આવી છે.